સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બંડનું શું પરિણામ આવ્યું છે?

બંડનું શું પરિણામ આવ્યું છે?

ભાગ ૭

બંડનું શું પરિણામ આવ્યું છે?

૧-૩. કઈ રીતે સમયે યહોવાહને ખરા સાબિત કર્યા છે?

 શાસન કરવાના દેવના હક્કની બાબતે, દેવથી સ્વતંત્ર આ સર્વ સદીઓના માનવી શાસનનું પરિણામ શું આવ્યું છે? શું માનવીઓ દેવ કરતાં વધુ સારા શાસકો પુરવાર થયાં છે? માણસે માણસ પ્રત્યે દાખવેલી અમાનવતાની નોંધથી ન્યાય કરીએ તો, સાચે જ નહિ.

આપણા પ્રથમ માબાપે દેવના શાસનનો નકાર કર્યો, ત્યારે આપત્તિ અનુસરી. તેઓ પોતા પર અને તેમનાથી આવેલા સર્વ માનવ કુટુંબ પર યાતના લાવ્યાં. અને તેઓ પોતા સિવાય બીજા કોઈને દોષ ન દઈ શક્યા. દેવનો શબ્દ કહે છે: “તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ તેનાં છોકરાં રહ્યાં નથી, એ તેઓની એબ છે; તેઓ અડીએલ તથા વાંકી પેઢી છે.”—પુનર્નિયમ ૩૨:૫.

ઇતિહાસે આદમ અને હવાને દેવની ચેતવણીનું ખરાપણું બતાવ્યું છે કે જો તેઓ દેવની જોગવાઈઓ હેઠળથી ખસી જશે, તો તેઓ જીર્ણ થશે અને છેવટે મરી જશે. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૧૯) તેઓ દેવના શાસન હેઠળથી ખસી ગયાં, અને સમય જતાં જરૂર તેઓ જીર્ણ થયાં અને મરી ગયાં.

૪. શા માટે આપણે બધા અપૂર્ણ, માંદગી અને મરણ તરફ ઢળેલાં જન્મ્યાં છીએ?

પછીથી તેમના સર્વ સંતાનોને શું થયું તે રૂમી ૫:૧૨ સમજાવે છે: “એક માણસ [આદમ, માણસજાતના કૌટુંબિક વડા]થી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” તેથી જ્યારે આપણા પ્રથમ માબાપે દેવના નિરીક્ષકપણા વિરુદ્ધ બંડ પોકાર્યું, ત્યારે તેઓ ખામીવાળા પાપીઓ બન્યાં. આનુવંશિકતાના નિયમોના સુમેળમાં, પોતાના સંતાનોને આપવા માટે તેમની પાસે જે સર્વ હતું તે તો પરિણમેલી અપૂર્ણતા જ હતી. તેથી જ આપણે સર્વ ખામીવાળા, માંદગી અને મરણ તરફ ઢળેલા જન્મ્યાં છીએ.

૫, ૬. સાચી શાંતિ અને સમૃદ્ધિ લાવવાના માણસના પ્રયત્નો વિષે ઇતિહાસ શું બતાવે છે?

ઘણી સદીઓ પસાર થઈ છે. સામ્રાજ્યો આવ્યાં અને ગયાં. કલ્પી શકાય એવા દરેક પ્રકારની સરકાર અજમાવાઈ છે. છતાં, માનવી કુટુંબને ફરી-ફરીને ભયંકર બાબતો થઈ છે. કોઈકને લાગી શકે કે છ હજાર વર્ષો પછી માનવીઓએ પૃથ્વીવ્યાપી શાંતિ, ન્યાય, અને સમૃદ્ધિ સ્થાપિત કરવાની હદ સુધી પ્રગતિ કરી હશે અને અત્યાર સુધીમાં તેમણે માયાળુપણું, દયા, અને સહકારના હકારાત્મક મૂલ્યો પર પ્રભુત્વ મેળવ્યું હશે.

જો કે, વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ જ છે. કદી પણ યોજવામાં આવેલી કોઈ પણ પ્રકારની સરકાર સર્વ માટે સાચી શાંતિ અને સમૃદ્ધિ લાવી નથી. ફક્ત આ ૨૦મી સદીમાં જ, આપણે હોલોકોસ્ટ દરમ્યાન લાખોના વ્યવસ્થિત ખૂન અને યુદ્ધોમાં ૧૦ કરોડથી વધુની કતલ જોયાં છે. આપણા સમયમાં અસહિષ્ણુતા અને રાજકીય મતભેદોને લીધે અસંખ્ય લોકોને રિબાવવામાં, ખૂન કરવામાં, અને કેદ કરવામાં આવ્યાં છે.

