યશાયા ૨૮:૧-૨૯
૨૮ અફસોસ છે એફ્રાઈમના દારૂડિયા લોકોના અભિમાની* તાજને!+
રસાળ ખીણના ડુંગર પરના શહેરનો એ તાજ, ફૂલોની જેમ કરમાઈ જશે.
એ શહેરમાં દારૂડિયા રહે છે.
૨ જુઓ! યહોવા એક શક્તિશાળી અને શૂરવીર માણસને મોકલે છે.
તે કરાના તોફાન, વિનાશક આંધી,ધસમસતા પૂર અને તોફાનની જેમ આવે છે.
એ તાજને તે પૃથ્વી પર જોરથી પછાડશે.
૩ એફ્રાઈમના દારૂડિયાઓના અભિમાની* તાજનેપગ નીચે કચડી નાખવામાં આવશે.+
૪ રસાળ ખીણના ડુંગર પરના શહેરના એ તાજની ભવ્ય સુંદરતાફૂલોની જેમ કરમાઈ જશે.
એ ઉનાળાના શરૂઆતના અંજીર જેવો હશે,જેને જોતાંની સાથે જ કોઈ તોડીને ખાઈ જાય છે.
૫ એ દિવસે સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના બચી ગયેલા લોકો માટે ભવ્ય મુગટ અને સુંદર તાજ બનશે.+
૬ ન્યાય કરવા બેસનારને તે સમજ આપશે. શહેરના દરવાજે દુશ્મનો સામે લડનારને તે હિંમત આપશે.+
૭ યાજકો અને પ્રબોધકો પણ શરાબ પીને આડે રસ્તે ચઢી જાય છે.
દારૂ તેઓને લથડિયાં ખવડાવે છે.
દારૂ પીને તેઓ ખોટે માર્ગે ચઢી જાય છે.
શરાબ તેઓને મૂંઝવી નાખે છે.
દારૂ પીને તેઓ લથડિયાં ખાય છે.
તેઓનાં દર્શનો તેઓને આડે પાટે ચઢાવી દે છે,તેઓ ન્યાય કરવામાં ગોથાં ખાય છે.+
૮ તેઓની મેજો ઊલટીથી ભરાઈ ગઈ છે,જરાય ચોખ્ખી જગ્યા બાકી રહી નથી.
૯ તેઓ કહે છે, “તે કોને શીખવે છે?
તે કોને આ સંદેશો સમજાવે છે?
શું અમે ધાવણ છોડાવેલા બાળક જેવા છીએ,જેને હમણાં જ માની છાતીથી દૂર કર્યું હોય?
૧૦ તે કાયમ આવું કહે છે: ‘આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા,નિયમ* પર નિયમ, નિયમ પર નિયમ,+થોડું અહીં, થોડું ત્યાં.’”*
૧૧ એટલે અચકાતાં અચકાતાં બોલનારાઓ અને પરદેશી ભાષામાં વાત કરનારાઓ દ્વારા તે આ લોકો સાથે બોલશે.+
૧૨ એકવાર ઈશ્વરે તેઓને જણાવ્યું હતું: “આ આરામ કરવાની જગ્યા છે, થાકેલાઓને આરામ કરવા દો. આ જગ્યા તાજગી આપનારી છે.” પણ તેઓએ સાંભળ્યું નહિ.+
૧૩ યહોવા તેઓને ફરીથી કહેશે:
“આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા,નિયમ* પર નિયમ, નિયમ પર નિયમ,+થોડું અહીં, થોડું ત્યાં.”
પણ તેઓ નહિ માને.
એટલે તેઓ ઠોકર ખાશે અને પાછળની તરફ પડશે,તેઓ ઘવાશે, ફાંદામાં ફસાશે અને પકડાશે.+
૧૪ ઓ બડાઈ હાંકનારાઓ! યરૂશાલેમના લોકો પર રાજ કરતા શાસકો!
યહોવાનો સંદેશો સાંભળો.
૧૫ તમે તો કહો છો:
“અમે મરણ સાથે કરાર કર્યો છે,+અમે કબર* સાથે સમજૂતી કરી છે.*
જ્યારે ધસમસતું પૂર આવશે,ત્યારે એ અમને અડકી પણ નહિ શકે.
અમે જૂઠાણામાં આશરો લીધો છે,અમે જૂઠાણાંમાં સંતાઈ ગયા છીએ.”+
૧૬ તેથી વિશ્વના માલિક યહોવા આમ કહે છે:
“હું ચકાસેલા પથ્થરથી સિયોનનો પાયો નાખું છું જે નક્કર છે,+એ પથ્થર ખૂણાનો+ મૂલ્યવાન પથ્થર* છે.+
એના પર ભરોસો રાખનાર કદી ગભરાશે નહિ.+
૧૭ હું તમને માપવા માપદોરી તરીકે ન્યાયનો+
અને માપવાના સાધન* તરીકે સચ્ચાઈનો ઉપયોગ કરીશ.+
હું કરાથી જૂઠાણાંનો આશરો તોડી પાડીશ,પૂરના પાણીથી સંતાવાની જગ્યા ઘસડી જઈશ.
