યશાયા ૫૪:૧-૧૭

  • વાંઝણી સ્ત્રી સિયોનને ઘણા દીકરાઓ (૧-૧૭)

    • યહોવા સિયોનના પતિ ()

    • સિયોનના દીકરાઓને યહોવા શીખવશે (૧૩)

    • સિયોન વિરુદ્ધનાં હથિયારો સફળ થશે નહિ (૧૭)

૫૪  યહોવા કહે છે, “હે વાંઝણી સ્ત્રી, જેણે બાળકને જન્મ આપ્યો નથી, તું ખુશીથી પોકારી ઊઠ!+ જેણે કદી બાળકને જન્મ આપવાની પીડા સહી નથી,+ તું આનંદથી ઝૂમી ઊઠ અને હર્ષથી પોકારી ઊઠ.+ જેનો પતિ* છે એ સ્ત્રીના દીકરાઓ કરતાં,જે છોડી દેવાયેલી છે એના દીકરાઓ ઘણા છે.+  ૨  તારા તંબુની જગ્યા વિશાળ બનાવ.+ તારા મોટા મંડપનું* કાપડ ફેલાવ. અચકાઈશ નહિ, તારા તંબુનાં દોરડાં લાંબાં કર. તારા તંબુના ખીલા મજબૂત કર.+  ૩  તું જમણી અને ડાબી બાજુ ફેલાઈ જઈશ. તારાં બાળકો પ્રજાઓને કબજે કરી લેશે. તેઓ ઉજ્જડ શહેરોમાં જઈને રહેશે.+  ૪  ગભરાઈશ નહિ,+ તારે શરમાવું નહિ પડે.+ અપમાન થાય તોપણ તું નીચું ન જો, તારે નિરાશ થવું નહિ પડે. તારી યુવાનીની બદનામી તું ભૂલી જઈશ. વિધવા હોવાનું અપમાન હવે તને યાદ નહિ આવે.”  ૫  “તારો મહાન રચનાર+ તારો પતિ* છે,+તેનું નામ સૈન્યોનો ઈશ્વર યહોવા છે. ઇઝરાયેલનો પવિત્ર ઈશ્વર તને છોડાવનાર છે.+ તે આખી ધરતીનો ઈશ્વર કહેવાશે.+  ૬  યહોવાએ તને એ રીતે બોલાવી છે, જાણે તું છોડી દેવાયેલી અને શોકમાં ડૂબેલી પત્ની હોય,+યુવાનીમાં પરણેલી અને પછી ત્યજી દેવાયેલી પત્ની હોય,” એવું તારા ઈશ્વર કહે છે.  ૭  “મેં તને પળભર માટે છોડી દીધી હતી,પણ હવે અપાર દયાથી હું તને પાછી લાવીશ.+  ૮  મેં રોષે ભરાઈને પળભર માટે મારું મોં તારાથી ફેરવી લીધું હતું.+ પણ હવે હું તારા પર દયા રાખીશ, કેમ કે મારો અતૂટ પ્રેમ કાયમ ટકે છે,”+ તારા છોડાવનાર+ યહોવા એમ કહે છે.  ૯  “આ મારા માટે નૂહના દિવસો જેવું છે.+ નૂહના સમયમાં મેં સમ ખાધા હતા કે પૂરના પાણી ફરી કદી પૃથ્વીને ઢાંકી નહિ દે.+ એ જ રીતે હું સમ ખાઉં છું કે તારા પર ક્યારેય રોષે ભરાઈશ નહિ કે તને ઠપકો આપીશ નહિ.+ ૧૦  કદાચ પર્વતો ખસી જાયઅને ડુંગરો ડગમગી જાય,પણ તારા પર મારો અતૂટ પ્રેમ હંમેશાં રહેશે.+ મારો શાંતિનો કરાર કાયમ ટકશે,”+ તારા પર દયા રાખનાર ઈશ્વર યહોવા એમ કહે છે.+ ૧૧  “હે દુઃખી, તોફાનમાં ડોલા ખાનારી, દિલાસા વગરની સ્ત્રી,+હું તારું ચણતર પથ્થરોથી અને મજબૂત ગારાથી કરું છું,નીલમ પથ્થરથી તારો પાયો નાખું છું.+ ૧૨  હું તારી દીવાલો માણેકની બનાવીશ. તારા દરવાજાઓ ચકમકતા પથ્થરોના*અને તારી સરહદો મૂલ્યવાન પથ્થરોની બનાવીશ. ૧૩  તારા બધા દીકરાઓને* યહોવા શીખવશે.+ તારા દીકરાઓની શાંતિનો કોઈ પાર નહિ રહે.+ ૧૪  તને સચ્ચાઈમાં અડગ રીતે દૃઢ કરવામાં આવશે.+ તારા પર કોઈ જુલમ નહિ થાય.+ તને કશાની બીક નહિ લાગે અને તારે કશાથી ગભરાવું નહિ પડે. ડર તારી પાસે ફરકશે પણ નહિ.+ ૧૫  જો કોઈ તારા પર હુમલો કરે,તો એ મારા હુકમથી નહિ હોય. જે કોઈ તારા પર હુમલો કરશે, એ ચોક્કસ હારશે.”+ ૧૬  “જુઓ, મેં પોતે કારીગરને બનાવ્યો છે. તે કોલસાને ફૂંક મારીને આગ સળગાવે છેઅને હથિયાર બનાવે છે. મેં જ વિનાશ કરનાર માણસને ઘડ્યો છે, જે સંહાર કરે છે.+ ૧૭  તારી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ.+ ન્યાયચુકાદા વખતે જે જીભ તારી વિરુદ્ધ ઊઠશે, એને તું દોષિત ઠરાવશે. યહોવાના ભક્તોનો આ વારસો છેઅને હું તેઓને નેક ગણું છું,” એવું યહોવા જાહેર કરે છે.+

ફૂટનોટ

અથવા, “માલિક.”
અથવા, “માલિક.”
અથવા, “આગ જેવા રંગના પથ્થરોના.”
અથવા, “બાળકોને.”