સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

ધ્વજવંદન, મતદાન અને લોક સેવા

ધ્વજવંદન, મતદાન અને લોક સેવા

ધ્વજવંદન. યહોવાના ભક્તો માને છે કે રાષ્ટ્રગીત ગાતા ગાતા ધ્વજવંદન કરવું કે ઝંડાને સલામી આપવી, ઝંડાની ભક્તિ કરવા બરાબર છે. ઝંડાને સલામી આપીને વ્યક્તિ બતાવે છે કે તેનો ઉદ્ધાર ઈશ્વરના હાથમાં નહિ, પણ કોઈ દેશ કે એના નેતાઓના હાથમાં છે. (યશાયા ૪૩:૧૧; ૧ કરિંથી ૧૦:૧૪; ૧ યોહાન ૫:૨૧) જૂના જમાનામાં બાબેલોન શહેરનો રાજા નબૂખાદનેસ્સાર હતો. તે પ્રજાને પોતાની મહાનતા અને ધાર્મિકતા બતાવવા માગતો હતો. એટલે એ શક્તિશાળી રાજાએ મોટી મૂર્તિ બનાવી. તેણે પ્રજાને હુકમ કર્યો કે રાષ્ટ્રગીતનું સંગીત વગાડવામાં આવે ત્યારે બધાએ મૂર્તિની આગળ નમવું, નહિ તો તેમને મોતની સજા થશે. એ સમયે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો નામના ત્રણ હિબ્રૂ યુવાનોએ અડગ રહીને મૂર્તિને નમવાની ના પાડી.—દાનિયેલ ત્રીજો અધ્યાય.

કાર્લટન હેઈઝ નામના એક ઇતિહાસકારે લખ્યું કે આપણા જમાનામાં ‘ઝંડાની ભક્તિ કરવામાં આવે છે. ઝંડો પસાર થાય ત્યારે પુરુષો માન બતાવવા ટોપી ઉતારી નાખે છે. કવિઓ રાષ્ટ્રધ્વજના ગુણગાન ગાવા કાવ્યો લખે છે અને બાળકો દેશભક્તિનાં ગીતો ગાય છે.’ એ ઇતિહાસકાર એમ પણ કહે છે કે દરેક દેશના ‘મહાત્માઓ અને વીરપુરુષો’ હોય છે. દેશભક્તિને લઈને અમુક રાષ્ટ્રીય દિવસો પણ ઊજવવામાં આવે છે. અરે, એવી જગ્યાઓ પણ હોય છે જ્યાં દેશ અને એના રાષ્ટ્રીય ચિહ્નોની પૂજા થાય છે. બ્રાઝિલ દેશમાં લશ્કરના અધિકારીએ એક જાહેર પ્રસંગમાં કહ્યું કે ‘જેમ જન્મભૂમિની ભક્તિ થાય છે તેમ ઝંડાની પણ ભક્તિ થાય છે.’ એક જ્ઞાનકોશે પહેલાં જણાવ્યું હતું કે “ક્રોસની જેમ ધ્વજ પણ પવિત્ર છે.”—ધી એન્સાઇક્લોપીડિયા અમેરિકાના.

એ જ જ્ઞાનકોશ હાલમાં જણાવે છે કે રાષ્ટ્રગીતોમાં ‘દેશભક્તિની લાગણી રેડાયેલી હોય છે. મોટા ભાગે એમાં પ્રાર્થના કરવામાં આવે છે કે પ્રજા અને દેશ ચલાવનારા નેતાઓનું રક્ષણ થાય અને તેઓને માર્ગદર્શન મળે.’ એટલે યહોવાના ભક્તો માને છે કે ઝંડાને સલામી આપવી અને રાષ્ટ્રગીત ગાવા જેવી વિધિઓ દેશની ભક્તિ કરવા બરાબર છે. અમેરિકામાં યહોવાના ભક્તોનાં બાળકોએ સ્કૂલોમાં ધ્વજવંદન કરવાની અને દેશની વફાદારીના સોગંદ લેવાની ના પાડી. એના વિષે એક પુસ્તકે જણાવ્યું કે ‘એવા ઘણા કેસો હાથ ધર્યા પછી, આખરે સુપ્રિમ કોર્ટે સ્વીકાર્યું કે રોજ પાળવામાં આવતા આવા રિવાજો ખરેખર ધાર્મિક છે.’—ધી અમેરિકન કેરેક્ટર.

બાઇબલની વિરુદ્ધ હોય એવી કોઈ વિધિમાં યહોવાના ભક્તો ભાગ નથી લેતા. પણ જો બીજા લોકો ભાગ લેતા હોય, તો તેઓના હક્કને માન આપે છે. યહોવાના ભક્તો રાષ્ટ્રધ્વજનો પણ આદર કરે છે. તેમ જ, ‘મુખ્ય અધિકારી’ એટલે કે એ દેશની ચૂંટાયેલી સરકારને ‘ઈશ્વરના કારભારી’ ગણીને આધીન રહે છે. (રોમનો ૧૩:૧-૪) યહોવાના ભક્તો “રાજાઓને માટે, તેમ જ સર્વ અધિકારીઓને માટે” પ્રાર્થના કરવાની આજ્ઞા પણ પાળે છે. કારણ, આપણે ‘પૂરા ભક્તિભાવથી તથા શાંતિથી સારું જીવન ગુજારવા’ ચાહીએ છીએ.—૧ તિમોથી ૨:૨.

