હું કઈ રીતે સારા મિત્રો બનાવી શકું?
પાઠ ૮
હું કઈ રીતે સારા મિત્રો બનાવી શકું?
“જ્યારે હું ગુસ્સામાં હોઉં, ત્યારે મને ઊભરો ઠાલવવા કોઈક જોઈએ. જ્યારે હું ઉદાસ હોઉં, ત્યારે દિલાસો આપનાર કોઈક જોઈએ. જ્યારે ખુશ હોઉં, ત્યારે ખુશી વહેંચવા કોઈક જોઈએ. મારા માટે મિત્રો હોવા ખૂબ જરૂરી છે.”—બ્રિટની.
નાનાં બાળકોના મિત્રોમાં અને તરુણોના મિત્રોમાં ફરક હોય છે. નાનાં બાળકોને ફક્ત રમવા માટે મિત્રોની જરૂર હોય છે, જ્યારે કે તરુણોને મદદ અને સાથ માટે મિત્રોની જરૂર હોય છે.
વધુમાં, બાઇબલમાં લખ્યું છે: “સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.” (નીતિવચનો ૧૭:૧૭) અહીં જણાવેલો મિત્ર નાનપણમાં સાથે રમતા મિત્રો કરતાં અલગ છે, કેમ કે તેની સાથેની તમારી મિત્રતા વધારે ગાઢ છે.
હકીકત: તમે મોટા થાઓ છો તેમ તમને આવા મિત્રોની જરૂર હોય છે:
૧. જેઓમાં સારા ગુણો હોય
૨. જેઓનાં વાણી-વર્તન સારાં હોય
૩. જેઓ તમને સારી વ્યક્તિ બનવા મદદ કરે
સવાલ: તમે કઈ રીતે એવા મિત્રો બનાવી શકો? ચાલો એ ત્રણ મુદ્દાનો વિચાર કરીએ.
૧. સારા ગુણો
તમારે શું જાણવું જોઈએ? જરૂરી નથી કે બધા જ મિત્રો સાચા મિત્રો હોય. બાઇબલમાં લખ્યું છે: “એવા મિત્રો છે, જે એકબીજાને બરબાદ કરવા તૈયાર હોય છે.” (નીતિવચનો ૧૮:૨૪) પણ શું એ સાચું છે? આનો વિચાર કરો: શું કદી તમારા “મિત્રએ” તમારો ફાયદો ઉઠાવ્યો છે? અથવા શું કોઈએ કદી તમારી પીઠ પાછળ તમારી બૂરાઈ કરી છે, કે પછી તમારા વિશે અફવા ફેલાવી છે? જો એવું બન્યું હોય, તો તેઓ પરથી તમારો ભરોસો ઊઠી ગયો હશે, ખરું ને? a યાદ રાખો, કેટલા મિત્રો છે એ જરૂરી નથી, પણ કેવા મિત્રો છે એ જરૂરી છે.
તમે શું કરી શકો? એવા લોકોની દોસ્તી કરો, જેઓના સારા ગુણો તમે કેળવી શકો.
“બધા લોકો કહે છે કે મારી બહેનપણી ફિઓના બહુ જ સારી છે. હું પણ ચાહું છું કે લોકો મારા વિશે એવું બોલે. મારા દિલમાં તેના માટે ખૂબ માન છે અને હું તેના જેવી જ બનવા માંગું છું.”—૧૭ વર્ષની ઈવેટ.
અજમાવી જુઓ.
૧. ગલાતીઓ ૫:૨૨, ૨૩ વાંચો.
૨. પોતાને પૂછો: “શું મારા મિત્રો એ કલમોમાં જણાવેલા ગુણો બતાવે છે?”
૩. નીચે તમારા ખાસ મિત્રોનાં નામ લખો. પછી એ દરેક નામની બાજુમાં તેનો એક ગુણ લખો, જે તમારા મનમાં સૌથી પહેલા આવ્યો હોય.
નામ
․․․․․
ગુણ
․․․․․
સૂચન: જો તમારા મનમાં ખરાબ જ ગુણો આવ્યા હોય, તો સારા મિત્રો શોધવાનો સમય પાકી ગયો છે!
૨. સારાં વાણી-વર્તન
તમારે શું જાણવું જોઈએ? મિત્રો બનાવવા તમે જેટલા ઉતાવળા થશો, એટલી સહેલાઈથી ખરાબ લોકોને પોતાના મિત્રો બનાવી દેશો. બાઇબલમાં લખ્યું છે: “મૂર્ખનો સાથી બરબાદ થશે.” (નીતિવચનો ૧૩:૨૦) અહીં ‘મૂર્ખ’ શબ્દ એવા લોકોને નથી દર્શાવતો, જેઓ ભણવામાં ઠોઠ છે અથવા બહુ બુદ્ધિશાળી નથી. પણ એ એવા લોકોને બતાવે છે, જેઓ સારી સલાહને ગણકારતા નથી અને ખરાબ કામો કરે છે. એવા મિત્રોની તમને જરૂર નથી!
