૯
એકલવાયાં માબાપવાળાં કુટુંબો સફળ થઈ શકે!
૧-૩. કઈ બાબતોએ એકલા મા કે બાપવાળાં કુટુંબોની સંખ્યાની વૃદ્ધિમાં ફાળો આપ્યો છે, અને એમાં સંડોવાયેલાઓને કેવી અસર થાય છે?
એકલા મા કે બાપ હોય એવાં કુટુંબોને યુનાઈટેડ સ્ટેટ્સમાં “સૌથી ઝડપથી વધી રહેલી કૌટુંબિક ઢબ” કહેવામાં આવ્યાં છે. બીજા ઘણા દેશોમાં પરિસ્થિતિ એવી જ છે. છૂટાછેડા, પરિત્યાગ, અલગ થઈ જવું, અને ગેરકાયદે જન્મોની નોંધમાં હોય એવી સૌથી મોટી સંખ્યાને પરિણામે, લાખો માબાપ અને બાળકો દૂરગામી માઠાં પરિણામો ભોગવી રહ્યાં છે.
૨ “હું બે બાળકોવાળી ૨૮ વર્ષની વિધવા છું,” એક એકલવાયી માતાએ લખ્યું. “હું બહુ જ ઉદાસીન થઈ ગઈ છું કેમ કે હું મારાં બાળકોને પિતા વિના ઉછેરવા માંગતી નથી. એવું લાગે છે જાણે મારી કોઈ પરવા સુદ્ધાં કરતું નથી. મારાં બાળકો મને ઘણી વાર રડતી જુએ છે અને એ તેઓને અસર કરે છે.” ગુસ્સો, દોષિતપણું, અને એકલવાયાપણાની આવી લાગણીઓ સામે લડવા ઉપરાંત, મોટા ભાગના એકલા મા કે બાપ ઘર બહાર નોકરી કરવાનો અને ઘરગથ્થુ ફરજો નિભાવવાનો, એમ બંને પડકારનો સામનો કરે છે. એકે કહ્યું: “એકલા મા કે બાપ હોવું, એક સાથે ઘણા દડા ઉછાળનાર જગલર (juggler)ના જેવું છે. છ મહિનાના મહાવરા પછી, છેવટે તમે એક સાથે ચાર દડા ઉછાળવા સમર્થ બન્યા છો. પરંતુ તમે એ કરી શકો કે તરત જ, કોઈક તમારા પર નવો દડો નાખે છે!”
૩ એકલવાયાં માબાપવાળાં કુટુંબોમાંના નાનેરાઓને ઘણી વાર તેઓની પોતાની લડત હોય છે. મા કે બાપના એકાએક જતા રહેવાથી કે મરણ પામવાથી તેઓએ તીવ્ર લાગણીઓ સાથે લડવાનું હોય શકે. ઘણા યુવાનો પર મા કે બાપની ગેરહાજરી ગહન નકારાત્મક અસર પાડતી જણાય છે.
૪. આપણે કઈ રીતે જાણીએ છીએ કે યહોવાહને એકલા મા કે બાપવાળાં કુટુંબોની ચિંતા છે?
૪ બાઇબલ સમયોમાં એકલા મા કે બાપવાળાં કુટુંબો હતાં. શાસ્ત્રવચનો વારંવાર “અનાથ” અને “વિધવા”નો ઉલ્લેખ કરે છે. (નિર્ગમન ૨૨:૨૨; પુનર્નિયમ ૨૪:૧૯-૨૧; અયૂબ ૩૧:૧૬-૨૨) યહોવાહ દેવ તેઓની અવદશા પ્રત્યે બેદરકાર ન હતા. ગીતકર્તાએ દેવને “અનાથનો પિતા, અને વિધવાઓનો ન્યાયાધીશ” કહ્યા. (ગીતશાસ્ત્ર ૬૮:૫) નિશ્ચે, આજે યહોવાહને એકલા મા કે બાપવાળાં કુટુંબો માટે એવી જ ચિંતા છે! ખરેખર, તેમનો શબ્દ એવા સિદ્ધાંતો આપે છે જે તેઓને સફળ થવામાં મદદ કરી શકે છે.
ઘરગથ્થુ નિત્યક્રમમાં પ્રભુત્વ મેળવવું
૫. એકલવાયાં માબાપે શરૂઆતમાં કયા કોયડાનો સામનો કરવાનો હોય છે?