આજની સ્થિતિ

૭. આજે માનવ કુટુંબની સ્થિતિ કઈ રીતે વર્ણવી શકાય?

વધુમાં, આજે આખા માનવ કુટુંબની સ્થિતિનો વિચાર કરો. ગુન્હો અને હિંસા રવાડે ચઢ્યાં છે. કેફી દવાઓની બદી મરકી બની છે. જાતીયતાથી ફેલાતા રોગો વ્યાપક છે. ડરામણો રોગ એઇડ્‌સ્‌ (AIDS) લાખો લોકોને અસર કરી રહ્યો છે. દર વર્ષે કરોડો લોકો ભૂખ અથવા માંદગીથી મરે છે, જ્યારે કે નાની સંખ્યા પાસે વિશાળ ધનસંપત્તિ છે. માનવીઓ પૃથ્વીને પ્રદુષિત કરે છે અને લૂંટે છે. દરેક જગાએ કૌટુંબિક જીવન અને નૈતિક મૂલ્યો ભાંગી ગયા છે. સાચે જ, આજનું જીવન ‘આ જગતના દેવ’ શેતાનના કદરૂપા શાસનનું પ્રતિબિંબ પાડે છે. તે જે જગતનો માલિક છે એ ઠંડુ, કઠોર, અને પૂરેપૂરું ભ્રષ્ટ છે.—૨ કોરીંથી ૪:૪.

૮. શા માટે આપણે માણસજાતની સિદ્ધિઓને સાચી પ્રગતિ ન કહી શકીએ?

દેવે માનવીઓને તેમની વૈજ્ઞાનિક અને ભૌતિક પ્રગતિના શિખર સુધી પહોંચવા પૂરતો સમય આપ્યો છે. પરંતુ શું એ ખરી પ્રગતિ છે જ્યારે તીરકમાનની જગા મશિનગનો, ટેન્કો, જેટ બોમ્બરો, અને ન્યુક્લીયર મિસાઈલોએ લીધી છે? શું એ પ્રગતિ છે જ્યારે લોકો અવકાશમાં મુસાફરી કરી શકે છે પરંતુ પૃથ્વી પર શાંતિથી સાથે રહી શકતાં નથી? શું એ પ્રગતિ છે જ્યારે લોકો રાત્રે, અરે અમુક જગાઓએ તો દિવસે પણ, ગલીઓમાં ફરતાં ડરે છે?

સમયે શું બતાવ્યું છે

૯, ૧૦. (અ) પાછલી સદીઓના સમયે સ્પષ્ટપણે શું બતાવ્યું છે? (બ) શા માટે દેવ સ્વતંત્ર ઇચ્છા લઈ નહિ લે?

સદીઓના સમયની કસોટીએ બતાવ્યું છે કે માનવીઓ દેવના શાસનથી અલગ પોતાના પગલાં સફળતાપૂર્વક દોરે એ શક્ય નથી. તેઓને માટે એમ કરવું એટલું અશક્ય છે જેટલું ખાવા, પીવા, અને શ્વાસ વિના જીવવું અશક્ય છે. પુરાવો સ્પષ્ટ છે: આપણને જેટલા ચોક્કસપણે ખોરાક, પાણી, અને હવા પર આધારિત ઉત્પન્‍ન કરવામાં આવ્યાં હતાં તેટલાં જ આપણા ઉત્પન્‍નકર્તાના માર્ગદર્શન પર આધારિત રહેવા ઘડવામાં આવ્યાં હતાં.

૧૦ દુષ્ટતાને પરવાનગી આપીને, દેવે એક વખત અને હંમેશ માટે સ્વતંત્ર ઇચ્છાના દુરુપયોગના માઠાં પરિણામો પ્રદર્શિત કર્યાં છે. અને સ્વતંત્ર ઇચ્છા એટલી કિંમતી ભેટ છે કે એ માનવીઓ પાસેથી લઈ લેવાને બદલે, દેવે તેઓને એના દુરુપયોગનો અર્થ શું થાય છે એ જોવાની તક આપી છે. દેવનો શબ્દ સત્ય બોલે છે, જ્યારે તે કહે છે: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” એ ત્યારે પણ સત્યપૂર્ણ છે જ્યારે એ કહે છે: “માણસ બીજા માણસ પર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—યિર્મેયાહ ૧૦:૨૩; સભાશિક્ષક ૮:૯.

