“બાબેલ પડ્યું છે!”
સત્તરમું પ્રકરણ
“બાબેલ પડ્યું છે!”
૧, ૨. (ક) બાઇબલનો મુખ્ય વિષય કયો છે, પરંતુ યશાયાહના ૨૧માં અધ્યાયમાં બીજા કયા મહત્ત્વના વિષયો જોવા મળે છે? (ખ) બાઇબલમાં બાબેલોનના પતનની ચર્ચા કઈ રીતે કરવામાં આવી છે?
બાઇબલ એક એવા સુંદર સંગીત જેવું છે કે જેને એક મુખ્ય સૂર હોય છે, અને એમાં વચ્ચે બીજા નાના સૂરો ભળતા હોવાથી, એ અજોડ બની જાય છે. એવી જ રીતે, બાઇબલનો પણ એક મુખ્ય વિષય છે. એ વિષય મસીહી રાજ્ય દ્વારા યહોવાહની સર્વોપરિતાને દોષમુક્ત કરવાનો છે. વળી, એમાં વારંવાર દેખાઈ આવતા બીજા મહત્ત્વના નાના વિષયો પણ છે. એમાંનો એક વિષય બાબેલોનનું પતન છે.
૨ બાબેલોનના પતન વિષે સૌ પ્રથમ યશાયાહના અધ્યાય ૧૩ અને ૧૪માં બતાવવામાં આવ્યું છે. પછી એના વિષે અધ્યાય ૨૧, ૪૪ અને ૪૫માં ફરીથી ઉલ્લેખ કરવામાં આવે છે. એક સદી પછી, યિર્મેયાહ એ જ વિષય પર વધારે જણાવે છે અને પ્રકટીકરણનું પુસ્તક એની મોટી સમાપ્તિ કરે છે. (યિર્મેયાહ ૫૧:૬૦-૬૪; પ્રકટીકરણ ૧૮:૧–૧૯:૪) બાઇબલનો ઊંડો અભ્યાસ કરનાર દરેકે પરમેશ્વરના શબ્દના મહત્ત્વના વિષય પર મનન કરવું જોઈએ. યશાયાહનો ૨૧મો અધ્યાય આપણને એમાં મદદ કરે છે, કેમ કે એ આપણને મહાન જગત સત્તા, બાબેલોનના પતનની ભવિષ્યવાણી વિષે રસપ્રદ માહિતી આપે છે. પછીથી, આપણે જોઈશું કે યશાયાહનો ૨૧મો અધ્યાય બીજા એક મહત્ત્વના વિષય પર ભાર મૂકે છે, જે આજે આપણને ખ્રિસ્તીઓ તરીકે સાવધ રહેવાનું મૂલ્ય જોવા મદદ કરશે.
“કઠણ સંદર્શન”
૩. બાબેલોનને શા માટે ‘સમુદ્ર પાસેનું અરણ્ય’ કહેવામાં આવ્યું છે અને એ એના ભાવિ વિષે શું જણાવે છે?
૩ યશાયાહનો ૨૧મો અધ્યાય અશુભ સંદેશ સાથે શરૂ થાય છે: “સમુદ્ર પાસેના અરણ્ય વિષે દેવવાણી. દક્ષિણમાં વાવંટોળિયાના સુસવાટાની પેઠે આપત્તિ અરણ્યમાંથી, બીહામણા દેશમાંથી, આવે છે.” (યશાયાહ ૨૧:૧) બાબેલોન યુફ્રેટીસ નદીની બંને બાજુએ વસેલું છે અને એનો પૂર્વનો પ્રદેશ બે મોટી નદીઓ, યુફ્રેટીસ અને તાઇગ્રિસ વચ્ચે આવેલો છે. એ વિસ્તાર સમુદ્રથી થોડો દૂર છે. એમ હોય તો, એને કેમ ‘સમુદ્ર પાસેનું અરણ્ય’ કહેવામાં આવે છે? એનું કારણ કે બાબેલોનમાં દર વર્ષે પૂર આવતું, જેનાથી ત્યાં ચોતરફ કાદવવાળી જમીનનો મોટો “સમુદ્ર” બની જતો હતો. જો કે બાબેલોનીઓએ આ પાણીવાળા અરણ્યને ખાઈ, નહેરો અને નહેરોના દરવાજા બનાવીને, ચતુરાઈથી ઉપયોગમાં લીધું. તેઓએ કુશળતાથી આ પાણીનો ઉપયોગ શહેરના રક્ષણ માટે કર્યો. તોપણ, માનવીઓની કોઈ ચતુરાઈ પરમેશ્વરના ન્યાયકરણથી બાબેલોનને બચાવી શકશે નહિ. એ એક અરણ્ય હતું અને ફરીથી અરણ્ય બની જશે. એના માથે આફત આવી રહી છે. ઈસ્રાએલની દક્ષિણે આવેલા બિહામણા અરણ્યમાંથી કોઈક વખત આવતા તોફાની વંટોળિયાની માફક એ આવી રહી છે.—ઝખાર્યાહ ૯:૧૪.
૪. કઈ રીતે પ્રકટીકરણમાં આપવામાં આવેલું સંદર્શન ‘મહાન બાબેલોનનું’ “પાણી” અને ‘અરણ્યને’ ચિત્રિત કરે છે?
