યોહાન ૫:૧-૪૭

  • બેથઝાથામાં બીમાર માણસ સાજો કરાયો (૧-૧૮)

  • ઈસુને તેમના પિતાએ આપેલો અધિકાર (૧૯-૨૪)

  • ગુજરી ગયેલા લોકો ઈસુનો અવાજ સાંભળશે (૨૫-૩૦)

  • ઈસુ વિશેની સાક્ષી (૩૧-૪૭)

 એ પછી યહૂદીઓનો એક તહેવાર+ હતો અને ઈસુ યરૂશાલેમ ગયા. ૨  યરૂશાલેમમાં ઘેટા દરવાજા+ પાસે પાંચ પરસાળવાળો એક કુંડ છે, જે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. ૩  એ પરસાળોમાં બીમાર, આંધળા, લૂલા અને લકવો થયેલા* ઘણા બધા લોકો હતા. ૪  * ૫  ત્યાં એક માણસ હતો, જે ૩૮ વર્ષથી બીમાર હતો. ૬  ઈસુએ તેને જોયો અને તેમને ખબર પડી કે તે ઘણા સમયથી બીમાર છે. તેમણે તેને પૂછ્યું: “શું તું સાજો થવા ચાહે છે?”+ ૭  એ બીમાર માણસે જવાબ આપ્યો: “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને કુંડમાં ઉતારવા માટે કોઈ હોતું નથી. હું કુંડમાં ઊતરવા જાઉં, એટલામાં બીજું કોઈ મારી આગળ ઊતરી જાય છે.” ૮  ઈસુએ તેને કહ્યું: “ઊભો થા! તારી પથારી ઉપાડીને ચાલ.”+ ૯  એ માણસ તરત જ સાજો થયો! તેણે પોતાની પથારી ઉઠાવી અને ચાલવા લાગ્યો. એ સાબ્બાથનો* દિવસ હતો. ૧૦  યહૂદીઓ સાજા થયેલા માણસને કહેવા લાગ્યા: “આજે સાબ્બાથ છે અને નિયમ પ્રમાણે તારે પથારી ઊંચકવી ન જોઈએ.”+ ૧૧  તેણે જવાબ આપ્યો: “જેમણે મને સાજો કર્યો છે, તેમણે જ મને કહ્યું, ‘તારી પથારી ઉપાડીને ચાલ.’” ૧૨  તેઓએ પૂછ્યું: “એ માણસ કોણ છે જેણે તને કહ્યું, ‘પથારી ઉપાડીને ચાલ’?” ૧૩  સાજા થયેલા માણસને ખબર ન હતી કે તે કોણ છે, કેમ કે ઈસુ ટોળામાં ભળી ગયા હતા. ૧૪  પછી ઈસુ એ માણસને મંદિરમાં મળ્યા અને કહ્યું: “તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, જેથી તારા પર કોઈ મોટી આફત આવે નહિ.” ૧૫  એ માણસે જઈને યહૂદીઓને જણાવ્યું કે ઈસુએ તેને સાજો કર્યો હતો. ૧૬  ઈસુ આ બધું સાબ્બાથ દરમિયાન કરતા હતા. એટલે યહૂદીઓ તેમના માટે મુસીબતો ઊભી કરવા લાગ્યા. ૧૭  ઈસુએ તેઓને કહ્યું: “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરતો રહું છું.”+ ૧૮  એટલે યહૂદીઓ તેમને મારી નાખવા માટે વધારે પ્રયત્ન કરવા લાગ્યા. તેઓને લાગતું કે ઈસુ સાબ્બાથ તોડતા હતા. એટલું જ નહિ, ઈશ્વરને પોતાના પિતા કહીને+ તે પોતાને ઈશ્વર સમાન ગણતા હતા.+ ૧૯  ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દીકરો પિતાને જે કરતા જુએ છે, એ જ કરે છે.+ એના સિવાય તે પોતાની રીતે કંઈ કરી શકતો નથી, કેમ કે પિતા જે કરે છે, એ બધું દીકરો પણ કરે છે. ૨૦  પિતાને દીકરા પર પ્રેમ* છે+ અને પોતે જે કરે છે એ બધું તેને બતાવે છે. પિતા તેને આનાથી પણ વધારે મહાન કામો બતાવશે, જેથી તમે નવાઈ પામો.+ ૨૧  જેમ ગુજરી ગયેલાને પિતા ઉઠાડે છે અને તેઓને જીવન આપે છે,+ તેમ દીકરો પણ પોતે ચાહે તેને જીવન આપે છે.+ ૨૨  પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ બધાનો ન્યાય કરવાનું કામ તેમણે દીકરાને સોંપ્યું છે.+ ૨૩  એ માટે કે જેમ પિતાને બધા માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. જે દીકરાને માન આપતો નથી, તે તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી.+ ૨૪  હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારી વાત સાંભળે છે અને મને મોકલનારનું માને છે, તેને હંમેશ માટેનું જીવન મળશે.+ તે સજાને લાયક ગણાશે નહિ. તે એવા માણસ જેવો છે જે મરણ પામેલો હતો, પણ હવે જીવે છે.