યોહાન ૧૧:૧-૫૭
૧૧ બેથનિયામાં લાજરસ નામનો એક માણસ બીમાર હતો. તેની બહેનો મરિયમ અને માર્થા પણ એ ગામમાં રહેતી હતી.+
૨ આ એ જ મરિયમ હતી, જેણે માલિકના પગ પર સુગંધી તેલ રેડ્યું હતું અને પોતાના વાળથી પગ લૂછ્યા હતા.+ બીમાર લાજરસ તેનો ભાઈ હતો.
૩ એટલે તેની બહેનોએ ઈસુને સંદેશો મોકલ્યો કે “માલિક, તમારો જિગરી દોસ્ત બીમાર છે.”
૪ એ સાંભળીને ઈસુએ કહ્યું: “આ બીમારીનો અંત મરણ નથી, પણ એ ઈશ્વરના મહિમા માટે+ અને ઈશ્વરના દીકરાના મહિમા માટે છે.”
૫ ઈસુને માર્થા, તેની બહેન અને લાજરસ પર પ્રેમ હતો.
૬ પણ લાજરસ બીમાર છે એવું સાંભળીને ઈસુ જ્યાં હતા ત્યાં હજુ બે દિવસ રોકાયા.
૭ એ પછી તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ.”
૮ શિષ્યોએ તેમને કહ્યું: “ગુરુજી,*+ હજુ થોડા સમય પહેલાં તો યહૂદિયાના લોકો તમને પથ્થરે મારવા માંગતા હતા.+ તોપણ તમે ત્યાં પાછા જવા ચાહો છો?”
૯ ઈસુએ કહ્યું: “શું દિવસમાં ૧૨ કલાક પ્રકાશ નથી હોતો?+ જે માણસ દિવસના પ્રકાશમાં ચાલે છે તે કોઈ વસ્તુથી ઠોકર ખાતો નથી. તે દુનિયાના પ્રકાશને લીધે જોઈ શકે છે.
૧૦ પણ જે માણસ રાતે ચાલે છે તે ઠોકર ખાય છે, કારણ કે તેની પાસે પ્રકાશ નથી.”
૧૧ પછી તેમણે કહ્યું: “લાજરસ આપણો મિત્ર ઊંઘી ગયો છે,+ તેને ઉઠાડવા હું ત્યાં જાઉં છું.”
૧૨ શિષ્યોએ કહ્યું: “માલિક, જો તે ઊંઘતો હોય તો સાજો થઈ જશે.”
૧૩ ઈસુ તેના મરણની વાત કરતા હતા. પણ તેઓને લાગ્યું કે ઈસુ તેના ઊંઘવા વિશે, આરામ કરવા વિશે વાત કરે છે.
૧૪ એટલે ઈસુએ તેઓને સીધેસીધું કહ્યું: “લાજરસનું મરણ થયું છે.+
૧૫ હું ત્યાં ન હતો એ તમારા માટે સારું છે, કેમ કે તમારી શ્રદ્ધા હજુ પણ વધારે મક્કમ થશે. ચાલો આપણે હવે તેની પાસે જઈએ.”
૧૬ થોમા, જે જોડિયો કહેવાતો હતો તેણે બીજા શિષ્યોને કહ્યું: “ચાલો આપણે પણ જઈએ, ભલે પછી તેમની સાથે મરવું પડે.”+
૧૭ ઈસુ બેથનિયા નજીક આવ્યા ત્યારે તેમને ખબર પડી કે લાજરસને કબરમાં ચાર દિવસ થઈ ગયા છે.
૧૮ બેથનિયા યરૂશાલેમથી લગભગ ત્રણ કિલોમીટર* દૂર હતું.
૧૯ માર્થા અને મરિયમના ભાઈનું મરણ થયું હોવાથી, તેઓને દિલાસો આપવા ઘણા યહૂદીઓ આવ્યા હતા.
૨૦ ઈસુ આવે છે એવું સાંભળીને માર્થા તેમને સામે મળવા ગઈ. પણ મરિયમ+ ઘરે જ રહી.
૨૧ માર્થાએ ઈસુને કહ્યું: “માલિક, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થયું ન હોત.