૪ આ પુસ્તકના ૧૪માં પ્રકરણમાં આપણે શીખ્યા તેમ પ્રાચીન બાબેલોન જેવું જ આજે પણ “મહાન બાબેલોન” મળતું આવે છે, જે જૂઠા ધર્મોનું જગત સામ્રાજ્ય છે. પ્રકટીકરણમાં, મહાન બાબેલોન પણ ‘અરણ્ય’ અને “પાણી” સાથે સંકળાયેલું છે. પ્રેષિત યોહાનને મહાન બાબેલોન બતાવવા અરણ્યમાં લઈ જવામાં આવે છે. તેમને જણાવવામાં આવે છે કે, આ વેશ્યા “ઘણાં પાણી પર બેઠેલી છે” અને આ પાણી “પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ” ચિત્રિત કરે છે. (પ્રકટીકરણ ૧૭:૧-૩, ૫, ૧૫) જૂઠા ધર્મો હંમેશા લોકોના ટેકાથી ટકી રહ્યા છે, પરંતુ અંતે એ “પાણી” પણ એને બચાવી શકશે નહિ. પ્રાચીન બાબેલોનની જેમ, આજનું બાબેલોન પણ ખાલી થઈ જશે. એ વેરાન અને ઉજ્જડ થઈ જશે.
૫. બાબેલોન કઈ રીતે “ઠગ” અને “લૂંટારો” બન્યું?
૫ યશાયાહના સમયમાં, બાબેલોન હજુ જગત સત્તા બન્યું ન હતું. પરંતુ, યહોવાહ જોઈ શકે છે કે જ્યારે એ બનશે, ત્યારે પોતાની સત્તાનો દુરુપયોગ કરશે. યશાયાહ કહે છે: “કઠણ સંદર્શન મારી આગળ દેખાય છે; ઠગ ઠગે છે, ને લૂંટારો લૂંટે છે.” (યશાયાહ ૨૧:૨ ક) ખરેખર, બાબેલોન યહુદાહ સહિત, જે દેશોને જીતશે, એને ઠગશે અને લૂંટશે. બાબેલોનીઓ યરૂશાલેમને ઉજ્જડ કરી નાખશે અને એના મંદિરને લૂંટીને એના લોકોને ગુલામ બનાવી લઈ જશે. ત્યાં આ નિઃસહાય ગુલામોને ઠગવામાં આવશે, તેઓના ધર્મની હાંસી ઉડાવવામાં આવશે અને તેઓને પોતાના વતન પાછા જવાની કોઈ આશા રહેશે નહિ.—૨ કાળવૃત્તાંત ૩૬:૧૭-૨૧; ગીતશાસ્ત્ર ૧૩૭:૧-૪.
૬. (ક) યહોવાહ કયા નિસાસાનો અંત લાવશે? (ખ) ભવિષ્યવાણી પ્રમાણે, બાબેલોન પર કોણ ચઢી આવશે, અને એ કઈ રીતે પૂરું થયું?
૬ હા, બાબેલોન પર “કઠણ સંદર્શન” આવે એ યોગ્ય જ છે, જેનો અર્થ એના માટે દુઃખના દિવસો હશે. યશાયાહ આગળ કહે છે: “હે એલામ, ચઢાઈ કર; હે માદાય, ઘેરો ઘાલ; મેં તેના સર્વ નિશ્વાસને બંધ કર્યો છે.” (યશાયાહ ૨૧:૨ ખ) આ ઠગ જેવા સામ્રાજ્યએ જેઓ પર જુલમ કર્યો છે તેઓને રાહત મળશે. આખરે, તેઓના નિસાસાનો અંત આવશે. (ગીતશાસ્ત્ર ૭૯:૧૧, ૧૨) પરંતુ એ રાહત કઈ રીતે મળશે? બાબેલોન પર હુમલો કરનારા બે દેશોનાં નામ યશાયાહ જણાવે છે: એલામ અને માદાય. બે સદીઓ પછી, ૫૩૯ બી.સી.ઈ.માં કોરેશની આગેવાની હેઠળ ઈરાન અને માદાયનાં લશ્કરો બાબેલોન સામે ચડી આવશે. એલામ વિષે શું? ઈરાનના રાજાઓએ ૫૩૯ બી.સી.ઈ. પહેલાં એને જીતી લીધું હશે. * તેથી, ઈરાની લશ્કરમાં એલામનો પણ સમાવેશ થશે.
૭. યશાયાહના સંદર્શનની તેમના પર કેવી અસર થાય છે, અને એનો શું અર્થ થાય છે?
૭ યશાયાહ પર એ સંદર્શનની કેવી અસર થઈ, એનું વર્ણન કરતા તે કહે છે: “તેથી મારી કમર દુઃખથી ભરપૂર છે; પ્રસૂતાની વેદના જેવી વેદના મારા પર આવી પડી છે; હું એવો વળી ગયો છું કે મારાથી સંભળાતું નથી; અને એવો ભયભીત થયો છું કે મારાથી જોવાતું નથી. મારૂં હૃદય વ્યાકુળ થયું છે, ભયથી હું ત્રાસ પામ્યો છું; સાંજનો આનંદનો વખત મારે માટે તો ધૂજારીનો વખત થયો છે.” (યશાયાહ ૨૧:૩, ૪) એમ લાગે છે કે પ્રબોધકને સાંજનો સમય વધુ ગમે છે, જે શાંતિથી મનન કરવા માટેનો સરસ સમય છે. પરંતુ, હવે સંધ્યાનો આનંદ જતો રહ્યો છે. એને બદલે, ફક્ત ભય, દુઃખ અને ધ્રુજારીનો સમય આવી ગયો છે. તેમને પ્રસૂતાની વેદના જેવી વેદના થાય છે, અને તેમનું હૃદય “વ્યાકુળ થયું છે.” એક તજજ્ઞ એનું ભાષાંતર આમ કરે છે: “મારા હૃદયના ધબકારા વધી ગયા છે.” એ બતાવે છે કે, તેમના “હૃદયના ધબકારા ઝડપથી અને અનિયમિત ચાલે” છે. શા માટે પ્રબોધકને આટલી બધી પીડા થાય છે? ખરું જોતાં, યશાયાહની લાગણીઓ પણ પ્રબોધકીય છે. એ બતાવે છે કે બાબેલોનીઓ ઑક્ટોબર ૫/૬, ૫૩૯ બી.સી.ઈ.ની રાત્રે એવી જ રીતે ભયભીત બની જશે.
