સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

“તેઓ ચાહતા હતા કે હું પોતે બાઇબલની વાતો તપાસું”

“તેઓ ચાહતા હતા કે હું પોતે બાઇબલની વાતો તપાસું”
  • જન્મ: ૧૯૮૨

  • દેશ: ડોમિનિકન પ્રજાસત્તાક

  • ભૂતકાળ: નાનપણથી મોર્મન પંથનું શિક્ષણ લીધું

મારા વિશે:

મારો જન્મ ડોમિનિકન પ્રજાસત્તાકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં થયો હતો. હું ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો છું. મારા મમ્મી-પપ્પા ભણેલાં-ગણેલાં હતાં. તેઓ ચાહતા હતા કે અમારી આજુબાજુ ફક્ત સારા અને ઇમાનદાર લોકો હોય. હું જન્મ્યો એના ચાર વર્ષ પહેલાં મારાં માતા-પિતા મોર્મન મિશનરીઓને મળ્યાં હતાં. એ મિશનરીઓએ ચોખ્ખા કપડાં પહેર્યા હતા અને તેઓનું વાણી-વર્તન સારું હતું. એ વાત મમ્મી-પપ્પાને બહુ ગમી ગઈ. તેઓએ નક્કી કર્યું કે તેઓ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેઇન્ટ્‌સના (મોર્મન ચર્ચના) સભ્યો બનશે. અમારા કુટુંબના લોકો એ ચર્ચના પ્રથમ સભ્યોમાંના એક હતા.

હું મોટો થતો ગયો તેમ, ચર્ચના બીજા સભ્યો સાથે સમય વિતાવવો મને ખૂબ ગમતું. એ ચર્ચમાં શીખવવામાં આવતું કે કુટુંબમાં પ્રેમ હોવો જોઈએ અને બધાએ સારા માર્ગે ચાલવું જોઈએ. એ શિક્ષણ પણ મને ખૂબ ગમતું. મને એ વાતનો ગર્વ હતો કે હું મોર્મન પંથનો છું. અને પછી શું? હું નીકળી પડ્યો મિશનરી બનવા.

જ્યારે હું ૧૮ વર્ષનો થયો, ત્યારે અમારું કુટુંબ અમેરિકા આવી ગયું જેથી હું સારી કોલેજમાં ભણી શકું. લગભગ એક વર્ષ પછી, મારાં માસી-માસા ફ્લોરિડામાં અમને મળવા આવ્યાં. તેઓ યહોવાના સાક્ષીઓ હતા. તેઓએ અમને એક સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું. હું એ જોઈને દંગ રહી ગયો કે મારી આજુબાજુના બધા લોકો ધ્યાનથી બાઇબલ ખોલીને કલમો વાંચતા હતા અને જે સાંભળ્યું એની નોંધ લેતા હતા. એટલે મેં પેન અને પેપર લીધું અને તેઓની જેમ લખવાનું શરૂ કર્યું.

સંમેલન પછી, માસી-માસાએ કહ્યું, ‘તારે તો મિશનરી બનવું છે ને? તો અમે તને બાઇબલ વિશે શીખવી શકીએ. એનાથી તને મદદ મળશે.’ મને લાગ્યું કે મારે તેઓ પાસેથી બાઇબલ વિશે શીખી લેવું જોઈએ, કારણ કે મને મોર્મનના પુસ્તક વિશે તો ઘણી ખબર હતી, પણ બાઇબલ વિશે કશી જ ખબર ન હતી.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

તેઓ મને ફોન પર બાઇબલ વિશે શીખવતા. તેઓ હંમેશાં મને કહેતા કે, મારે મારા ધર્મનું શિક્ષણ અને બાઇબલનું શિક્ષણ સરખાવીને જોવું જોઈએ. તેઓ ચાહતા હતા કે હું પોતે બાઇબલની વાતો તપાસું અને જોઉં કે એ સાચું છે કે નહિ.

હું મોર્મન પંથની ઘણી માન્યતાઓમાં ભરોસો કરતો, પણ મને ખબર જ ન હતી કે એ વિશે બાઇબલ શું કહે છે. માસીએ મને નવેમ્બર ૮, ૧૯૯૫નું સજાગ બનો! મોકલ્યું જે યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું હતું. એમાં મોર્મન પંથ પર અમુક લેખો હતા. એમાં જણાવ્યું હતું કે મોર્મન ચર્ચ શું શીખવે છે. હું એ જાણીને દંગ રહી ગયો કે એમાંની ઘણી વાતો હું જાણતો જ ન હતો. એટલે મેં મોર્મન વેબ સાઇટ પર એ વિશે માહિતી શોધી. મને જાણવા મળ્યું કે સજાગ બનો!માં જે લખ્યું હતું એ બધું જ સાચું હતું. જ્યારે હું યૂટાના મોર્મન મ્યુઝિયમમાં ગયો ત્યારે મને એ વાતની વધારે ખાતરી થઈ ગઈ.

