સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી કુટુંબની ચાવી

જીવનસાથીને આદર બતાવો

જીવનસાથીને આદર બતાવો

મનોજ * કહે છે: “અંજલી ઉદાસ હોય ત્યારે, તે રડ્યા જ કરે છે. હું એની સાથે વાત કરવાની કોશિશ કરું તો તે ચિડાઈ જાય છે. ઘણી વાર તો વાત કરવાનું જ બંધ કરી દે છે. હું કંઈ પણ કરું, એ માને જ નહિ. પછી હું પ્રયત્ન કરવાનું જ છોડી દઉં.”

અંજલી કહે છે: “મનોજ ઘરે આવ્યા ત્યારે હું રડતી હતી. મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે હું કેમ ઉદાસ હતી, પણ તેમણે મારી વાત સાંભળી નહિ. તે કહેવા લાગ્યા કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને મારે એ વાત ભૂલી જવી જોઈએ. એ સાંભળીને મને વધારે ખોટું લાગ્યું.”

શું તમે મનોજ અને અંજલી જેવું અનુભવ્યું છે? બંને એકબીજા સાથે વાત તો કરવા માંગે છે, પણ પછી હાર માની લે છે અને પ્રયત્ન કરવાનું છોડી દે છે. એવું કેમ થાય છે?

પુરુષો અને સ્ત્રીઓની વાત કરવાની રીત અલગ હોય છે. તેઓની જરૂરિયાતો પણ અલગ હોય છે. એક સ્ત્રી કદાચ પોતાના મનની વાત જણાવવા ચાહે. જ્યારે કે ઘણાં પુરુષો શાંતિ જાળવવા સમસ્યાઓનો જલદી હલ કરવાનો અને એનાથી બચવાનો પ્રયત્ન કરે. બંનેમાં આટલો તફાવત હોવા છતાં, પતિ-પત્નીઓ તમારા વચ્ચે હંમેશા સારી રીતે વાતચીત થતી રહે એ માટે તમે શું કરી શકો? એક રીત છે, જીવનસાથીને આદર બતાવો.

જે વ્યક્તિ બીજાઓનો આદર કરે છે, તેઓને તે કિંમતી ગણે છે અને લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરે છે. નાનપણથી જ તમે શીખ્યા હશો કે જેઓ તમારાથી મોટા છે અથવા તમારા કરતાં વધારે અનુભવી છે, તેઓને આદર આપવો જોઈએ. પણ લગ્‍નજીવનમાં તમારા જેટલી ઉંમરની વ્યક્તિને જ આદર આપવાનો હોય છે. સંધ્યાનાં લગ્‍નને આઠ વર્ષ થઈ ગયા છે. તે કહે છે, “હું જાણતી હતી કે પ્રણય ખૂબ ધીરજથી બીજાઓની વાત સાંભળે છે અને સમજે છે. હું ચાહતી હતી કે તે મારી સાથે પણ એવી જ રીતે વર્તે.” બની શકે કે, મિત્રો અથવા અજાણી વ્યક્તિની વાત તમે શાંતિથી સાંભળો, તેઓને માન આપો. પણ શું તમે તમારા જીવનસાથી સાથે એવી જ રીતે વર્તો છો?

જો પતિ-પત્ની એકબીજાને માન નહિ આપે, તો ઘરનો માહોલ તણાવ ભરેલો રહેશે અને ઝગડાઓનો પાર નહિ આવે. એક બુદ્ધિમાન રાજાએ કહ્યું હતું: “જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે.” (નીતિવચનો ૧૭:૧ ઈઝી ટુ રીડ વર્ઝન) બાઇબલમાં પતિઓને સલાહ આપી છે કે પોતાની પત્નીને માન આપો. (૧ પિતર ૩:૭) ‘પત્નીએ પણ પૂરા દિલથી પતિને માન’ આપવું જોઈએ.—એફેસીઓ ૫:૩૩.

તમે કઈ રીતે પોતાના પતિ કે પત્ની સાથે આદરથી વાત કરી શકો? બાઇબલમાં આપેલી અમુક સલાહ પર ધ્યાન આપો.

