પ્રકરણ ૨૪
ઈસુ ગાલીલમાં પોતાનું સેવાકાર્ય વધારે છે
માથ્થી ૪:૨૩-૨૫ માર્ક ૧:૩૫-૩૯ લુક ૪:૪૨, ૪૩
-
ઈસુ પોતાના ચાર શિષ્યો સાથે ગાલીલ જાય છે
-
તેમનું પ્રચારકાર્ય અને તેમનાં કામ જાણીતાં થાય છે
ઈસુ પોતાના ચાર શિષ્યો સાથે કાપરનાહુમમાં હતા. તેમનો દિવસ ઘણો વ્યસ્ત ગયો હતો. સાંજે કાપરનાહુમના લોકો બીમાર સગાં-સંબંધીને ઈસુ પાસે લાવ્યા. ઈસુને પોતા માટે ઘણો ઓછો સમય મળ્યો હતો.
બીજા દિવસની વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યારે, ઈસુ ઊઠીને બહાર ગયા. તેમણે એક જગ્યા શોધી કાઢી, જ્યાં તે પિતાને એકાંતમાં પ્રાર્થના કરી શકે. પણ, તે લાંબો સમય એમ કરી ન શક્યા. જ્યારે ‘સિમોન અને તેમની સાથેના બીજાઓને’ ખબર પડી કે ઈસુ ત્યાં ન હતા, ત્યારે તેઓ તેમને શોધવા નીકળી પડ્યા. કદાચ સિમોને, એટલે કે પીતરે આગેવાની લીધી હતી, કેમ કે ઈસુ તેમના ઘરે રોકાયા હતા.—માર્ક ૧:૩૬; લુક ૪:૩૮.
ઈસુ મળ્યા ત્યારે, પીતરે કહ્યું: “તમને બધા શોધે છે.” (માર્ક ૧:૩૭) સમજી શકાય કે કાપરનાહુમના લોકો ઈસુ રોકાય એવું ચાહતા હતા. ઈસુએ જે કર્યું હતું એની તેઓ દિલથી કદર કરતા હતા. એ માટે તેઓએ “તેમને પોતાની પાસેથી જતા અટકાવવાનો” પ્રયત્ન કર્યો. (લુક ૪:૪૨) પણ, શું પૃથ્વી પર ઈસુનું આવવાનું મુખ્ય કારણ એ હતું કે ચમત્કારથી લોકોને સાજા કરે? શું તેમણે ફક્ત આ જ વિસ્તારમાં પોતાનું કાર્ય કરવાનું હતું? એ વિશે તેમણે શું કહ્યું?
ઈસુએ પોતાના શિષ્યોને જવાબ આપ્યો: “ચાલો, આપણે બીજે ક્યાંક નજીકનાં નગરોમાં જઈએ જેથી હું ત્યાં પણ પ્રચાર કરું, કેમ કે એ માટે જ હું આવ્યો છું.” અરે, જે લોકો તેમને રોકવા ચાહતા હતા, તેઓને પણ તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.”—માર્ક ૧:૩૮; લુક ૪:૪૩.
ઈસુનું પૃથ્વી પર આવવાનું મુખ્ય કારણ એ હતું કે ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરે. એ રાજ્ય તેમના પિતાના નામને પવિત્ર મનાવશે અને મનુષ્યોની બધી બીમારીઓ હંમેશ માટે દૂર કરશે. ચમત્કારથી લોકોને સાજા કરીને ઈસુએ પુરાવો આપ્યો કે ઈશ્વરે તેમને મોકલ્યા હતા. વર્ષો અગાઉ, મુસાએ પણ અદ્ભુત ચમત્કારો કરીને સાબિત કર્યું હતું કે ઈશ્વરે તેમને મોકલ્યા હતા.—નિર્ગમન ૪:૧-૯, ૩૦, ૩૧.
એટલે, ઈસુએ બીજાં શહેરોમાં પ્રચાર કરવા કાપરનાહુમની વિદાય લીધી. પીતર અને તેમના ભાઈ આંદ્રિયા, યોહાન અને તેમના ભાઈ યાકૂબ, આ ચાર શિષ્યો પણ ઈસુની સાથે ગયા. ઈસુએ તેઓને અઠવાડિયા અગાઉ જ સાથે મુસાફરી કરવા બોલાવ્યા હતા. તેઓ મુસાફરીમાં ઈસુના સૌથી પહેલા સાથીદારો હતા.
ઈસુની એ ચાર શિષ્યો સાથે ગાલીલની મુસાફરી એકદમ સફળ સાબિત થઈ! ઈસુ વિશેના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. “તેમના વિશેની ખબર આખા સિરિયામાં,” દકાપોલીસ કહેવાતાં દસ શહેરોના વિસ્તારમાં અને યરદન નદીની આ બાજુએ ફેલાઈ ગઈ. (માથ્થી ૪:૨૪, ૨૫) એ વિસ્તારોના તેમજ યહુદિયાના લોકોનાં ટોળેટોળાં ઈસુ અને તેમના શિષ્યોની પાછળ જવા લાગ્યા. સાજા થવા માંગતા હોય તેઓને લોકો ઈસુ પાસે લાવતા. ઈસુ તેઓને નિરાશ કરતા નહિ. તે બીમાર લોકોને સાજા કરતા અને દુષ્ટ દૂતો વળગેલા લોકોને આઝાદ કરતા.