બૉક્સ ૪-ક
‘હું દૂતોને જોતો હતો’
હઝકિયેલે મહેલો અને મંદિરોની આગળ મોટી મોટી મૂર્તિઓ જોઈ હશે. એ મૂર્તિઓનાં માથાં માણસનાં અને શરીર આખલા કે સિંહનાં હતાં. એને પાંખો પણ હતી. જૂના જમાનાના આશ્શૂર અને બાબેલોનિયામાં જ્યાં જુઓ ત્યાં આવી મૂર્તિઓ જોવા મળતી. ત્યાંના લોકો માનતા કે આ મૂર્તિઓ તેઓનું રક્ષણ કરશે. કેટલીક મૂર્તિઓ લગભગ ૨૦ ફૂટ ઊંચી હતી. એ મોટી મૂર્તિઓ જોઈને લોકો મોંમાં આંગળાં નાખી જતા હશે. હઝકિયેલને પણ એ જોઈને નવાઈ લાગી હશે. એ મૂર્તિઓમાં ભલે શક્તિશાળી પ્રાણીઓને બતાવવામાં આવતાં, પણ એ કોઈ કામની ન હતી, કેમ કે એ પથ્થરની હતી.
પણ હઝકિયેલે દર્શનમાં જે ચાર “દૂતો” જોયા, એ તો જીવતા દૂતો હતા. આ “દૂતો” અને પેલી પથ્થરની મૂર્તિઓમાં કેટલો મોટો ફરક! જ્યારે હઝકિયેલે દૂતોને જોયા હતા ત્યારે તેમની નવાઈનો પાર રહ્યો ન હતો. એટલે હઝકિયેલે ભવિષ્યવાણીની શરૂઆતમાં જ “દૂતો” શબ્દ ૧૦થી વધારે વખત વાપર્યો. (હઝકિ. ૧:૫-૨૨) હઝકિયેલે જોયું કે એ ચાર દૂતો ઈશ્વરની રાજગાદી નીચે એકસાથે આવજા કરતા હતા. એનાથી હઝકિયેલને એક વાતની ખાતરી થઈ ગઈ હશે કે આખા વિશ્વ પર યહોવાની સત્તા છે. એ દર્શન પર વિચાર કરવાથી આજે આપણને પણ ખાતરી થાય છે કે યહોવા મહાન છે. તે શક્તિશાળી છે. યહોવા જ ગૌરવવાન છે. આખા વિશ્વ પર તેમને જ રાજ કરવાનો અધિકાર છે.—૧ કાળ. ૨૯:૧૧.