એસ્તેર ૯:૧-૩૨

  • યહૂદીઓની જીત (૧-૧૯)

  • પૂરીમના તહેવારની શરૂઆત (૨૦-૩૨)

 હવે ૧૨મા મહિનાના, એટલે કે અદાર* મહિનાના ૧૩મા દિવસે+ રાજાનો હુકમ અને નિયમ અમલમાં આવવાના હતા.+ યહૂદીઓના દુશ્મનો આશા રાખતા હતા કે તેઓ એ દિવસે યહૂદીઓને કચડી નાખશે, પણ એનાથી ઊલટું જ બન્યું. યહૂદીઓએ એ દુશ્મનોને હરાવી દીધા, જે તેઓને નફરત કરતા હતા.+ ૨  એ દિવસે રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોનાં શહેરોમાં+ રહેતા યહૂદીઓ ભેગા થયા. તેઓને નુકસાન પહોંચાડવા માંગતા લોકો પર હુમલો કરવા* તેઓ સજ્જ થયા. એકેય માણસ યહૂદીઓ સામે ટકી શક્યો નહિ, કેમ કે તેઓનો ડર બધા લોકો પર છવાઈ ગયો હતો.+ ૩  પ્રાંતોના બધા અધિકારીઓ, સૂબાઓ,+ રાજ્યપાલો અને રાજાનો વહીવટ સંભાળતા માણસોએ યહૂદીઓને સાથ આપ્યો, કેમ કે તેઓ મોર્દખાયથી ડરતા હતા. ૪  રાજાના મહેલમાં* મોર્દખાય ઉચ્ચ પદે નિમાયો હતો.+ તેની નામના સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી, કેમ કે તેની સત્તા દિવસે ને દિવસે વધી રહી હતી. ૫  યહૂદીઓએ પોતાના બધા દુશ્મનોને હરાવી દીધા, તેઓને તલવારથી મારી નાખ્યા અને તેઓનો વિનાશ કર્યો. દુશ્મનો સાથે તેઓ મન ફાવે એમ વર્ત્યા.+ ૬  શુશાન+ કિલ્લામાં યહૂદીઓએ ૫૦૦ માણસોને મારી નાખ્યા. ૭  તેઓએ આ માણસોની પણ કતલ કરી: પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, ૮  પોરાથા, અદાલ્યા, અરીદાથા, ૯  પાર્માશ્તા, અરીસાય, અરીદાય અને વાઈઝાથા. ૧૦  એ દસ માણસો હામાનના દીકરાઓ હતા. હામ્મદાથાનો દીકરો હામાન યહૂદીઓનો દુશ્મન હતો.+ એ દસ માણસોને મારી નાખ્યા પછી યહૂદીઓએ તેઓની એકેય વસ્તુ લૂંટી નહિ.+ ૧૧  એ દિવસે શુશાન કિલ્લામાં મારી નંખાયેલા લોકોની સંખ્યા રાજાને જણાવવામાં આવી. ૧૨  રાજાએ રાણી એસ્તેરને કહ્યું: “યહૂદીઓએ ફક્ત શુશાન કિલ્લામાં જ ૫૦૦ માણસો અને હામાનના દસ દીકરાઓને મારી નાખ્યા છે. તો રાજાના બાકીના પ્રાંતોમાં તેઓએ શું નહિ કર્યું હોય?+ બોલ, હવે તારી શી અરજ છે? એ પ્રમાણે કરવામાં આવશે. તારી બીજી શી વિનંતી છે? એ પણ માન્ય કરવામાં આવશે.” ૧૩  એસ્તેરે કહ્યું: “જો રાજાને યોગ્ય લાગે,+ તો તે શુશાનમાં રહેતા યહૂદીઓને મંજૂરી આપે કે તેઓ આજના નિયમ પ્રમાણે આવતી કાલે પણ કરે+ અને હામાનના દસ દીકરાઓનાં શબને થાંભલા પર લટકાવવામાં આવે.”+ ૧૪  રાજાએ એ પ્રમાણે કરવાનો હુકમ આપ્યો. શુશાનમાં નિયમ જાહેર કરવામાં આવ્યો અને હામાનના દસ દીકરાઓનાં શબ લટકાવવામાં આવ્યાં. ૧૫  શુશાનમાં રહેતા યહૂદીઓ અદાર મહિનાના ૧૪મા દિવસે+ ફરીથી એકઠા થયા. તેઓએ શુશાનમાં ૩૦૦ માણસોને મારી નાખ્યા, પણ તેઓની એકેય વસ્તુ લૂંટી નહિ. ૧૬  રાજાના પ્રાંતોમાં રહેતા બાકીના યહૂદીઓ પણ એકઠા થયા અને પોતાનો જીવ બચાવવા લડ્યા.+ તેઓએ ૭૫,૦૦૦ દુશ્મનોને મારી નાખ્યા, જેઓ તેઓને નફરત કરતા હતા. તેઓએ એ દુશ્મનોનો નાશ કર્યો,+ પણ તેઓની એકેય વસ્તુ લૂંટી નહિ. ૧૭  અદાર મહિનાના ૧૩મા દિવસે એમ બન્યું. પણ ૧૪મા દિવસે તેઓએ આરામ કર્યો, મિજબાની કરી અને આનંદ મનાવ્યો. ૧૮  શુશાનમાં રહેતા યહૂદીઓ ૧૩મા+ અને ૧૪મા દિવસે+ લડાઈ માટે એકઠા થયા. પણ ૧૫મા દિવસે તેઓએ આરામ કર્યો, મિજબાની કરી અને આનંદ મનાવ્યો. ૧૯  એટલે જ બીજાં શહેરોમાં રહેતા યહૂદીઓએ અદાર મહિનાના ૧૪મા દિવસને આનંદ અને મિજબાનીના, એટલે કે ઉજવણીના દિવસ+ તરીકે અને એકબીજાને ભેટ-સોગાદો* મોકલવાના દિવસ તરીકે ઠરાવ્યો.