ઉત્પત્તિ ૩૩:૧-૨૦

  • યાકૂબ એસાવને મળે છે (૧-૧૬)

  • યાકૂબ શખેમ જાય છે (૧૭-૨૦)

૩૩  યાકૂબે નજર ઉઠાવીને જોયું તો, એસાવ અને તેની સાથે ૪૦૦ માણસો આવી રહ્યા હતા.+ એટલે તેણે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી આપ્યાં.+ ૨  તેણે દાસીઓ અને તેઓનાં બાળકોને સૌથી આગળ રાખ્યાં.+ લેઆહ અને તેનાં બાળકોને વચ્ચે રાખ્યાં.+ રાહેલ+ અને યૂસફને છેલ્લે રાખ્યાં. ૩  પછી યાકૂબ એ સર્વની આગળ ગયો. તેના ભાઈની નજીક પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા. ૪  યાકૂબને જોઈને એસાવ તેને મળવા દોડ્યો. તે યાકૂબને ભેટી પડ્યો, તેને ચુંબન કર્યું અને તેઓ બંને પોક મૂકીને રડ્યા. ૫  સ્ત્રીઓ અને બાળકોને જોઈને એસાવે યાકૂબને પૂછ્યું: “તારી સાથે આ બધાં કોણ છે?” તેણે કહ્યું: “આ મારાં બાળકો છે. ઈશ્વરની મહેરબાનીથી મને એ બાળકો થયાં છે.”+ ૬  દાસીઓએ અને તેઓનાં બાળકોએ આગળ આવીને એસાવને નમન કર્યું. ૭  પછી લેઆહે અને તેનાં બાળકોએ નમન કર્યું. છેલ્લે, રાહેલે અને યૂસફે પણ નમન કર્યું.+ ૮  એસાવે પૂછ્યું: “જે લોકો અને ઢોરઢાંક મને રસ્તામાં મળ્યાં, એ બધાં તેં કેમ મોકલ્યાં?”+ યાકૂબે કહ્યું: “જેથી હું મારા માલિકની નજરમાં કૃપા પામું.”+ ૯  એસાવે કહ્યું: “મારા ભાઈ, મારી પાસે ખૂબ માલ-મિલકત છે.+ જે તારું છે એ તારી પાસે રાખ.” ૧૦  પણ યાકૂબે કહ્યું: “ના, એમ ન કહેશો. જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં, તો મહેરબાની કરીને મારા હાથે આ ભેટ સ્વીકારો. મેં આ ભેટ મોકલી, જેથી તમારું મોં જોઈ શકું. જ્યારે તમે મને ખુશીથી આવકાર્યો,+ ત્યારે મને એવું લાગ્યું કે તમારું મોં જોવું જાણે ઈશ્વરનું મોં જોવા બરાબર છે. ૧૧  મારા દિલની દુઆ છે કે, તમારું હંમેશાં ભલું થાય અને આ ભેટ એની નિશાની છે.+ ઈશ્વરની કૃપાથી મારી પાસે બધું છે, મને કશાની ખોટ નથી.+ કૃપા કરીને એ ભેટ સ્વીકારો.” યાકૂબે ખૂબ આગ્રહ કર્યો, એટલે એસાવે એ ભેટ સ્વીકારી. ૧૨  એસાવે કહ્યું: “ચાલ, અહીંથી જઈએ. હું તારી આગળ જઈને તને રસ્તો બતાવીશ.” ૧૩  પણ યાકૂબે કહ્યું: “મારા માલિક, તમે જાણો છો કે મારાં બાળકો હજી નાનાં છે.+ મારાં ઘેટાં અને ઢોરઢાંકનાં બચ્ચાં ધાવણાં છે. જો તેઓને એક દિવસ પણ ઝડપથી ચલાવીએ, તો આખું ટોળું મરી જશે. ૧૪  એટલે મારા માલિક, તમે તમારા દાસની આગળ જાઓ. હું બાળકો અને ઢોરઢાંક સાથે ધીમે ધીમે ચાલીને આવીશ અને તમને સેઈર દેશમાં મળીશ.”+ ૧૫  એસાવે કહ્યું: “ભલે, હું મારા થોડા ચાકરો તારી પાસે મૂકીને જાઉં છું.” યાકૂબે કહ્યું: “એની શી જરૂર છે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું જ બસ છે.” ૧૬  તેથી એસાવ એ દિવસે પાછો સેઈર જવા નીકળ્યો. ૧૭  યાકૂબ મુસાફરી કરીને સુક્કોથ પહોંચ્યો.+ ત્યાં તેણે પોતાના માટે ઘર બાંધ્યું અને ઢોરઢાંક માટે માંડવા ઊભા કર્યા. તેથી તેણે એ જગ્યાનું નામ સુક્કોથ* પાડ્યું. ૧૮  પાદ્દાનારામથી+ મુસાફરી કરીને યાકૂબ સહીસલામત કનાન+ દેશના શખેમ+ શહેર પહોંચ્યો. તેણે એ શહેર નજીક પોતાનો પડાવ નાખ્યો. ૧૯  પછી તેણે જ્યાં પડાવ નાખ્યો હતો એ જમીન ખરીદી લીધી. એ તેણે હમોરના દીકરાઓ પાસેથી ચાંદીના ૧૦૦ ટુકડામાં ખરીદી.+ હમોરના એક દીકરાનું નામ શખેમ હતું. ૨૦  ત્યાં યાકૂબે એક વેદી બાંધી અને એનું નામ ‘ઈશ્વર, ઇઝરાયેલના ઈશ્વર’ પાડ્યું.+

ફૂટનોટ

અર્થ, “માંડવા; છાપરાં.”