તેને જીવવાનું કારણ મળ્યું
રાજ્ય પ્રચારકોનો અહેવાલ
તેને જીવવાનું કારણ મળ્યું
ઈસુએ કહ્યું કે તે પોતાનાં ઘેટાંને ઓળખે છે. (યોહાન ૧૦:૧૪) જો એક વ્યક્તિનું દિલ સારું હોય અને તે શાંતિ અને ન્યાય ચાહતી હોય, તો તે ઈસુના શિષ્યો પાસે ખેંચાઈ આવશે. એવી વ્યક્તિને જીવવાનું કારણ મળશે. બેલ્જિયમમાં રહેતાં એક બહેન સાથે એવું જ કંઈક બન્યું હતું. ચાલો તેમનો અનુભવ સાંભળીએ:
“જ્યારે યહોવાના સાક્ષીઓએ મારા ઘરનું બારણું ખખડાવ્યું, ત્યારે હું ખૂબ નિરાશ હતી અને પોતાનું જીવન ખતમ કરી દેવા માંગતી હતી. તેઓએ કહ્યું કે આ દુનિયાની તકલીફોનો અંત જલદી જ આવશે. એ મને ખૂબ ગમ્યું. પણ જ્યારે તેઓએ કહ્યું કે એ બધી તકલીફો ઈશ્વર દૂર કરશે, ત્યારે એ મને જરાય ન ગમ્યું. મેં આઠ વર્ષ પહેલાં જ ચર્ચમાં જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે ત્યાં લોકો ઢોંગ કરતા હતા અને ઢોંગથી મને સખત નફરત હતી. મને સમજાઈ ગયું કે સાક્ષીઓ સાચું શીખવી રહ્યા છે. એ પણ સમજાઈ ગયું કે મને ઈશ્વરની જરૂર છે.
“દુઃખની વાત છે કે અમુક મુલાકાત પછી યહોવાના સાક્ષીઓ સાથે મારો સંપર્ક તૂટી ગયો. હું ફરી દુઃખી દુઃખી રહેવા લાગી. હું એક દિવસમાં સિગારેટના બે પૅકેટ પીતી અને ડ્રગ્સ પણ લેતી. હું મારા ગુજરી ગયેલા દાદાજી સાથે વાત કરવા માંગતી હતી. એટલે મેં મેલીવિદ્યાનો સહારો લીધો. એના લીધે દુષ્ટ દૂતો રાતે મારા પર હુમલો કરતા. એ ખૂબ જ ડરામણું હતું. એવું મહિનાઓ સુધી ચાલ્યું. દર સાંજે મને એકલા રહેવાનો ખૂબ ડર લાગતો.
“એક દિવસે હું ચાલવા નીકળી હતી. પણ આ વખતે મેં બીજો રસ્તો પસંદ કર્યો. ત્યાં એક મોટું બાંધકામ થઈ રહ્યું હતું. એ બાંધકામ પાસે ઘણા લોકોને જોઈને મને નવાઈ લાગી. નજીક જઈને જોયું તો ખબર પડી કે એ તો યહોવાના સાક્ષીઓ હતા. તેઓ પોતાનું પ્રાર્થનાઘર બાંધી રહ્યા હતા. એનાથી મને યાદ આવ્યું કે યહોવાના સાક્ષીઓ ઘણી વખત મને મળવા આવતા હતા. મને થયું કે આખી દુનિયામાં બધા લોકો સાક્ષીઓ જેવા હોય તો કેવું સારું!
“હું ચાહતી હતી કે સાક્ષીઓ મારા ઘરે પાછા આવે. એટલે મેં પ્રાર્થનાઘરનું બાંધકામ કરતા અમુક લોકો સાથે વાત કરી. મેં ઈશ્વરને પણ પ્રાર્થના કરી. દસ દિવસ પછી એક ભાઈ મારા ઘરે આવ્યા. આ એ જ સાક્ષી હતા, જે સૌથી પહેલા મને મળ્યા હતા. તેમણે મને ફરી બાઇબલ અભ્યાસ શરૂ કરવાનું કહ્યું અને મેં હા પાડી. તેમણે મને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું અને હું ત્યાં ગઈ. ત્યાંનો માહોલ જોઈને હું દંગ રહી ગઈ! વર્ષોથી હું એવા લોકોને શોધી રહી હતી જેઓ એકબીજાને સાચો પ્રેમ કરતા હોય અને પોતાના જીવનમાં ખુશ હોય. આખરે, એ લોકો મને મળી જ ગયા!
“એ પછી હું બધી જ સભાઓમાં ગઈ, એક પણ ચૂકી નહિ. લગભગ ત્રણ અઠવાડિયા પછી મેં સિગારેટની લત છોડી દીધી. મેં મેલીવિદ્યાને લગતાં બધાં પુસ્તકો ફેંકી દીધાં અને એને લગતું સંગીત પણ સાંભળવાનું બંધ કરી દીધું. મેં મહેસૂસ કર્યું કે દુષ્ટ દૂતોની મારા પરની પકડ ધીરે ધીરે છૂટી રહી હતી. મેં બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવાનું શરૂ કર્યું. ત્રણ મહિના પછી પ્રચાર કરવાનું શરૂ કર્યું અને છ મહિના પછી બાપ્તિસ્મા લઈ લીધું. બાપ્તિસ્માના બે દિવસ પછી જ સહાયક પાયોનિયરીંગ પણ શરૂ કરી દીધું.
“યહોવાએ મારા માટે એટલું બધું કર્યું છે કે હું શું કહું. તેમનો લાખ લાખ આભાર! હવે મને જીવવાનું કારણ મળ્યું છે. એ વાત એકદમ સાચી છે કે, યહોવાનું નામ મજબૂત કિલ્લો છે જેમાં મને આશરો અને રક્ષણ મળ્યાં છે. (નીતિવચનો ૧૮:૧૦) મને એક ગીતના લેખક જેવું જ લાગે છે. તેમણે ગીતશાસ્ત્ર ૮૪:૧૦માં લખ્યું: ‘હજાર દિવસો બીજે વિતાવવા કરતાં, તમારાં આંગણાંમાંનો એક દિવસ વધારે સારો છે! દુષ્ટોના તંબુઓમાં રહેવા કરતાં, મારા ઈશ્વરના મંદિરના ઉંબરા પર સેવા કરવાનું હું વધારે પસંદ કરું છું.’”
એ નમ્ર દિલની સ્ત્રીને જીવવાનું કારણ મળ્યું. જો તમે સાચા દિલથી યહોવા પાસે જવા માંગતા હો, તો તમને પણ જીવવાનું કારણ મળશે.