૮. ભવિષ્યવાણી પ્રમાણે, બાબેલોનીઓના દુશ્મનો દીવાલની બહાર જ હતા, છતાં તેઓ કઈ રીતે વર્ત્યા?
૮ એ વિનાશક અંધારી રાત આવે છે ત્યારે, બાબેલોનીઓના મનમાં ભયનો અણસાર માત્ર હોતો નથી. યશાયાહે લગભગ બે સદીઓ અગાઉ ભાખ્યું હતું: “તેઓ ખાણાને માટે મેજ તૈયાર કરે છે, પહેરેગીરોને મૂકે છે, ખાય છે, પીએ છે.” (યશાયાહ ૨૧:૫ ક) હા, અહંકારી રાજા બેલ્શાસ્સારે મોટી મિજબાની રાખી છે. તેના અમીરઉમરાવો અને તેની ઘણી પત્નીઓ તથા ઉપપત્નીઓ માટે મેજ તૈયાર કર્યો હતો. (દાનીયેલ ૫:૧, ૨) આ જલસો માણનારાઓ જાણતા હતા કે, દીવાલની બહાર લશ્કર માથે આવીને ઊભું છે. પરંતુ, તેઓને અભિમાન હતું કે, તેઓનું શહેર તો અજેય છે. તેની મોટી મોટી દીવાલો અને એના ફરતેની ઊંડી ઊંડી ખાઈને કારણે કોઈ એને જીતી શકે નહિ; બાબેલોનના ઘણા દેવો હોવાને કારણે, એની હાર કઈ રીતે થઈ શકે? તેથી, ભલેને ‘ખાવા-પીવાની’ મહેફિલ થાય! બેલ્શાસ્સાર અને બીજા લોકો દારૂ પીને મસ્ત બની જાય છે. પરંતુ, યશાયાહના શબ્દો આગળ બતાવે છે તેમ, એ સુસ્ત અધિકારીઓને હોશમાં આવવાનો સમય અચાનક આવી પડે છે.
૯. ‘ઢાલને તેલ ચોપડવાની’ શા માટે જરૂર ઊભી થઈ?
૯ “ઊઠો, સરદારો, ઢાલને તેલ ચોપડો.” (યશાયાહ ૨૧:૫ ખ) એકાએક મિજબાનીનો અંત આવી જાય છે. રાજવીઓએ હોંશમાં આવી જવું પડે છે! ઘરડા પ્રબોધક દાનીયેલને ત્યાં બોલાવવામાં આવે છે અને તે જુએ છે કે, યશાયાહે વર્ણન કર્યા પ્રમાણે, યહોવાહ પરમેશ્વર બાબેલોનના રાજા બેલ્શાસ્સારને ભયભીત કરી નાખે છે. માદીઓ, ઈરાનીઓ અને એલામીઓના એક થયેલાં લશ્કરો શહેરના બચાવ માટેનાં બધા બંધનો તોડીને અંદર ઘૂસી આવે છે ત્યારે, રાજાના અમીરઉમરાવોની અક્કલ કામ કરતી નથી. બાબેલોન પળવારમાં હતું ન હતું થઈ ગયું! જો કે ‘ઢાલને તેલ ચોપડવાનો’ શું અર્થ થાય? અમુક વખત બાઇબલ દેશના રાજાનો ઉલ્લેખ ઢાલ તરીકે કરે છે, કેમ કે તે દેશનો બચાવ અને રક્ષણ કરનાર છે. * (ગીતશાસ્ત્ર ૮૯:૧૮) તેથી, યશાયાહની આ કલમ મોટે ભાગે નવા રાજાની જરૂર વિષે ભાખે છે. શા માટે? એનું કારણ એ કે, “તેજ રાત્રે” બેલ્શાસ્સાર માર્યો ગયો. આમ, ‘ઢાલને તેલ ચોપડવાની,’ અથવા નવા રાજાને નીમવાની જરૂર ઊભી થઈ.—દાનીયેલ ૫:૧-૯, ૩૦.
૧૦. લૂંટારા બાબેલોન વિરુદ્ધ પૂરી થયેલી યશાયાહની ભવિષ્યવાણીથી યહોવાહના ઉપાસકો કયો દિલાસો મેળવી શકે છે?
