યોહાન ૧૪:૧-૩૧
૧૪ “તમારું દિલ દુઃખી થવા ન દો.+ ભગવાનમાં શ્રદ્ધા રાખો+ અને મારામાં પણ શ્રદ્ધા રાખો.
૨ મારા પિતાના ઘરમાં રહેવાની જગ્યા ઘણી છે. જો એમ ન હોત તો મેં તમને જણાવ્યું ન હોત. પણ હવે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું.+
૩ હું જઈશ અને તમારા માટે જગ્યા તૈયાર કરીને પાછો આવીશ. હું તમને મારા ઘરમાં લઈ જઈશ, જેથી હું જ્યાં રહું છું ત્યાં તમે પણ રહી શકો.+
૪ હું જ્યાં જાઉં છું, ત્યાંનો માર્ગ તમે જાણો છો.”
૫ થોમાએ+ તેમને કહ્યું: “માલિક, અમે જાણતા નથી કે તમે ક્યાં જાઓ છો. તો પછી એ માર્ગ અમને કેવી રીતે ખબર પડશે?”
૬ ઈસુએ તેને કહ્યું: “માર્ગ,+ સત્ય+ અને જીવન+ હું છું. મારા દ્વારા જ પિતા પાસે જઈ શકાય છે.+
૭ જો તમે મને ઓળખશો તો તમે મારા પિતાને પણ ઓળખશો. આ ઘડીથી તમે તેમને ઓળખો છો અને તમે તેમને જોયા છે.”+
૮ ફિલિપે કહ્યું: “માલિક, અમને પિતા બતાવો. અમારા માટે એટલું પૂરતું છે.”
૯ ઈસુએ કહ્યું: “ફિલિપ, હું લાંબા સમયથી તમારા બધા સાથે છું, તોપણ તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.+ તો પછી તું શા માટે કહે છે કે ‘અમને પિતા બતાવો’?
૧૦ શું તું માનતો નથી કે હું પિતા સાથે એકતામાં છું અને પિતા મારી સાથે એકતામાં છે?+ જે વાતો હું તમને કહું છું એ મારી પોતાની નથી.+ પણ મારા પિતા જે મારી સાથે એકતામાં છે, તે મારા દ્વારા પોતાનાં કામ કરાવે છે.
૧૧ મારી આ વાત પર ભરોસો મૂકો કે હું પિતા સાથે એકતામાં છું અને પિતા મારી સાથે એકતામાં છે. કંઈ નહિ તો મારાં કામોને લીધે ભરોસો મૂકો.+
૧૨ હું તમને સાચે જ કહું છું, જે મારામાં શ્રદ્ધા મૂકે છે, તે મારાં જેવા કામો પણ કરશે. તે આના કરતાં મોટાં કામો કરશે,+ કેમ કે હું મારા પિતા પાસે જાઉં છું.+
૧૩ એટલું જ નહિ, તમે મારા નામે જે કંઈ વિનંતી કરશો એ હું પૂરી કરીશ, જેથી દીકરાને લીધે પિતાને મહિમા મળે.+
૧૪ જો તમે મારા નામે વિનંતી કરશો તો હું એ પૂરી કરીશ.
૧૫ “જો તમે મને પ્રેમ કરતા હશો તો તમે મારી આજ્ઞાઓ પાળશો.+
૧૬ હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો એક સહાયક* આપશે, જે કાયમ તમારી સાથે રહેશે.+
૧૭ સત્યની પવિત્ર શક્તિ*+ દુનિયા મેળવી શકતી નથી, કેમ કે દુનિયા એ જોતી નથી અને જાણતી નથી.+ તમે એ જાણો છો, કેમ કે એ તમારી સાથે રહે છે અને એ તમારામાં છે.
૧૮ હું તમને એકલા-અટૂલા* છોડી દઈશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ.+
૧૯ થોડા સમય પછી દુનિયા મને જોશે નહિ. પણ તમે મને જોશો,+ કેમ કે હું જીવું છું અને તમે પણ જીવશો.
૨૦ એ દિવસે તમે જાણશો કે હું મારા પિતા સાથે એકતામાં છું. એ પણ જાણશો કે તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું.+
૨૧ જે મારી આજ્ઞાઓ સ્વીકારે છે અને એને પાળે છે, તેને મારા પર પ્રેમ છે. જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર પિતા પ્રેમ રાખશે. હું પણ તેના પર પ્રેમ રાખીશ અને તેને મારા વિશે બધું જણાવીશ.”
૨૨ યહૂદાએ+ (ઇસ્કારિયોત નહિ) કહ્યું: “માલિક, તમે કેમ તમારા વિશે અમને બધું જણાવવા માંગો છો અને દુનિયાને નહિ?”
૨૩ ઈસુએ તેને કહ્યું: “જે કોઈ મારા પર પ્રેમ રાખે છે, તે મારી વાતો પાળશે+ અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે. અમે તેની પાસે આવીશું અને તેની સાથે રહીશું.+
૨૪ જે મારા પર પ્રેમ રાખતો નથી, તે મારી વાતો પાળતો નથી. તમે જે વાતો સાંભળો છો એ મારી નથી, પણ મને મોકલનાર પિતાની છે.+
૨૫ “તમારી સાથે રહીને મેં તમને આ બધું કહ્યું છે.
૨૬ પણ પિતા મારા નામે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એ તમને બધું શીખવશે અને મેં કહેલી બધી વાતો તમને યાદ અપાવશે.+
૨૭ તમે મારી સાથે જે શાંતિનો આનંદ માણો છો, એ હું તમને આપતો રહીશ.+ દુનિયા આપે છે એ રીતે હું તમને શાંતિ આપતો નથી. તમારાં દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ.
૨૮ મેં જે કહ્યું એ તમે સાંભળ્યું છે: ‘હું જાઉં છું અને તમારી પાસે પાછો આવીશ.’ જો તમને મારા પર પ્રેમ હશે તો તમે ખુશ થશો કે હું પિતા પાસે જાઉં છું, કેમ કે પિતા મારા કરતાં મહાન છે.+
૨૯ મેં તમને એ વિશે પહેલેથી જણાવ્યું છે, જેથી એમ થાય ત્યારે તમે માનો.+
૩૦ હવે પછી હું તમારી સાથે વધારે વાત કરીશ નહિ, કેમ કે આ દુનિયાનો શાસક+ આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.*+
૩૧ પણ દુનિયાને જાણ થાય કે હું પિતા પર પ્રેમ રાખું છું, એ માટે હું પિતાની આજ્ઞા પ્રમાણે જ કરું છું.+ ચાલો ઊઠો, આપણે અહીંથી જઈએ.
ફૂટનોટ
^ અથવા, “દિલાસો આપનાર.” અહીં પવિત્ર શક્તિનું સંબોધન વ્યક્તિ તરીકે થયું છે.
^ શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
^ અથવા, “શોકમાં ડૂબેલા; અનાથ.”
^ અથવા, “મારા પર તેનું કોઈ જોર ચાલતું નથી.”