સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના આશીર્વાદો સદા રહેશે

યહોવાના આશીર્વાદો સદા રહેશે

પાઠ ૧૮

યહોવાના આશીર્વાદો સદા રહેશે

“સત્ય તમને મુક્ત કરશે.” આ શબ્દોથી ઈસુ શું કહેવા માંગે છે?—યોહાન ૮:૩૨.

કેવી રીતે મુક્તિ મેળવશો? જરા વિચાર કરો, હવે તમને ખબર છે કે આત્મા જેવી કોઈ ચીજ નથી, કર્મનું શિક્ષણ ખોટું છે, મૂર્તિઓની પૂજા કરવી એ પણ નકામી છે. તમને ખબર પડી કે આ બધા શેતાનના ફાંદાઓ છે, જેમાંથી તમને આઝાદી મળી છે. આપણે દુનિયાના ઘણા લોકોની જેમ ગમગીન જીવન જીવતા નથી. આપણી પાસે એક સુંદર આશા છે. (રોમનો ૮:૨૨) અરે, આપણે ગુજરી જઈએ તોપણ, યહોવા આપણને ફરી જીવતા કરી શકે છે!—હિબ્રૂ ૨:૧૪, ૧૫.

નવી દુનિયામાં આનંદનો કોઈ પાર નહિ હોય. શેતાનનો નાશ થશે પછી તમને કદી મારામારી, લડાઈ કે બીમારીના સમાચાર સાંભળવા નહિ મળે. તમારે રોટી, કપડાં અને મકાનની કોઈ ચિંતા કરવી નહિ પડે. કેમ કે, ઈશ્વર વચન આપે છે: ‘હું ખુલ્લે હાથે સર્વની ઇચ્છાને પૂરી કરીશ.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.

તમે કાયમ માટે જીવશો. તમે કદી ઘરડા નહિ થાઓ, અને મરણ તો હશે જ નહિ! યહોવા તમને સુખી જીવનનું વરદાન આપશે. (રોમનો ૬:૨૩) કલ્પના કરો કે તમે એ જીવનમાં શું કરી શકશો!

કદી કંટાળો નહિ આવે. તમને જે કરવાનું મન થાય એ કરી શકશો. દાખલા તરીકે, તમે તબલા, સિતાર જેવા અનેક વાજિંત્રો વગાડવાનું શીખી શકશો. મીઠાં મધુર ગીતો ગાવાનું શીખી શકશો. ચિત્રકાર કે કલાકાર બની શકશો. અરે, તમે બધા દેશોને જોઈ શકશો. બધા જાનવરો વિશે ઘણું બધું શીખી શકશો.

બધા લોકો સંપીને રહેશે. યહોવાના બધા ભક્તોનો પ્યાર, ગુલાબની જેમ ખીલી ઊઠશે. (૧ કોરીંથી ૧૩:૮) પરંતુ, સૌથી મોટો આશીર્વાદ આ છે: લાખો વર્ષો વીતે તોપણ, તમે યહોવાની સાથોસાથ ચાલી શકશો!