હું હંમેશાં માનતો કે મોર્મનનું પુસ્તક અને બાઇબલ એકબીજાની સુમેળમાં છે. પણ જ્યારે મેં ધ્યાનથી બાઇબલ વાંચવાનું શરૂ કર્યું, ત્યારે જોયું કે મોર્મનના શિક્ષણમાં અને બાઇબલના શિક્ષણમાં ઘણો તફાવત છે.

એ ઉપરાંત, મોર્મન પંથમાં દેશભક્તિની જે વાતો કરવામાં આવતી એ મારા ગળે ન ઉતરતી. દાખલા તરીકે, અમને શીખવવામાં આવતું કે એદન બાગ અમેરિકાના મિઝૂરી રાજ્યના જેક્સન કાઉન્ટીમાં હતો. ચર્ચના પ્રબોધકો કહેતા કે અમેરિકાની સરકાર દ્વારા ઈશ્વર આખી પૃથ્વી પર રાજ કરશે.

તો પછી મને સવાલ થયો કે મારા વતનનું કે બીજા દેશોનું શું થશે? એક સાંજે, હું એક યુવાન સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તે મોર્મન પંથનો મિશનરી બનવાની તાલીમ લઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે, ‘યુદ્ધના સમયે શું તું બીજા દેશના મોર્મન સામે લડીશ?’ તેનો જવાબ હા હતો. એ સાંભળીને તો હું છક થઈ ગયો. એ વિશે હું પોતાના ધર્મના પુસ્તકોમાં વધુ તપાસવા લાગ્યો અને ચર્ચના આગેવાનો સાથે પણ વાત કરી. તેઓએ મને કહ્યું કે હજી સુધી તેઓ પાસે મારા સવાલોના જવાબો નથી. કારણ કે, એ વિશે ખુલાસો થવાનો બાકી છે.

તેઓનો જવાબ સાંભળીને હું નિરાશ થઈ ગયો. મેં પોતાને સવાલ પૂછ્યો: ‘હું શા માટે મોર્મન મિશનરી બનવા માંગું છું?’ મને સમજાયું કે લોકોનું ભલું કરવા માટે હું મિશનરી બનવા માંગતો હતો. સાથે સાથે, મિશનરી બનવાનો બીજો ફાયદો પણ હતો. મને દુનિયામાં ખૂબ માન-સન્માન મળત. પણ હું ઈશ્વર વિશે તો કંઈ જાણતો જ ન હતો. પહેલા પણ મેં ઘણી વાર બાઇબલ વાંચ્યું હતું પણ એ તો ફક્ત વાંચવા ખાતર હતું. મને તો એ પણ ખબર ન હતી કે પૃથ્વી અને માણસો માટે ઈશ્વરની ઇચ્છા શું છે.

મને કઈ રીતે ફાયદો થયો:

હું યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખી રહ્યો હતો ત્યારે, મને ઘણી બાબતો શીખવા મળી. જેમ કે, ઈશ્વરનું નામ શું છે, મરણ પછી વ્યક્તિનું શું થાય છે અને ઈસુ કઈ રીતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે. આમ, આ સુંદર પુસ્તકમાંથી મને ઘણી બધી વાતો શીખવા મળી. એ વિશે હું બીજાઓને પણ શીખવવા લાગ્યો. હું હંમેશાં માનતો કે ઈશ્વર છે, પણ હવે હું તેમને પ્રાર્થના કરી શકું છું અને તે મારા પાકા મિત્ર બન્યા છે. ૧૨ જુલાઈ, ૨૦૦૪ના દિવસે મેં બાપ્તિસ્મા લીધું. છ મહિના પછી મેં પૂરા સમયની સેવા શરૂ કરી દીધી.

મને પાંચ વર્ષ માટે ન્યૂ યૉર્કના બ્રુકલિન શહેરમાં આવેલા યહોવાના સાક્ષીઓના મુખ્યમથકમાં કામ કરવાનો લહાવો મળ્યો. મને બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યના છાપકામમાં કામ કરવાનો મોકો મળ્યો જેનાથી લાખો લોકોને બાઇબલ સમજવા મદદ મળી છે. એ વાતની મને ઘણી ખુશી છે. આજે પણ હું લોકોને ઈશ્વર વિશે શીખવું છું. એ કામમાં પણ મને બહુ મજા આવે છે.