સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

લોહીના અંશો અને સારવારની રીતો

લોહીના અંશો અને સારવારની રીતો

લોહીના અંશો. લોહી ચાર મુખ્ય ભાગોનું બનેલું હોય છે: રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્સ અને પ્લાઝમા. એ ચાર મુખ્ય ભાગમાંથી નાના નાના અંશો છૂટા પાડીને દવા કે સારવારમાં વાપરવામાં આવે છે. જેમ કે રક્તકણોમાંથી હીમોગ્લોબિન નામનું પ્રોટીન છૂટું પાડવામાં આવે છે. મનુષ્ય કે પ્રાણીઓના હીમોગ્લોબિનમાંથી દવા બનાવવામાં આવે છે. આ દવા એવા દરદીઓને આપવામાં આવે છે, જેઓને પાંડુરોગ (ઍનિમિયા) હોય અથવા કોઈ કારણે ઘણું લોહી વહી ગયું હોય.

પ્લાઝમામાં ૯૦ ટકા પાણી હોય છે. એમાં ઘણા હોર્મોન્સ, ખનિજ ક્ષાર, પાચક રસ, પોષક તત્ત્વો, ખનિજ અને શર્કરા પણ હોય છે. પ્લાઝમામાં લોહી થીજાવતા કે એને વહેતું અટકાવતા તત્ત્વો હોય છે. પ્લાઝમામાં રોગ સામે લડનારા તત્ત્વો અને આલ્બુમિન જેવા પ્રોટીન પણ હોય છે. જો દરદીને કોઈ ખાસ પ્રકારનો રોગ થયો હોય, તો ડૉક્ટર તેને ગામા ગ્લોબ્યુલિનના ઇંજેક્શન લેવાનું કહી શકે. આ દવા એવા લોકોના પ્લાઝમામાંથી બનેલી હોય છે, જેઓમાં પહેલેથી એ બીમારી સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ હોય છે. શ્વેતકણોમાંથી ઇન્ટરફેરોન અને ઇન્ટરલ્યુકીન પ્રોટીન મળી આવે છે. કૅન્સર અને બીજા અમુક વાઇરસના ચેપની સારવારમાં એનો ઉપયોગ થાય છે.

શું યહોવાના ભક્તોએ સારવારમાં લોહીના અંશોમાંથી બનેલી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ? બાઇબલ એ વિષે વધારે માહિતી આપતું નથી. એટલે દરેકે યહોવાના સિદ્ધાંતોને માન આપીને એવો નિર્ણય લેવો જોઈએ, જેનાથી પોતાનું દિલ ન ડંખે. અમુક ભક્તો એવો નિર્ણય લે છે કે સારવારમાં લોહીના અંશોથી બનેલી કોઈ પણ દવા નહિ લે. તેમને લાગે છે કે જૂના જમાનાના ઇઝરાયલને આપેલા નિયમ પ્રમાણે, લોહી એક વાર શરીર બહાર જાય પછી “પાણીની જેમ જમીન પર ઢોળી દેવું” જોઈએ. (પુનર્નિયમ ૧૨:૨૨-૨૪) જ્યારે કે અમુક ભક્તો એવો નિર્ણય લે છે કે લોહીના મુખ્ય ભાગોમાંથી બનતી કોઈ પણ દવા સારવારમાં નહિ લે, પણ કદાચ એના અંશોથી બનેલી દવા સારવારમાં લેશે. તેઓને કદાચ લાગે કે લોહીના ચાર મુખ્ય ભાગોમાંથી અંશો છૂટા પાડ્યા પછી, એ હવે જીવન બરાબર ન કહેવાય.

લોહીના અંશોમાંથી બનેલી દવા સારવારમાં વાપરવી કે નહિ એનો નિર્ણય લેતા પહેલાં, આ સવાલોનો વિચાર કરો: જો હું લોહીના અંશોથી બનેલી કોઈ પણ દવા લેવાની ના પાડું, તો શું એ પણ સ્વીકારું છું કે કોઈ રોગ સામે લડવા કે લોહી વહેતું બંધ કરવા મદદ કરતી દવાઓની પણ ના પાડું છું? શું હું ડૉક્ટરને સમજાવી શકીશ કે લોહીના એક કે વધારે અંશોથી બનેલી દવા શા માટે સારવારમાં લઉં છું અથવા નથી લેતો?

સારવારની રીતો. આમાં હિમોડાઇલ્યુશન અને સેલ-સેલ્વેજ જેવી સારવારની રીતો હોય છે. હિમોડાઇલ્યુશનમાં, ઑપરેશન પહેલાં દરદીનું અમુક લોહી શરીરમાંથી નળી દ્વારા બેગમાં એકઠું કરવામાં આવે છે. એની જગ્યાએ લોહી વગરના વોલ્યૂમ એક્સપેન્ડર પ્રવાહી આપવામાં આવે છે. પછી ઑપરેશન પૂરું થવા આવે ત્યારે દરદીને તેનું લોહી બેગમાંથી પાછું આપવામાં આવે છે. સેલ-સેલ્વેજમાં ઑપરેશન દરમિયાન નીકળતું લોહી મશીનમાં શુદ્ધ કે ફિલ્ટર થઈને દરદીના શરીરમાં પાછું જાય છે. ડૉક્ટરો સારવારમાં આવી રીતો જુદી જુદી રીતે વાપરે છે. એટલે યહોવાના ભક્તે પહેલેથી પોતાના ડૉક્ટરને પૂછી લેવું જોઈએ કે એ રીતનો તે કેવો ઉપયોગ કરશે.

સારવારની આવી કોઈ પણ રીત વિષે નિર્ણય લેતા પહેલાં, આ વિચારો: ‘જો મારું થોડું લોહી શરીરની બહાર નળી દ્વારા વાળી લેવામાં આવે અને કદાચ જરા વાર માટે એ સતત વહેતું બંધ થાય તો શું? મારું દિલ સ્વીકારશે કે એ લોહી હજુ મારો જ ભાગ છે અને એને “જમીન પર ઢોળી દેવું” જરૂરી નથી? (પુનર્નિયમ ૧૨:૨૩, ૨૪) જો કોઈ વાર સારવારમાં જરૂરી બને કે મારું થોડું લોહી કાઢીને એમાં દવા ઉમેરી મને પાછું આપવામાં આવે, તો શું બાઇબલ સિદ્ધાંતોથી ઘડાયેલું મારું અંતર ડંખશે? મારું પોતાનું લોહી વાપરીને આપવામાં આવતી બધી સારવારની ના પાડું તો, શું હું જાણું છું કે હું કોઈ પણ બ્લડ ટેસ્ટ કરાવવાની, હિમોડાયાલિસિસ કરાવવાની અથવા હૃદય-ફેફસાંને બદલે કામ કરતું ‘બાયપાસ મશીન’ વાપરવાની પણ ના પાડું છું?’

યહોવાના દરેક ભક્તે સમજી-વિચારીને પોતે નિર્ણય લેવાની જરૂર છે કે કોઈ પણ સારવાર લેતી વખતે પોતાના લોહીનો કેવો ઉપયોગ થવો જોઈએ. એ જ નિર્ણય એમાં પણ લાગુ પડશે, જ્યારે કોઈ મેડિકલ ટેસ્ટ કરાવવાનો હોય, અથવા કોઈ સારવારમાં દરદીનું થોડું લોહી કાઢીને એને કોઈ રીતે સુધારીને પાછું દરદીને આપવામાં આવતું હોય.