પ્રકરણ ૫૦
સતાવણી છતાં પ્રેરિતો પ્રચાર કરવા તૈયાર છે
માથ્થી ૧૦:૧૬–૧૧:૧ માર્ક ૬:૧૨, ૧૩ લુક ૯:૬
-
પ્રેરિતોને ઈસુ તાલીમ આપે છે અને પ્રચાર કરવા મોકલે છે
પ્રેરિતો બે-બેની જોડીમાં ગયા તેમ, ઈસુએ પ્રચાર કરવાનું જોરદાર માર્ગદર્શન આપ્યું. જોકે, તે એટલું કહીને અટકી ગયા નહિ. તેમણે તેઓને વિરોધીઓ સામે ચેતવણી આપી: “જુઓ! હું તમને વરૂઓની વચ્ચે ઘેટાં જેવાં મોકલું છું. . . . લોકોથી સાવધ રહેજો, કેમ કે તેઓ તમને અદાલતોને સોંપી દેશે અને તેઓ પોતાનાં સભાસ્થાનોમાં તમને કોરડા મરાવશે. મારા નામને લીધે તમને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાશે.”—માથ્થી ૧૦:૧૬-૧૮.
ઈસુને પગલે ચાલનારાઓની આકરી સતાવણી થઈ શકે છે. છતાં પણ, ઈસુએ તેઓની હિંમત વધારતા આ વચન આપ્યું: “તેઓ તમને પકડાવે ત્યારે ચિંતા ન કરો કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો, કેમ કે તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે. કારણ કે બોલનાર ફક્ત તમે જ નથી, પણ તમારા પિતાની પવિત્ર શક્તિ તમારા દ્વારા બોલે છે.” ઈસુએ આગળ જણાવ્યું: “ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવશે; બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે. મારા નામને લીધે બધા લોકો તમારો ધિક્કાર કરશે, પણ જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે.”—માથ્થી ૧૦:૧૯-૨૨.
પ્રચારકામ સૌથી અગત્યનું હતું. એટલે, ઈસુએ ભાર મૂક્યો કે તેમને પગલે ચાલનારાઓ સમજી-વિચારીને વર્તે, જેથી તેઓ કોઈ બંધન વગર પ્રચારકામ ચાલુ રાખી શકે. તેમણે કહ્યું: “તેઓ એક શહેરમાં તમારી સતાવણી કરે ત્યારે, બીજા શહેરમાં નાસી જાઓ. કારણ, હું તમને સાચે જ કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી, તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં કોઈ પણ રીતે તમારું કાર્ય પૂરું કરી શકશો નહિ.”—માથ્થી ૧૦:૨૩.
ઈસુએ પોતાના ૧૨ પ્રેરિતોને કેવી જોરદાર શિખામણ, ચેતવણી અને હિંમત આપી! જોકે, તમે સહમત થશો કે એ શબ્દો ઈસુના મરણ અને સજીવન થયા પછી, પ્રચારમાં ભાગ લેનારા લોકો માટે પણ હતા. એવું શાના પરથી કહી શકાય? ઈસુના આ શબ્દોથી કે જે લોકોને પ્રચાર કરવા પ્રેરિતોને મોકલવામાં આવ્યા, તેઓ જ નહિ, પણ ‘બધા લોકો શિષ્યોનો ધિક્કાર કરશે.’ વધુમાં, બાઇબલમાં એવું વાંચવા નથી મળતું કે ગાલીલના આ થોડા સમયના પ્રચારકાર્યમાં, પ્રેરિતોને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાયા હોય; એવું પણ ન હતું કે કુટુંબના સભ્યોએ તેઓને મારી નંખાવ્યા હોય.