૧૦ સાચી ઉપાસનાના સર્વ ચાહકો આ અહેવાલમાંથી દિલાસો મેળવે છે. આજનું બાબેલોન, પ્રાચીન મહાન બાબેલોન જેવું જ ઠગ અને લૂંટારું છે. આજે પણ ધર્મગુરુઓ યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂકવા, સતાવવા અને ખોટી રીતે કર ભરવાની સજા કરવાના કાવતરાં ઘડે છે. પરંતુ, આ ભવિષ્યવાણી આપણને યાદ અપાવે છે કે યહોવાહ પરમેશ્વર એ બધા જ કાવતરાં જોઈ શકે છે અને તે તેઓને છોડશે નહિ. તેના નામ પર લાંછન લાવતા અને પોતાના લોકોને સતાવનાર સર્વ ધર્મોનો તે નાશ કરશે. (પ્રકટીકરણ ૧૮:૮) શું ખરેખર એમ થશે? આપણો વિશ્વાસ દૃઢ કરવા, આપણે એ જ જોવાની જરૂર છે કે, પ્રાચીન અને આજના બાબેલોનના પતન વિષેની યહોવાહની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ છે.
‘એ પડ્યું છે!’
૧૧. (ક) ચોકીદારની જવાબદારી શું હતી અને આજે ચોકીદાર તરીકે કોણ છે? (ખ) યુદ્ધના ગધેડાં અને ઊંટો શાને ચિત્રિત કરે છે?
૧૧ યહોવાહ હવે પ્રબોધક સાથે વાત કરે છે. યશાયાહ અહેવાલ આપે છે: “પ્રભુએ મને એમ કહ્યું છે, ચાલ, ચોકીદારને ઊભો રાખ; તે જે કંઈ જુએ તેની તે ખબર આપે.” (યશાયાહ ૨૧:૬) એ શબ્દો આ અધ્યાયનો બીજો મહત્ત્વનો વિષય જણાવે છે, એ ચોકીદાર છે. એ આજે સર્વ સાચા ખ્રિસ્તીઓ માટે રસપ્રદ છે, કેમ કે ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું કે, “જાગતા રહો.” નજીક આવી રહેલા યહોવાહના ન્યાયના દિવસ વિષે અને આ ભ્રષ્ટ જગતના જોખમો વિષે આપણને જણાવવામાં “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ઠંડા પડ્યા નથી. (માત્થી ૨૪:૪૨, ૪૫-૪૭) યશાયાહના સંદર્શનમાંનો ચોકીદાર શું જુએ છે? “જો તે સવારી, એટલે બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો, ગધેડાં ને ઊંટ પરના સવારો જુએ, તો ખૂબ ધ્યાન રાખી તે કાન દઈને સાંભળે.” (યશાયાહ ૨૧:૭) આ એક સવારી મોટે ભાગે હારબંધ ઘોડેસવારોને રજૂ કરે છે, જેઓ તાલીમ પામેલા ઘોડાઓની ઝડપે લડાઈ માટે ધસી આવે છે. ગધેડાં અને ઊંટ પરના સવારો યોગ્ય રીતે જ બે સત્તાઓ, માદાય અને ઈરાનને રજૂ કરે છે, જેઓ સાથે મળી આ આક્રમણ કરશે. વધુમાં, ઇતિહાસ સહમત થાય છે કે ઈરાની લશ્કરો લડાઈમાં ગધેડાં અને ઊંટ બંને વાપરતા હતા.
૧૨. યશાયાહના સંદર્શનનો ચોકીદાર કયા ગુણો બતાવે છે અને આજે એ ગુણોની કોને જરૂર છે?
૧૨ પછી, ચોકીદાર એક અહેવાલ આપવા મજબૂર થઈ જાય છે. “પછી તેણે સિંહની પેઠે પોકાર્યું, કે હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, ને આખી રાત પણ મને મારી ચોકી પર ઊભો રાખવામાં આવે છે; જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.” (યશાયાહ ૨૧:૮, ૯ ક) સંદર્શનનો ચોકીદાર “સિંહની પેઠે” હિંમતથી પોકારી ઊઠે છે. બાબેલોન જેવા અજેય લાગતા દેશ વિરુદ્ધ ન્યાયકરણનો સંદેશો પોકારવો કંઈ જેવી તેવી વાત નથી. એ હિંમત માગી લે છે. તેમ જ, એમાં સહનશીલતાની પણ જરૂર પડે છે. ચોકીદાર પોતાની ચોકીએ રાતદિવસ રહે છે, તે કદી પણ પોતાની સાવધાનીમાં ઠંડો પડતો નથી. એ જ રીતે, આજનો ચોકીદાર વર્ગ પણ હિંમત અને સહનશીલતા બતાવે છે. (પ્રકટીકરણ ૧૪:૧૨) સર્વ સાચા ખ્રિસ્તીઓ માટે પણ આ ગુણો ખૂબ જરૂરી છે.
૧૩, ૧૪. (ક) પ્રાચીન બાબેલોનનું શું થયું અને કઈ રીતે એની મૂર્તિઓ ભાંગવામાં આવી? (ખ) મહાન બાબેલોનનું પણ કઈ રીતે અને ક્યારે એવું જ પતન થયું?
