પ્રકરણ ૧૨૦
ફળ આપો અને ઈસુના મિત્ર બનો
-
ખરો દ્રાક્ષાવેલો અને ડાળીઓ
-
ઈસુના પ્રેમમાં કઈ રીતે રહેવું
ઈસુ પોતાના વફાદાર પ્રેરિતો સાથે ખુલ્લા દિલે વાત કરીને ઉત્તેજન આપી રહ્યા હતા. હવે મધરાત થઈ ગઈ હતી. ઈસુએ પછી એક પ્રેરણાદાયક ઉદાહરણ જણાવ્યું.
તેમણે શરૂઆત કરી: “હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે.” (યોહાન ૧૫:૧) સદીઓ અગાઉ કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલ પ્રજા યહોવાનો દ્રાક્ષાવેલો છે. ઈસુનું ઉદાહરણ એની સાથે મેળ ખાતું હતું. (યિર્મેયા ૨:૨૧; હોશીઆ ૧૦:૧, ૨) પરંતુ, યહોવાએ એ પ્રજાને ત્યજી દીધી. (માથ્થી ૨૩:૩૭, ૩૮) એટલે, ઈસુએ એવું કંઈક જણાવ્યું જે પ્રેરિતો માટે નવું હતું. પિતા યહોવાએ ઈસુને ઈસવીસન ૨૯માં પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા ત્યારથી, તે ઈસુને પોતાના દ્રાક્ષાવેલા તરીકે તૈયાર કરતા હતા. પરંતુ, દ્રાક્ષાવેલો ફક્ત ઈસુને જ સૂચવતો ન હતો, એ વિશે સમજાવતા તેમણે કહ્યું:
“મારામાં રહેલી દરેક ડાળી, જેને ફળ આવતાં નથી, એને [મારા પિતા] કાપી નાખે છે અને દરેક ડાળી, જેને ફળ આવે છે, એને તે કાપકૂપ કરે છે, જેથી એ ડાળી વધારે ફળ આપે. . . . જેમ ડાળી દ્રાક્ષાવેલાથી અલગ રહીને જાતે ફળ આપી શકતી નથી, તેમ મારી સાથે એકતામાં ન રહીને તમે પણ ફળ આપી શકતા નથી. હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો.”—યોહાન ૧૫:૨-૫.
ઈસુએ વફાદાર શિષ્યોને વચન આપ્યું હતું કે સ્વર્ગમાં ગયા પછી તે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એકાવન દિવસ પછી, પ્રેરિતો અને બીજાઓને પવિત્ર શક્તિ મળી ત્યારે તેઓ દ્રાક્ષાવેલાની ડાળીઓ બન્યા. બધી ‘ડાળીઓએ’ ઈસુ સાથે એકતામાં રહેવાનું હતું. શા માટે?
તેમણે સમજાવ્યું: “જે મારી સાથે એકતામાં રહે છે અને હું જેની સાથે એકતામાં રહું છું, તે ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી.” આ “ડાળીઓ,” એટલે કે તેમના વફાદાર શિષ્યો વધારે ફળ આપવાના હતા. કઈ રીતે? ઈસુ જેવા ગુણો બતાવીને, ઈશ્વરના રાજ્ય વિશે લોકોને ઉત્સાહથી જણાવીને અને વધારે શિષ્યો બનાવીને. કોઈ શિષ્ય ઈસુ સાથે એકતામાં ન રહે અને ફળ ન આપે તો શું? ઈસુએ સમજાવ્યું: ‘જે મારી સાથે એકતામાં રહેતો નથી, તેને ફેંકી દેવામાં આવે છે.’ બીજી બાજુ, ઈસુએ કહ્યું: “જો તમે મારી સાથે એકતામાં રહેશો અને મારી વાતો તમારા દિલમાં રાખશો, તો તમે જે કંઈ ચાહો એ માંગો અને એ પ્રમાણે જરૂર થશે.”—યોહાન ૧૫:૫-૭.
