યશાયા ૨:૧-૨૨

  • યહોવાનો પર્વત ઊંચો કરાશે (૧-૫)

    • તલવારોને હળની કોશો બનાવાશે ()

  • યહોવાનો દિવસ ઘમંડીનું અભિમાન ઉતારે છે (૬-૨૨)

 યહૂદા અને યરૂશાલેમ વિશે આમોઝના દીકરા યશાયાએ આવું દર્શન જોયું:+  ૨  છેલ્લા દિવસોમાંયહોવાના મંદિરનો પર્વતબીજા પર્વતોનાં શિખરો પર અડગ થશે.+ એ બીજા ડુંગરો કરતાં પણ ઊંચો કરાશે. બધી પ્રજાઓમાંથી લોકોનો પ્રવાહ ત્યાં ચાલ્યો આવશે.+  ૩  ઘણા લોકો આવશે અને કહેશે: “ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ,યાકૂબના ઈશ્વરના મંદિરે જઈએ.+ તે આપણને તેમના માર્ગો વિશે શીખવશેઅને આપણે તેમના માર્ગે ચાલીશું.”+ સિયોનમાંથી નિયમ* આપવામાં આવશે,યરૂશાલેમમાંથી યહોવાનો સંદેશો જાહેર કરાશે.+  ૪  ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશેઅને ઘણા લોકોની તકરાર થાળે પાડશે. તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોશો* બનાવશેઅને પોતાના ભાલાઓનાં દાતરડાં બનાવશે.+ એક પ્રજા બીજી પ્રજા સામે તલવાર ઉગામશે નહિઅને તેઓ ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.+  ૫  હે યાકૂબના વંશજો! આવો, આપણે યહોવાના પ્રકાશમાં ચાલીએ.+  ૬  હે ઈશ્વર, તમે તમારા લોકોને, યાકૂબના વંશજોને ત્યજી દીધા છે,+કારણ કે તેઓએ પૂર્વ તરફના રીતરિવાજો અપનાવી લીધા છે,પલિસ્તીઓની જેમ તેઓ જાદુટોણાં કરે છે,+તેઓમાં પરદેશીઓના વંશજોની કોઈ ખોટ નથી.  ૭  તેઓનો દેશ સોના-ચાંદીથી ભરપૂર છે. તેઓના ખજાના ઊભરાય છે. તેઓના દેશમાં ઘોડાઓનો કોઈ પાર નથીઅને રથોની તો કોઈ ગણતરી જ નથી.+  ૮  નકામા દેવોથી તેઓનો દેશ ભરાઈ ગયો છે.+ તેઓ પોતાના હાથની બનાવટ આગળ,પોતાની આંગળીઓની કરામત આગળ નમે છે.  ૯  આ રીતે માણસ નમે છે અને પોતાને નીચો પાડે છે. એટલે તમે તેઓને માફ ન કરી શકો! ૧૦  યહોવાના ભયાનક કોપને લીધે,તેમની શક્તિ અને તેમના ગૌરવને લીધે,+તમે ખડકોમાં ભરાઈ જાઓ અને જમીનમાં સંતાઈ જાઓ. ૧૧  ઘમંડી આંખો નીચી કરવામાં આવશે,માણસોનું અભિમાન ઉતારવામાં આવશે. એ દિવસે ફક્ત યહોવાનો જયજયકાર થશે! ૧૨  એ સૈન્યોના ઈશ્વર યહોવાનો દિવસ છે.+ દરેક ઘમંડી અને અભિમાની પર એ દિવસ આવી પડશે,ભલે કોઈ ઊંચી પદવી પર હોય કે નીચી.+ ૧૩  લબાનોનનાં ઊંચાં અને મોટાં દેવદાર વૃક્ષો પર,બાશાનનાં ઘટાદાર વૃક્ષો* પર એ દિવસ આવી પડશે. ૧૪  ઊંચા ઊંચા પર્વતો પરઅને ઊંચા ઊંચા ડુંગરો પર એ દિવસ આવી પડશે. ૧૫  દરેક ઊંચા મિનારા પર અને મજબૂત દીવાલ પર એ દિવસ આવી પડશે. ૧૬  તાર્શીશનાં બધાં વહાણો પર+અને મનગમતી બધી હોડીઓ પર એ આવી પડશે. ૧૭  માણસોનું ઘમંડ તોડવામાં આવશે,તેઓનું અભિમાન ઉતારવામાં આવશે. એ દિવસે ફક્ત યહોવાનો જયજયકાર થશે! ૧૮  નકામા દેવોનું નામનિશાન રહેશે નહિ.+ ૧૯  યહોવા જ્યારે ધરતીને ભયથી ધ્રુજાવી નાખશે,ત્યારે તેમના ભયાનક કોપને લીધે,તેમની શક્તિ અને તેમના ગૌરવને લીધે,+લોકો ખડકોની ગુફાઓમાં ભરાઈ જશેઅને ખાડાઓમાં સંતાઈ જશે.+ ૨૦  માણસોએ પૂજા કરવાસોના-ચાંદીના જે નકામા દેવો બનાવ્યા છે,એને તેઓ એ દિવસે છછુંદરો અને ચામાચીડિયાં આગળ નાખી દેશે.+ ૨૧  માણસો ખડકોનાં બાકોરાંમાં ભરાઈ જશેઅને ભેખડોની તિરાડોમાં સંતાઈ જશે. યહોવા જ્યારે ધરતીને ભયથી ધ્રુજાવી નાખશે,ત્યારે તેમના ભયાનક કોપને લીધે,તેમની શક્તિ અને તેમના ગૌરવને લીધે માણસો એવું કરશે. ૨૨  તમે પોતાના ભલા માટે માણસ પર ભરોસો ન મૂકો. તે તો પોતાના શ્વાસ જેવો કમજોર છે. તો પછી માણસ પર શું કામ ભરોસો મૂકવો?

ફૂટનોટ

અથવા, “શિક્ષણ.”
એટલે કે, જમીન ખેડવાનું લોઢાનું સાધન.
અંગ્રેજી, ઓક. એક પ્રકારનું મોટું વૃક્ષ.