૧૩ યશાયાહના સંદર્શનનો ચોકીદાર, યુદ્ધના ઘોડેસવારને આવતો જુએ છે. તે શું સમાચાર લાવે છે? “તેણે ઉત્તરમાં કહ્યું, બાબેલ પડ્યું છે, પડ્યું છે; તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.” (યશાયાહ ૨૧:૯ ખ) કેવા રોમાંચક સમાચાર! છેવટે, યહોવાહના લોકોને લૂંટનાર ઠગનો અંત આવ્યો! * પરંતુ, બાબેલોનના દેવોની કોરેલી મૂર્તિઓ કઈ રીતે ભાંગી નંખાઈ છે? શું માદાય-ઈરાની સૈનિકો બાબેલોનનાં મંદિરોમાં ઘૂસી જઈને તેઓની અસંખ્ય મૂર્તિઓને ભાંગીને ભૂક્કો કરશે? ના, એવું કંઈ કરવાની જરૂર નથી. બાબેલોનની મૂર્તિઓ એ રીતે ભાંગી જશે કે, તેઓ શહેરને બચાવવા કંઈ જ કરી શકે એમ નથી. બાબેલોનનું પતન એ રીતે થશે કે, હવેથી તે યહોવાહના લોકો પર જુલમ કરી શકશે નહિ.
૧૪ મહાન બાબેલોન વિષે શું? પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન તેણે કાવતરાં ઘડીને યહોવાહના લોકો પર જુલમ ગુજાર્યો, અને અમુક સમય માટે તેઓને બંદીવાન પણ બનાવ્યા. તેથી પ્રચાર કાર્ય લગભગ બંધ પડી ગયું. વૉચ ટાવર સોસાયટીના પ્રમુખ અને બીજા આગળ પડતા ભાઈઓને જૂઠા આરોપ હેઠળ કેદ કરવામાં આવ્યા. પરંતુ ૧૯૧૯માં બાજી પલટાઈ. તેઓને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યા, મુખ્ય મથકની ઑફિસો ફરીથી ખોલવામાં આવી અને પ્રચાર કાર્ય પૂરા જોશથી પાછું શરૂ થયું. આમ, મહાન બાબેલોન એ રીતે પડ્યું કે, પરમેશ્વરના લોકો પરની એની સત્તા ભાંગી પડી. * પ્રકટીકરણમાં સ્વર્ગ દૂત દ્વારા એ પડતી બે વાર જાહેર કરવામાં આવી છે, જેમણે યશાયાહ ૨૧:૯માંના શબ્દોનો ઉપયોગ કર્યો.—પ્રકટીકરણ ૧૪:૮; ૧૮:૨.
૧૫, ૧૬. કઈ રીતે યશાયાહના લોકો “ઝુડાએલા” છે અને તેઓ પ્રત્યેના યશાયાહના વલણમાંથી આપણે શું શીખી શકીએ?
૧૫ યશાયાહ આ પ્રબોધકીય સંદેશની સમાપ્તિ પોતાના લોકો માટેના માયાળુ શબ્દોથી કરે છે. તે કહે છે: “હે મારા ઝુડાએલા લોકો, મારી ખળીના દાણા, સૈન્યોનો દેવ યહોવાહ જે ઈસ્રાએલનો દેવ છે તેની પાસેથી જે સાંભળ્યું, તે મેં તમને જણાવ્યું છે.” (યશાયાહ ૨૧:૧૦) બાઇબલમાં, મોટે ભાગે પરમેશ્વરના લોકોને શિસ્ત આપવા અને સુધારવા સાંકેતિક રીતે ઝૂડવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરમેશ્વરના કરારના આ લોકો “ખળીના દાણા” બનશે, જ્યાં ફોતરાંમાંથી ઘઉં કાઢવામાં આવે છે. તેથી, ફક્ત સારા દાણા જ બાકી રહે છે. યશાયાહને આ શિસ્ત વિષે જણાવતા કંઈ ખુશી થતી નથી. એને બદલે, તેમને તો આ ભાવિના “ખળીના દાણા” માટે દયા આવે છે, જેઓમાંના ઘણા તો પોતાનું આખું જીવન વિદેશમાં ગુલામીમાં ગાળશે.
૧૬ એમાંથી આપણે સર્વ સારો બોધપાઠ શીખી શકીએ છીએ. આજે ખ્રિસ્તી મંડળમાં, અમુક જણ ખોટે માર્ગે જનારાઓ માટે દયા ન પણ બતાવતા હોય. વળી, શિસ્ત મેળવનારને મોટે ભાગે માઠું પણ લાગતું હોય શકે. તેમ છતાં, જો આપણે ધ્યાનમાં રાખીએ કે, યહોવાહ પોતાના લોકોના ભલા માટે શિસ્ત આપે છે, તો આપણે શિસ્તને મહત્ત્વની ગણીશું. આપણે એ મેળવનારાઓને પણ હલકાં નહિ ગણીએ. તેમ જ, આપણને શિસ્ત મળે ત્યારે માઠું નહિ લગાડીએ. ચાલો આપણે પરમેશ્વરની શિસ્તને તેમનો પ્રેમ માનીને સ્વીકારીએ.—હેબ્રી ૧૨:૬.
ચોકીદારને પૂછપરછ
૧૭. અદોમને શા માટે “દૂમાહ” કહેવામાં આવ્યું છે?