ઈસુએ પોતાની આજ્ઞાઓ પાળવા વિશે અગાઉ બે વાર જણાવ્યું હતું. હવે તેમણે ફરી એ વિશે જણાવ્યું. (યોહાન ૧૪:૧૫, ૨૧) એ આજ્ઞાઓ પાળવા શિષ્યોએ શું કરવાનું હતું? ઈસુએ એની એક રીત જણાવતા કહ્યું: “જેમ મેં પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો, તો તમે મારા પ્રેમમાં રહેશો.” પરંતુ, ઈશ્વર યહોવાને અને તેમના દીકરાને પ્રેમ કરવો જ પૂરતું નથી. ઈસુએ કહ્યું: “મારી આ આજ્ઞા છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. મિત્રો માટે પોતાનો જીવ આપી દેવા કરતાં મોટો પ્રેમ કોઈ નથી. હું જે આજ્ઞાઓ તમને આપું છું, એ જો તમે પાળો, તો તમે મારા મિત્રો છો.”—યોહાન ૧૫:૧૦-૧૪.
થોડા જ કલાકોમાં, ઈસુ પોતાનો જીવ આપી દેવાના હતા. એનાથી સાબિત થવાનું હતું કે તેમનામાં શ્રદ્ધા મૂકનારાઓને તે કેટલી હદે પ્રેમ કરે છે. તેમનું ઉદાહરણ જોઈને શિષ્યોએ પણ એકબીજાને નિઃસ્વાર્થ પ્રેમ બતાવવાનો હતો. એ પ્રેમ તેઓની ઓળખ બનવાનો હતો, જેમ ઈસુએ અગાઉ જણાવ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫.
ઈસુએ પ્રેરિતોને “મિત્રો” કહ્યા, એ વાતની તેઓએ ખાસ નોંધ લેવાની હતી. તેઓને મિત્રો કહેવાનું કારણ ઈસુએ સમજાવ્યું: “હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ બધું જ તમને જણાવ્યું છે.” ઈસુના ગાઢ મિત્ર બનવું અને પિતાએ તેમને કહેલી વાતો જાણવી, એ કેટલો મોટો લહાવો કહેવાય! પરંતુ, એ સંબંધ જાળવી રાખવા તેઓએ ‘ફળ આપતા રહેવાનું’ હતું. તેઓ એમ કરશે તો, ઈસુએ જણાવ્યું કે ‘તમે મારા નામમાં જે કંઈ માંગો, એ પિતા તમને આપશે.’—યોહાન ૧૫:૧૫, ૧૬.
ઈસુના શિષ્યો વચ્ચેનો પ્રેમ તેઓને આવનાર સંજોગોનો સામનો કરવા મદદ કરશે. ઈસુએ તેઓને ચેતવ્યા કે દુનિયા તેઓને ધિક્કારશે, પણ તેમણે દિલાસો આપતા કહ્યું: “જો દુનિયા તમારો ધિક્કાર કરે, તો ભૂલતા નહિ કે એણે તમારા પહેલાં મારો ધિક્કાર કર્યો છે. જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. હવે, તમે દુનિયાના નથી . . . એ કારણે દુનિયા તમને ધિક્કારે છે.”—દુનિયા કેમ શિષ્યોને ધિક્કારશે એ વિશે વધુ જણાવતા ઈસુએ કહ્યું: “મારા નામને લીધે તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ જાણતા નથી.” ઈસુએ જણાવ્યું કે તેમના ચમત્કારો એવા લોકોને દોષિત સાબિત કરે છે, જેઓ તેમને ધિક્કારે છે: “કોઈએ કર્યાં ન હોય એવાં કામો જો મેં તેઓની વચ્ચે કર્યાં ન હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત; પણ, હવે તેઓએ મને જોયો છે અને મારો ધિક્કાર કર્યો છે અને મારા પિતાનો પણ ધિક્કાર કર્યો છે.” હકીકતમાં, તેઓના ધિક્કારથી ભવિષ્યવાણી પૂરી થઈ રહી હતી.—યોહાન ૧૫:૨૧, ૨૪, ૨૫; ગીતશાસ્ત્ર ૩૫:૧૯; ૬૯:૪.
ઈસુએ ફરીથી વચન આપ્યું કે તે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એ પવિત્ર શક્તિ ઈસુના બધા શિષ્યો માટે હતી અને એ તેઓને ફળ આપવા, એટલે કે ‘સાક્ષી આપવા’ મદદ કરી શકતી હતી.—યોહાન ૧૫:૨૭.