૫ ઘરની વ્યવસ્થા કરવાના કામનો વિચાર કરો. “એવા ઘણા પ્રસંગો આવે છે જ્યારે તમને ઇચ્છા થાય કે સાથે પતિ હોત તો કેવું સારું,” એક છૂટાછેડા પામેલી સ્ત્રી સ્વીકાર કરે છે, “જેમ કે તમારી કારમાંથી અવાજ આવવા માંડે છે અને તમને ખબર પડતી નથી કે અવાજ ક્યાંથી આવે છે.” તેવી જ રીતે તાજેતરમાં છૂટાછેડા થયા હોય કે વિધુર બન્યા હોય એવા પુરુષો હવે કરવાં પડતાં ઘરગથ્થુ કામોથી રઘવાયા બની જાય છે. બાળકો માટે, ઘરગથ્થુ અસ્તવ્યસ્તતા અસ્થિરતા અને અસલામતીની લાગણીમાં ઉમેરો કરે છે.
૬, ૭. (અ) નીતિવચનની “સદ્ગુણી સ્ત્રી”એ કેવું સારું ઉદાહરણ બેસાડ્યું? (બ) કઈ રીતે ઘરગથ્થુ જવાબદારીઓ વિષે ખંતીલા રહેવાથી એકલા મા કે બાપવાળાં ઘરોને મદદ મળે છે?
૬ શું મદદ કરી શકે? નીતિવચન ૩૧:૧૦-૩૧માં વર્ણવવામાં આવેલી “સદ્ગુણી સ્ત્રી”એ બેસાડેલા ઉદાહરણની નોંધ લો. તેની સિદ્ધિઓનો વ્યાપ નોંધપાત્ર છે—ખરીદવું, વેચવું, સીવવું, રસોઈ કરવી, સ્થાવર મિલકતમાં રોકાણ કરવું, ખેતી કરવી, અને વેપાર કરવો. તેનું રહસ્ય? તે ખંતીલી, મોડે સુધી કામ કરનારી અને પ્રવૃત્તિઓ શરૂ કરવા સવારે વહેલી ઊઠનારી હતી. અને તે સુસંગઠિત હતી, કેટલાંક કામો બીજાને સોંપતી હતી અને બીજાઓની કાળજી લેવા માટે ખુદ પોતાના હાથોનો ઉપયોગ કરતી હતી. તે પ્રશંસા પ્રાપ્ત કરે એમાં કંઈ નવાઈ નથી!
૭ તમે એકલા મા કે બાપ હો તો, તમારી ઘરગથ્થુ જવાબદારીઓ માટે કર્તવ્યનિષ્ઠ બનો. એવા કામમાં સંતોષ મેળવો, કેમ કે એ તમારાં બાળકોના સુખમાં વધારો કરવામાં ઘણું કરે છે. તેમ છતાં, યોગ્ય આયોજન અને સંગઠન અત્યંત જરૂરી છે. બાઇબલ કહે છેઃ “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.” (નીતિવચન ૨૧:૫) એક એકલવાયા પિતાએ સ્વીકાર્યું: “મને ભૂખ ન લાગે ત્યાં સુધી હું ભોજન વિષે વિચારતો પણ નથી.” પરંતુ ઉતાવળે બનાવી નાખેલાં ભોજન કરતાં આયોજન કરીને બનાવેલાં ભોજન વધારે પોષક અને આહ્લાદક હોય છે. તમારે તમારા હાથોનો ઘરકામોમાં નવી રીતે ઉપયોગ કરતા પણ શીખવું પડે. જાણકાર મિત્રો, કામો શીખવાનાં પુસ્તકો, અને મદદરૂપ ધંધાદારીઓનો સંપર્ક સાધીને, કેટલીક એકલવાયી માતાઓ રંગકામ, નળકામ, અને સાદું કાર મરામતનું કામ હાથ ધરી શકે છે.
૮. કઈ રીતે એકલવાયાં માબાપનાં બાળકો ઘરમાં મદદ કરી શકે?