જ્યારે તમારા સાથી વાત કરવા માંગતા હોય

પડકાર:

ઘણા લોકોને સાંભળવા કરતાં વાત કરવાનું વધારે ગમતું હોય છે. શું તમને પણ એવું ગમે છે? બાઇબલ એવી વ્યક્તિને મૂર્ખ કહે છે જે ‘સાંભળ્યા પહેલાં જવાબ આપે છે.’ (નીતિવચનો ૧૮:૧૩) એટલે કંઈ કહેતા પહેલાં, બીજાઓનું સાંભળો. શા માટે? કાવ્યાનાં લગ્‍નને ૨૬ વર્ષ થઈ ગયાં છે. તે કહે છે, “જ્યારે મારા પતિ સાંભળ્યા વગર મુશ્કેલીનો હલ જણાવવા લાગે છે, એ મને નથી ગમતું. હું ચાહું છું કે તે મારી વાત સાંભળે અને સમજે કે હું ઉદાસ છું. તેમણે એ સમજવાની કે જાણવાની જરૂર નથી કે મુશ્કેલી ક્યાંથી આવી.”

અમુક સ્ત્રી-પુરુષો પોતાના દિલની વાત સહેલાઈથી જણાવી શકતા નથી. જો તેમના સાથી તેમને લાગણીઓ જણાવવા દબાણ કરે, તો તેમને નથી ગમતું. જુલીનાં હાલમાં જ લગ્‍ન થયાં છે. તેના પતિ દિલ ખોલીને જલદી વાત કરતા નથી. તે કહે છે, “તે દિલ ખોલીને વાત કરે એ માટે મારે ધીરજ રાખવી પડે છે.”

હલ:

જો તમારે એવા વિષય પર વાત કરવાની હોય જે વિશે તમારા વિચારો અલગ હોય, તો શું કરશો? એ માટે નવરાશનો સમય પસંદ કરો જ્યારે તમે બંને શાંત હો. પણ તમારા સાથી વાત કરતા અચકાતા હોય તો શું? યાદ રાખો કે “માણસના મનની વાત ઊંડા પાણી જેવી છે, પણ શાણો માણસ તેને બહાર કાઢે છે.” (નીતિવચનો ૨૦:૫ સંપૂર્ણ બાઇબલ) જો કૂવામાંથી ડોલને ફટાફટ ખેંચશો, તો ઘણું બધું પાણી ઢોળાઈ જશે. એવી જ રીતે, જો તમારા સાથીને દબાણ કરશો કે તે પોતાના મનની વાત જણાવે, તો તે કદાચ કંઈ ન જણાવે. એમ કરવાથી તેમના મનની વાત જાણવા નહિ મળે. એવું ન થાય એ માટે, તમારા સાથીને આદરથી અને કોમળતાથી પૂછો. જો તે પોતાની લાગણીઓ જલદી ન જણાવે, તો ધીરજ રાખો.

જ્યારે તમારા સાથી વાત કરે, ત્યારે ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા થાવ.’ (યાકૂબ ૧:૧૯ ઓ.વી. બાઇબલ) ધ્યાનથી સાંભળનાર વ્યક્તિ લાગણીઓ પર ધ્યાન આપે છે, શબ્દો પર નહિ. તમારા સાથી વાત કરવાની કોશિશ કરતા હોય ત્યારે, તેમની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરો. તમે જે રીતે સાંભળો છો એનાથી તમારા સાથી સમજી જશે કે તમે તેમને માન આપો છો કે નહિ.

ઈસુએ આપણને શીખવ્યું કે આપણે કઈ રીતે સાંભળવું જોઈએ. દાખલા તરીકે, જ્યારે એક બીમાર વ્યક્તિ ઈસુ પાસે આવી, ત્યારે તેને તરત જ સાજી ન કરી. પહેલા ઈસુએ તેની વાત સાંભળી. એ સાંભળીને તેમને તેના પર દયા આવી. છેવટે ઈસુએ બીમાર વ્યક્તિને સાજી કરી. (માર્ક ૧:૪૦-૪૨) જ્યારે તમારા સાથી વાત કરતા હોય, ત્યારે ઈસુની જેમ કરો. યાદ રાખો કે તમારા સાથી ચાહે છે કે તમે તેમની લાગણી સમજો અને હમદર્દી બતાવો. તરત હલ જણાવવાના બદલે તેમનું ધ્યાનથી સાંભળો. તેમનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરો. એ પછી જ પોતાના સાથીની મુશ્કેલીનો હલ કાઢવાની કોશિશ કરો. એમ કરવાથી તમે તેમને આદર બતાવશો.