તમે શું કરી શકો? વ્યક્તિનો સ્વભાવ જાણ્યા વગર તેને મિત્ર ન બનાવી લો. સમજી-વિચારીને મિત્રો બનાવો. (ગીતશાસ્ત્ર ૨૬:૪) એનો અર્થ થાય કે તમે “નેક અને દુષ્ટ વચ્ચેનો ફરક અને ઈશ્વરની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક” પારખો અને પછી મિત્રો બનાવો.—માલાખી ૩:૧૮.
“હું મારાં મમ્મી-પપ્પાનો ખૂબ આભાર માનું છું, કેમ કે તેઓએ મને એવા મિત્રો બનાવવા મદદ કરી જેઓ મારી ઉંમરના છે, ઈશ્વરને પ્રેમ કરે છે અને તેમની કૃપા મેળવવા માંગે છે.”—૧૩ વર્ષનો ક્રિસ્ટોફર.
નીચે આપેલા સવાલોના જવાબ આપો:
મિત્રો સાથે હોઉં છું ત્યારે, શું મને એવો ડર હોય છે કે તેઓ કદાચ મને એવું કંઈક કરવા કહેશે, જે મારા મતે ખોટું છે?
□ હા
□ ના
શું મને એવો ડર લાગે છે કે જો મમ્મી-પપ્પા મારા મિત્રોને મળશે, તો તેઓને એ મિત્રો નહિ ગમે?
□ હા
□ ના
સૂચન: જો તમારા જવાબ “હા” હોય, તો એવા મિત્રો બનાવો, જેઓનાં વાણી-વર્તન સારાં હોય અને જેઓ ઈશ્વરને ખુશ કરવા માંગતા હોય.
૩. તમને સારી વ્યક્તિ બનવા મદદ કરે
તમારે શું જાણવું જોઈએ? બાઇબલમાં જણાવ્યું છે: “ખરાબ સંગત સારી આદતોને બગાડે છે.” (૧ કોરીંથીઓ ૧૫:૩૩) લોરેન નામની એક યુવતી કહે છે: “જ્યારે હું સ્કૂલના બીજા વિદ્યાર્થીઓના કહ્યા પ્રમાણે કરતી, ત્યારે જ તેઓ મારી સાથે બોલતા-ચાલતા. જો ન કરતી તો તેઓ બોલવા-ચાલવાનું બંધ કરી દેતા. હું ખૂબ એકલી પડી ગઈ હતી. એટલે મને થયું કે તેઓના જેવી જ બની જઉં.” લોરેન શીખી કે જ્યારે તમે બીજાઓનો પડ્યો બોલ ઝીલો છો, ત્યારે તેઓ તમને કઠપૂતળીની જેમ નચાવે છે. શું તમને આવા જ મિત્રો જોઈએ છે?
તમે શું કરી શકો? એવા લોકોની દોસ્તી તોડી નાખો, જેઓ તમને તેઓના જેવા બનવા દબાણ કરે છે. જો તમે એવું કરશો તો તમારા મિત્રો ઓછા હશે. પણ એમ કરવાથી તમે એવા દોસ્તો માટે દિલનો દરવાજો ખોલો છો, જેઓ તમને સારી વ્યક્તિ બનવા મદદ કરશે.—રોમનો ૧૨:૨.
“મારો જિગરી દોસ્ત ક્લિન્ટ સારા નિર્ણયો લે છે અને બીજાઓની લાગણીઓ સારી રીતે સમજે છે. તેનાથી મને બહુ જ ઉત્તેજન મળે છે.”—૨૧ વર્ષનો જેસન.
પોતાને પૂછો:
શું મારા મિત્રોને ખુશ કરવા મેં મારાં કપડાંની સ્ટાઇલ, બોલવાની રીત અને વાણી-વર્તન બદલ્યાં છે?
□ હા
□ ના
શું મારા મિત્રોને ખુશ કરવા હું એવી જગ્યાએ જઉં છું, જ્યાં મારે ન જવું જોઈએ?
□ હા
□ ના
સૂચન: જો તમારા જવાબ “હા” હોય, તો તમારાં મમ્મી-પપ્પા કે પછી કોઈ અનુભવી ભાઈ કે બહેન પાસે મદદ માંગો. જો તમે યહોવાના સાક્ષી હો, તો તમે કોઈ વડીલ પાસે પણ મદદ માંગી શકો.