૮ શું બાળકોને મદદ કરવા જણાવવું યોગ્ય છે? એક એકલવાયી માતાએ વિચારદલીલ કરીઃ “તમે બાળકો માટે જીવન સહેલું બનાવીને પિતાની ખોટ ભરવા માંગો છો.” એ સમજી શકાય એમ છે પરંતુ કદાચ હંમેશા બાળકના સૌથી સારા હિત માટે હોતું નથી. દેવનો ભય રાખતા બાઇબલ સમયના યુવાનોને યોગ્ય ઘરકામો સોંપવામાં આવતાં હતાં. (ઉત્પત્તિ ૩૭:૨; ગીતોનું ગીત ૧:૬) તેથી, તમારાં બાળકો પર વધારે પડતો બોજ ન નાખી દેવાની કાળજી રાખવા છતાં, તમે તેઓને કામ સોંપો તો તમે ડહાપણ બતાવશો, જેમ કે વાસણ માંજવાં અને પોતાનો ઓરડો ચોખ્ખો રાખવો. શા માટે કેટલાંક ઘરકામ ભેગા મળી ન કરવાં? એ ઘણું આનંદદાયક બની શકે.
ભરણપોષણ કરવાનો પડકાર
૯. શા માટે ઘણી વાર એકલવાયી માતાઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
૯ મોટા ભાગનાં એકલવાયાં માબાપને આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવાની મુશ્કેલી પડે છે, અને ખાસ કરીને યુવાન અપરિણીત માતાઓને તો ઘણી જ મુશ્કેલી પડે છે. * જાહેર સહાય પ્રાપ્ય હોય એવા દેશોમાં, ઓછામાં ઓછું તેઓને નોકરી મળે ત્યાં સુધી, તેઓ એનો ઉપયોગ કરે તે ડહાપણભર્યું છે. બાઇબલ જરૂર પડે તો ખ્રિસ્તીઓને એવી જોગવાઈઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. (રૂમી ૧૩:૧, ૬) વિધવાઓ અને છૂટાછેડા પામેલી સ્ત્રીઓ એવા જ પડકારોનો સામનો કરે છે. ઘણી સ્ત્રીઓને વર્ષો ઘરકામ કર્યા પછી ફરીથી નોકરી કરવાની ફરજ પડે છે, જેઓને ઘણી વાર ફક્ત ઓછા પગારની નોકરી જ મળી શકે છે. કેટલીક સ્ત્રીઓ કામની તાલીમ આપતા કાર્યક્રમોમાં કે શાળાના ટૂંકા સમયના અભ્યાસક્રમોમાં નોંધણી કરાવી પોતાના સંજોગો સુધારવા પામે છે.
૧૦. કઈ રીતે એકલવાયી માતા પોતાનાં બાળકોને સમજાવી શકે કે તેણે નોકરી કરવી જ પડશે?
૧૦ તમે નોકરી શોધો ત્યારે તમારાં બાળકો નાખુશ થાય તો નવાઈ ન પામો અને દોષિતપણાની લાગણી પણ ન અનુભવો. એને બદલે, તેઓને સમજણ આપો કે શા માટે તમારે નોકરી કરવી પડશે, અને તેઓને સમજવા મદદ કરો કે યહોવાહ જરૂરી બનાવે છે કે તમે તેઓનું ભરણપોષણ કરો. (૧ તીમોથી ૫:૮) સમય જતાં, મોટા ભાગનાં બાળકો અનુકૂળ બની જાય છે. તેમ છતાં, તમારું વ્યસ્ત સમયપત્રક પરવાનગી આપે તેમ, તેઓ સાથે બની શકે તેટલો સમય પસાર કરવા પ્રયત્ન કરો. એવા પ્રેમાળ ધ્યાનને કારણે, કુટુંબે અનુભવવી પડતી કોઈ આર્થિક તંગીનો પ્રત્યાઘાત હળવો કરવામાં પણ મદદ મળશે.—નીતિવચન ૧૫:૧૬, ૧૭.
કોણ કોની કાળજી લે છે?
૧૧, ૧૨. એકલવાયાં માબાપે કઈ મર્યાદાઓ જાળવવી જોઈએ, અને તેઓ એમ કઈ રીતે કરી શકે?