+ ૨૦  મોર્દખાયે+ એ બનાવો નોંધી લીધા. તેણે અહાશ્વેરોશ રાજાના બધા પ્રાંતોમાં, નજીક અને દૂર દૂરના પ્રાંતોમાં વસતા સર્વ યહૂદીઓને પત્રો મોકલ્યા. ૨૧  તેણે હુકમ આપ્યો કે દર વર્ષે અદાર મહિનાના ૧૪મા અને ૧૫મા દિવસે તહેવાર ઊજવવો, ૨૨  કેમ કે એ દિવસોમાં યહૂદીઓને દુશ્મનોથી છુટકારો મળ્યો હતો. એ મહિનામાં તેઓનો શોક આનંદમાં અને તેઓનો વિલાપ ઉજવણીમાં ફેરવાઈ ગયો હતો.+ એ દિવસોને તેઓએ આનંદ અને મિજબાનીના, ભેટ-સોગાદો* મોકલવાના અને ગરીબોને દાન આપવાના દિવસો તરીકે ઊજવવાના હતા. ૨૩  યહૂદીઓ સહમત થયા કે તેઓએ જે ઉજવણી શરૂ કરી છે એને કાયમ ઊજવતા રહેશે અને મોર્દખાયે તેઓને જે લખ્યું છે એ પ્રમાણે કરતા રહેશે. ૨૪  અગાગી+ હામ્મદાથાના દીકરા અને યહૂદીઓના દુશ્મન હામાને+ યહૂદીઓનો નાશ કરવા કાવતરું ઘડ્યું હતું.+ તેણે તેઓને ડરાવવા અને તેઓનો વિનાશ કરવા પૂર,+ એટલે કે, ચિઠ્ઠી* નાખી હતી. ૨૫  પણ એસ્તેર જ્યારે રાજાની હજૂરમાં ગઈ, ત્યારે રાજાએ આ લેખિત હુકમ બહાર પાડ્યો:+ “યહૂદીઓ વિરુદ્ધ હામાને ઘડેલું કાવતરું+ તેના પોતાના માથે આવે.” તેઓએ તેને અને તેના દીકરાઓને થાંભલા પર લટકાવી દીધા.+ ૨૬  એટલે જ, પૂરના*+ નામ પરથી તેઓએ એ તહેવારનું નામ પૂરીમ* પાડ્યું. એ પત્રમાં જે લખ્યું હતું અને તેઓએ જે જોયું હતું અને તેઓ પર જે આવી પડ્યું હતું એને લીધે ૨૭  યહૂદીઓએ એ તહેવાર ઊજવવાનું નક્કી કર્યું. હવેથી તેઓ, તેઓના વંશજો અને તેઓ સાથે ભળી જનાર લોકો+ દર વર્ષે ઠરાવેલા સમયે એ બે દિવસોએ તહેવાર ઊજવશે. એ વિશે પત્રમાં જે કંઈ લખ્યું હતું એ જરૂર કરશે. ૨૮  તેઓએ એવો પણ નિર્ણય લીધો કે પેઢી દર પેઢી યહૂદીઓનું દરેક કુટુંબ, દરેક પ્રાંત અને દરેક શહેર એ દિવસો યાદ રાખશે અને એને પાળશે. યહૂદીઓ અને તેઓના વંશજો પૂરીમની ઉજવણી બંધ કરશે નહિ કે એની યાદ ભૂંસાવા દેશે નહિ. ૨૯  પછી પૂરીમ વિશે બીજો પત્ર લખવામાં આવ્યો. અબીહાઈલની દીકરી રાણી એસ્તેરે અને યહૂદી મોર્દખાયે પોતાના અધિકારથી એ પત્રને મંજૂરી આપી. ૩૦  અહાશ્વેરોશના સામ્રાજ્યના ૧૨૭ પ્રાંતોમાં+ રહેતા બધા યહૂદીઓને શાંતિ અને ભરોસો આપતા પત્રો મોકલવામાં આવ્યા. ૩૧  એમાં જણાવ્યું હતું કે ઠરાવેલા સમયે તેઓ પૂરીમના દિવસો ઊજવે. જેમ યહૂદી મોર્દખાયે અને રાણી એસ્તેરે તેઓને આજ્ઞા આપી હતી+ અને જેમ તેઓએ પોતે પણ નક્કી કર્યું હતું, તેમ તેઓ અને તેઓના વંશજો એ તહેવાર ઊજવે,+ ઉપવાસ કરે+ અને કાલાવાલા કરે.+ ૩૨  એસ્તેરના હુકમથી પૂરીમના+ તહેવારને લગતી બાબતોને મંજૂરી મળી. એ હુકમ એક પુસ્તકમાં નોંધી લેવામાં આવ્યો.

ફૂટનોટ

મૂળ, “હાથ નાખવા.”
અથવા, “ભવનમાં.”
અથવા, “ખોરાક.”
અથવા, “ખોરાક.”
“પૂર”નો અર્થ “ચિઠ્ઠી.” એ શબ્દનું બહુવચન “પૂરીમ,” યહૂદીઓના તહેવાર તરીકે વપરાવા લાગ્યું. એને તેઓ પોતાના પવિત્ર કૅલેન્ડર પ્રમાણે ૧૨મા મહિનામાં ઊજવે છે. વધારે માહિતી ખ-૧૫ જુઓ.