૧
શું કૌટુંબિક સુખનું કોઈ રહસ્ય છે?
૧. શા માટે માનવ સમાજમાં મજબૂત કુટુંબો મહત્ત્વનાં છે?
કુટુંબ પૃથ્વી પરની સૌથી જૂની સંસ્થા છે, અને માનવ સમાજમાં એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમગ્ર ઇતિહાસમાં, મજબૂત કુટુંબોએ મજબૂત સમાજ બનાવવામાં મદદ કરી છે. બાળકો પરિપક્વ પુખ્તવયનાઓ બને એ રીતે ઉછેરવા માટે કુટુંબ સૌથી સારી ગોઠવણ છે.
૨-૫. (અ) એક સુખી કુટુંબમાં બાળક જે સલામતી અનુભવે છે તેનું વર્ણન કરો. (બ) કેટલાંક કુટુંબોમાં કયા કોયડાના અહેવાલ આપવામાં આવ્યા છે?
૨ એક સુખી કુટુંબ સુરક્ષા અને સલામતીનું આશ્રયસ્થાન છે. પળવાર એક આદર્શ કુટુંબની કલ્પના કરો. તેઓના સાંજના ભોજન સમયે, કાળજી લેનારાં માબાપ પોતાનાં બાળકો સાથે બેસે છે અને દિવસના બનાવોની ચર્ચા કરે છે. બાળકો શાળામાં જે બન્યું હોય તે વિષે પોતાના પપ્પા-મમ્મીને જણાવે છે ત્યારે રોમાંચપૂર્વક ગપસપ કરે છે. ભેગા પસાર કરેલો આરામનો એ સમય બાહ્ય જગતમાં બીજા દિવસ માટે દરેકને તાજગી આપે છે.
૩ એક સુખી કુટુંબમાં, બાળક જાણે છે કે પોતે માંદું પડશે ત્યારે પિતા અને માતા, કદાચ વારાફરતી આખી રાત તેની પડખે સૂઈને, તેની કાળજી લેશે. તે જાણે છે કે તે પોતાના બાલ્યકાળના કોયડા લઈને પિતા કે માતા પાસે જઈ શકે છે અને સલાહ અને ટેકો મેળવી શકે છે. હા, બાળક સુરક્ષા અનુભવે છે, ભલેને બાહ્ય જગત ગમે તેટલું મુશ્કેલીભર્યું કેમ ન હોય.
૪ બાળકો મોટાં થાય છે ત્યારે, તેઓ સામાન્ય રીતે પરણે છે અને પોતાનું કુટુંબ ધરાવે છે. “વ્યક્તિને ખુદ પોતાનું બાળક થાય છે ત્યારે તેને સમજ પડે છે કે તે પોતાનાં માબાપની કેટલી ઋણી છે,” એમ પૂર્વની એક કહેવત કહે છે. મોટાં થયેલાં બાળકો આભાર અને પ્રેમની ઊંડી સભાનતાસહિત, ખુદ પોતાનું કુટુંબ સુખી બનાવવા પ્રયત્ન કરે છે, અને તેઓ વૃદ્ધ થઈ રહેલાં પોતાનાં માબાપની પણ કાળજી લે છે, જેઓ તો પૌત્રપૌત્રીઓના સંગાથનો હર્ષ માણે છે.