૧૭ યશાયાહના ૨૧માં અધ્યાયના બીજા પ્રબોધકીય સંદેશમાં ચોકીદાર મુખ્ય ભાગ ભજવે છે. એ કહે છે: “દૂમાહ વિષે દેવવાણી. સેઈરમાં કોઈ મારા ભણી પોકારે છે, રે ચોકીદાર, રાત કેટલી ગઈ? રે ચોકીદાર, રાત કેટલી ગઈ?” (યશાયાહ ૨૧:૧૧) આ દૂમાહ ક્યાં આવ્યું? બાઇબલના સમયમાં એ નામે એક કરતાં વધારે શહેરો હતાં. પરંતુ, અહીં એમાંના એક પણ શહેર વિષે વાત થતી નથી. સેઈરમાં કોઈ દૂમાહ નથી, જે અદોમનું બીજું નામ છે. જો કે “દૂમાહ” એટલે “મૌન” થાય છે. તેથી, એમ લાગે છે કે અગાઉની જાહેરાતમાં બન્યું હતું તેમ, દેશને એવું નામ આપવામાં આવ્યું હતું, જે એના ભાવિ વિષે જણાવતું હોય. અદોમ, જે પરમેશ્વરના લોકોનો લાંબા સમયથી દુશ્મન છે, એનો અંત મૌનમાં થશે. એટલે કે મૌનમાં જ એ મરણ પામશે. જો કે એમ બને એ પહેલાં, અમુક જણ ચિંતાતુર થઈને, ભાવિ વિષે પૂછપરછ કરશે.
૧૮. “સવાર થાય છે, ને રાત પણ આવે છે,” પ્રાચીન અદોમ વિષેની એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થાય છે?
૧૮ યશાયાહના લખાણ સમયે, અદોમ આશ્શૂરના શક્તિશાળી લશ્કરના હાથ નીચે હતું. અદોમના અમુક જણ એ જાણવા તલપી રહ્યા છે કે, તેઓ પરના જુલમનો અંત ક્યારે આવશે. એનો જવાબ શું છે? “ચોકીદારે કહ્યું, સવાર થાય છે, ને રાત પણ આવે છે.” (યશાયાહ ક) એ જવાબ અદોમ માટે સારા સમાચાર નથી. સવારનો ઝાંખો પ્રકાશ આકાશમાં દેખાય છે તો ખરો, પણ એ થોડી વાર માટેનો જ, છેતરામણો હશે. સવાર થતા જ તરત રાત થઈ જશે, એટલે કે જુલમનો બીજો અંધકારમય સમય આવશે. અદોમના ભાવિનું કેટલું યોગ્ય વર્ણન! આશ્શૂરીઓના જુલમનો અંત આવશે, પરંતુ બાબેલોન જગત સત્તા તરીકે આશ્શૂરને જીતી લેશે અને અદોમના મોટા ભાગનો વિનાશ કરશે. ( ૨૧:૧૨યિર્મેયાહ ૨૫:૧૭, ૨૧; ૨૭:૨-૮) વારંવાર એમ બનશે. બાબેલોનના જુલમ પછી, ઈરાનીઓ આવશે અને પછી ગ્રીસનો જુલમ થશે. રૂમીઓના સમયમાં જરા વાર માટે ફરી “સવાર” આવશે, જ્યારે અદોમના જ કુળમાંથી હેરોદ યરૂશાલેમની સત્તા મેળવશે. પરંતુ, એ “સવાર” લાંબી ટકશે નહિ. છેવટે, અદોમ કાયમને માટે મૌન બની જશે, એટલે કે ઇતિહાસમાંથી એનું નામનિશાન મટી જશે. અંતે, દૂમાહ નામ યોગ્ય રીતે એનું વર્ણન બની રહેશે.
૧૯. “જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરીને આવો,” એમ ચોકીદારના કહેવાનો શું અર્થ થઈ શકે?
૧૯ ચોકીદાર તેનો ટૂંકો સંદેશ આ શબ્દોથી પૂરો કરે છે: “જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરીને આવો.” (યશાયાહ ૨૧:૧૨ ખ) “ફરીને આવો,” આ શબ્દો અદોમ સામે આવનાર અસંખ્ય ‘રાતો’ બતાવતું હોય શકે. અથવા, એ વક્તવ્યનું ભાષાંતર “પાછા ફરો” પણ થતું હોવાથી, પ્રબોધક એમ સૂચવતા હોય શકે કે, અદોમની કોઈ પણ વ્યક્તિ દેશના વિનાશમાંથી બચી જવા ચાહતી હોય તો, તેણે પોતાના પાપોનો પસ્તાવો કરીને યહોવાહ પાસે “પાછા ફરવું” જોઈએ. બંને રીતે, ચોકીદાર તેઓને ફરીથી પૂછપરછ કરવા કહે છે.
૨૦. યશાયાહ ૨૧:૧૧માંની ભવિષ્યવાણી આજે યહોવાહના લોકો માટે કેમ મહત્ત્વની છે?
૨૦ આ ટૂંકી ભવિષ્યવાણી યહોવાહના આજના લોકો માટે બહુ જ મહત્ત્વની છે. * આપણે જાણીએ છીએ કે, મનુષ્યો પરમેશ્વરના જ્ઞાન વિષે ઘોર અંધકારમાં છે અને તેમનાથી દૂર ચાલ્યા ગયા છે, જે આ જગતને વિનાશમાં લઈ જશે. (રૂમી ૧૩:૧૨; ૨ કોરીંથી ૪:૪) આ અંધકારના સમયમાં, શાંતિ અને સલામતી લાવવા વિષેની કોઈ પણ આશા મનુષ્યો બતાવે તો, એ પ્રભાતના છેતરામણા કિરણો જેવી છે, જેના પછી તરત જ ઘોર અંધકાર છવાઈ જાય છે. પરંતુ, ખરેખરું પ્રભાત આવી રહ્યું છે, એ આ પૃથ્વી પર ખ્રિસ્તના હજાર વર્ષના રાજ્યનું પ્રભાત છે. જો કે જ્યાં સુધી આ રાત છે, ત્યાં સુધી આપણે ચોકીદાર વર્ગના માર્ગદર્શન પ્રમાણે જ ચાલવું જોઈએ. આપણે આત્મિક રીતે સાવધ રહેવું જોઈએ અને હિંમતથી આ ભ્રષ્ટ જગતનો અંત નજીક છે, એ વિષે જાહેર કરવું જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૫:૬.