૧૧ એકલવાયાં માબાપ પોતાનાં બાળકો સાથે સવિશેષ ગાઢ સંબંધ રાખે એ સ્વાભાવિક છે, તોપણ કાળજી લેવાવી જોઈએ કે માબાપ અને બાળકો વચ્ચે દેવે સ્થાપેલી મર્યાદાઓ તૂટી ન જાય. દાખલા તરીકે, એકલવાયી માતા પોતાના દીકરા પાસે અપેક્ષા રાખે કે તે ઘરના પુરુષ તરીકે જવાબદારીઓ ઉપાડી લે અથવા પોતાની દીકરી સાથે વિશ્વાસુ વ્યક્તિ તરીકેનો વ્યવહાર કરી પોતાના ખાનગી કોયડાનો ભાર છોકરી પર નાખે તો ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે. આમ કરવું અયોગ્ય, તણાવયુક્ત, અને કદાચ બાળકને ગૂંચવણ પેદા કરનારું બને છે.
૧૨ તમારાં બાળકોને ખાતરી કરાવો કે, મા કે બાપ તરીકે તમે તેઓની કાળજી લેશો—એનાથી વિપરીત નહિ. (સરખાવો ૨ કોરીંથી ૧૨:૧૪.) ઘણી વખત, તમને કેટલીક સલાહ કે ટેકાની જરૂર પડી શકે. એ ખ્રિસ્તી વડીલો કે કદાચ પરિપક્વ ખ્રિસ્તી સ્ત્રીઓ પાસેથી મેળવો, તમારાં સગીર બાળકો પાસેથી નહિ.—તીતસ ૨:૩.
શિસ્ત જાળવવી
૧૩. એકલવાયી માતાએ શિસ્ત સંબંધી કયા કોયડાનો સામનો કરવો પડી શકે?
૧૩ શિસ્ત આપનાર તરીકે પુરુષનો ગંભીરપણે સ્વીકાર કરવામાં ઓછી તકલીફ પડી શકે, પરંતુ સ્ત્રીને આવી બાબતમાં મુશ્કેલી પડી શકે છે. એક એકલવાયી માતા કહે છેઃ “મારા દીકરાઓ પુરુષો જેવા દેખાય છે અને તેઓનો અવાજ પણ એવો જ છે. કેટલીક વખત, અનિર્ણાયક અથવા સરખામણીમાં નબળા ન લાગવું અઘરું હોય છે.” વધુમાં, તમે સ્નેહી સાથીના મરણનો હજુ શોક કરી રહ્યા હો, અથવા કદાચ વૈવાહિક વિચ્છેદ માટે દોષિતપણાની કે ગુસ્સાની લાગણી અનુભવી રહ્યા હો. બાળકનો કબજો બંનેએ રાખવાનો હોય તો, તમને ભય લાગી શકે કે તમારું બાળક તમારા અગાઉના સાથી સાથે રહેવાનું વધારે પસંદ કરે છે. આવી પરિસ્થિતિ સમતોલ શિસ્ત આપવાનું અઘરું બનાવી શકે.
૧૪. એકલવાયાં માબાપ શિસ્તની સમતોલ દૃષ્ટિ કઈ રીતે જાળવી શકે?
૧૪ બાઇબલ કહે છે કે “સ્વતંત્ર મૂકેલું છોકરૂં પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચન ૨૯:૧૫) કૌટુંબિક નિયમો ઘડવા અને અમલ કરવામાં તમને યહોવાહ દેવનું પીઠબળ છે, તેથી દોષિતપણું, ખેદ, કે ભયને તાબે ન થાઓ. (નીતિવચન ૧:૮) કદી બાઇબલ સિદ્ધાંતોની તડજોડ ન કરો. (નીતિવચન ૧૩:૨૪) વાજબી, સુમેળયુક્ત અને મક્કમ બનવા પ્રયત્ન કરો. સમય જતાં, મોટા ભાગનાં બાળકો પ્રત્યુત્તર આપશે. જો કે, તમે તમારાં બાળકોની લાગણીઓનો વિચાર કરવાનું ઇચ્છશો. એક એકલવાયા પિતા કહે છેઃ “તેઓએ માતા ગુમાવી હોવાના આઘાતને લીધે મારે શિસ્તને સમજણથી હળવી બનાવવી પડતી હતી. હું દરેક તકે તેઓ સાથે વાત કરું છું. અમે સાંજનું ભોજન તૈયાર કરતી વખતે ગાઢ અને ખાનગી વાતો કરીએ છીએ. ત્યારે તેઓ મારામાં ખરેખર ભરોસો મૂકી મને વાત કરે છે.”