+ ૨૫  “હું તમને સાચે જ કહું છું કે એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે, જ્યારે ગુજરી ગયેલા લોકો ઈશ્વરના દીકરાનો અવાજ સાંભળશે. જેઓએ તેની વાત માની છે તેઓ જીવશે. ૨૬  જેમ પિતા પાસે જીવન આપવાની શક્તિ છે,+ તેમ દીકરાને પણ તેમણે જીવન આપવાની શક્તિ આપી છે.+ ૨૭  તેમણે દીકરાને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે,+ કારણ કે તે માણસનો દીકરો છે.+ ૨૮  એ સાંભળીને નવાઈ ન પામો, કેમ કે એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં* છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે+ ૨૯  અને બહાર નીકળી આવશે. જેઓએ સારાં કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓ જીવન મેળવે. જેઓએ દુષ્ટ કામો કર્યાં હતાં, તેઓને જીવતા કરવામાં આવશે, જેથી તેઓનો ન્યાય કરવામાં આવે.+ ૩૦  હું મારી પોતાની રીતે એક પણ કામ કરી શકતો નથી. જેમ પિતા મને કહે છે તેમ હું ન્યાય કરું છું. મારો ન્યાય સાચો* છે,+ કારણ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.+ ૩૧  “જો હું એકલો મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી.+ ૩૨  મારા વિશે તો બીજું કોઈ સાક્ષી આપે છે. હું જાણું છું કે મારા વિશેની તેમની સાક્ષી સાચી છે.+ ૩૩  તમે યોહાન પાસે માણસો મોકલ્યા અને તેણે મારા વિશે સાચી સાક્ષી આપી.+ ૩૪  હું માણસની સાક્ષી સ્વીકારતો નથી. પણ હું આ વાતો એ માટે કહું છું, જેથી તમારો ઉદ્ધાર થાય. ૩૫  યોહાન સળગતા અને ઝળહળતા દીવા જેવો હતો. થોડા સમય માટે તમે તેના પ્રકાશમાં ઘણો આનંદ કરવા તૈયાર હતા.+ ૩૬  પણ યોહાનની સાક્ષી કરતાં વધારે મોટી સાક્ષી મારી પાસે છે. મારા પિતાએ મને જે કામો પૂરાં કરવાનું સોંપ્યું છે, એ જ કામો હું કરું છું. એ કામો સાક્ષી પૂરે છે કે પિતાએ મને મોકલ્યો છે.+ ૩૭  મને મોકલનાર પિતા પોતે મારા વિશે સાક્ષી આપે છે.+ તમે કદી પણ તેમનો અવાજ સાંભળ્યો નથી કે તેમને કોઈ રૂપમાં જોયા નથી.+ ૩૮  તમારાં દિલમાં તેમનો સંદેશો વસતો નથી, કારણ કે જેને પિતાએ મોકલ્યો છે, તેના પર તમે ભરોસો કરતા નથી. ૩૯  “તમે હંમેશ માટેનું જીવન મેળવવાના ઇરાદાથી શાસ્ત્રવચનોમાં શોધખોળ કરો છો.+ એ જ શાસ્ત્રવચનો મારા વિશે સાક્ષી આપે છે.+ ૪૦  પણ તમે જીવન મેળવવા મારી પાસે આવવા માંગતા નથી.+ ૪૧  હું માણસો પાસેથી માન સ્વીકારતો નથી. ૪૨  પણ હું સારી રીતે જાણું છું કે તમારામાં ઈશ્વર માટે પ્રેમ નથી. ૪૩  હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી. જો બીજું કોઈ તેના પોતાના નામે આવ્યું હોત, તો તમે તેનો સ્વીકાર કર્યો હોત. ૪૪  તમે એકબીજા પાસેથી માન મેળવો છો અને જે માન એકલા ઈશ્વર પાસેથી મળે છે, એ તમે શોધતા નથી. તો પછી તમે મારું કઈ રીતે માનવાના?+ ૪૫  એવું ન વિચારો કે હું પિતા આગળ તમારા પર આરોપ મૂકીશ. તમારા પર આરોપ મૂકનાર તો મૂસા+ છે, જેમનામાં તમે આશા રાખો છો. ૪૬  જો તમે મૂસાનું કહેવું માન્યું હોત તો મારું કહેવું પણ માન્યું હોત, કેમ કે તેમણે મારા વિશે લખ્યું છે.+ ૪૭  જો તમે તેમનાં લખાણોમાં ભરોસો મૂકતા નથી, તો હું જે કહું છું એમાં તમે ક્યાંથી ભરોસો મૂકવાના?”

ફૂટનોટ

અથવા, “હાથ કે પગ સુકાઈ ગયા હોય એવા.”
અથવા, “લાગણી.”
એટલે કે, ઈશ્વર જેઓને યાદ રાખે છે તેઓની કબર.
શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.