યર્મિયા ૩૪:૧-૨૨

  • સિદકિયા માટે ન્યાયનો સંદેશો (૧-૭)

  • લોકોએ દાસોને આઝાદ કરવાનો કરાર તોડ્યો (૮-૨૨)

૩૪  બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર,* તેની સેના અને તેની સત્તા નીચેનાં બધાં રાજ્યો અને લોકો જ્યારે યરૂશાલેમ અને તેનાં શહેરો સામે લડી રહ્યાં હતાં, ત્યારે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:+ ૨  “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જઈને યહૂદાના રાજા સિદકિયા+ સાથે વાત કર. તેને કહે: “યહોવા કહે છે, ‘હું આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દઈશ. તે એને આગથી બાળી નાખશે.+ ૩  તું તેના હાથમાંથી બચી શકશે નહિ. તને પકડીને લઈ જવામાં આવશે અને તેના હાથમાં સોંપવામાં આવશે.+ તું બાબેલોનના રાજાને નજરોનજર જોશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. તને બાબેલોન લઈ જવામાં આવશે.’+ ૪  પણ હે યહૂદાના રાજા સિદકિયા, તું યહોવાનો સંદેશો સાંભળ, ‘તારા વિશે યહોવા કહે છે: “તું તલવારથી મરીશ નહિ. ૫  તું શાંતિએ મરીશ.+ જેમ તારી અગાઉના રાજાઓ, એટલે કે તારા બાપદાદાઓ માટે તેઓએ ધૂપ બાળ્યો હતો, તેમ તારા માટે પણ તેઓ ધૂપ બાળશે. તેઓ વિલાપ કરતા કહેશે, ‘અરેરે, અમારા માલિક!’ એ પ્રમાણે ચોક્કસ થશે, કેમ કે યહોવા કહે છે, ‘એ મેં કહ્યું છે.’”’”’” ૬  યર્મિયા પ્રબોધકે એ બધું યરૂશાલેમમાં યહૂદાના રાજા સિદકિયાને જણાવ્યું. ૭  એ વખતે બાબેલોનના રાજાની સેનાઓ યરૂશાલેમ સામે અને યહૂદાનાં બચી ગયેલાં શહેરો,+ એટલે કે લાખીશ+ અને અઝેકાહ+ સામે લડી રહી હતી. કેમ કે યહૂદાનાં એ બે કોટવાળાં શહેરો હજી કબજે થયાં ન હતાં. ૮  યહોવાનો સંદેશો યર્મિયાને આ ઘટના પછી મળ્યો: રાજા સિદકિયાએ યરૂશાલેમના લોકો સાથે કરાર કર્યો હતો કે તેઓ પોતાના દાસોને આઝાદ કરે.+ ૯  દરેક માણસ પોતાનાં હિબ્રૂ દાસ-દાસીને આઝાદ કરે, જેથી કોઈ પણ યહૂદી બીજા યહૂદીને દાસ ન બનાવે. ૧૦  બધા અધિકારીઓ અને બધા લોકોએ એ આજ્ઞા પાળી. તેઓએ કરાર કર્યો કે તેઓ પોતાનાં દાસ-દાસીઓને આઝાદ કરશે અને ફરી કદી તેઓને દાસ બનાવશે નહિ. એ કરાર પાળીને તેઓએ પોતાનાં દાસ-દાસીઓને જવા દીધાં. ૧૧  પણ થોડા સમય પછી જે દાસ-દાસીઓને તેઓએ આઝાદ કર્યાં હતાં, તેઓને પાછાં લઈ આવ્યાં અને તેઓ પાસે જબરજસ્તી મજૂરી કરાવી. ૧૨  એટલે યહોવાનો સંદેશો યર્મિયાને મળ્યો. યહોવાએ કહ્યું: ૧૩  “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે દિવસે હું તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો હતો,+ એ દિવસે મેં તેઓ સાથે એક કરાર કર્યો હતો.