૨
રિબકા યહોવાને ખુશ કરવા ચાહતી હતી
યહોવા ઈશ્વર માટે રિબકાને ખૂબ પ્રેમ હતો. તે ઈસ્હાકની પત્ની હતી. ઈસ્હાકને પણ યહોવા માટે ખૂબ પ્રેમ હતો. રિબકા અને ઈસ્હાક એકબીજાને કઈ રીતે મળ્યાં? રિબકાએ કઈ રીતે બતાવ્યું કે તે યહોવાને ખુશ કરવા ચાહે છે? ચાલો, પહેલા આપણે રિબકાના પતિ ઈસ્હાક વિશે શીખીએ.
ઈસ્હાકના પપ્પાનું નામ ઈબ્રાહીમ અને મમ્મીનું નામ સારાહ હતું. તેઓ કનાન દેશમાં રહેતાં હતાં. ત્યાંના લોકો યહોવાને ભજતા ન હતા. ઈબ્રાહીમ ચાહતા હતા કે ઈસ્હાકના લગ્ન યહોવાને ભજતી છોકરી સાથે થાય. ઈબ્રાહીમનાં ઘણાં સગાં-વહાલાં હારાન દેશમાં રહેતાં હતાં. એટલે, ઈસ્હાક માટે ત્યાંથી પત્ની શોધવા તેમણે પોતાના ચાકર અલીએઝેરને મોકલ્યા.
ઈબ્રાહીમના બીજા ચાકરો સાથે અલીએઝેર હારાન જવા નીકળ્યા. એ દેશ ખૂબ જ દૂર હતો. અલીએઝેર દસ ઊંટો પર ખોરાક અને ઘણી બધી ભેટો લઈને ગયા. ઈસ્હાક માટે છોકરી પસંદ કરવાની તેમને કઈ રીતે ખબર પડી? ચાલો જોઈએ. તે અને બીજા ચાકરો હારાન આવ્યા ત્યારે એક કૂવા પાસે થોભ્યા. અલીએઝેરને ખબર હતી કે કૂવા પાસે ઘણી સ્ત્રીઓ પાણી ભરવા આવશે. તેમણે યહોવાને પ્રાર્થના કરી: ‘હું જે છોકરીને કહું કે, મને પાણી આપ; તે મને અને મારાં ઊંટોને પણ પાણી પીવડાવે તો, હું જાણીશ કે તમે ઈસ્હાક માટે એ છોકરી પસંદ કરી છે.’
એવામાં રિબકા કૂવા પાસે આવી. બાઇબલ કહે છે
કે તે બહુ જ સુંદર હતી. અલીએઝેરે તેની પાસે પાણી માંગ્યું. રિબકાએ કહ્યું: ‘હા, લો ને. તમે પીઓ. તમારાં ઊંટો માટે પણ હું પાણી લાવીશ.’ તરસ્યાં ઊંટો કેટલું પાણી પીએ? બહુ જ પાણી પીએ. ઊંટોને પાણી પીવડાવવા રિબકાએ કેટલી દોડાદોડ કરી હશે એની કલ્પના કરો! ચિત્રમાં જુઓ, રિબકા કેટલું કામ કરે છે?— યહોવાએ જે રીતે અલીએઝેરની પ્રાર્થનાનો જવાબ આપ્યો, એનાથી તેમને બહુ જ નવાઈ લાગી.અલીએઝેરે રિબકાને ઘણી સુંદર ભેટો આપી. પછી, રિબકાએ તેમને અને બીજા ચાકરોને ઘરે બોલાવ્યા. અલીએઝેરે રિબકાના પપ્પાને જણાવ્યું કે ઈબ્રાહીમે શા માટે તેમને મોકલ્યા છે. અને યહોવાએ કઈ રીતે તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. રિબકાના લગ્ન ઈસ્હાક સાથે કરાવવા તેનાં મમ્મી-પપ્પા રાજી થઈ ગયાં.
અલીએઝેર સાથે રિબકા કનાન દેશ ગઈ અને ઈસ્હાક જોડે લગ્ન કર્યા
ઈસ્હાક સાથે લગ્ન કરવા શું રિબકા રાજી હતી?— રિબકા જાણતી હતી કે યહોવાએ અલીએઝેરને મોકલ્યા છે. રિબકાનાં મમ્મી-પપ્પાએ તેને પૂછ્યું: ‘તું ઈસ્હાક સાથે લગ્ન કરવા રાજી છે? તું કનાન દેશ જઈશ?’ તેણે કહ્યું: ‘હા, જઈશ.’ પછી, તરત જ તેણે અલીએઝેર સાથે મુસાફરી કરી. કનાન દેશ જઈને રિબકાએ ઈસ્હાક જોડે લગ્ન કર્યા.
રિબકા યહોવાને ખુશ કરવા ચાહતી હતી. એટલે, યહોવાએ તેને આશીર્વાદ આપ્યા. ઘણાં વર્ષો પછી રિબકાના જ કુટુંબમાં ઈસુનો જન્મ થયો. જો તમે રિબકા જેવા બનશો અને યહોવાને ખુશ કરશો, તો યહોવા તમને પણ આશીર્વાદ આપશે.