યોહાન ૧૫:૧-૨૭
૧૫ “હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે.
૨ મારી જે ડાળીને ફળ આવતાં નથી, એને તે કાપી નાખે છે. પણ જે ડાળીને ફળ આવે છે, એને તે કાપકૂપ* કરે છે, જેથી એ ડાળી વધારે ફળ આપે.+
૩ મેં તમને જે વાતો જણાવી છે, એના લીધે તમે અગાઉથી જ શુદ્ધ છો.+
૪ મારી સાથે એકતામાં રહો અને હું તમારી સાથે એકતામાં રહીશ. દ્રાક્ષાવેલાથી અલગ રહીને ડાળી ફળ આપી શકતી નથી. જો તમે મારી સાથે એકતામાં નહિ રહો, તો તમે પણ ફળ* આપી નહિ શકો.+
૫ હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારી સાથે એકતામાં રહે છે અને જેની સાથે હું એકતામાં રહું છું, તે ઘણાં ફળ આપે છે.+ મારાથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી.
૬ જે મારી સાથે એકતામાં રહેતો નથી, તે કાપી નંખાયેલી ડાળી જેવો છે. એ સુકાઈ જાય છે. લોકો એવી ડાળીઓ ભેગી કરે છે અને આગમાં બાળી નાખે છે.
૭ જો તમે મારી સાથે એકતામાં રહેશો અને મારી વાતો તમારાં દિલમાં રાખશો, તો તમે જે કંઈ ચાહો અને માંગો એ પ્રમાણે જરૂર થશે.+
૮ તમે ઘણાં ફળ આપતા રહો અને પોતાને મારા શિષ્યો સાબિત કરો, એમાં મારા પિતાને મહિમા મળે છે.+
૯ જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે,+ તેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમમાં રહો.
૧૦ જેમ હું પિતાની આજ્ઞાઓ પાળું છું અને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો.
૧૧ “મેં તમને આ વાતો જણાવી, જેથી મને જે ખુશી મળી છે એ તમને પણ મળે.+
૧૨ મારી આજ્ઞા એ છે કે જેમ મેં તમને પ્રેમ કર્યો, તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+
૧૩ મિત્રો માટે પોતાનો જીવ આપી દેવો, એના કરતાં મોટો પ્રેમ કોઈ નથી.+
૧૪ હું જે આજ્ઞાઓ આપું છું, એ જો તમે પાળો તો તમે મારા મિત્રો છો.+
૧૫ હવેથી હું તમને દાસ કહેતો નથી, કારણ કે દાસ જાણતો નથી કે પોતાનો માલિક શું કરે છે. પણ હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું એ બધું જ તમને જણાવ્યું છે.
૧૬ તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. મેં તમને પસંદ કર્યા છે કે તમે જઈને ફળ આપતા રહો. તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારા નામે જે કંઈ માંગો એ પિતા તમને આપે.+
૧૭ “હું તમને એ બધું કરવાની આજ્ઞા આપું છું, જેથી તમે એકબીજા પર પ્રેમ રાખો.+
૧૮ જો દુનિયા તમારો ધિક્કાર કરે, તો ભૂલતા નહિ કે એણે તમારા પહેલાં મારો ધિક્કાર કર્યો છે.+
૧૯ જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. પણ તમે દુનિયાના નથી+ અને મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે. એટલે દુનિયા તમને ધિક્કારે છે.+
૨૦ મેં તમને જે કહ્યું હતું એ યાદ રાખો: દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે.+ જો તેઓએ મારી વાત માની તો તેઓ તમારી વાત પણ માનશે.
૨૧ તમે મારા શિષ્યો છો એટલે* તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ ઓળખતા નથી.+
૨૨ જો હું આવ્યો ન હોત અને તેઓને જણાવ્યું ન હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત.+ પણ હવે તેઓનાં પાપ માટે તેઓ પાસે કોઈ બહાનું નથી.+
૨૩ જે કોઈ મને ધિક્કારે છે, તે મારા પિતાને પણ ધિક્કારે છે.+
૨૪ મેં તેઓ વચ્ચે એવાં કામો કર્યાં, જે કોઈએ નથી કર્યાં. જો એ કામો મેં ન કર્યાં હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત.+ પણ હવે તેઓએ મને જોયો છે અને મારો ધિક્કાર કર્યો છે. તેઓએ મારા પિતાનો પણ ધિક્કાર કર્યો છે.
૨૫ આ એટલા માટે બન્યું કે તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું પૂરું થાય: ‘તેઓએ વિના કારણે મારો ધિક્કાર કર્યો.’+
૨૬ હું પિતા પાસેથી તમારા માટે સહાયક મોકલીશ, એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ જે પિતા પાસેથી આવે છે. એ મારા વિશે સાક્ષી આપશે.+
૨૭ તમે પણ મારા વિશે સાક્ષી આપશો,+ કારણ કે તમે શરૂઆતથી મારી સાથે છો.