યોહાન ૨૦:૧-૩૧

  • ખાલી કબર (૧-૧૦)

  • ઈસુ મરિયમ માગદાલેણને દેખાયા (૧૧-૧૮)

  • ઈસુ પોતાના શિષ્યોને દેખાયા (૧૯-૨૩)

  • થોમા શંકા કરે છે, પછી ભરોસો કરે છે (૨૪-૨૯)

  • આ વીંટાનો હેતુ (૩૦, ૩૧)

૨૦  અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યારે, મરિયમ માગદાલેણ કબર પાસે આવી.+ તેણે જોયું તો કબરના મુખ પરથી પથ્થર હટાવી દેવામાં આવ્યો હતો.+ ૨  એટલે તે દોડતી દોડતી સિમોન પિતર અને બીજા એક શિષ્ય પાસે આવી, જે ઈસુને વહાલો હતો.+ તેણે તેઓને કહ્યું: “તેઓ માલિકને કબરમાંથી લઈ ગયા છે+ અને અમને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.” ૩  પિતર અને એ શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. ૪  બંને સાથે દોડવા લાગ્યા, પણ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડ્યો અને કબરે પહેલો પહોંચી ગયો. ૫  તેણે કબરમાં નમીને જોયું તો શણનાં કપડાં ત્યાં પડેલાં હતાં.+ પણ તે અંદર ગયો નહિ. ૬  તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો અને કબરની અંદર ગયો. તેણે ત્યાં શણનાં કપડાં પડેલાં જોયાં. ૭  ઈસુના માથા પર વીંટાળેલું કપડું બીજાં કપડાં સાથે ન હતું, પણ વાળીને એક બાજુ મૂકેલું હતું. ૮  પછી જે શિષ્ય કબરે પહેલો પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો. તેણે એ જોયું અને જે કહેવામાં આવ્યું હતું, એના પર ભરોસો કર્યો. ૯  પણ ઈસુ મરણમાંથી જીવતા થશે, એ શાસ્ત્રવચન તેઓ હજુ સમજતા ન હતા.+ ૧૦  તેથી શિષ્યો પાછા પોતાનાં ઘરે ચાલ્યા ગયા. ૧૧  પણ મરિયમ હજુ કબરની બહાર ઊભી ઊભી રડતી હતી. તે રડતાં રડતાં નમીને કબરની અંદર જોવા લાગી. ૧૨  તેણે સફેદ કપડાંમાં બે દૂતોને જોયા.+ ઈસુનું શબ જે જગ્યાએ મૂક્યું હતું ત્યાં તેઓ બેઠા હતા. એક દૂત માથા તરફ અને એક દૂત પગ તરફ હતો. ૧૩  તેઓએ તેને કહ્યું: “તું કેમ રડે છે?” તેણે કહ્યું: “તેઓ મારા માલિકને લઈ ગયા છે. મને ખબર નથી કે તેમને ક્યાં મૂક્યા છે.” ૧૪  એમ કહીને તે પાછળ ફરી તો તેણે ઈસુને ઊભેલા જોયા. પણ એ ઈસુ છે એવો તેને ખ્યાલ ન આવ્યો.+ ૧૫  ઈસુએ તેને પૂછ્યું: “તું કેમ રડે છે? તું કોને શોધે છે?” મરિયમને થયું કે તે માળી હશે. એટલે તેણે કહ્યું: “ભાઈ, જો તમે તેમને લઈ ગયા હો, તો મને કહો કે તેમને ક્યાં મૂક્યા છે. હું તેમને લઈ જઈશ.” ૧૬  ઈસુએ તેને કહ્યું: “મરિયમ!” તેણે પાછળ ફરીને હિબ્રૂમાં કહ્યું: “રાબ્બોની!” (જેનો અર્થ થાય, “ગુરુજી!”) ૧૭  ઈસુએ તેને કહ્યું: “મને પકડી ન રાખ, કેમ કે હું હમણાં પિતા પાસે ઉપર જઈ રહ્યો નથી. પણ મારા ભાઈઓ પાસે જા.