આ કરી જુઓ: હવેથી જ્યારે પણ તમારા સાથી વાત કરે, ત્યારે તેમની વાત વચ્ચેથી કાપી ન નાખો. જ્યાં સુધી તે તમને પૂરી વાત જણાવી ન દે, તમે એને સમજી ન લો, ત્યાં સુધી ધીરજ રાખો. થોડા સમય પછી પોતાના સાથીને પૂછો, “શું તને ખરેખર લાગ્યું કે મેં તારી વાત ધ્યાનથી સાંભળી?”

જ્યારે તમે કંઈ જણાવવા માંગતા હોવ

પડકાર:

સંધ્યા કહે છે, “હાલના ટીવી સીરીયલમાં બતાવવામાં આવે છે કે પોતાના જીવનસાથીની બૂરાઈ કરવી, અપમાન કરવું અને ટૉન્ટ મારવામાં કંઈ ખોટું નથી.” અમુક લોકોનો ઉછેર એવા કુટુંબમાં થયો હોય છે જ્યાં લોકો એકબીજાને આદર આપતા નથી. પછી તેઓના લગ્‍ન થાય ત્યારે પોતાના કુટુંબમાં પણ એ જ રીતે વર્તે છે. રેચલ કેનેડામાં રહે છે. તે કહે છે, “મારો ઉછેર એવા માહોલમાં થયો હતો જ્યાં મહેણાં-ટોણાં મારવા, રાડો પાડવી અને ગાળો બોલવી સામાન્ય હતું.”

હલ:

જ્યારે તમે તમારા સાથી વિશે વાત કરો, ત્યારે એવું કહો જે ‘જરૂર પ્રમાણે ઉત્તેજન આપતી સારી વાતો હોય, જેથી સાંભળનારાઓને લાભ થાય.’ (એફેસીઓ ૪:૨૯) તમારા સાથી વિશે જે રીતે વાત કરો છો, એનાથી બીજાઓના મનમાં તેમના માટે આદર જાગવો જોઈએ.

એટલું જ નહિ તમે અને તમારા સાથી એકલા હો ત્યારે પણ એકબીજાને મહેણાં-ટોણાં મારવાનું કે ગાળાગાળી કરવાનું ટાળો. પ્રાચીન ઇઝરાયેલના રાજા દાઉદની પત્ની મીખાલ તેમના પર ગુસ્સે થઈ. તેણે પોતાના પતિને મહેણાં મારતા કહ્યું કે એનું વર્તન તો “કોઈ બેશરમ માણસ” જેવું છે. એના એ શબ્દો ન દાઉદને ગમ્યાં, કે ન ઈશ્વરને ગમ્યા. (૨ શમુએલ ૬:૨૦-૨૩) એમાંથી આપણે શું શીખી શકીએ? તમે તમારા સાથી સાથે વાત કરો ત્યારે, સમજી-વિચારીને બોલો. (કોલોસીઓ ૪:૬) પ્રણયનાં લગ્‍નને આઠ વર્ષ થઈ ગયા છે. તે સ્વીકારે છે કે આજે પણ તેઓ વચ્ચે મતભેદ થાય છે. અમુક વાર તે એવું કંઈક બોલી દે છે, જેના લીધે વાત વધારે બગડી જાય છે. તે કહે છે, “હું સમજી ગયો કે ‘દલીલ’ જીતવી એ ખરેખર હારવા બરાબર છે. સંબંધો મજબૂત કરવા જે પ્રયત્નો કરીએ છીએ એમાં જ સાચી ખુશી અને સંતોષ છે.”

ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક વૃદ્ધ વિધવાએ પોતાની વહુઓને કહ્યું, “પોતપોતાના પતિના ઘરમાં સુખ-શાંતિ” મેળવો. (રૂથ ૧:૯) પતિ-પત્ની એકબીજાને માન આપે ત્યારે, તે પોતાના ઘરમાં “સુખ-શાંતિ” લાવે છે.

આ કરી જુઓ: તમારા સાથી જોડે આ મથાળામાં આપેલી સલાહ પર ચર્ચા કરો. તમારા સાથીને પૂછો: “શું તને લાગે છે કે હું બીજાઓ સાથે તારા વિશે વાત કરું ત્યારે તને માન આપું છું? મારે ક્યાં સુધારો કરવાની જરૂર છે?” તમારા સાથી પોતાની લાગણી જણાવતા હોય ત્યારે, ધ્યાનથી સાંભળો. તેમણે કહ્યું હોય એમ કરવાની કોશિશ કરો.