૧૮ મરણ સાથેનો તમારો કરાર રદ થશે,કબર* સાથેની તમારી સમજૂતી નહિ ટકે.+
જ્યારે ધસમસતું પૂર આવશે,ત્યારે તમારો વિનાશ થઈ જશે.
૧૯ જેટલી વાર એ આવશે,એટલી વાર એ તમને ઘસડી જશે.+
દરરોજ સવારે એ આવશે,રાત-દિવસ એ આવશે.
જે કહેવામાં આવ્યું હતું, એ તેઓને ભય લાગશે ત્યારે જ સમજાશે.”*
૨૦ પગ લાંબા કરવા માટે પલંગ બહુ નાનો છે,ઓઢવા માટે ચાદર બહુ ટૂંકી છે.
૨૧ પરાસીમ પર્વત પર યહોવા ઊભા થયા હતા,ગિબયોન પાસેના નીચાણ પ્રદેશમાં* તેમણે પગલાં ભર્યાં હતાં.+
એ જ રીતે, તે ફરીથી નવાઈ પમાડે એવાં કામો કરીને પોતાનો પરચો દેખાડશે,હા, તે અનોખું કામ કરીને પોતાનું પરાક્રમ બતાવશે.+
૨૨ હવે મશ્કરી કરવાનું બંધ કરો,+જેથી તમારાં બંધનો વધારે મજબૂત કરવામાં ન આવે.
મેં વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી સાંભળ્યું છે કેતેમણે આખા દેશ* પર વિનાશ લાવવાનું નક્કી કર્યું છે.+
૨૩ કાન ખોલીને મારી વાત સાંભળો.
હું જે કહું છું એ ધ્યાન દઈને સાંભળો.
૨૪ શું ખેડનાર આખો દિવસ ખેડ્યા જ કરે છે, શું તે બી નથી વાવતો?
શું તે બસ પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યાં કરે છે?+
૨૫ શું તે એની સપાટી સરખી કરી લે પછીએમાં કાળીજીરી અને જીરું વાવતો નથી?
શું ઘઉં, બાજરી અને જવને પોતપોતાના ચાસમાં રોપતો નથી?
શું તે કિનારે કિનારે લાલ ઘઉં* રોપતો નથી?+
૨૬ ઈશ્વર તેને સાચો માર્ગ બતાવે છેઅને તેને શીખવે છે.*+
૨૭ કાળીજીરીને છૂટી પાડવા સાધનથી કચડવામાં આવતી નથી,+જીરા પર ગાડાનાં પૈડાં ચલાવવામાં આવતાં નથી.
પણ કાળીજીરીને લાકડીથીઅને જીરુંને દંડાથી ઝૂડવામાં આવે છે.
૨૮ શું ખેડૂત રોટલી બનાવવા અનાજને સતત ઝૂડ્યાં કરે છે?
ના, ખેડૂત એને સતત ઝૂડ્યાં નથી કરતો.+
તે અનાજ પર ઘોડાઓ જોડેલાં પૈડાં ચલાવે ત્યારે,એને કચડી નથી નાખતો.+
૨૯ આ શબ્દો પણ સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી છે.
તેમની સલાહ* અજાયબ છેઅને તે પોતાનાં કામોમાં હંમેશાં સફળ થાય છે.*+
ફૂટનોટ
^ અથવા, “શોભારૂપી.”
^ અથવા, “શોભારૂપી.”
^ મૂળ, “માપદોરી.”
^ ધર્મગુરુઓને યશાયાનો સંદેશો જાપ જપતા હોય એવો અને બાળકને સમજાવતા હોય એવો લાગતો હતો.
^ મૂળ, “માપદોરી.”
^ અથવા કદાચ, “અમે કબર સાથે દર્શન જોયું છે.”
^ શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.
^ અથવા, “ઓળંબા.” દીવાલ સીધી છે કે નહિ, એ માપવાનું સાધન.
^ અથવા કદાચ, “તેઓ સમજશે ત્યારે થરથર કાંપશે.”
^ અથવા, “પાસેની ખીણમાં.”
^ અથવા, “આખી પૃથ્વી.”
^ આ ઘઉં હલકી જાતના હતા, જે પ્રાચીન ઇજિપ્તમાં ઉગાડવામાં આવતા હતા.
^ અથવા, “ઠપકો આપે છે; સુધારે છે.”
^ અથવા, “તેમનો હેતુ.”
^ અથવા, “તેમની બુદ્ધિ અપાર છે.”