યહોશુઆ ૯:૧-૨૭
૯ યર્દનની પશ્ચિમે આવેલા પહાડી વિસ્તારના રાજાઓએ+ જે બન્યું હતું એ સાંભળ્યું. શેફેલાહ, મોટા સમુદ્રના*+ કિનારાના વિસ્તાર અને લબાનોનની સામેના વિસ્તારના રાજાઓએ પણ એના વિશે સાંભળ્યું. તેઓ હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના રાજાઓ હતા.+
૨ એ બધા રાજાઓ યહોશુઆ અને ઇઝરાયેલીઓ સામે લડવા ભેગા થયા.+
૩ ગિબયોનના લોકોએ+ પણ સાંભળ્યું કે યહોશુઆએ યરીખો+ અને આયના+ કેવા હાલ કર્યા છે.
૪ એટલે તેઓ ચતુરાઈથી વર્ત્યા. તેઓએ ઘસાઈ ગયેલી ગુણોમાં ખાવાનું ભરીને પોતાનાં ગધેડાઓ પર મૂકી. એની સાથે ફાટેલી ને થીંગડાં મારેલી, ઘસાઈ ગયેલી મશકો* પણ મૂકી.
૫ તેઓએ જૂનાં અને સાંધેલાં ચંપલ પહેર્યાં અને કપડાં પણ ફાટેલાં પહેર્યાં. તેઓએ રોટલીઓ પણ એવી લીધી, જે સૂકી અને ભૂકો થઈ ગઈ હતી.
૬ તેઓ ગિલ્ગાલમાં યહોશુઆ પાસે છાવણીમાં આવ્યા.+ તેઓએ તેને અને ઇઝરાયેલના માણસોને કહ્યું: “અમે દૂર દેશથી આવ્યા છીએ. કૃપા કરીને અમારી સાથે શાંતિનો કરાર કરો.”
૭ પણ ઇઝરાયેલના માણસોએ હિવ્વીઓને* કહ્યું:+ “બની શકે કે તમે અમારી નજીક રહેતા હોવ. અમે તમારી સાથે કેમ કરાર કરીએ?”+
૮ તેઓએ યહોશુઆને જવાબ આપ્યો: “અમે તમારા સેવકો* છીએ.”
યહોશુઆએ તેઓને પૂછ્યું: “તમે કોણ છો અને ક્યાંથી આવો છો?”
૯ તેઓએ તેને કહ્યું: “તમારા ઈશ્વર યહોવાના નામને લીધે તમારા સેવકો દૂર દેશથી આવ્યા છે.+ અમે તેમની મહાનતા વિશે અને તેમણે ઇજિપ્તમાં કરેલાં મોટાં મોટાં કામો વિશે સાંભળ્યું છે.+
૧૦ એ પણ સાંભળ્યું છે કે યર્દનની સામેની તરફના* અમોરીઓના બે રાજાઓ, એટલે કે હેશ્બોનના રાજા સીહોન+ અને આશ્તારોથમાં રહેતા બાશાનના રાજા ઓગના+ તેમણે કેવા હાલ કર્યા છે.
૧૧ એટલે અમારા વડીલોએ અને અમારા દેશના બધા લોકોએ અમને કહ્યું, ‘મુસાફરીને માટે તમારી સાથે ખાવાનું લો અને તેઓને મળવા જાઓ. તેઓને કહેજો: “અમે તમારા સેવકો બનીશું.+ કૃપા કરીને અમારી સાથે શાંતિનો કરાર કરો.”’+
૧૨ અમે તમને મળવા ઘરેથી નીકળ્યા એ દિવસે આ રોટલીઓ ગરમાગરમ હતી. પણ જુઓ, હવે એ સુકાઈને ભૂકો થઈ ગઈ છે.+
૧૩ આ મશકો અમે ભરી ત્યારે નવીનક્કોર હતી, પણ હવે ફાટી ગઈ છે.+ લાંબી મુસાફરીને લીધે અમારાં કપડાં અને ચંપલ ઘસાઈ ગયાં છે.”