૧૫. છૂટાછેડા પામેલાં માબાપે, અગાઉના સાથી વિષે વાત કરતી વખતે, શું ટાળવું જોઈએ?
૧૫ તમારા છૂટાછેડા થયા હોય તો, તમારા અગાઉના સાથી માટેના આદરનો નાશ કરવાથી કંઈ પણ સારી સિદ્ધિ મળતી નથી. માબાપના કજિયાકંકાસ બાળકોને દુ:ખદ લાગે છે અને છેવટે તમારા બંનેનું માન નબળું પડશે. તેથી, આવી અપમાનકારક ટીકા ટાળોઃ “તું તારા બાપ જેવો જ છે!” તમારા અગાઉના સાથીએ તમને ભલે ગમે તે દુ:ખ આપ્યું હોય, તે હજુ પણ તમારા બાળકનું મા કે બાપ છે જ, જેને બંને માબાપનાં પ્રેમ, ધ્યાન, અને શિસ્તની જરૂર છે. *
૧૬. એકલવાયા મા કે બાપવાળા ઘરમાં, કઈ આત્મિક ગોઠવણો શિસ્તનો નિયમિત ભાગ હોવી જોઈએ?
૧૬ ગયા પ્રકરણોમાં ચર્ચા કર્યા પ્રમાણે, શિસ્તમાં ફક્ત શિક્ષાનો નહિ, પરંતુ તાલીમ અને શિક્ષણનો સમાવેશ થાય છે. આત્મિક તાલીમના સારા કાર્યક્રમથી ઘણા કોયડા ટાળી શકાય છે. (ફિલિપી ૩:૧૬) ખ્રિસ્તી સભાઓમાં નિયમિત હાજરી અત્યંત જરૂરી છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) તેવી જ રીતે સાપ્તાહિક કૌટુંબિક બાઇબલ અભ્યાસ જરૂરી છે. સાચું, આવો અભ્યાસ ચાલુને ચાલુ રાખવો સહેલું નથી. “દિવસભરના કામ પછી, તમે ખરેખર આરામ કરવાનું ઇચ્છશો,” એક કર્તવ્યનિષ્ઠ માતા કહે છે. “પરંતુ હું મારી દીકરી સાથે અભ્યાસ કરવા માટે પોતાને માનસિક રીતે તૈયાર કરું છું, કેમ કે હું જાણું છું કે એ એવી બાબત છે જે કરવાની જરૂર છે. તે ખરેખર અમારા કૌટુંબિક અભ્યાસનો આનંદ માણે છે!”
૧૭. પાઊલના સંગાથી તીમોથીના સારા ઉછેરમાંથી આપણે શું શીખી શકીએ?
૧૭ પ્રેષિત પાઊલના સંગાથી તીમોથીને સ્પષ્ટપણે જ તેની માતા અને દાદીએ બાઇબલ સિદ્ધાંતોની તાલીમ આપી હતી—દેખીતી રીતે જ તેના પિતાએ નહિ. તોપણ, તીમોથી કેવો અદ્ભુત ખ્રિસ્તી બન્યો! (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧, ૨; ૨ તીમોથી ૧:૫; ૩:૧૪, ૧૫) તેવી જ રીતે તમે તમારાં બાળકોને “શિસ્તમાં અને યહોવાહના માનસિક નિયમનમાં” ઉછેરવાની ખંત રાખો તો, અનુકૂળ પરિણામોની આશા રાખી શકો.—એફેસી ૬:૪, NW.
એકલાપણા વિરુદ્ધ લડાઈ જીતવી
૧૮, ૧૯. (અ) કઈ રીતે એકલવાયા મા કે બાપને આપોઆપ એકલું એકલું લાગી શકે? (બ) દૈહિક ઇચ્છાઓને કાબૂમાં રાખવા મદદ માટે કઈ સલાહ આપવામાં આવે છે?