અરબસ્તાન પર રાત આવી પડી
૨૧. (ક) “અરબસ્તાન” વિષે શું ભાખવામાં આવ્યું છે? (ખ) દદાનીઓના સંઘ શું છે?
૨૧ યશાયાહના ૨૧માં અધ્યાયની છેલ્લી ભવિષ્યવાણી “અરબસ્તાન” વિરુદ્ધ છે. એની શરૂઆત આ રીતે થાય છે: “અરબસ્તાન વિષે દેવવાણી. હે દદાનીઓના સંઘ, અરબસ્તાનમાંના જંગલમાં તમે ઊતરશો.” (યશાયાહ ૨૧:૧૩) મૂળ હેબ્રીમાં “અરબસ્તાન” એટલે “રણ” થાય છે. પરંતુ, આ ભવિષ્યવાણી અમુક આરબ કુળોને લાગુ પડે છે. એ ઉપરાંત, હેબ્રીમાં અમુક વાર ‘રણનું’ ભાષાંતર સાંજ પણ થઈ શકે છે. રણમાંના દૃશ્યથી એ ભવિષ્યવાણીની શરૂઆત થાય છે, જેમાં આરબના મુખ્ય કુળ દદાનીઓનો સંઘ નજરે પડે છે. એવા સંઘો એકથી બીજા રણદ્વીપો પર મરી-મસાલા, રત્નો, તથા બીજી મૂલ્યવાન વસ્તુઓ લઈને વ્યાપાર માટે જાણીતા માર્ગો પર મુસાફરી કરે છે. પરંતુ, આ દૃશ્યમાં આપણે જોઈએ છીએ કે, તેઓ પોતાનો જાણીતો માર્ગ છોડીને, રાત્રે સંતાઈને બેઠા છે. શા માટે?
૨૨, ૨૩. (ક) આરબ કુળો પર કઈ પીડા આવી પડનાર હતી, અને એની તેઓ પર કેવી અસર થઈ? (ખ) એ આફત કેટલી જલદી આવનાર હતી અને કોણ એ લઈ આવનાર હતું?
૨૨ યશાયાહ સમજાવે છે: “તેમા દેશના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો; રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો. કારણ કે તરવારોથી, નાગી તરવારોથી, તાણેલા ધનુષ્યથી, ને યુદ્ધની પીડાથી તેઓ નાસે છે.” (યશાયાહ ૨૧:૧૪, ૧૫) હા, યુદ્ધની પીડા આ આરબ કુળો પર આવી પડશે. તેમા પુષ્કળ પાણીવાળા રણદ્વીપમાં હતું, પરંતુ હવે તેને યુદ્ધથી નાસી છૂટનારાઓને પાણી અને રોટલી પૂરા પાડવા લાચાર થવું પડશે. આ આફત ક્યારે આવી પડશે?
૨૩ યશાયાહ આગળ કહે છે: “પ્રભુએ મને એમ કહ્યું છે, કે મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે; અને ધનુર્ધારીઓની સંખ્યાનો શેષ,—કેદારીઓના શૂરવીરો, થોડા થશે; કેમકે ઈસ્રાએલનો દેવ યહોવાહ બોલ્યો છે.” (યશાયાહ ૨૧:૧૬, ૧૭) કેદાર એટલું આગળ પડતું કુળ હતું કે, એક સમયે એ આખા અરબસ્તાનને રજૂ કરતું હતું. યહોવાહે નિર્ણય કર્યો છે કે, એ કુળના ધનુર્ધારીઓ અને શૂરવીરોની સંખ્યા એકદમ ઘટી જશે. એમ ક્યારે બનશે? ફક્ત “એક વર્ષની અંદર” જેમ મજૂરને મજૂરી ચૂકવવામાં આવી હોય, એટલો જ સમય તે મજૂરી કરશે. આ સર્વ કઈ રીતે પૂરું થયું, એ આપણે ચોક્કસ જાણતા નથી. આશ્શૂરના બે રાજા, સાર્ગોન બીજો અને સાન્હેરીબ, અરબસ્તાનને જીતી લેવાનો દાવો કરે છે. તેથી, ભવિષ્યવાણી પ્રમાણે બંનેમાંથી કોઈ એકે આ ઘમંડી આરબ કુળોનો નાશ કર્યો હોય શકે.
૨૪. આપણે કઈ રીતે ખાતરી રાખી શકીએ કે, અરબસ્તાન વિરુદ્ધની યશાયાહની ભવિષ્યવાણી જરૂર પૂરી થઈ હશે?