૫ કદાચ આ મુદ્દે તમે વિચારી રહ્યા છોઃ ‘વારુ, હું મારા કુટુંબને પ્રેમ કરું છું, પરંતુ એ ઉપર વર્ણવવામાં આવ્યું એવું નથી. મારું જીવનસાથી અને હું ભિન્ન સમયપત્રક પ્રમાણે કામ કરીએ છીએ અને ભાગ્યે જ એકબીજાને મળીએ છીએ. અમે મોટે ભાગે પૈસાના કોયડા વિષે વાત કરતા હોઈએ છીએ.’ અથવા શું તમે કહો છો કે, ‘મારાં બાળકો અને પૌત્રપૌત્રીઓ બીજા શહેરમાં રહે છે, અને તેઓ મને કદી જોવા મળતા નથી’? હા, સંડોવાયેલી વ્યક્તિઓના કાબૂ બહારનાં કારણોને લીધે ઘણી વાર, ઘણાં કૌટુંબિક જીવન આદર્શ હોતાં નથી. તેમ છતાં, કેટલાક સુખી જીવન જીવે છે. કઈ રીતે? શું કૌટુંબિક સુખનું કોઈ રહસ્ય છે? જવાબ છે, હા. પરંતુ એ શું છે એની ચર્ચા કરતા પહેલાં, આપણે એક મહત્ત્વના પ્રશ્નનો જવાબ આપવો જોઈએ.
કુટુંબ શું છે?
૬. આ પુસ્તકમાં કયા પ્રકારનાં કુટુંબોની ચર્ચા કરવામાં આવશે?
૬ પશ્ચિમના દેશોમાં, મોટા ભાગનાં કુટુંબોમાં પિતા, માતા, અને બાળકો હોય છે. દાદાદાદી પોતાથી બને ત્યાં સુધી તેઓના પોતાના ઘરમાં રહે છે. ઘણે દૂરનાં સગાં સાથે સંબંધ જાળવી રાખવામાં આવે છે તે જ સમયે, તેઓ પ્રત્યેની ફરજો મર્યાદિત હોય છે. મૂળભૂત રીતે, આપણે આ પુસ્તકમાં આવા કુટુંબની ચર્ચા કરીશું. તેમ છતાં, તાજેતરનાં વર્ષોમાં અન્ય કુટુંબો વધતા પ્રમાણમાં સામાન્ય બની રહ્યાં છે—એકલા-મા/બાપવાળું કુટુંબ, સાવકું કુટુંબ, અને એવું કુટુંબ જેનાં માબાપ એક યા બીજા કારણસર ભેગાં રહેતાં નથી.
૭. વિસ્તૃત કુટુંબ શું છે?
૭ કેટલીક સંસ્કૃતિમાં વિસ્તૃત કુટુંબ સામાન્ય હોય છે. એ ગોઠવણમાં, શક્ય હોય તો, દાદાદાદીની સંભાળ નિત્યક્રમ પ્રમાણે તેઓનાં બાળકો લે છે, અને ગાઢ સંબંધ તથા જવાબદારીઓ દૂરનાં સગાં સુધી વિસ્તરે છે. દાખલા તરીકે, કુટુંબના સભ્યો પોતાનાં ભત્રીજીભાણેજ, ભત્રીજાભાણેજો, કે વધુ દૂરનાં સગાંને ભરણપોષણમાં, ઉછેરવામાં, અરે તેઓનાં શિક્ષણ માટેનો ખર્ચ ઉપાડવામાં પણ મદદ કરે છે. આ પ્રકાશનમાં ચર્ચવામાં આવનાર સિદ્ધાંતો વિસ્તૃત કુટુંબોને પણ લાગુ પડે છે.
તણાવ હેઠળનું કુટુંબ
૮, ૯. કેટલાક દેશોમાંના કયા કોયડા બતાવે છે કે કુટુંબ બદલાઈ રહ્યું છે?
૮ આજે કુટુંબ બદલાઈ રહ્યું છે—કહેતા દિલગીરી થાય છે કે, વધારે સારું થઈ રહ્યું નથી. એનું ઉદાહરણ ભારતમાં જોવા મળે છે, જ્યાં પત્ની પોતાના પતિના કુટુંબ સાથે રહે છે અને ઘરમાં સાસરિયાના નિર્દેશન હેઠળ કામ કરે છે. જો કે, આજકાલ, ભારતીય પત્નીઓ ઘર બહાર નોકરી શોધે એ અસામાન્ય રહ્યું નથી. તોપણ દેખીતી રીતે જ તેઓ પાસે હજુ પણ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ઘરમાં પોતાની પ્રણાલિગત ભૂમિકા ભજવે. ઘણા દેશોમાં ઉઠાવવામાં આવેલો પ્રશ્ન એ છે કે, કુટુંબના બીજા સભ્યો સાથે સરખાવતા, બહાર નોકરી કરતી સ્ત્રી પાસે, ઘરે કેટલું કામ કરવાની અપેક્ષા રાખવી જોઈએ?