૨૨ પણ મને હજુ ભરોસો છે કે તમે ઈશ્વર પાસેથી જે કંઈ માંગો, એ ઈશ્વર તમને જરૂર આપશે.”
૨૩ ઈસુએ તેને કહ્યું: “તારો ભાઈ જીવતો થશે.”
૨૪ માર્થાએ કહ્યું: “હું જાણું છું કે છેલ્લા દિવસે જ્યારે ગુજરી ગયેલા લોકો જીવતા કરાશે,*+ ત્યારે તે જીવતો થશે.”
૨૫ ઈસુએ કહ્યું: “ગુજરી ગયેલા લોકોને જીવતા કરનાર અને તેઓને જીવન આપનાર હું છું.+ જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તે ગુજરી જાય તોપણ જીવતો થશે.
૨૬ જે કોઈ જીવે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે તે કદી મરશે નહિ.+ શું તને આ વાત પર ભરોસો છે?”
૨૭ તેણે કહ્યું: “હા માલિક, મને પૂરો ભરોસો છે કે તમે જ ખ્રિસ્ત છો, તમે જ ઈશ્વરના દીકરા છો, જે દુનિયામાં આવવાના હતા.”
૨૮ એટલું કહીને તે ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે કહ્યું: “ગુરુજી+ આવ્યા છે અને તને બોલાવે છે.”
૨૯ એ સાંભળીને મરિયમ તરત ઊભી થઈને તેમને મળવા ગઈ.
૩૦ ઈસુ હજુ ગામમાં આવ્યા ન હતા, પણ માર્થા તેમને જ્યાં મળી હતી એ જ જગ્યાએ હતા.
૩૧ મરિયમને દિલાસો આપવા તેની સાથે ઘરમાં અમુક યહૂદીઓ હતા. તેઓએ તેને ઝડપથી ઊભી થઈને બહાર જતા જોઈ. એટલે તેઓ પણ તેની પાછળ ગયા. તેઓને લાગ્યું કે તે રડવા માટે કબરે+ જાય છે.
૩૨ ઈસુ હતા ત્યાં મરિયમ આવી પહોંચી. તે તેમના પગ આગળ પડી અને કહ્યું: “માલિક, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થયું ન હોત.”
૩૩ ઈસુએ તેને રડતી જોઈ અને તેની સાથે આવેલા યહૂદીઓને રડતા જોયા. એ જોઈને તેમણે મનમાં* ઊંડો નિસાસો નાખ્યો અને તે બહુ દુઃખી થયા.
૩૪ તેમણે પૂછ્યું: “તમે તેને ક્યાં મૂક્યો છે?” તેઓએ કહ્યું: “માલિક, આવો અને જુઓ.”
૩૫ ઈસુ રડ્યા.+
૩૬ એ જોઈને યહૂદીઓ કહેવા લાગ્યા: “જુઓ, તેમને લાજરસ માટે કેટલી લાગણી હતી!”
૩૭ પણ તેઓમાંથી કેટલાકે કહ્યું: “જેમણે આંધળાને દેખતો કર્યો,+ તે શું આ માણસને મરતા બચાવી શક્યા ન હોત?”
૩૮ ઈસુએ ફરીથી મનમાં નિસાસો નાખ્યો અને કબર પાસે આવ્યા. હકીકતમાં એ ગુફા હતી અને એના પર પથ્થર મૂકેલો હતો.
૩૯ ઈસુએ કહ્યું: “પથ્થર ખસેડો.” ગુજરી ગયેલા માણસની બહેન માર્થાએ તેમને કહ્યું: “માલિક, હવે તો તેની લાશ ગંધાતી હશે. તેના મરણને ચાર દિવસ થઈ ગયા છે.”
૪૦ ઈસુએ તેને કહ્યું: “શું મેં તને જણાવ્યું ન હતું કે તું શ્રદ્ધા રાખશે તો ઈશ્વરનો મહિમા જોશે?”+
૪૧ તેઓએ પથ્થર ખસેડ્યો. પછી ઈસુએ આકાશ તરફ નજર ઉઠાવીને+ કહ્યું: “હે પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે.