[ફૂટનોટ]
a એ સાચું છે કે આપણા બધાથી ભૂલો થાય છે. (રોમનો ૩:૨૩) એટલે જ્યારે કોઈ મિત્ર તમને દુઃખ પહોંચાડે, પણ પછી એ માટે માફી માંગે ત્યારે યાદ રાખજો કે “પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.”—૧ પિતર ૪:૮.
મુખ્ય કલમ
“એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.”—નીતિવચનો ૧૮:૨૪.
સૂચન
જો તમે ખરા માર્ગે ચાલવાની કોશિશ કરો, તો તમે એવા મિત્રો સહેલાઈથી બનાવી શકશો જેઓ પણ તમારી જેમ ખરા માર્ગે ચાલવા મહેનત કરે છે. તેઓ તમારા સૌથી સારા મિત્ર બની શકશે!
શું તમે જાણો છો . . .?
ઈશ્વર ભેદભાવ નથી કરતા, પણ તે સમજી-વિચારીને નક્કી કરે છે કે તેમના “મંડપમાં કોણ મહેમાન” બનશે.—ગીતશાસ્ત્ર ૧૫:૧-૫.
મારે શું કરવું જોઈએ?
સારા મિત્રો શોધવા, હું આવું કરીશ ․․․․․
મારાથી મોટી ઉંમરના આ લોકોને હું વધારે ઓળખવા માંગું છું ․․․․․
દોસ્તી વિશે મારે મમ્મી-પપ્પાને કયા સવાલો પૂછવાના છે? ․․․․․
આનો વિચાર કરો:
● તમને શું લાગે છે, તમારા મિત્રોમાં કેવા ગુણો હોવા જોઈએ? શા માટે?
● સારા મિત્ર બનવા તમારે કયા ગુણો કેળવવાની જરૂર છે?
[પાન ૬૦ પર બ્લર્બ]
“મારાં મમ્મી-પપ્પાએ મને અમુક દોસ્તોથી દૂર રહેવા કહ્યું. તેઓની એ વાત મને જરાય ન ગમી, કેમ કે મારે તેઓ સાથે જ દોસ્તી રાખવી હતી. પણ મમ્મી-પપ્પાની સલાહ સારી હતી. જ્યારે મેં મારી આંખો પરથી પટ્ટી ઉતારી, ત્યારે સમજી શકી કે હું સારા મિત્રો બનાવી શકું છું.”—કોલ
[પાન ૬૧ પર બૉક્સ]
આવું કંઈક કરો:
તમારાં મમ્મી-પપ્પા સાથે વાત કરો. તેઓને પૂછો કે તમારી ઉંમરના હતા ત્યારે તેઓના મિત્રો કેવા હતા. શું એવા મિત્રો હોવાને લીધે તેઓને પસ્તાવો થાય છે? કેમ? તેઓને પૂછો કે તમે કઈ રીતે એવી જ ભૂલ કરવાનું ટાળી શકો.
મમ્મી-પપ્પાની મુલાકાત તમારા મિત્રો સાથે કરાવો. જો તમે એવું કરવા ન ચાહતા હો, તો પોતાને પૂછો, ‘શા માટે?’ શું તમારા મિત્રોમાં એવો કોઈ ગુણ છે, જે તમારાં મમ્મી-પપ્પાને નહિ ગમે? જો એવું હોય, તો તમારે મિત્રોની પસંદગીમાં વધારે ધ્યાન રાખવું જોઈએ.
સારા સાંભળનાર બનો. તમારા મિત્રો શું વિચારે છે, તેઓનાં જીવનમાં શું બની રહ્યું છે અને તેઓને શાની ચિંતા છે એમાં રસ લો.—ફિલિપીઓ ૨:૪.
માફ કરો. એવી આશા ન રાખો કે તમારા દોસ્તોથી ભૂલ નહિ થાય. “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.”—યાકૂબ ૩:૨.
તમારા મિત્રોને પોતાના માટે સમય વિતાવવા દો. એવું ન વિચારો કે તમારા મિત્રો ચોવીસે કલાક તમારી સાથે હોવા જોઈએ. જરૂરના સમયે સાચા મિત્રો ચોક્કસ તમારી પડખે હશે.—સભાશિક્ષક ૪:૯, ૧૦.
[પાન ૬૩ પર ચિત્ર]
જ્યારે તમે બીજાઓનો પડ્યો બોલ ઝીલો છો, ત્યારે તેઓ તમને કઠપૂતળીની જેમ નચાવે છે