૧૧. શું કોઈ પણ પ્રકારના માનવી શાસને યાતના નાબૂદ કરી છે?

૧૧ છ હજાર વર્ષો સુધી માનવી શાસનને દેવની પરવાનગી ખાતરીપૂર્વક દ્રષ્ટાંત બેસાડે છે કે માણસ યાતનાને અટકાવવા અસમર્થ છે. કોઈ પણ સમયે તેણે એમ કર્યુ નથી. દાખલા તરીકે, ઈસ્રાએલનો રાજા સુલેમાન, તેના ડહાપણ, ધનદોલત, અને સામર્થ્ય છતાં, તેના દિવસોમાં, માનવી શાસનમાંથી પરિણમતા અતિદુઃખને દૂર ન કરી શક્યો. (સભાશિક્ષક ૪:૧-૩) એવી જ રીતે, આપણા દિવસોમાં દુનિયાના નેતાઓ, તેમની છેલ્લામાં છેલ્લી તકનિકી પ્રગતિ છતાં, યાતનાને દૂર કરી શક્યાં નથી. ઉલ્ટાનું, ઇતિહાસ બતાવે છે કે દેવના શાસનથી સ્વતંત્ર રહીને માનવીઓએ યાતનાને નાબૂદ કરવાને બદલે એને વધારી છે.

દેવની દીર્ઘ દ્રષ્ટિ

૧૨-૧૪. યાતનાને દેવની પરવાનગીને પરિણામે કયા લાંબા ગાળાના લાભો આવે છે?

૧૨ દેવે યાતનાને આપેલી પરવાનગી આપણા માટે પીડાકારક છે. પરંતુ તેમણે દીર્ઘદ્રષ્ટિ વાપરી છે, એ જાણીને કે લાંબા ગાળે સારા પરિણામો આવશે. દેવની દ્રષ્ટિ પ્રાણીઓને લાભ કરશે, ફક્ત થોડા વર્ષો અથવા થોડા હજાર વર્ષો માટે જ નહિ, પરંતુ લાખો વર્ષો સુધી, હા, સર્વ અનંત સમય સુધી લાભ કરશે.

૧૩ ભવિષ્યમાં કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ બાબતો કરવાની દેવની રીત વિષે પ્રશ્ન ઊઠાવી સ્વતંત્ર ઇચ્છાનો દુરુપયોગ કરે એવી સ્થિતિ ઊભી થાય, તો તેને પોતાની દ્રષ્ટિઓ સાબિત કરવાનો પ્રયત્ન કરવા સમય આપવો જરૂરી નહિ રહે. બંડખોરોને હજારો વર્ષોની પરવાનગી આપી હોવાથી, દેવે કાયદેસર ઉદાહરણ સ્થાપિત કર્યું છે જેને અનંતતા દરમ્યાન વિશ્વમાં ગમે ત્યાં લાગુ પાડી શકાય.

૧૪ આ સમયે દુષ્ટતા અને યાતનાને યહોવાહે પરવાનગી આપી છે તેથી, એ સાબિત કરવામાં આવી ચૂક્યું હશે કે તેમની સાથે સુમેળમાં ન હોય એવું કંઈ પણ સમૃદ્ધ થઈ ન શકે. એ કોઈ પણ શંકાથી પર બતાવાયું હશે કે માનવી અથવા આત્મિક પ્રાણીઓની કોઈ પણ સ્વતંત્ર યોજના કાયમી લાભો લાવી ન શકે. તેથી, કોઈ પણ બંડખોરને ઝડપથી કચડવામાં દેવ પૂર્ણ રીતે ન્યાયી ઠરશે. “સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૨૦; રૂમી ૩:૪.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

આપણા પ્રથમ માબાપે દેવથી સ્વતંત્રતા પસંદ કર્યા પછી, છેવટે તેઓ વૃદ્ધ થયાં અને મૃત્યુ પામ્યાં

[પાન ૧૬ પર ચિત્રો]

દેવથી અલગ માનવ શાસન આપત્તિગ્રસ્ત સાબિત થયું છે

[ક્રેડીટ લાઈન]

U.S. Coast Guard photo