યૂના ૩:૧-૧૦
૩ ફરી એક વાર યહોવાનો આ સંદેશો યૂના પાસે આવ્યો:+
૨ “ઊઠ અને મોટા શહેર નિનવેહ જા.+ હું તને જે સંદેશો જણાવું એ ત્યાં જાહેર કર.”
૩ યૂના ઊઠ્યો અને યહોવાની આજ્ઞા માનીને+ નિનવેહ ગયો.+ નિનવેહ તો બહુ મોટું શહેર હતું.* એના એક છેડેથી બીજે છેડે ચાલીને જતાં ત્રણ દિવસ લાગતા.*
૪ યૂના શહેરમાં પ્રવેશ્યો અને તેણે એક દિવસની મુસાફરી કરી. તેણે આ સંદેશો જાહેર કર્યો: “૪૦ દિવસ પછી નિનવેહનો નાશ થશે!”
૫ નિનવેહના લોકોએ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી.+ તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવ્યો. ગરીબથી લઈને અમીર સુધી, નાનાથી લઈને મોટા સુધી બધાએ કંતાન પહેર્યું.
૬ નિનવેહના રાજાએ યૂનાનો સંદેશો સાંભળ્યો ત્યારે, તે પોતાની રાજગાદી પરથી ઊભો થયો. પોતાનાં રાજવી વસ્ત્રો ઉતારીને તેણે કંતાન પહેર્યું અને તે રાખમાં બેઠો.
૭ તેણે આખા નિનવેહમાં ઠરાવ જાહેર કર્યો,
“રાજા અને તેના દરબારીઓનો આ ઠરાવ છે: કોઈએ કંઈ ખાવું નહિ. માણસે, જાનવરે કે ઢોરઢાંકે કશું ખાવું નહિ કે પાણી પણ પીવું નહિ.
૮ માણસો અને જાનવરો, બધાં કંતાન પહેરે. લોકો પૂરા દિલથી ઈશ્વરને પોકાર કરે, પોતાના ખરાબ માર્ગમાંથી પાછા ફરે અને જોરજુલમ કરવાનું છોડી દે.
૯ કદાચ સાચા ઈશ્વર પોતે જે નક્કી કર્યું છે એના પર ફરી વિચાર* કરે અને પોતાનો ગુસ્સો શાંત પાડે, જેથી આપણે માર્યા ન જઈએ.”
૧૦ સાચા ઈશ્વરે જોયું કે, લોકો પોતાના ખરાબ માર્ગથી પાછા ફર્યા છે.+ એટલે તેમણે જે આફત લાવવાનું નક્કી કર્યું હતું, એના પર ફરી વિચાર* કર્યો અને એ આફત લાવ્યા નહિ.+
ફૂટનોટ
^ મૂળ, “ઈશ્વરની નજરમાં નિનવેહ મોટું શહેર હતું.”
^ અથવા, “આખા શહેરનો ઘેરાવો ત્રણ દિવસની મુસાફરી જેટલો હતો.”
^ અથવા, “પસ્તાવો.”
^ અથવા, “પસ્તાવો.”