૪૨ મને ખબર છે કે તમે હંમેશાં મારું સાંભળો છો. પણ અહીં ઊભેલા ટોળાને લીધે મેં એમ કહ્યું, જેથી તેઓ ભરોસો કરે કે તમે મને મોકલ્યો છે.”+
૪૩ એમ કહીને તેમણે મોટેથી બૂમ પાડી: “લાજરસ, બહાર આવ!”+
૪૪ જે માણસ મરી ગયો હતો, તે બહાર આવ્યો. તેના હાથ-પગ પર કપડાં વીંટાળેલાં હતાં. તેના ચહેરા પર પણ કપડું વીંટાળેલું હતું. ઈસુએ તેઓને કહ્યું: “તેના બંધન છોડી નાખો અને તેને જવા દો.”
૪૫ ઈસુએ જે કર્યું હતું એ ઘણા યહૂદીઓએ જોયું, જેઓ મરિયમને મળવા આવ્યા હતા. તેઓએ તેમના પર શ્રદ્ધા મૂકી.+
૪૬ પણ અમુક યહૂદીઓ ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કર્યું હતું એ વિશે જણાવ્યું.
૪૭ મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદી ન્યાયસભા* બોલાવી અને કહ્યું: “આપણે શું કરીએ, કેમ કે આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે?+
૪૮ જો આપણે તેને આમ ને આમ કરવા દઈશું, તો બધા લોકો તેનામાં શ્રદ્ધા મૂકશે. રોમનો આવીને આપણી જગ્યા* અને આપણી પ્રજા બંને છીનવી લેશે.”
૪૯ તેઓમાં કાયાફાસ+ નામે એક માણસ હતો, જે એ વર્ષે પ્રમુખ યાજક* હતો. તેણે તેઓને કહ્યું: “તમને કંઈ જ ખબર પડતી નથી.
૫૦ તમે વિચારતા કેમ નથી કે આખી પ્રજા નાશ પામે એના કરતાં લોકો માટે એક માણસ મરણ પામે, એ તમારા ફાયદામાં છે.”
૫૧ આ વાત તે પોતાની મરજીથી બોલ્યો ન હતો. પણ એ વર્ષે તે પ્રમુખ યાજક હોવાથી, ઈશ્વરે તેના દ્વારા ભવિષ્યવાણી કરાવી કે ઈસુ પોતાની પ્રજા માટે મરણ પામશે.
૫૨ ફક્ત પ્રજાને માટે જ નહિ, ઈશ્વરનાં વિખેરાયેલાં બાળકોને ભેગાં કરીને એક કરવા માટે પણ ઈસુ મરણ પામશે.
૫૩ એ દિવસથી તેઓ તેમને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા.
૫૪ પછી ઈસુએ યહૂદીઓમાં જાહેર રીતે ફરવાનું બંધ કર્યું. પણ તે ત્યાંથી નીકળીને એફ્રાઈમ+ નામના શહેરમાં ગયા. એ વેરાન પ્રદેશ પાસે આવેલું હતું. તે શિષ્યો સાથે ત્યાં રોકાયા.
૫૫ હવે યહૂદીઓનો પાસ્ખાનો તહેવાર+ પાસે હતો. પાસ્ખાના તહેવાર પહેલાં, બહારગામથી ઘણા લોકો નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કરવા યરૂશાલેમ ગયા હતા.
૫૬ તેઓ ઈસુને શોધતા હતા અને મંદિરમાં ઊભા રહીને એકબીજાને કહેતા હતા: “તમને શું લાગે છે? તે તહેવારમાં આવશે કે નહિ?”
૫૭ પણ મુખ્ય યાજકો અને ફરોશીઓએ હુકમ કર્યો હતો: ઈસુ ક્યાં છે એની જો કોઈને જાણ થાય તો ખબર આપવી. એ માટે કે તેઓ ઈસુને પકડી શકે.
ફૂટનોટ
^ હિબ્રૂ, રાબ્બી.
^ મૂળ, “આશરે ૧૫ સ્ટેડિયમ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
^ એટલે કે, મંદિર.