સ્વીકારો કે તમારા સાથી તમારા કરતાં અલગ છે

પડકાર:

બાઇબલ કહે છે કે પતિ-પત્ની “એક શરીર” છે. (માથ્થી ૧૯:૫) હાલમાં જ લગ્‍ન થયા હોય, એવા અમુક યુગલો એ વાતનો ખોટો અર્થ સમજી બેસે છે. તેઓને લાગે છે કે પતિ-પત્નીના વિચારો અથવા સ્વભાવ સરખા જ હોવા જોઈએ, પણ એ સપનું તૂટતા વાર લાગતી નથી. તેઓના વિચારો અલગ હોવાને લીધે લગ્‍નના થોડા સમય પછી ઝગડા થવા લાગે છે. સંધ્યા કહે છે, “હું અને મારા પતિ અમુક રીતે એકદમ અલગ છીએ. જેમ કે, તે એટલી ચિંતા નથી કરતા જેટલી હું કરું છું. ક્યારેક તો કોઈ વાતના લીધે હું ચિંતામાં ડૂબેલી હોઉં, પણ તેમના પેટનું પાણીય ન હલે. એ જોઈને મને બહુ ગુસ્સો આવે. એવું લાગે કે તેમને એ વિશે કંઈ પડી જ નથી.”

હલ:

તમારા જીવનસાથી જેવા છે, એવાં જ સ્વીકારો. જો કોઈ વિષય પર તેમના વિચારો અલગ હોય, તો એ માટે તેમને આદર આપો. એ સમજવા એક દાખલો લઈએ: તમારી આંખો અને તમારા કાનનું કામ જુદું-જુદું છે. પણ તમારે રસ્તો પાર કરવો હોય ત્યારે એ બંને અંગો કેવા સંપીને કામ કરે છે! અનીતાનાં લગ્‍ન થયે આજે લગભગ ત્રીસ વર્ષ થઈ ગયા છે. તે કહે છે, “અમારા લગ્‍ન થયાં છે, અમે એકબીજાની કોપી નથી. એટલે જ્યાં સુધી અમારા વિચારોથી ઈશ્વરના ધોરણો તૂટતા ન હોય, ત્યાં સુધી અમારા વિચારો અલગ હોય એમાં અમને કોઈ વાંધો નથી.”

તમારા સાથીના વિચારો કે કોઈ બાબતને જોવાની રીત તમારા કરતાં અલગ હોય ત્યારે, ફક્ત પોતાનો જ વિચાર ન કરો. તેમની લાગણી સમજવાનો પ્રયત્ન કરો. (ફિલિપીઓ ૨:૪) અનીતાના પતિ સાગર કહે છે, “એવું નથી કે હું હંમેશાં મારી પત્નીની વાત સમજુ છું કે એની સાથે સહમત થઉં છું. પણ એ સમયે યાદ રાખું છું કે હું મારા વિચારો કરતાં મારી પત્નીને વધારે પ્રેમ કરું છું. એ ખુશ થાય ત્યારે, હું પણ ખુશ થઉં છું.”

આ કરી જુઓ: તમારા સાથીના વિચારો કે કામ કરવાની રીત તમારા કરતાં કઈ રીતે સારી છે, એ વિશે એક લીસ્ટ બનાવો.—ફિલિપીઓ ૨:૩.

જો તમે એકબીજાને આદર આપશો, તો તમારું લગ્‍નજીવન સુખી થશે અને કાયમ ટકી રહેશે. સંધ્યા કહે છે: “માન આપવાથી તમારો એકબીજા પર વિશ્વાસ વધશે અને સંતોષ અનુભવી શકશો. એટલે પતિ-પત્નીએ એકબીજાને માન આપવા મહેનત કરવી જોઈએ.” (w૧૧-E ૦૮/૦૧)

^ અમુક નામ બદલ્યાં છે.

પોતાને પૂછો . . .

  • મારો જીવનસાથી મારા કરતાં અલગ છે. એનાથી અમારા કુટુંબને કઈ રીતે મદદ મળી છે?

  • જો બાઇબલનો સિદ્ધાંત તૂટતો ન હોય, તો પોતાના સાથીની વાત માનવી કેમ સારું રહેશે?