૯ પૂર્વના સમાજમાં, વિસ્તૃત કુટુંબનાં મજબૂત બંધનો પ્રણાલિગત છે. તેમ છતાં, પાશ્ચાત્ય ઢબ પ્રમાણેના વ્યક્તિવાદની અસર તથા આર્થિક કોયડાના તણાવ હેઠળ, પ્રણાલિગત વિસ્તૃત કુટુંબ નબળું પડતું જાય છે. તેથી, ઘણા લોકો કુટુંબના વૃદ્ધ સભ્યોની કાળજી લેવાની બાબતને ફરજ કે લહાવાને બદલે બોજરૂપ ગણે છે. કેટલાંક વયોવૃદ્ધ માબાપ પર અત્યાચાર કરવામાં આવે છે. ખરેખર, આજે ઘણા દેશોમાં વૃદ્ધો પ્રત્યે અત્યાચાર અને નિષ્કાળજી જોવા મળે છે.
૧૦, ૧૧. કઈ હકીકતો બતાવે છે કે યુરોપીય દેશોમાં કુટુંબ બદલાઈ રહ્યું છે?
૧૦ છૂટાછેડા વધતા પ્રમાણમાં સામાન્ય બની રહ્યા છે. સ્પેનમાં ૨૦મી સદીના આખરી દાયકાની શરૂઆત સુધીમાં છૂટાછેડાનો દર વધીને ૮ લગ્નોમાંથી ૧ થયો—જે ફક્ત ૨૫ વર્ષ પહેલાંના ૧૦૦માંથી ૧ના દરમાંથી બહુ મોટો કૂદકો છે. બ્રિટન, જ્યાં અહેવાલ મુજબ છૂટાછેડાનો યુરોપમાં સૌથી ઊંચો દર છે (૧૦ લગ્નોમાંથી ૪ નિષ્ફળ જવાની અપેક્ષા રખાય છે), ત્યાં એકલા-મા/બાપવાળાં કુટુંબોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.
૧૧ જર્મનીમાં ઘણા લોકો પ્રણાલિગત કુટુંબને સદંતર તરછોડી રહેલા જણાય છે. વર્ષ ૧૯૯૦ના દાયકામાં બધાં જર્મન ઘરોમાંથી ૩૫ ટકા એક જ વ્યક્તિનાં અને ૩૧ ટકા ફક્ત બે જ વ્યક્તિનાં બનેલાં જોવા મળે છે. ફ્રેંચો પણ પહેલાં કરતાં ઓછા પરણે છે, અને જેઓ પરણે છે તેઓમાંથી વધુ અને બહુ વહેલા છૂટાછેડા આપે છે. વધતી જતી સંખ્યા લગ્નની જવાબદારી વિના ભેગા રહેવાનું વધુ પસંદ કરે છે. એની સાથે સરખાવી શકાય એવાં વલણો જગતવ્યાપી જોવા મળે છે.
૧૨. આધુનિક કુટુંબમાં ફેરફારોને કારણે, બાળકોએ કઈ રીતે સહન કરવું પડે છે?
