સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૧૪

ઈશ્વરે શા માટે સંગઠન બનાવ્યું છે?

ઈશ્વરે શા માટે સંગઠન બનાવ્યું છે?

૧. ઈશ્વરે શા માટે પ્રાચીન ઈસ્રાએલ પ્રજાને ભેગી કરી?

ઈશ્વરે ઈબ્રાહીમનાં વંશજોને એક પ્રજા તરીકે ભેગા કર્યાં અને તેઓને નીતિનિયમો આપ્યા. એ પ્રજાને તેમણે ‘ઈસ્રાએલ’ નામ આપ્યું. આ પ્રજા ઈશ્વરની શુદ્ધ ભક્તિ કરતી અને તેમની આજ્ઞાનું પાલન કરતી. એમ કરવાનો ફક્ત તેઓને જ લહાવો મળ્યો હતો. (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૯, ૨૦) ઈસ્રાએલ પ્રજા દ્વારા બધા દેશના લોકો આશીર્વાદ મેળવી શકતા હતા.ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮ વાંચો.

ઈશ્વરે તેમના સાક્ષીઓ બનવા માટે ઈસ્રાએલીઓને પસંદ કર્યા હતા. તેઓનો ઇતિહાસ સાબિતી આપે છે કે ઈશ્વરના નિયમો પાળવાથી લોકોને કેવો લાભ થતો હતો. (પુનર્નિયમ ૪:૬) આમ, બીજા લોકો ઈસ્રાએલીઓનું જીવન જોઈને અને તેઓ પાસેથી શીખીને ખરા ઈશ્વરને ઓળખી શકતા.યશાયા ૪૩:૧૦, ૧૨ વાંચો.

૨. સાચા ખ્રિસ્તીઓ કેમ સંગઠિત થયેલા છે?

સમય જતાં, ઈસ્રાએલી પ્રજાએ ઈશ્વરની કૃપા ગુમાવી દીધી. એ પછી, ઈસ્રાએલીઓને બદલે યહોવાએ ખ્રિસ્તી મંડળ પર કૃપા બતાવી. (માથ્થી ૨૧:૪૩; ૨૩:૩૭, ૩૮) આજે એ ઈસ્રાએલીઓની જગ્યાએ સાચા ખ્રિસ્તીઓ યહોવાના સાક્ષીઓ તરીકે ભક્તિ કરે છે.પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪, ૧૭ વાંચો.

ઈસુએ પોતાના શિષ્યોને બધા દેશોમાં પ્રચાર અને શિષ્યો બનાવવાના કાર્ય માટે ભેગા કર્યા. (માથ્થી ૧૦:૭, ૧૧; ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) આ દુષ્ટ જગતના અંત ભાગમાં આજે એ કાર્ય મોટા પાયે થઈ રહ્યું છે. ઇતિહાસમાં પહેલી વાર, યહોવાએ બધા દેશોમાંથી લાખો લોકોને સાચી ભક્તિ માટે એક કર્યા છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦) સાચા ખ્રિસ્તીઓ એકબીજાને ઉત્તેજન આપવા અને મદદ કરવા સંગઠિત થયા છે. દુનિયા ફરતે થતી સભાઓમાં તેઓ બાઇબલના એકસરખા શિક્ષણનો આનંદ માણે છે.હિબ્રૂ ૧૦:૨૪, ૨૫ વાંચો.

૩. આપણા સમયમાં યહોવાના સાક્ષીઓના સંગઠનની શરૂઆત કેવી રીતે થઈ?

૧૮૭૦ના દાયકામાં બાઇબલ વિદ્યાર્થીઓનું એક નાનું વૃંદ બાઇબલનું સત્ય શોધવા લાગ્યું. તેઓને ખબર હતી કે ઈસુએ પ્રચાર કરવા માટે ખ્રિસ્તી મંડળને ભેગું કર્યું હતું. એટલે તેઓ આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા લાગ્યા. ૧૯૩૧માં તેઓએ ‘યહોવાના સાક્ષીઓ’ નામ અપનાવ્યું.પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૨:૧, ૪; ૫:૪૨ વાંચો.

૪. યહોવાના સાક્ષીઓ કઈ રીતે સંગઠિત છે?

પ્રથમ સદીમાં ઘણા દેશોના ખ્રિસ્તી મંડળો નિયામક જૂથના માર્ગદર્શનથી લાભ પામતા. એ જૂથ ઈસુને મંડળના ઉપરી તરીકે સ્વીકારતું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૪, ૫) એવી જ રીતે, આજે વડીલોથી બનેલા નિયામક જૂથ પાસેથી યહોવાના સાક્ષીઓ લાભ મેળવે છે. નિયામક જૂથ યહોવાના સાક્ષીઓની શાખા કચેરીઓની દેખરેખ રાખે છે. એ શાખાઓ ભેગી મળીને ૬૦૦ કરતાં વધારે ભાષાઓમાં બાઇબલ આધારિત સાહિત્યનું ભાષાંતર, છાપકામ અને વિતરણ કરે છે. એના લીધે, નિયામક જૂથ દુનિયા ફરતે એક લાખથી વધારે મંડળોને ઉત્તેજન અને માર્ગદર્શન આપી શકે છે. અનુભવી પુરુષો એ મંડળોમાં વડીલો અથવા નિરીક્ષકો તરીકે સેવા આપે છે. આ વડીલો પ્રેમથી ઈશ્વરના ટોળાંની સંભાળ રાખે છે.૧ પીતર ૫:૨, ૩ વાંચો.

યહોવાના સાક્ષીઓ ખુશખબર ફેલાવવા અને શિષ્યો બનાવવા માટે સંગઠિત થયેલા છે. પ્રેરિતોની જેમ યહોવાના સાક્ષીઓ ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦) જેઓ સત્ય જાણવા ચાહે છે, તેઓને બાઇબલમાંથી શીખવે છે. યહોવાના સાક્ષીઓ ફક્ત કોઈ સંગઠન નથી. તેઓ એક કુટુંબ છે, જેના પ્રેમાળ પિતા યહોવા છે. ભાઈ-બહેનોની જેમ તેઓ એકબીજાની સંભાળ રાખે છે. (૨ થેસ્સાલોનીકી ૧:૩) યહોવાના ભક્તો ઈશ્વરને ખુશ કરવા અને એકબીજાને મદદ કરવા સંગઠિત થયા છે. એટલે જ યહોવાના સાક્ષીઓ દુનિયાનું સૌથી સુખી કુટુંબ છે.ગીતશાસ્ત્ર ૩૩:૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫ વાંચો.