યહોશુઆ ૧૧:૧-૨૩

  • ઉત્તરનાં શહેરો પર જીત (૧-૧૫)

  • યહોશુઆની જીતનું વર્ણન (૧૬-૨૩)

૧૧  હાસોરના રાજા યાબીને એ સાંભળ્યું કે તરત તેણે આ રાજાઓને સંદેશો મોકલ્યો: માદોનનો રાજા+ યોબાબ, શિમ્રોનનો રાજા, આખ્શાફનો રાજા,+ ૨  ઉત્તરના પહાડી વિસ્તારના રાજાઓ, કિન્‍નેરેથની દક્ષિણે આવેલાં મેદાનોના* રાજાઓ, શેફેલાહના રાજાઓ અને પશ્ચિમે આવેલા દોરના+ ઢોળાવોના રાજાઓ. ૩  તેણે આ લોકોને પણ સંદેશો મોકલ્યો: પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ,+ અમોરીઓ,+ હિત્તીઓ, પરિઝ્ઝીઓ, પહાડી વિસ્તારના યબૂસીઓ અને મિસ્પાહના હેર્મોનની+ તળેટીમાં રહેતા હિવ્વીઓ.+ ૪  તેઓ સર્વ પોતપોતાનાં લશ્કરો સાથે નીકળી આવ્યા. તેઓ સમુદ્રના કિનારાની રેતીની જેમ ગણ્યા ગણાય નહિ એટલા હતા. તેઓ પાસે પુષ્કળ ઘોડાઓ અને રથો હતા. ૫  આ બધા રાજાઓ એક થઈને ઇઝરાયેલ સામે લડવા આવ્યા અને મેરોમના ઝરા પાસે છાવણી નાખી. ૬  યહોવાએ યહોશુઆને કહ્યું: “તેઓથી ડરીશ નહિ,+ કેમ કે કાલે આશરે આ સમયે હું તેઓને ઇઝરાયેલના હાથમાં સોંપી દઈશ. તેઓ સર્વને તમે મારી નાખશો. તમારે તેઓના ઘોડાઓના પગની નસો કાપી નાખવી+ અને તેઓના રથો બાળી નાખવા.” ૭  યહોશુઆ અને તેની સાથેના બધા લડવૈયા પુરુષોએ મેરોમના પાણી આગળ તેઓ પર ઓચિંતો હુમલો કર્યો. ૮  યહોવાએ તેઓને ઇઝરાયેલના હાથમાં સોંપી દીધા.+ ઇઝરાયેલીઓએ તેઓને હરાવીને છેક મોટા સિદોન,+ મિસ્રેફોથ-માઈમ+ અને પૂર્વમાં મિસ્પેહની ખીણ સુધી પીછો કર્યો. તેઓમાંથી કોઈ જીવતું ન રહ્યું ત્યાં સુધી ઇઝરાયેલીઓ તેઓને મારતા ગયા.+ ૯  યહોશુઆએ યહોવાના કહેવા પ્રમાણે જ કર્યું. તેણે તેઓના ઘોડાઓના પગની નસો કાપી નાખી અને રથો બાળી નાખ્યા.+ ૧૦  યહોશુઆએ પાછા ફરીને હાસોર જીતી લીધું અને એના રાજાને તલવારથી મારી નાખ્યો.+ અગાઉ હાસોર એ બધાં રાજ્યોમાં મુખ્ય હતું. ૧૧  ઇઝરાયેલીઓએ તલવારથી બધા લોકોને* મારી નાખ્યા અને તેઓનો વિનાશ કર્યો.+ શ્વાસ લેનાર કોઈ જીવતું બચ્યું નહિ.+ ત્યાર બાદ યહોશુઆએ હાસોર બાળી નાખ્યું. ૧૨  યહોશુઆએ એ રાજાઓનાં બધાં શહેરો જીતી લીધાં અને તલવારથી એના બધા રાજાઓને હરાવ્યા.+ યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તેમ, તેણે તેઓનો વિનાશ કર્યો.+ ૧૩  પણ ટેકરીઓ પરના એકેય શહેરને ઇઝરાયેલે બાળી નાખ્યું નહિ, સિવાય કે હાસોર. ફક્ત એ જ યહોશુઆએ બાળી નાખ્યું. ૧૪  ઇઝરાયેલીઓએ એ બધાં શહેરોમાંથી મળેલી લૂંટ અને એનાં ઢોરઢાંક પોતાના માટે લીધાં.+ પણ બધા લોકોનો નાશ થાય ત્યાં સુધી તેઓને તલવારથી માર્યા.+ શ્વાસ લેનાર કોઈને પણ તેઓએ જીવતા રહેવા દીધા નહિ.+ ૧૫  યહોવાએ પોતાના સેવક મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એ મૂસાએ યહોશુઆને આપી હતી.+ યહોશુઆએ એ જ પ્રમાણે કર્યું. યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એ દરેક યહોશુઆએ પાળી.+ ૧૬  યહોશુઆએ આ આખો દેશ જીતી લીધો: પહાડી વિસ્તાર, આખો નેગેબ,+ ગોશેનનો આખો વિસ્તાર, શેફેલાહ,+ અરાબાહ+ અને ઇઝરાયેલનો પહાડી વિસ્તાર ને એની ટેકરીઓ;* ૧૭  એટલે કે સેઈર સુધી ફેલાયેલા હાલાક પર્વતથી છેક હેર્મોન પર્વતની+ તળેટીએ લબાનોનની ખીણમાં આવેલા બઆલ-ગાદ+ સુધી. તેણે તેઓના બધા રાજાઓને હરાવી દીધા અને તેઓને મારી નાખ્યા. ૧૮  યહોશુઆએ ઘણા સમય સુધી એ બધા રાજાઓ સાથે લડાઈ કરવી પડી હતી. ૧૯  ગિબયોનમાં રહેતા હિવ્વીઓ સિવાય એક પણ શહેરે ઇઝરાયેલીઓ સાથે સુલેહ-શાંતિ કરી નહિ.+ ઇઝરાયેલીઓએ લડાઈ કરીને બધાં પર જીત મેળવી.+ ૨૦  યહોવાએ જ એ લોકોનાં મન જડ થવાં દીધાં,+ જેથી તેઓ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરે અને ઈશ્વર જરાય દયા બતાવ્યા વગર તેઓનો નાશ થવા દે.+ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે તેઓનો વિનાશ કરવાનો હતો.+ ૨૧  યહોશુઆએ પહાડી વિસ્તાર, હેબ્રોન, દબીર, અનાબ અને યહૂદાના આખા પહાડી વિસ્તાર તેમજ ઇઝરાયેલના આખા પહાડી વિસ્તારમાંથી અનાકીઓનું*+ નામનિશાન મિટાવી દીધું. યહોશુઆએ તેઓનો અને તેઓનાં શહેરોનો વિનાશ કર્યો.+ ૨૨  ઇઝરાયેલીઓના દેશમાં કોઈ અનાકી બચ્યો નહિ. ગાઝા,+ ગાથ+ અને આશ્દોદમાં+ જ તેઓ બચી ગયા.+ ૨૩  યહોવાએ મૂસાને વચન આપ્યા પ્રમાણે, યહોશુઆએ આખો દેશ કબજે કરી લીધો.+ યહોશુઆએ એ દેશ ઇઝરાયેલીઓને સોંપી દીધો અને તેઓનાં કુળ પ્રમાણે હિસ્સા પાડીને વારસા તરીકે આપ્યો.+ પછી આખા દેશમાં લડાઈનો અંત આવ્યો.+

ફૂટનોટ

અથવા, “અરાબાહના.”
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
મૂળ, “શેફેલાહ.”
રાક્ષસી કદના અને મજબૂત લોકો.