૧૨ બાળકોનું શું? યુનાઈટેડ સ્ટેટ્સ અને બીજા ઘણા દેશોમાં, વધુને વધુ બાળકો લગ્નગ્રંથિ બહાર, કેટલાક તો જુવાન તરુણોને, જન્મે છે. ઘણી તરુણીઓને જુદા જુદા પિતાનાં અનેક બાળકો હોય છે. જગત ફરતેના અહેવાલો શેરીઓમાં રખડતાં ઘરબાર વિનાનાં લાખો બાળકો વિષે જણાવે છે; ઘણાં અત્યાચારી ઘરોમાંથી નાસી જાય છે અથવા તેઓનું ભરણપોષણ ન કરી શકવાથી કુટુંબોએ કાઢી મૂકેલાં હોય છે.
૧૩. કયા વિસ્તૃત ફેલાયેલા કોયડા કુટુંબોનું સુખ છીનવી લે છે?
૧૩ હા, કુટુંબ કટોકટીમાં છે. જે જણાવવામાં આવ્યું તે ઉપરાંત, તરુણોનું બંડ, બાળ અત્યાચાર, સાથી પર હિંસા, દારૂડિયાપણું, અને અન્ય વિનાશક કોયડા ઘણાં કુટુંબોનું સુખ છીનવી લે છે. મોટી સંખ્યામાં બાળકો અને પુખ્તવયનાઓ માટે, કુટુંબ જરા પણ આશ્રયસ્થાન રહ્યું નથી.
૧૪. (અ) કેટલાક લોકો અનુસાર, કૌટુંબિક કટોકટીનાં કારણો કયાં છે? (બ) પ્રથમ સદીના એક કાયદાશાસ્ત્રીએ આજના જગતનું વર્ણન કઈ રીતે કર્યું, અને તેના શબ્દોની પરિપૂર્ણતાની કૌટુંબિક જીવન પર કઈ અસર પડી છે?
૧૪ શા માટે કૌટુંબિક કટોકટી? કેટલાક લોકો વર્તમાન દિવસની કૌટુંબિક કટોકટી માટે સ્ત્રીઓએ નોકરી કરવી શરૂ કરી તેને દોષ દે છે. બીજાઓ આજના નૈતિક પતન તરફ ચીંધે છે. અને વધારાનાં કારણો ટાંકે છે. લગભગ બે હજાર વર્ષ પહેલાં, એક પ્રખ્યાત કાયદાશાસ્ત્રીએ ભાખ્યું કે કુટુંબ પર ઘણાં દબાણો આવશે, જ્યારે તેણે લખ્યું: “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, . . . કેમકે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, કૃતઘ્નો, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા . . . થશે.” (૨ તીમોથી ૩:૧-૫) આજે આ શબ્દો પરિપૂર્ણ થઈ રહ્યા છે એ વિષે કોણ શંકા લાવી શકે? આવી પરિસ્થિતિવાળા જગતમાં, ઘણાં કુટુંબો કટોકટીમાં હોય એમાં કંઈ નવાઈ છે?
કૌટુંબિક સુખનું રહસ્ય
૧૫-૧૭. આ પુસ્તકમાં, કૌટુંબિક સુખનું રહસ્ય ધરાવનાર તરીકે કઈ સત્તા તરફ ચીંધવામાં આવશે?
૧૫ કુટુંબમાં સુખ કઈ રીતે મેળવવું એની સલાહ ચોમેરથી આપવામાં આવે છે. પશ્ચિમમાં, સ્વ-સહાય રજૂ કરતાં પુસ્તકો અને સામયિકોનો અવિરત પ્રવાહ સલાહ આપે છે. કોયડો એ છે કે માનવ સલાહકારો એકબીજાથી વિસંગત હોય છે, અને આજે જે ચાલુ સ્વીકાર્ય સલાહ છે તે આવતી કાલે નકામી બની જાય છે.
૧૬ તો પછી, આપણને ભરોસાપાત્ર કૌટુંબિક માર્ગદર્શન ક્યાંથી મળી શકે? વારુ, શું તમે કંઈક ૧,૯૦૦ વર્ષ પહેલાં પૂરા થયેલા પુસ્તક પર મીટ માંડશો? કે પછી તમને એવું લાગશે કે એવું કોઈ પુસ્તક તો સદંતર પુરાણું હોવું જોઈએ? સત્ય એ છે કે, કૌટુંબિક સુખનું સાચું રહસ્ય એવા જ ઉદ્ભવમાં મળી આવે છે.
