યોહાન ૧૭:૧-૨૬

  • પ્રેરિતો સાથે ઈસુની છેલ્લી પ્રાર્થના (૧-૨૬)

    • ઈશ્વરને ઓળખવાથી હંમેશ માટેનું જીવન મળે છે ()

    • ખ્રિસ્તીઓ દુનિયાના નથી (૧૪-૧૬)

    • “તમારાં વચનો સત્ય છે” (૧૭)

    • ‘મેં તમારું નામ જણાવ્યું છે’ (૨૬)

૧૭  એ વાતો કહીને ઈસુએ આકાશ તરફ નજર કરીને કહ્યું: “હે પિતા, સમય આવી ગયો છે. તમારા દીકરાને મહિમા આપો, જેથી તમારો દીકરો તમને મહિમા આપે.+ ૨  તમે દીકરાને બધા લોકો પર અધિકાર આપ્યો છે,+ જેથી તમે સોંપેલા લોકોને+ તે હંમેશ માટેનું જીવન આપે.+ ૩  હંમેશ માટેનું જીવન+ મેળવવા જરૂરી છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને ઓળખે*+ અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને પણ ઓળખે.+ ૪  તમે જે કામ મને સોંપ્યું હતું, એ પૂરું કરીને+ મેં તમને પૃથ્વી પર મહિમા આપ્યો છે.+ ૫  હે પિતા, તમારી સાથે મને એવો મહિમા આપો, જેવો મહિમા દુનિયાની શરૂઆત પહેલાં મને તમારી સાથે રહીને મળ્યો હતો.+ ૬  “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે.+ તેઓ તમારા હતા અને તેઓને તમે જ મને આપ્યા છે. તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે. ૭  હવે તેઓ જાણે છે કે તમે જે બધું મને આપ્યું છે, એ તમારી પાસેથી છે. ૮  તમે જે વાતો મને જણાવી, એ મેં તેઓને જણાવી છે.+ તેઓએ એનો સ્વીકાર કર્યો છે. તેઓ ચોક્કસ જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું.+ તેઓ માને છે કે તમે મને મોકલ્યો છે.+ ૯  હું તેઓ માટે વિનંતી કરું છું. હું દુનિયા માટે નહિ, પણ તમે મને જે લોકો આપ્યા છે તેઓ માટે વિનંતી કરું છું, કારણ કે તેઓ તમારા છે. ૧૦  મારું બધું એ તમારું છે, તમારું એ મારું છે+ અને તેઓ વચ્ચે મને મહિમા મળ્યો છે. ૧૧  “હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પણ તેઓ દુનિયામાં રહેવાના છે.+ હે પવિત્ર પિતા, મને આપેલા તમારા નામને* લીધે તેઓનું ધ્યાન રાખજો.+ એ માટે કે જેમ આપણે એક* છીએ તેમ તેઓ પણ એક થાય.+ ૧૨  હું તેઓની સાથે હતો ત્યાં સુધી, મને આપેલા તમારા નામને લીધે મેં તેઓનું ધ્યાન રાખ્યું હતું.+ મેં તેઓનું રક્ષણ કર્યું છે. વિનાશના દીકરા+ સિવાય તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી,+ જેથી શાસ્ત્રવચન પૂરું થાય.+ ૧૩  હવે હું તમારી પાસે આવું છું. હું હજુ આ દુનિયામાં છું ત્યારે આ બધું કહું છું, જેથી મારા આનંદથી તેઓ ભરપૂર થાય.+ ૧૪  મેં તેઓને તમારો સંદેશો જણાવ્યો છે. પણ દુનિયા તેઓને ધિક્કારે છે, કારણ કે જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ દુનિયાના નથી.+ ૧૫  “દુનિયામાંથી તેઓને લઈ લેવાની હું તમને વિનંતી કરતો નથી, પણ શેતાનથી* તેઓનું રક્ષણ કરવાની વિનંતી કરું છું.+ ૧૬  જેમ હું દુનિયાનો નથી,+ તેમ તેઓ પણ દુનિયાના નથી.+ ૧૭  સત્યથી તેઓને પવિત્ર* કરો.+ તમારાં વચનો સત્ય છે.+ ૧૮  જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે.+ ૧૯  હું તેઓ માટે પોતાને પવિત્ર રાખું છું, જેથી તેઓ પણ સત્યથી પવિત્ર થાય. ૨૦  “હું ફક્ત આ લોકો માટે જ વિનંતી કરતો નથી, પણ તેઓનો સંદેશો સાંભળીને જે કોઈ મારા પર શ્રદ્ધા મૂકે, તેઓ માટે પણ વિનંતી કરું છું. ૨૧  આમ તેઓ બધા એક થાય.+ હે પિતા, જેમ તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું,+ તેમ તેઓ પણ આપણી સાથે એકતામાં રહે. એના લીધે દુનિયા માનશે કે તમે મને મોકલ્યો છે. ૨૨  તમે મને જે મહિમા આપ્યો છે એ મેં તેઓને આપ્યો છે. એ માટે કે જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય.+ ૨૩  હું તેઓ સાથે એકતામાં છું અને તમે મારી સાથે એકતામાં છો, જેથી તેઓ પૂરેપૂરી રીતે એક થાય.* એનાથી દુનિયાને ખબર પડશે કે તમે મને મોકલ્યો છે. તમે જેમ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓ પર પ્રેમ રાખ્યો છે. ૨૪  હે પિતા, હું ચાહું છું કે જ્યાં હું છું ત્યાં તમે મને આપેલા લોકો પણ હોય.+ એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો* એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે.+ ૨૫  હે ન્યાયી પિતા, દુનિયા ખરેખર તમને ઓળખતી નથી,+ પણ હું તમને ઓળખું છું.+ આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. ૨૬  મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ.+ એ માટે કે જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે, એવો પ્રેમ તેઓમાં પણ રહે અને હું તેઓની સાથે એકતામાં રહું.”+

ફૂટનોટ

અથવા, “જ્ઞાન લેતા રહે.”
ઈસુ નામનો અર્થ થાય, “યહોવા તારણ છે.”
અથવા, “એકતામાં.”
મૂળ, “દુષ્ટથી.”
અથવા, “અલગ.”
અથવા, “સંપૂર્ણ રીતે એકતામાં આવે.”
આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.