મતદાન. યહોવાના ભક્તો મત આપવા વિષે બીજા લોકોના હક્કને માન આપે છે. તેઓ ચૂંટણીનો વિરોધ કરતા નથી અને જે સરકાર ચૂંટાઈને આવે એના નિયમો પાળે છે. જોકે, રાજકારણની વાત આવે ત્યારે તેઓ કોઈનો પણ પક્ષ નહિ લેવાનો પાકો નિર્ણય લે છે. (માથ્થી ૨૨:૨૧; ૧ પિતર ૩:૧૬) જે દેશોમાં મતદાન ફરજિયાત હોય અથવા મત ન આપવાથી સખત વિરોધ થતો હોય, ત્યાં યહોવાના ભક્તે શું કરવું જોઈએ? યાદ કરો કે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો દૂરાના મેદાનમાં ગયા હતા, પણ તેઓએ મૂર્તિને નમન કર્યું ન હતું. એ જ રીતે, યહોવાના કોઈ ભક્ત મતદાન કેન્દ્રમાં જાય પણ ખરા, તોપણ તે ધ્યાન રાખશે કે કોઈનો પક્ષ નહિ લેવાના પોતાના નિર્ણયમાં અડગ રહેશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, તેમણે આ છ સિદ્ધાંતો પર વિચાર કરવો જોઈએ:

  1. ઈસુને પગલે ચાલનારા કોઈ પણ રીતે ‘જગતનો ભાગ નથી.’—યોહાન ૧૫:૧૯.

  2. યહોવાના ભક્તો ઈસુ અને તેમના રાજ્યને જ ટેકો આપે છે.—યોહાન ૧૮:૩૬; ૨ કરિંથી ૫:૨૦.

  3. યહોવાનું મંડળ પોતાની માન્યતામાં એક છે. ઈસુએ જેવો પ્રેમ બતાવ્યો, એવા પ્રેમના બંધનથી બંધાયેલા છે.—૧ કરિંથી ૧:૧૦; કલોસી ૩:૧૪.

  4. કોઈ નેતા કે સરકાર જે કંઈ કરે એ માટે એને ચૂંટનારા પણ અમુક હદે જવાબદાર છે.—૧ શમુએલ ૮:૫, ૧૦-૧૮ અને ૧ તિમોથી ૫:૨૨માંના સિદ્ધાંતોને ધ્યાન આપો.

  5. ઇઝરાયલીઓએ કરેલી રાજાની માંગને યહોવાએ રાજા તરીકે પોતાનો નકાર કર્યા બરાબર ગણી.—૧ શમુએલ ૮:૭.

  6. જો આપણે કોઈ રાજકીય પક્ષને ટેકો આપતા હોઈએ, તો બીજાઓને ઈશ્વરના રાજ્ય વિષે છૂટથી જણાવી નહિ શકીએ.—માથ્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; હિબ્રૂ ૧૩:૧૮.

લોક સેવા. અમુક દેશોમાં જે લોકો લશ્કરમાં જોડાતા નથી, તેઓને થોડા સમય માટે લોક સેવાનું કોઈ કામ સોંપવામાં આવે છે. એ કામ વિષે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણે પ્રાર્થના કરવી જોઈએ. કોઈ અનુભવી ભાઈ-બહેન સાથે પણ એના વિષે વાત કરી શકીએ. પછી એ વિષય પર મળેલી માહિતીના આધારે નિર્ણય લઈએ, જેથી આપણું દિલ ન ડંખે.—નીતિવચનો ૨:૧-૫; ૧૧:૧૪.

બાઇબલ જણાવે છે કે “રાજસત્તાને આધીન રહેવું, અધિકારીઓના હુકમો માનવા, અને સર્વ સારાં કામ કરવામાં તત્પર રહેવું.” બાઇબલ સમજી-વિચારીને વર્તવાની પણ સલાહ આપે છે. (તિતસ ૩:૧, ૨) આ ધ્યાનમાં રાખીને હવે વિચાર કરો, ‘જો કોઈ લોક સેવા કરવી પડે તો શું મારે એમાં કોઈ રાજકીય પક્ષને ટેકો આપવો પડશે? એમાં શું મારે કોઈ ધાર્મિક રિવાજમાં ભાગ લેવો પડશે?’ (મીખાહ ૪:૩, ૫; ૨ કરિંથી ૬:૧૬, ૧૭) ‘એ કામ યહોવાની ભક્તિમાં મારા માટે નડતર બનશે? એ કામ મને યહોવાની ભક્તિ કરતા અટકાવશે તો નહિ ને?’ (માથ્થી ૨૮:૧૯, ૨૦; એફેસી ૬:૪; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) અથવા તો ‘શું એ કામ એવું છે, જેનાથી હું યહોવાની ભક્તિમાં વધારે સમય આપીને કદાચ પૂરા સમયની સેવા પણ કરી શકું?’—હિબ્રૂ ૬:૧૧, ૧૨.

અમુક દેશોમાં લોક સેવા ન સ્વીકારો તો જેલની સજા થાય છે. એવા કિસ્સામાં જો કોઈ ભાઈ કે બહેન જેલમાં જવાને બદલે લોક સેવા પસંદ કરે, તો આપણે તેમના નિર્ણયને માન આપવું જોઈએ. (રોમનો ૧૪:૧૦) જો તે એવી કોઈ સેવા પસંદ ન કરે, તોપણ આપણે તેમના નિર્ણયને માન આપવું જોઈએ.—૧ કરિંથી ૧૦:૨૯; ૨ કરિંથી ૧:૨૪.