+ મેં તેઓને કહ્યું હતું: ૧૪  “જો તમારા હિબ્રૂ ભાઈઓમાંથી કોઈ માણસ તમારે ત્યાં વેચાયો હોય અને તેણે છ વર્ષ તમારી ચાકરી કરી હોય, તો સાતમા વર્ષના અંતે તમે તેને આઝાદ કરો.”+ પણ તમારા બાપદાદાઓએ મારું સાંભળ્યું નહિ કે મારી વાત કાને ધરી નહિ. ૧૫  પણ થોડા સમય પહેલાં* તમે પોતાનું મન બદલ્યું અને પોતાના સાથી ભાઈને આઝાદ કરીને મારી નજરમાં જે ખરું છે એ કર્યું. મારા નામે ઓળખાતા ઘરમાં તમે મારી આગળ કરાર કર્યો. ૧૬  પણ તમે ફરી પોતાનું મન બદલ્યું અને મારા નામનું અપમાન કર્યું.+ તમે એ દાસ-દાસીઓને પાછાં લઈ આવ્યા, જેઓને તમે તેઓની મરજી પ્રમાણે આઝાદ કર્યાં હતાં. તમે તેઓ પાસે જબરજસ્તી મજૂરી કરાવી.’ ૧૭  “યહોવા કહે છે: ‘તમારા ભાઈઓને આઝાદ કરવાની મારી આજ્ઞા તમે પાળી નથી.’+ એટલે યહોવા કહે છે, ‘હવે હું તમને આઝાદ કરીશ અને તમે તલવારથી, ભયંકર રોગચાળાથી* અને દુકાળથી+ માર્યા જશો. હું તમારા એવા હાલ કરીશ કે એ જોઈને પૃથ્વીનાં બધાં રાજ્યો ધ્રૂજી ઊઠશે.+ ૧૮  જે માણસોએ વાછરડાના બે ભાગ કર્યા અને એની વચ્ચેથી પસાર થઈને મારી આગળ કરાર કર્યો,+ પણ એ કરાર પ્રમાણે ન ચાલ્યા અને એને તોડ્યો, તેઓના હું ભયંકર હાલ કરીશ. ૧૯  એ માણસો, એટલે કે યહૂદાના અધિકારીઓ, યરૂશાલેમના અધિકારીઓ, દરબારના પ્રધાનો, યાજકો અને બધા લોકો, જેઓ વાછરડાના બે ભાગ વચ્ચેથી પસાર થયા હતા તેઓના હું ભયંકર હાલ કરીશ. ૨૦  હું તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. જે લોકો તેઓનો જીવ લેવા તરસે છે, તેઓના હાથમાં સોંપી દઈશ. હું તેઓનાં મડદાં પક્ષીઓને અને પ્રાણીઓને ખોરાક તરીકે આપી દઈશ.+ ૨૧  હું યહૂદાના રાજા સિદકિયાને અને તેના અધિકારીઓને દુશ્મનોના હાથમાં અને તેઓનો જીવ લેવા તરસે છે, તેઓના હાથમાં સોંપી દઈશ. હું તેઓને બાબેલોનના રાજાની સેનાઓના હાથમાં સોંપી દઈશ,+ જે તમારી સામેથી ઘેરો ઉઠાવી રહી છે.’+ ૨૨  “યહોવા કહે છે, ‘હું એ સેનાઓને હુકમ આપીશ. તેઓ આ શહેર પર ચઢી આવશે, એની વિરુદ્ધ લડશે, એને કબજે કરશે અને બાળી નાખશે.+ હું યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરી દઈશ, એ વસ્તી વગરનાં થઈ જશે.’”+

ફૂટનોટ

મૂળ, “નબૂખાદરેસ્સાર,” અલગ જોડણી છે.
મૂળ, “આજે.”
અથવા, “બીમારીથી.”