માર્ક ૨:૧-૨૮

  • લકવો થયેલા માણસને ઈસુ સાજો કરે છે (૧-૧૨)

  • ઈસુ લેવીને બોલાવે છે (૧૩-૧૭)

  • ઉપવાસ વિશે સવાલ (૧૮-૨૨)

  • ઈસુ ‘સાબ્બાથના દિવસનો માલિક’ (૨૩-૨૮)

 થોડા દિવસ પછી ઈસુ ફરીથી કાપરનાહુમમાં આવ્યા. લોકોમાં વાત ફેલાઈ ગઈ કે તે ઘરે આવ્યા છે.+ ૨  ત્યાં એટલા બધા લોકો ભેગા થયા કે આખું ઘર ભરાઈ ગયું, એટલે સુધી કે બારણામાં પેસવાની પણ જગ્યા ન હતી. ઈસુ તેઓને ખુશખબર જણાવવા લાગ્યા.+ ૩  લોકો તેમની પાસે લકવો થયેલા એક માણસને લાવ્યા, જેને ચાર માણસોએ ઊંચક્યો હતો.+ ૪  પણ ટોળાને લીધે તેઓ તેને ઈસુ પાસે લઈ જઈ શક્યા નહિ. એટલે તેઓએ ઈસુ જ્યાં હતા ત્યાં ઉપરથી છાપરું ખોલ્યું અને એ ખુલ્લી જગ્યામાંથી લકવો થયેલા માણસને પથારી સાથે નીચે ઉતાર્યો. ૫  ઈસુએ તેઓની શ્રદ્ધા જોઈને+ લકવો થયેલા માણસને કહ્યું: “દીકરા, તારાં પાપ માફ થયાં છે.”+ ૬  કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા. તેઓ વિચારતા હતા:+ ૭  “આ માણસ આવું કેમ બોલે છે? તે ઈશ્વરનું અપમાન* કરે છે. ઈશ્વર સિવાય બીજું કોણ પાપ માફ કરી શકે?”+ ૮  ઈસુ તરત જ સમજી ગયા કે તેઓ કેવું વિચારે છે. તેમણે તેઓને કહ્યું: “તમે તમારાં દિલમાં કેમ આવું વિચારો છો?+ ૯  લકવો થયેલા માણસને શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે’ કે પછી ‘ઊભો થા અને તારી પથારી ઉઠાવીને ચાલ’? ૧૦  પણ હું તમને બતાવું કે માણસના દીકરાને*+ પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે.”+ તેમણે લકવો થયેલા માણસને કહ્યું: ૧૧  “હું તને કહું છું કે ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.” ૧૨  તે ઊભો થયો અને તરત પોતાની પથારી ઉઠાવીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. તેઓ બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: “અમે આવું ક્યારેય જોયું નથી!”+ ૧૩  ફરીથી ઈસુ સરોવરના કિનારે ગયા. તેમની પાસે ટોળેટોળાં આવવા લાગ્યાં અને તે તેઓને શીખવવા લાગ્યા. ૧૪  તે જતા હતા ત્યારે તેમણે અલ્ફીના દીકરા લેવીને* કર ભરવાની કચેરીમાં બેઠેલો જોયો. તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.” તે ઊભો થયો અને તેમની પાછળ ગયો.+ ૧૫  પછી ઈસુ એ લેવીના ઘરમાં જમવા બેઠા હતા. ઈસુ અને તેમના શિષ્યો સાથે ઘણા કર ઉઘરાવનારા ને પાપીઓ પણ જમવા બેઠા હતા. તેઓમાંના ઘણા તેમના શિષ્યો બન્યા હતા.+ ૧૬  ફરોશીઓમાંના* શાસ્ત્રીઓએ જોયું કે ઈસુ પાપીઓ અને કર ઉઘરાવનારાઓ સાથે જમે છે. એટલે તેઓ તેમના શિષ્યોને પૂછવા લાગ્યા: “તે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાય છે?” ૧૭  એ સાંભળીને ઈસુએ તેઓને કહ્યું: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે. હું નેક* લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”+ ૧૮  યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ રાખતા હતા. એટલે તેઓએ ઈસુને પૂછ્યું: “યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી?”+ ૧૯  ઈસુએ કહ્યું: “જ્યાં સુધી વરરાજા+ સાથે હોય છે, ત્યાં સુધી શું તેના મિત્રોએ ઉપવાસ કરવાની જરૂર છે? જ્યાં સુધી વરરાજા તેઓ સાથે છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ કરતા નથી. ૨૦  પણ એવા દિવસો આવશે જ્યારે વરરાજાને તેઓ પાસેથી લઈ લેવામાં આવશે+ અને એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે. ૨૧  જૂના કપડા પર કોઈ નવા કપડાનું થીંગડું મારતું નથી. જો તે એમ કરે, તો એ થીંગડું સંકોચાઈને જૂના કપડાને ફાડશે અને એ વધારે ફાટશે.+ ૨૨  કોઈ જૂની મશકોમાં* નવો દ્રાક્ષદારૂ ભરતું નથી. જો તે એમ કરે, તો દ્રાક્ષદારૂ મશકોને ફાડી નાખશે અને દ્રાક્ષદારૂની સાથે સાથે મશકો પણ ગુમાવી બેસશે. પણ નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે.” ૨૩  હવે ઈસુ સાબ્બાથના દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ચાલતાં ચાલતાં અનાજનાં કણસલાં તોડવા લાગ્યા.+ ૨૪  ફરોશીઓએ ઈસુને કહ્યું: “જુઓ! તેઓ સાબ્બાથના દિવસે કેમ એવું કામ કરે છે, જે નિયમની વિરુદ્ધ છે?” ૨૫  તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જ્યારે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા અને તેઓ પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૨૬  શું તમે મુખ્ય યાજક* અબ્યાથાર+ વિશેના અહેવાલમાં નથી વાંચ્યું? દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણની રોટલી* ખાધી. તેમણે પોતાના સાથીઓને પણ એ આપી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.”+ ૨૭  પછી ઈસુએ કહ્યું: “સાબ્બાથ લોકો માટે છે,+ લોકો સાબ્બાથ માટે નથી. ૨૮  માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પણ માલિક છે.”+

ફૂટનોટ

અથવા, “ઈશ્વરની નિંદા.”
આ માથ્થીનું બીજું એક નામ છે.
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.