૧૭ એ ઉદ્ભવ બાઇબલ છે. સર્વ પુરાવા અનુસાર, એની પ્રેરણા ખુદ દેવે આપી હતી. આપણને બાઇબલમાં નીચેનું કથન મળે છેઃ “દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.” (૨ તીમોથી ૩:૧૬) આ પ્રકાશનમાં અમે તમને એ વિચારવાનું ઉત્તેજન આપીશું કે કઈ રીતે બાઇબલ, આજે કુટુંબોએ સામનો કરવા પડતાં તણાવો અને કોયડા હાથ ધરતી વખતે, ‘સુધારા’ માટે મદદ કરી શકે.
૧૮. શા માટે લગ્ન સલાહમાં સત્તા તરીકે બાઇબલનો સ્વીકાર કરવો વાજબી છે?
૧૮ તમે બાઇબલ કુટુંબોને સુખી કરવામાં મદદ કરી શકે એવી શક્યતા નકારી કાઢવા તરફ ઢળેલા હો તો, આનો વિચાર કરોઃ બાઇબલની પ્રેરણા આપનાર વ્યક્તિ લગ્ન ગોઠવણ શરૂ કરનાર વ્યક્તિ છે. (ઉત્પત્તિ ૨:૧૮-૨૫) બાઇબલ કહે છે કે તેમનું નામ યહોવાહ છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) તે ઉત્પન્નકર્તા અને ‘બાપ, જેના નામ પરથી દરેક કુટુંબને નામ આપવામાં આવે છે,’ એ છે. (એફેસી ૩:૧૪, ૧૫) યહોવાહે માણસજાતની શરૂઆતથી કૌટુંબિક જીવન જોયું છે. તે ઊભા થતા કોયડાઓ વિષે જાણે છે અને તેમણે એને હલ કરવાની સલાહ આપી છે. સમસ્ત ઇતિહાસમાં, જેઓએ પોતાના કૌટુંબિક જીવનમાં નિષ્ઠાપૂર્વક બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડ્યા તેઓને વધારે સુખ સાંપડ્યું.
૧૯-૨૧. કયા આધુનિક અનુભવો લગ્ન કોયડા હલ કરવામાં બાઇબલની શક્તિ દર્શાવે છે?
૧૯ દાખલા તરીકે, ઈન્ડોનેશિયામાંની એક ગૃહિણી જુગારની બંધાણી હતી. વર્ષો સુધી તેણે પોતાનાં ત્રણ બાળકોની અવગણના કરી અને પોતાના પતિ સાથે નિયમિત ઝગડો કર્યો. પછી તેણે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ધીમે ધીમે એ સ્ત્રી બાઇબલનું કહ્યું માનવા લાગી. તેણે એની સલાહનો અમલ કર્યો ત્યારે, તે વધારે સારી પત્ની બની. બાઇબલ સિદ્ધાંતો પર આધારિત તેના પ્રયત્નોથી તેનું સમગ્ર કુટુંબ સુખી બન્યું.
૨૦ સ્પેનમાંની એક ગૃહિણી કહે છેઃ “અમને પરણ્યાને એક જ વર્ષ થયું હતું ત્યારે અમને ગંભીર કોયડા ઊભા થવા માંડ્યા.” તેની અને તેના પતિ વચ્ચે ઘણી બાબતો સામાન્ય ન હતી, અને તેઓ ઝગડે તે સિવાય બહુ ઓછી વાતચીત કરતા. નાની દીકરી હોવા છતાં, તેઓએ કાયદેસર છૂટા પડવાનું નક્કી કર્યું. તેમ છતાં, એ થાય તે પહેલાં, તેઓને બાઇબલમાં જોવા ઉત્તેજન આપવામાં આવ્યું. તેઓએ પરિણીત પુરુષો અને સ્ત્રીઓ માટેની એની સલાહનો અભ્યાસ કર્યો અને એ લાગુ પાડવા માંડી. થોડા જ સમયમાં, તેઓ શાંતિપૂર્વક વાતચીત કરી શકવા લાગ્યા, અને તેઓનું નાનું કુટુંબ સુખેથી એકતામાં આવ્યું.
