વધારે માહિતી
યહોવાના સાક્ષીઓ કેમ ક્રોસમાં માનતા નથી?
આજે કરોડો લોકો ક્રોસની પૂજા કરે છે. ધી એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા કહે છે કે ક્રોસ ‘ખ્રિસ્તી ધર્મની મુખ્ય નિશાની છે.’ પરંતુ યહોવાના ભક્તો ક્રોસમાં માનતા નથી. કેમ નહિ?
એક મહત્ત્વનું કારણ આ છે: ઈસુ ક્રોસ પર મરણ પામ્યા ન હતા. ઘણા અનુવાદકોએ મૂળ ગ્રીક શબ્દ સ્ટાવરોસમાંથી ‘ક્રોસ’ અનુવાદ કર્યો છે. પણ
આ ગ્રીક શબ્દનો ખરો અર્થ ફક્ત ‘લાકડાંનો ઊભો થાંભલો કે સ્તંભ’ થાય છે. ધ કમ્પેનીઅન બાઇબલ કહે છે: ‘સ્ટાવરોસનો અર્થ એ નથી કે બે લાકડાં લઈને, એક આડું અને એક ઊભું એમ જોડી દેવાં. નવા કરારની મૂળ ગ્રીક ભાષામાં એવું કંઈ જ લખ્યું નથી, જે બતાવતું હોય કે સ્ટાવરોસ બે લાકડાંનાં ટૂકડાંનો બનેલો હતો.’ઈસુને જેના પર લટકાવવામાં આવ્યા, એના માટે બાઇબલના અમુક લેખકો બીજો એક ગ્રીક શબ્દ વાપરે છે. એ શબ્દ છે, ઝાઈલોન. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૦; ૧૦:૩૯; ૧૩:૨૯; ગલાતી ૩:૧૩; ૧ પિતર ૨:૨૪) એ શબ્દનો અર્થ થાય, ‘લાકડું,’ ‘થાંભલો કે ઝાડ.’
એ જમાનામાં ગુનેગારોને ફક્ત થાંભલા કે સ્તંભ પર લટકાવવામાં આવતા. એના વિશે જર્મન લેખક હરમન ફુલ્દાએ ક્રોસ અને ક્રોસ પર મોતની સજા (અંગ્રેજી) નામના પોતાના પુસ્તકમાં કહ્યું: “અમુક જગ્યાઓએ ગુનેગારને લટકાવવા માટે ઝાડ ન મળતા. એટલે ખાડો ખોદી લાકડાનો થાંભલો ઊભો કરવામાં આવતો. પછી ગુનેગારના હાથ ઊંચા કરીને થાંભલા પર બાંધી દેવામાં આવતા કે ખીલા ઠોકવામાં આવતા. તેના પગને પણ બાંધી દેવાતા કે એમાં ખીલા ઠોકવામાં આવતા.”
બાઇબલ સૌથી સારી સાબિતી આપે છે કે યહોવાના ભક્તો કેમ ક્રોસમાં માનતા નથી. ઈશ્વરભક્ત પાઉલે કહ્યું: ‘ખ્રિસ્તે આપણી વતી શાપિત થઈને, નિયમના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે એમ લખેલું છે, “જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે.”’ (ગલાતી ૩:૧૩) પાઉલ અહીં પુનર્નિયમ ૨૧:૨૨, ૨૩ની વાત કરે છે. એ જમાનામાં કોઈને ક્રોસ પર નહિ પણ થાંભલા પર લટકાવવામાં આવતા. આવી રીતે મોતની સજા પામનાર વ્યક્તિ ‘શાપિત’ બનતી. એટલે યહોવાના ભક્તો ઘરમાં ક્રોસ પર જડેલા ઈસુની કોઈ મૂર્તિ કે ચિત્ર રાખતા નથી.
ઈસુના મરણ પછી ૩૦૦ વર્ષ સુધી, ખ્રિસ્તીઓ ક્રોસની પૂજા કરતા ન હતા. પણ ચોથી સદીમાં અનેક દેવ-દેવીઓને પૂજતો સમ્રાટ કોન્સ્ટેન્ટાઈન નકલી ખ્રિસ્તી બની બેઠો. તેણે ક્રોસને ખ્રિસ્તી ધર્મની નિશાની બનાવ્યો. કોન્સ્ટેન્ટાઈને ભલે ગમે એ ઇરાદાથી આમ કર્યું હોય, પણ એક વાત તો ખરી કે ઈસુ અને ક્રોસને કંઈ લાગતું-વળગતું નથી. ક્રોસનું મૂળ તો
શેતાનના ધર્મમાંથી છે. ન્યૂ કૅથલિક એન્સાઇક્લોપીડિયા પણ કબૂલે છે: ‘ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ એ પહેલાં બીજા ધર્મોમાં પણ ક્રોસની પૂજા થતી હતી.’ બીજા જ્ઞાનકોશ અને ગ્રંથો પણ કહે છે કે ક્રોસ તો કુદરતી ચીજોની પૂજા અને જાતીય વાસના ભરેલી ધાર્મિક વિધિઓ સાથે જોડાયેલો છે.તો પછી, ક્રોસની પૂજાએ કેમ જોર પકડ્યું? એનું એક કારણ એ હતું કે એનાથી બીજા ધર્મોના લોકો પણ સહેલાઈથી નામ પૂરતા ખ્રિસ્તી બની શકતા. પણ બાઇબલ ચોખ્ખું જણાવે છે કે કોઈ પણ પ્રકારની મૂર્તિને ન ભજો. ઈશ્વરને એવી ભક્તિથી સખત નફરત છે. (નિર્ગમન ૨૦:૪, ૫; ૧ કરિંથી ૧૦:૧૪; ૨ કરિંથી ૬:૧૪-૧૮) એટલે યહોવાના સાક્ષીઓ ક્રોસ રાખતા નથી. એમાં માનતા નથી. એની પૂજા પણ કરતા નથી. *
^ ફકરો. 1 ક્રોસ વિશે વધારે જાણવા માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું આ પુસ્તક જુઓ: રીઝનીંગ ફ્રોમ ધ સ્ક્રીપ્ચર્સ પુસ્તક, પાન ૮૯-૯૩.