૧૮ એક એકલવાયી માતાએ નિસાસો નાખ્યોઃ “હું ઘરે આવું છું અને પેલી ચાર દીવાલો જોઉં છું, અને ખાસ કરીને તો બાળકો સૂઈ ગયા હોય છે ત્યારે, એકલાપણું ખરેખર મારા પર છવાય જાય છે.” હા, એકલાપણું ઘણી વાર એકલવાયા મા કે બાપે સામનો કરવાનો સૌથી મોટો કોયડો બની જાય છે. લગ્નના ઉષ્માભર્યા સાથ અને અંગત સંબંધની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. પરંતુ શું વ્યક્તિએ આ કોયડો કોઈ પણ કિંમતે હલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ? પ્રેષિત પાઊલના દિવસમાં, કેટલીક યુવાન વિધવાઓએ ‘વિષયવાસના ઉત્પન્ન થયાથી ખ્રિસ્તથી અલગ થવાનું ચાહ્યું.’ (૧ તીમોથી ૫:૧૧, ૧૨) આત્મિક હિતો પર દૈહિક તૃષ્ણાઓને પ્રભુત્વ જમાવવા દેવું હાનિકારક થશે.—૧ તીમોથી ૫:૬.
૧૯ એક ખ્રિસ્તી માણસે કહ્યું: “જાતીયતાની તલપ ઘણી જ તીવ્ર હોય છે, પરંતુ તમે એ પર કાબૂ મેળવી શકો છો. તમારા મનમાં વિચાર આવે ત્યારે, તમારે એ વિચાર ઘોળ્યા કરવો નહિ. તમારે એનાથી છુટકારો મેળવવાનો છે. તમારા બાળકનો વિચાર કરવો પણ એમાં મદદ કરે છે.” દેવનો શબ્દ સલાહ આપે છેઃ “પૃથ્વી પરના તમારા અવયવો, એટલે . . . વિષયવાસના . . . તેઓને મારી નાખો.” (કોલોસી ૩:૫) તમારે ખોરાકની તમારી રુચિ મારી નાખવી હોય તો, શું તમે આહ્લાદક ભોજનનાં ચિત્રો વર્ણવતાં સામયિકો વાંચશો, કે એવા લોકો સાથે સંગત રાખશો જેઓ સતત ખાવાની જ વાત કરતા હોય? જરાય નહિ! દૈહિક વાસના વિષે પણ એમ જ છે.
૨૦. (અ) અવિશ્વાસીઓ સાથે સહચર્ય રાખનારાઓ સામે કયો ભય રહેલો છે? (બ) કઈ રીતે પહેલી સદીમાં અને આજે એમ બંને સમયમાં એકલવાયા લોકો એકલાપણા સામે લડ્યા છે?
૨૦ કેટલાક ખ્રિસ્તીઓ અવિશ્વાસીઓ સાથે સહચર્ય રાખતા થયા છે. (૧ કોરીંથી ૭:૩૯) શું એનાથી તેઓનો કોયડો હલ થયો? ના. છૂટાછેડા પામેલી એક ખ્રિસ્તી સ્ત્રીએ ચેતવણી આપીઃ “એક બાબત એકલા રહેવા કરતાં વધારે ખરાબ છે. એ છે અયોગ્ય વ્યક્તિને પરણવું!” પ્રથમ સદીની ખ્રિસ્તી વિધવાઓએ નિ:શંક એકલાપણા સામે સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ જેઓ શાણી હતી તેઓએ પોતાને ‘પરોણાગત કરવામાં, સંતોના પગ ધોવામાં, અને દુ:ખીઓને સહાય કરવામાં’ વ્યસ્ત રાખી. (૧ તીમોથી ૫:૧૦) આજે દેવનો ભય રાખનાર સાથી શોધવામાં ઘણાં વર્ષોની રાહ જોનાર વિશ્વાસુ ખ્રિસ્તીઓ પોતાને એ જ રીતે વ્યસ્ત રાખે છે. એક ૬૮ વર્ષની ખ્રિસ્તી વિધવાએ, જ્યારે પણ પોતાને એકલાપણું લાગે ત્યારે, બીજી વિધવાઓની મુલાકાત લેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું: “મને માલૂમ પડે છે કે એ મુલાકાતો લેવાથી, મારું ઘરકામ કર્યા કરવાથી, અને મારી આત્મિકતાની કાળજી લેવાથી, મને એકલા પડવાનો સમય જ મળતો નથી.” બીજાઓને દેવના રાજ્ય વિષે શીખવવું, સવિશેષ લાભદાયી સારું કાર્ય છે.—માત્થી ૨૮:૧૯, ૨૦.