દેખીતું છે કે ઈસુએ ભાવિને ધ્યાનમાં રાખીને પ્રેરિતોને આ બધું કહ્યું હતું. આ શબ્દોનો વિચાર કરો, “માણસનો દીકરો આવે ત્યાં સુધી” તેમના શિષ્યો પ્રચારકાર્ય પૂરું કરી નહિ શકે. અહીં ઈસુ શું કહેવા માંગતા હતા? એ જ કે ઈશ્વરના ન્યાયાધીશ તરીકે મહિમા પામેલા રાજા ઈસુ ખ્રિસ્ત આવે એ પહેલાં, તેમના શિષ્યો ઈશ્વરના રાજ્યનું પ્રચારકામ પૂરું નહિ કરી શકે.
પ્રચાર કરતી વખતે વિરોધ થાય તો, પ્રેરિતોને નવાઈ લાગવી ન જોઈએ. ઈસુએ કહ્યું હતું: “શિષ્ય પોતાના ગુરુ કરતાં અને દાસ પોતાના માલિક કરતાં મોટો નથી.” ઈસુએ હકીકત જણાવી હતી. ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવાને લીધે ઈસુ સાથે લોકો ખરાબ રીતે વર્ત્યા અને તેમની સતાવણી કરી. શિષ્યો સાથે પણ એમ જ થશે. તેમ છતાં, ઈસુએ અરજ કરી: “જેઓ તમને મારી નાખી શકે છે પણ ભાવિનું તમારું જીવન છીનવી શકતા નથી, તેઓથી ડરશો નહિ. એના બદલે, જે તમારો નાશ ગેહેન્નામાં કરી શકે છે, તેમનાથી ડરો.”—ઈસુએ આવા સંજોગોમાં સારો દાખલો બેસાડ્યો. સર્વશક્તિમાન ઈશ્વરને બેવફા બનવાને બદલે, તે હિંમતથી મોતને ભેટ્યા. સર્વોપરી ઈશ્વર જ વ્યક્તિનું “જીવન” (ભાવિ જીવનની આશા) મિટાવી શકે છે અથવા તેને હંમેશ માટેના જીવનનો આનંદ આપવા ફરી જીવતી કરી શકે છે. પ્રેરિતોને એમાંથી કેટલી હિંમત મળી હશે!
ઈસુના પગલે ચાલનારાઓની ઈશ્વર કેટલી કાળજી રાખે છે, એના વિશે ઈસુએ જણાવ્યું: “શું બે ચકલીઓ એક પૈસે વેચાતી નથી? તોપણ, એમાંની એકેય તમારા પિતાના ધ્યાન બહાર જમીન પર પડશે નહિ. . . . તેથી બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.”—માથ્થી ૧૦:૨૯, ૩૧.
ઈસુના શિષ્યો જે સંદેશાનો પ્રચાર કરતા હતા, એનાથી કુટુંબોમાં ભાગલા પડવાના હતા. કુટુંબના અમુક સભ્યો સંદેશો સ્વીકારશે, જ્યારે કે અમુક નહિ સ્વીકારે. ઈસુએ સમજાવ્યું: “એમ ન ધારતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું.” બાઇબલનું સત્ય સ્વીકારવા માટે હિંમતની જરૂર છે. ઈસુએ જણાવ્યું: “પિતા કે માતા પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારે યોગ્ય નથી.”—માથ્થી ૧૦:૩૪, ૩૭.
જોકે, અમુક લોકો શિષ્યોનો ચોક્કસ આવકાર કરશે. ઈસુએ કહ્યું: “આ નાનાઓમાંથી એકને મારો શિષ્ય હોવાને લીધે, જો કોઈ ફક્ત એક પ્યાલો ઠંડું પાણી પાશે, તો હું તમને સાચે જ કહું છું કે તે એનો બદલો ગુમાવશે નહિ.”—માથ્થી ૧૦:૪૨.
ઈસુ પાસેથી માર્ગદર્શન, ચેતવણી અને હિંમત મેળવીને પ્રેરિતો નીકળી પડ્યા; તેઓ “આખા વિસ્તારમાં ગામેગામ બધે જ ખુશખબર જાહેર કરતા અને રોગ મટાડતા ગયા.”—લુક ૯:૬.