+ તેઓને કહે કે ‘હું મારા પિતા+ અને તમારા પિતા, મારા ઈશ્વર+ અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું.’” ૧૮  એટલે મરિયમ માગદાલેણ શિષ્યો પાસે આવી અને તેઓને ખબર આપી: “મેં માલિકને જોયા છે!” ઈસુએ તેને જે કહ્યું હતું એ તેઓને જણાવ્યું.+ ૧૯  હવે અઠવાડિયાના પહેલા દિવસની સાંજ ઢળી ચૂકી હતી. શિષ્યો યહૂદીઓની બીકને લીધે બારણાં બંધ કરીને ઘરમાં ભેગા થયા હતા. તોપણ ઈસુ તેઓની વચ્ચે આવીને ઊભા રહ્યા અને કહ્યું: “તમને શાંતિ થાઓ.”+ ૨૦  આટલું કહીને તેમણે પોતાના હાથ અને પોતાનું પડખું તેઓને બતાવ્યાં.+ શિષ્યો માલિકને જોઈને બહુ ખુશ થયા.+ ૨૧  ઈસુએ ફરીથી તેઓને કહ્યું: “તમને શાંતિ થાઓ.+ જેમ પિતાએ મને મોકલ્યો છે,+ તેમ હું પણ તમને મોકલું છું.”+ ૨૨  એમ કહીને તેમણે તેઓ પર ફૂંક મારી અને કહ્યું: “પવિત્ર શક્તિ મેળવો.+ ૨૩  જો તમે કોઈનાં પાપ માફ કરો, તો એ માફ કરવામાં આવશે. જો તમે કોઈનાં પાપ માફ નહિ કરો, તો એ માફ કરવામાં નહિ આવે.” ૨૪  ઈસુ આવ્યા ત્યારે, બાર શિષ્યોમાંનો એક થોમા+ તેઓની સાથે ન હતો, જે જોડિયો કહેવાતો હતો. ૨૫  બીજા શિષ્યો તેને કહેવા લાગ્યા: “અમે માલિકને જોયા છે!” પણ તેણે કહ્યું: “જ્યાં સુધી હું તેમના હાથમાં ખીલાના નિશાન ન જોઉં, એમાં મારી આંગળી ન નાખું અને તેમના પડખામાં મારો હાથ ન નાખું,+ ત્યાં સુધી હું ભરોસો કરવાનો નથી.” ૨૬  આઠ દિવસ પછી તેમના શિષ્યો ફરીથી ઘરની અંદર હતા અને થોમા તેઓની સાથે હતો. બારણાં બંધ હોવા છતાં ઈસુ તેઓની વચ્ચે આવીને ઊભા રહ્યા અને કહ્યું: “તમને શાંતિ થાઓ.”+ ૨૭  તેમણે થોમાને કહ્યું: “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો. તારો હાથ મારા પડખામાં નાખ. શંકા કરવાનું બંધ કર અને ભરોસો કર.” ૨૮  થોમાએ તેમને કહ્યું: “મારા માલિક, મારા ઈશ્વર!”* ૨૯  ઈસુએ કહ્યું: “શું તેં મને જોયો એટલે તું ભરોસો કરે છે? જેઓ જોયા વગર ભરોસો કરે છે, તેઓ સુખી છે!” ૩૦  ઈસુએ શિષ્યો આગળ બીજા ઘણા ચમત્કારો કર્યા હતા, જે આ વીંટામાં* લખેલા નથી.+ ૩૧  પણ જે લખવામાં આવ્યું એ એટલા માટે લખાયું, જેથી તમે શ્રદ્ધા મૂકો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે અને તે ઈશ્વરના દીકરા છે. આમ શ્રદ્ધા મૂકવાથી તેમના નામથી તમને જીવન મળે.+

ફૂટનોટ

એટલે કે, યહોવા માટે બોલનાર અને તેમનો પ્રતિનિધિ.