૨૧. પ્રાર્થના અને સારી સંગત કઈ રીતે એકલાપણું આંબવામાં મદદ કરી શકે?
૨૧ સ્વીકાર્યપણે, એકલાપણા માટે કોઈ ચમત્કારિક ઉપચાર નથી. પરંતુ યહોવાહ પાસેથી મળતા બળથી એ સહન કરી શકાય. આવું બળ ત્યારે આવે છે જ્યારે ખ્રિસ્તી “રાતદહાડો વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.” (૧ તીમોથી ૫:૫) વિનંતીઓ આજીજીપૂર્વકની અરજો છે, હા, મદદ માટે, કદાચ તીવ્ર પોકારો અને આંસુઓસહિતની ભિક્ષા યાચના છે. (સરખાવો હેબ્રી ૫:૭.) “રાતદહાડો” યહોવાહ સમક્ષ હૃદય ઠાલવવાથી ખરેખર મદદ મળી શકે. વધુમાં, હિતકર સંગત એકલાપણાની ખામી ભરવા ઘણું કરી શકે છે. સારી સંગત દ્વારા, વ્યક્તિ નીતિવચન ૧૨:૨૫માં વર્ણવેલા “માયાળુ શબ્દો”નું ઉત્તેજન મેળવી શકે છે.
૨૨. વખતોવખત એકલાપણાની લાગણીઓ તરી આવે ત્યારે, કઈ વિચારણાઓ મદદ કરશે?
૨૨ એકલાપણાની લાગણીઓ વખતોવખત ઊભરાઈ આવે—કેમ કે એ આવવાની શક્યતા છે જ—તો, યાદ રાખો કે જીવનમાં કોઈના પણ સંજોગો સંપૂર્ણ હોતા નથી. ખરેખર, “પૃથ્વી પરના તમારા ભાઈઓ” એક યા બીજી રીતે યાતના ભોગવી રહ્યા છે. (૧ પીતર ૫:૯) ભૂતકાળમાં રાચવાનું ટાળો. (સભાશિક્ષક ૭:૧૦) તમે જે લાભોનો આનંદ માણો છો તેની સમીક્ષા કરો. સર્વ ઉપરાંત, તમારી પ્રમાણિકતા જાળવી રાખવા અને યહોવાહના હૃદયને આનંદ પમાડવા કૃતનિશ્ચયી બનો.—નીતિવચન ૨૭:૧૧.
બીજાઓ કઈ રીતે મદદ કરી શકે
૨૩. મંડળમાં એકલવાયાં માબાપ પ્રત્યે સાથી ખ્રિસ્તીઓની કઈ જવાબદારી રહેલી છે?
૨૩ સાથી ખ્રિસ્તીઓનો ટેકો અને મદદ અમૂલ્ય છે. યાકૂબ ૧:૨૭ કહે છેઃ “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી . . . એજ દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.” હા, ખ્રિસ્તીઓ એકલા મા કે બાપવાળાં કુટુંબોને સહાય કરવાની ફરજ હેઠળ છે. એમ કરવાના કેટલાક વ્યવહારુ માર્ગો કયા છે?
૨૪. ગરીબ એકલવાયાં માબાપવાળાં કુટુંબોને કઈ રીતે મદદ કરી શકાય?
૨૪ ભૌતિક મદદ થઈ શકે. બાઇબલ કહે છેઃ “જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં દેવની પ્રીતિ શી રીતે રહી શકે?” (૧ યોહાન ૩:૧૭) “જોયા છતાં” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ, ફક્ત આકસ્મિક જોવું થતો નથી, પરંતુ જાણીજોઈને તાકી રહેવું થાય છે. એ દર્શાવે છે કે માયાળુ ખ્રિસ્તી પ્રથમ કુટુંબનાં સંજોગો અને જરૂરિયાતોથી પરિચિત બની શકે. કદાચ તેઓને પૈસાની જરૂર હોય. કેટલાકને ઘરગથ્થુ સમારકામમાં મદદની જરૂર હોય. અથવા તેઓ કદાચ જમવા બોલાવવામાં આવે કે સામાજિક મેળાવડામાં બોલાવવામાં આવે તેની કદર કરે.
૨૫. સાથી ખ્રિસ્તીઓ એકલવાયાં માબાપ પ્રત્યે કઈ રીતે દયાભાવ બતાવી શકે?
