યશાયા ૧૯:૧-૨૫

  • ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૫)

  • ઇજિપ્ત યહોવાને ઓળખશે (૧૬-૨૫)

    • ઇજિપ્તમાં યહોવાની વેદી (૧૯)

૧૯  ઇજિપ્ત વિરુદ્ધ ન્યાયચુકાદો:+ જુઓ! યહોવા વાદળ પર સવાર થઈને ઝડપથી ઇજિપ્ત આવે છે. ઇજિપ્તના નકામા દેવો તેમની આગળ થરથર કાંપશે.+ ઇજિપ્તના લોકોની હિંમત પીગળી જશે.  ૨  ઈશ્વર કહે છે: “હું ઇજિપ્તના લોકોને એકબીજા સામે ઉશ્કેરીશ. તેઓ એકબીજા સામે લડશે. ભાઈ ભાઈની સામે અને પડોશી પડોશીની સામે લડશે,શહેર શહેરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.  ૩  ઇજિપ્ત હિંમત હારી જશે,હું તેઓની યોજનાઓ પર પાણી ફેરવી દઈશ.+ તેઓ પોતાના નકામા દેવો પાસે મદદ માંગશે. જંતરમંતર કરનારા, મરેલા સાથે વાત કરનાર ભૂવાઓ અને ભવિષ્ય ભાખનારા પાસે તેઓ મદદ માંગશે.+  ૪  હું ઇજિપ્તને ક્રૂર માલિકના હાથમાં સોંપી દઈશ,જુલમી રાજા તેઓ પર રાજ કરશે,”+ એવું સાચા પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.  ૫  દરિયાનું પાણી સુકાઈ જશે,નદીનું પાણી ઓસરી જશે અને સુકાઈ જશે.+  ૬  નદીઓ ગંધાઈ ઊઠશે,ઇજિપ્તમાં નાઈલની નહેરોનું પાણી ઓછું થઈને સુકાઈ જશે. બરુ* અને લાંબું ઘાસ સડી જશે.+  ૭  નાઈલ નદી પાસેના, એના મુખ પાસેના છોડ સુકાઈ જશે. નાઈલ+ નદી પાસેનાં બધાં ખેતરો સુકાઈ જશે,+હવા તેઓને ઉડાવી લઈ જશે અને તેઓનો નાશ થશે.  ૮  માછીમારો શોક કરશે,નાઈલમાં ગલ નાખનારા વિલાપ કરશે,પાણીમાં જાળ નાખનારા ઓછા થઈ જશે.  ૯  શણમાંથી કાપડ બનાવનારા+અને સફેદ કાપડ વણનારા શરમાશે. ૧૦  ઇજિપ્તના વણકરો હતાશ થઈ જશેઅને બધા મજૂરો દુઃખી દુઃખી થઈ જશે. ૧૧  સોઆનના+ અધિકારીઓ મૂર્ખ છે. ઇજિપ્તના રાજાના* સમજુ સલાહકારો પણ ધડ-માથા વગરની સલાહ આપે છે.+ તમે કઈ રીતે રાજાને કહી શકો,“અમે બુદ્ધિશાળી લોકોના વંશજ છીએ,જૂના જમાનાના રાજાઓના વંશજ છીએ”? ૧૨  તમારા બુદ્ધિમાન માણસો ક્યાં છે?+ સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇજિપ્ત માટે જે નક્કી કર્યું છે, એ તેઓને ખબર હોય તો કહી બતાવે. ૧૩  સોઆનના અધિકારીઓએ મૂર્ખામી કરી છે. નોફના*+ અધિકારીઓ છેતરાયા છે. ઇજિપ્તનાં કુળોના મુખીઓએ લોકોને ખોટે માર્ગે દોર્યા છે. ૧૪  યહોવાએ ઇજિપ્તના લોકોને ગૂંચવણમાં નાખ્યા છે.+ આગેવાનો તેઓને એ રીતે ભમાવે છે,જાણે દારૂડિયો ઊલટી કરીને એમાં જ લથડિયાં ખાય. ૧૫  ઇજિપ્ત કંઈ કરી નહિ શકે,માથું કે પૂંછડી, અંકુર કે લાંબું ઘાસ* કંઈ કરી નહિ શકે. ૧૬  એ દિવસે ઇજિપ્તના લોકો સ્ત્રીઓ જેવા બની જશે. સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇજિપ્ત વિરુદ્ધ હાથ ઉગામ્યો છે, એ જોઈને તેઓ ભયથી કાંપશે અને ડરશે.+ ૧૭  યહૂદા દેશથી ઇજિપ્ત ડરશે. યહૂદાનું નામ સાંભળતાં જ ઇજિપ્તના લોકો ધ્રૂજી ઊઠશે, કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇજિપ્ત વિરુદ્ધ યોજના ઘડી છે.+ ૧૮  એ દિવસે ઇજિપ્તનાં પાંચ શહેરો કનાનની+ ભાષા* બોલતા હશે. તેઓ સૈન્યોના ઈશ્વર યહોવાને વફાદાર રહેવાના સમ ખાશે. એમાંનું એક શહેર ‘તોડી પાડનાર શહેર’ કહેવાશે. ૧૯  એ દિવસે ઇજિપ્ત દેશની વચ્ચે યહોવા માટે વેદી હશે અને એની સરહદે યહોવા માટે સ્તંભ હશે. ૨૦  સૈન્યોના ઈશ્વર યહોવા માટે ઇજિપ્ત દેશમાં એ નિશાની અને સાક્ષી બનશે. જુલમીઓને લીધે તેઓ યહોવાને પોકારી ઊઠશે. તે તેઓ માટે મહાન બચાવનાર મોકલશે, જે તેઓને બચાવશે. ૨૧  એ દિવસે યહોવા ઇજિપ્તના લોકોને પોતાની ઓળખાણ આપશે. તેઓ યહોવાને ઓળખશે, તેમને બલિદાનો ચઢાવશે અને ભેટ આપશે. તેઓ યહોવા આગળ માનતા લેશે અને પૂરી કરશે. ૨૨  યહોવા ઇજિપ્તને ફટકારશે,+ હા, તેઓને મારશે અને સાજા કરશે. તેઓ યહોવા તરફ ફરશે અને તેઓની વિનંતીઓ સાંભળીને તે તેઓને સાજા કરશે. ૨૩  એ દિવસે ઇજિપ્તમાંથી એક રાજમાર્ગ+ આશ્શૂર સુધી જશે. આશ્શૂરના લોકો ઇજિપ્ત આવશે અને ઇજિપ્તના લોકો આશ્શૂર જશે. આશ્શૂરની સાથે ઇજિપ્ત પણ ઈશ્વરની ભક્તિ કરશે. ૨૪  એ દિવસે ઇજિપ્ત અને આશ્શૂર+ સાથે ઇઝરાયેલ જોડાશે અને ઇઝરાયેલ આખી પૃથ્વી માટે આશીર્વાદ હશે. ૨૫  સૈન્યોના ઈશ્વર યહોવા તેઓને આશીર્વાદ આપતા કહેશે: “હે મારા લોક ઇજિપ્ત, હે મારા હાથની રચના આશ્શૂર, હે મારો વારસો ઇઝરાયેલ, તમારા પર આશીર્વાદ રહે.”+

ફૂટનોટ

અથવા, “ફારુનના.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.
અથવા, “મેમ્ફિસના.”
અથવા કદાચ, “ખજૂરીની ડાળી કે બરુ.”
આ હિબ્રૂ ભાષાને બતાવે છે.