૧૪ ઇઝરાયેલના માણસોએ તેઓનું અમુક ખાવાનું તપાસી જોયું, પણ એ વિશે યહોવાને કંઈ પૂછ્યું નહિ.+
૧૫ યહોશુઆએ તેઓ સાથે સુલેહ-શાંતિ કરી+ અને તેઓને જીવતા રાખવાનો કરાર કર્યો. લોકોના આગેવાનોએ તેઓની આગળ એવા જ સમ ખાધા.+
૧૬ ઇઝરાયેલીઓએ કરાર કર્યો એના ત્રણ દિવસ પછી સાંભળવા મળ્યું કે તેઓ તો નજીકમાં જ આસપાસના વિસ્તારમાં રહે છે.
૧૭ એટલે ઇઝરાયેલીઓ નીકળી પડ્યા અને ત્રીજા દિવસે તેઓનાં આ શહેરોમાં આવી પહોંચ્યા: ગિબયોન,+ કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ.+
૧૮ પણ ઇઝરાયેલીઓએ તેઓ પર હુમલો કર્યો નહિ, કારણ કે આગેવાનોએ તેઓ આગળ ઇઝરાયેલના ઈશ્વર યહોવાના સમ ખાધા હતા.+ આખી પ્રજાએ આગેવાનો વિરુદ્ધ કચકચ કરી.
૧૯ એ સાંભળીને બધા આગેવાનોએ આખી પ્રજાને કહ્યું: “અમે તેઓ આગળ ઇઝરાયેલના ઈશ્વર યહોવાના સમ ખાધા છે. એટલે તેઓને કંઈ કરી શકતા નથી.
૨૦ આપણે તેઓને જીવતા રહેવા દઈએ, જેથી તેઓ આગળ જે સમ ખાધા છે, એના લીધે આપણા પર ઈશ્વરનો કોપ ન ઊતરે.”+
૨૧ ગિબયોનીઓને વચન આપ્યું હોવાથી, આગેવાનોએ ઉમેર્યું: “તેઓને જીવતા રહેવા દઈએ. પણ તેઓ આખી પ્રજા માટે લાકડાં ભેગા કરનારા અને પાણી ભરનારા થાય.”
૨૨ યહોશુઆએ ગિબયોનીઓને બોલાવીને કહ્યું: “તમે અમારી નજીક રહો છો છતાં, ‘અમે દૂર દેશથી આવ્યા છીએ’ એમ કહીને અમને કેમ છેતર્યા?+
૨૩ હવેથી તમે શ્રાપિત છો+ અને હંમેશાં ગુલામ બનીને રહેશો. મારા ઈશ્વરના મંડપ* માટે તમે લાકડાં ભેગાં કરશો અને પાણી ભરશો.”
૨૪ તેઓએ યહોશુઆને જવાબ આપ્યો: “તમારા સેવકોને પાકી ખબર મળી હતી કે તમારા ઈશ્વર યહોવાએ તમને આખો દેશ આપવાની પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી. એના બધા રહેવાસીઓનો પૂરેપૂરો નાશ કરવાનું પણ કહ્યું હતું.+ અમને ડર લાગ્યો કે તમે અમને પણ મારી નાખશો,+ એટલે અમે એવું કર્યું.+
૨૫ હવે અમે તમારા હાથમાં છીએ. તમને જે સારું અને વાજબી લાગે એ પ્રમાણે અમને કરો.”
૨૬ યહોશુઆએ એમ જ કર્યું. તેણે તેઓને ઇઝરાયેલીઓના હાથમાંથી બચાવ્યા અને તેઓને મારી નાખ્યા નહિ.
૨૭ એ દિવસથી યહોશુઆએ તેઓને બધા લોકો માટે અને ઈશ્વર પસંદ કરે એ જગ્યાએ+ યહોવાની વેદી માટે લાકડાં ભેગાં કરનારાં અને પાણી ભરનારા બનાવ્યા.+ આજ સુધી તેઓ એમ જ કરે છે.+
ફૂટનોટ
^ એટલે કે, ભૂમધ્ય સમુદ્ર.
^ એ સમયે ગિબયોનમાં હિવ્વીઓ રહેતા હતા.
^ અથવા, “ગુલામો.”
^ એટલે કે, પૂર્વ તરફ.