૨૫ વધુમાં, ૧ પીતર ૩:૮ કહે છેઃ “તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુ:ખમાં ભાગ લેનારાં, ભાઇઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.” છ બાળકોની એક એકલવાયી માતાએ કહ્યું: “એ કપરું છે અને કેટલીક વખત હું કચડાય જાઉં છું. તેમ છતાં, કોઈ કોઈ વખત ભાઈઓ અને બહેનો મને કહે છે: ‘જોઆન, તું સારું કાર્ય કરી રહી છે. પરિણામ સારું આવશે.’ બીજાઓ તમારો વિચાર કરે છે અને કાળજી લે છે ફક્ત એટલું જાણવું બહુ જ મદદરૂપ નીવડે છે.” મોટી વયની ખ્રિસ્તી સ્ત્રીઓ એકલવાયી માતા હોય એવી યુવાન સ્ત્રીઓને મદદ કરવામાં ખાસ અસરકારક બની શકે છે, જેઓને કોયડા હોય જેની ચર્ચા પુરુષ સાથે કરવાનું કઢંગુ લાગે ત્યારે, તેઓ ધ્યાનથી સાંભળી શકે.
૨૬. કઈ રીતે પરિપક્વ ખ્રિસ્તી માણસો અનાથ બાળકોને મદદ કરી શકે?
૨૬ ખ્રિસ્તી પુરુષો બીજી રીતોએ મદદ કરી શકે. ન્યાયી માણસ અયૂબે કહ્યું: “તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું દુ:ખમાંથી મુક્ત કરતો.” (અયૂબ ૨૯:૧૨) તેવી જ રીતે આજે કેટલાક ખ્રિસ્તી માણસો અનાથ બાળકોમાં હિતકર રસ લે છે અને કોઈ પણ પ્રચ્છન્ન હેતુ વિના “શુદ્ધ હૃદયથી” સાચી “પ્રીતિ” બતાવે છે. (૧ તીમોથી ૧:૫) તેઓ પોતાનાં કુટુંબોની અવગણના કર્યા વિના આવા નાનેરાઓ સાથે પ્રસંગોપાત ખ્રિસ્તી સેવામાં કાર્ય કરવાની ગોઠવણ કરી શકે અને તેઓને કૌટુંબિક અભ્યાસમાં અથવા આનંદપ્રમોદમાં સહભાગી થવા પણ આમંત્રણ આપી શકે. આવું માયાળુપણું અનાથ બાળકને ભટકી જવામાંથી પણ બચાવી શકે.
૨૭. એકલવાયાં માબાપ કયા ટેકાની ખાતરી રાખી શકે?
૨૭ અલબત્ત, છેવટે એકલવાયાં માબાપે જવાબદારીનો ‘પોતાનો બોજ પોતે જ ઉચકવાનો’ છે. (ગલાતી ૬:૫) તથાપિ, તેઓ ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોનો અને ખુદ યહોવાહ દેવનો પ્રેમ મેળવી શકે. બાઇબલ તેમના વિષે કહે છેઃ “તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૯) એકલા મા કે બાપ હોય એવાં કુટુંબો દેવના પ્રેમાળ ટેકાથી સફળ થઈ શકે!
^ અનૈતિક આચરણને કારણે કોઈ ખ્રિસ્તી યુવતી સગર્ભા બને તો, ખ્રિસ્તી મંડળ તેણે જે કર્યું છે તેની કોઈ રીતે દરગુજર કરતું નથી. પરંતુ તે પશ્ચાતાપી હોય તો, મંડળના વડીલો અને મંડળમાંના બીજાઓ તેને મદદ કરવાનું ઇચ્છી શકે.
^ આપણે એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરી રહ્યા નથી જેમાં બાળકને અત્યાચારી મા કે બાપથી રક્ષવાની જરૂર હોય. વળી, અન્ય મા કે બાપ, કદાચ બાળકોને તમારો સાથ છોડી દેવા સમજાવીને, તમારો અધિકાર નબળો પાડવા પ્રયાસ કરે તો, પરિસ્થિતિ કઈ રીતે હાથ ધરવી એની સલાહ માટે ખ્રિસ્તી મંડળના વડીલો જેવા અનુભવી મિત્રો સાથે વાત કરવી સારું થશે.