૨૪ જો કે આપણે ખાતરી રાખી શકીએ કે, આ અધ્યાયની અગાઉની બે ભવિષ્યવાણીઓની જેમ, આ પણ ચોક્કસ પૂરી થઈ હતી. એની ખાતરી એ ભવિષ્યવાણીના છેલ્લા શબ્દોથી મળે છે: “કેમકે ઈસ્રાએલનો દેવ યહોવાહ બોલ્યો છે.” યશાયાહના સમયના લોકો માટે, એ અશક્ય લાગતું હોય શકે કે બાબેલોન આશ્શૂરને જીતી લેશે. તેમ જ, એક રાતમાં મોજશોખની મહેફિલ દરમિયાન બાબેલોન સત્તા ગુમાવી બેસશે. એ જ પ્રમાણે, એ અશક્ય લાગ્યું હોય શકે કે, શક્તિશાળી અદોમનો મૌનમાં જ હંમેશ માટે અંત આવી જશે, અથવા ધનવાન આરબ કુળો પર આફત અને અછતની રાત આવી પડશે. પરંતુ, યહોવાહે કહ્યું એમ થશે અને એમ જ થયું. આજે, યહોવાહ આપણને જણાવે છે કે, જૂઠા ધર્મોના જગત સામ્રાજ્યનો અંત આવશે. આ કંઈ ફક્ત પોકળ વાતો નથી, પરંતુ એમ જરૂર થશે. યહોવાહ પરમેશ્વરે એમ કહ્યું છે!
૨૫. આપણે ચોકીદારનું ઉદાહરણ કઈ રીતે અનુસરી શકીએ?
૨૫ ચાલો, આપણે ચોકીદાર જેવા બનીએ. આપણે જાણે કે ચોકીબુરજ પર ઊભા હોઈએ એમ, જાગતા રહીએ અને આવનાર કોઈ પણ જોખમ વિષે ત્યાંથી દૂર દૂર સુધી ધ્યાનથી જોઈએ. ચાલો આપણે વિશ્વાસુ ચોકીદાર વર્ગ, પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્ત ખ્રિસ્તીઓની સાથે એક થઈને ચાલીએ. આપણે જે જોઈએ છીએ, એ વિષે હિંમતથી પોકારી ઊઠવા તેઓ સાથે જોડાઈએ: આજે આપણી પાસે અઢળક સાબિતી છે કે ખ્રિસ્ત સ્વર્ગમાં રાજ કરે છે. તે જલદી જ પરમેશ્વરથી દૂર થઈ ગયેલા મનુષ્યોની લાંબી, ઘોર રાતનો અંત લાવશે. એ પછી, તે ખરેખરું પ્રભાત લઈ આવશે, એટલે કે સુખ-શાંતિવાળી સુંદર બગીચા જેવી પૃથ્વી પર પોતે હજાર વર્ષ રાજ કરશે!
[ફુટનોટ્સ]
^ ઈરાની રાજા કોરેશને ઘણી વાર “એનશાનનો રાજા” કહેવામાં આવતો, જે એલામનો પ્રદેશ અથવા શહેર હતું. યશાયાહના સમયમાં, આઠમી સદી બી.સી.ઈ.માં ઈસ્રાએલીઓ ઈરાનથી બરાબર જાણકાર ન હોય શકે, જ્યારે કે તેઓ એલામથી સારી રીતે જાણકાર હતા. તેથી, અહીં યશાયાહ ઈરાનને બદલે એલામ કહે છે, એ સમજી શકાય એમ છે.
^ ઘણા બાઇબલ ટીકાકારોને લાગે છે કે, “ઢાલને તેલ ચોપડો” શબ્દો તો એક પ્રાચીન લશ્કરીય રીતને લાગુ પડે છે. એમાં તેઓ લડાઈ પહેલાં ચામડાંની ઢાલને તેલ ચોપડતા, જેથી એ લીસી બને અને દુશ્મનોના ઘા ચૂકી જવાય. જો કે યશાયાહની ભવિષ્યવાણી સૂચવે છે અને ઇતિહાસ પણ સહમત થાય છે કે, શહેરે હાર ખાધી એ રાત્રે બાબેલોનીઓને લડવાનો પણ મોકો મળ્યો ન હતો, તો પછી લડાઈની તૈયારી કરવા ઢાલ પર તેલ ચોપડવાની વાત તો બાજુએ જ રહી!
^ બાબેલોનના પતનની યશાયાહની ભવિષ્યવાણી એટલી બધી સાચી ઠરી કે, કેટલાક બાઇબલ ટીકાકારોનું કહેવું છે કે એ જરૂર બનાવો બન્યા પછી લખાઈ હોવી જોઈએ. પરંતુ હેબ્રી તજજ્ઞ એફ. ડેલીત્ઝ નોંધે છે તેમ, જો આપણે સ્વીકારીએ કે કોઈ પ્રબોધકને પરમેશ્વર તરફથી સદીઓ પછી થનાર બનાવો લખવા પ્રેરણા મળી શકે છે તો, એવા અનુમાનો કરવાની કોઈ જ જરૂર નથી.
^ પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પાન ૧૬૪-૯ જુઓ.
^ પ્રથમ વૉચટાવર (અંગ્રેજી) સામયિકથી ૫૯ વર્ષો સુધી, એના મુખ્ય પાન પર યશાયાહ ૨૧:૧૧ ચમકાવવામાં આવતી હતી. સોસાયટીના પ્રથમ પ્રમુખ, ચાર્લ્સ ટી. રસેલે આ જ કલમ પર પોતાનું છેલ્લું લેખિત પ્રવચન આપ્યું હતું. (સામેના પાના પરનું ચિત્ર જુઓ.)
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૧૯ પર ચિત્ર]
ભલે તેઓ ‘ખાય અને પીએ!’
[પાન ૨૨૦ પર ચિત્ર]
ચોકીદાર “સિંહની પેઠે” પોકારી ઊઠે છે
[પાન ૨૨૨ પર ચિત્ર]
‘હું દિવસે ને આખી રાત નિરંતર ઊભો રહું છું’