૨૧ બાઇબલ મોટી વયના લોકોને પણ મદદ કરે છે. દાખલા તરીકે, અમુક જાપાની યુગલના અનુભવનો વિચાર કરો. પતિ તામસી સ્વભાવનો હતો અને કેટલીક વાર હિંસક બની જતો. પહેલાં, યુગલની દીકરીઓએ પોતાનાં માબાપના વિરોધ છતાં બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. પછી, પતિ પોતાની દીકરીઓ સાથે જોડાયો, પરંતુ પત્નીએ વાંધો ઉઠાવવાનું ચાલુ રાખ્યું. જો કે, વર્ષો પછી, તેના કુટુંબ પર બાઇબલ સિદ્ધાંતોની સારી અસર પડેલી તેના ધ્યાન પર આવી. તેની દીકરીઓએ તેની સારી કાળજી લીધી, અને તેનો પતિ વધારે નમ્ર બન્યો. આવા ફેરફારોએ તે સ્ત્રીને પોતે બાઇબલ તપાસવાની પ્રેરણા આપી, અને તેના પર પણ એ જ સારી અસર પડી. તે વૃદ્ધાએ વારંવાર કહ્યું: “અમે સાચી રીતે પરિણીત યુગલ બન્યા છીએ.”
૨૨, ૨૩. કઈ રીતે બાઇબલ સર્વ રાષ્ટ્રીય પાર્શ્વભૂમિકાવાળા લોકોને તેઓનાં કૌટુંબિક જીવનમાં સુખ મેળવવામાં મદદ કરે છે?
૨૨ એ વ્યક્તિઓ એવા અનેકોમાંની છે જેઓ કૌટુંબિક સુખનું રહસ્ય શીખ્યા છે. તેઓએ બાઇબલની સલાહ સ્વીકારી છે અને લાગુ પાડી છે. સાચું, તેઓ તે જ હિંસક, અનૈતિક, આર્થિક ભીંસવાળા જગતમાં રહે છે જેમાં અન્ય દરેક રહે છે. વધુમાં, તેઓ અપૂર્ણ છે, પરંતુ તેઓ કુટુંબની ગોઠવણની શરૂઆત કરનારની ઇચ્છા પૂરી કરવાના પ્રયત્નમાં સુખ મેળવે છે. બાઇબલ કહે છે તેમ, યહોવાહ દેવ ‘તમારા લાભને અર્થે તમને શીખવે છે; જે માર્ગે જવું જોઈએ તે પર તમને ચલાવે છે.’—યશાયાહ ૪૮:૧૭.
૨૩ બાઇબલ લગભગ બે હજાર વર્ષ પહેલાં પૂરું કરવામાં આવ્યું છતાં, એની સલાહ સાચે જ અદ્યતન છે. વધુમાં, એ સર્વ લોકો માટે લખવામાં આવ્યું છે. બાઇબલ કંઈ અમેરિકાનું કે પિશ્ચમનું પુસ્તક નથી. યહોવાહે “માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારૂ એકમાંથી ઉત્પન્ન કરી,” અને તે સર્વત્ર માનવીઓનું ઘડતર જાણે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬) બાઇબલ સિદ્ધાંતો દરેક માટે સફળ થાય છે. તમે એ લાગુ પાડશો તો, તમને પણ કૌટુંબિક સુખનું રહસ્ય ખબર પડશે.