નીતિવચનો ૯:૧-૧૮
૯ સાચી બુદ્ધિએ* પોતાનું ઘર બાંધ્યું છે,તેણે પોતાના માટે સાત સ્તંભ ઊભા કર્યા* છે.
૨ તેણે માંસ કાપીને તૈયાર રાખ્યું છે,*તેણે સ્વાદિષ્ટ* દ્રાક્ષદારૂ બનાવ્યો છે,તેણે મેજ સજાવીને રાખી છે.
૩ તેણે પોતાની દાસીઓને મોકલી છે,જેથી તેઓ શહેરની ઊંચી જગ્યાઓ પરથી જાહેર કરે:+
૪ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”
તે અક્કલ વગરના લોકોને કહે છે:
૫ “આવો, મેં બનાવેલી રોટલી ખાઓ,મેં બનાવેલો સ્વાદિષ્ટ* દ્રાક્ષદારૂ પીઓ.
૬ સમજુ બનો અને જીવતા રહો,+સમજણના માર્ગે આગળ વધતા રહો.”+
૭ જે મશ્કરી કરનારને સુધારે છે, તેની ફજેતી થાય છે,+જે દુષ્ટને ઠપકો આપે છે, તેનું પોતાનું જ નુકસાન થાય છે.
૮ મશ્કરી કરનારને ઠપકો આપીશ નહિ, નહિતર તે તને નફરત કરશે.+
બુદ્ધિમાનને ઠપકો આપ અને તે તને પ્રેમ કરશે.+
૯ બુદ્ધિમાનને સલાહ આપ અને તે વધારે બુદ્ધિમાન બનશે.+
નેક માણસને શીખવ અને તે શીખીને વધારે જ્ઞાની બનશે.
૧૦ યહોવાનો ડર* બુદ્ધિની* શરૂઆત છે,+પરમ પવિત્ર ઈશ્વરનું જ્ઞાન લેવું+ એ સમજણ છે.
૧૧ બુદ્ધિથી તારું આયુષ્ય લાંબું થશે+અને તારા જીવનનાં વર્ષો વધશે.
૧૨ જો તું બુદ્ધિમાન બનીશ, તો તારું ભલું થશે,પણ જો તું મશ્કરી કરીશ, તો તારે જ એનું ફળ ભોગવવું પડશે.
૧૩ મૂર્ખ સ્ત્રી બોલકણી અને બેશરમ છે.+
તે અજ્ઞાન છે, તે કશું જાણતી નથી.
૧૪ શહેરની ઊંચી જગ્યાએ, પોતાના ઘરના ઉંબરા પરતે આસન મૂકીને બેસે છે.+
૧૫ તે આવતાં-જતાં લોકોને બોલાવે છેઅને પોતાના માર્ગે સીધા ચાલ્યા જતા લોકોને કહે છે:
૧૬ “ઓ અણસમજુ* લોકો, અહીં અંદર આવો.”
તે અક્કલ વગરના લોકોને કહે છે:+
૧૭ “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે,સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”+
૧૮ તેઓ જાણતા નથી કે એ સ્ત્રીનું ઘર મડદાઓનું ઘર છેઅને તેના મહેમાનો કબરના* ઊંડાણમાં પડ્યા છે.+
ફૂટનોટ
^ “બુદ્ધિ” માટે વપરાયેલો હિબ્રૂ શબ્દ સ્ત્રીલિંગ છે. અહીં બુદ્ધિને સ્ત્રી તરીકે રજૂ કરવામાં આવી છે.
^ અથવા, “કોતરી કાઢ્યા.”
^ મૂળ, “તેણે પ્રાણી કાપ્યું છે.”
^ અથવા, “મસાલેદાર.”
^ અથવા, “બિનઅનુભવી.”
^ અથવા, “મસાલેદાર.”
^ શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.
^ અથવા, “ડહાપણની.”
^ અથવા, “બિનઅનુભવી.”