લૂક ૧૧:૧-૫૪
૧૧ ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. એ પૂરી થઈ પછી તેમના શિષ્યોમાંના એકે કહ્યું: “માલિક, અમને પ્રાર્થના કરતા શીખવો, જેમ યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું.”
૨ તેમણે કહ્યું: “જ્યારે પણ તમે પ્રાર્થના કરો, ત્યારે કહો: ‘હે પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.*+ તમારું રાજ્ય આવો.+
૩ આજ માટે જરૂરી રોટલી અમને આપો.+
૪ અમારાં પાપ* માફ કરો, કેમ કે અમે પણ અમારી વિરુદ્ધ પાપ કરનારા દરેકને* માફ કર્યા છે.+ અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ.’”*+
૫ પછી તેમણે કહ્યું: “ધારો કે તમારામાંના એકને મિત્ર છે. તમે તેની પાસે અડધી રાતે જઈને કહો છો, ‘દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ.
૬ મુસાફરીમાં નીકળેલો મારો એક મિત્ર હમણાં જ મારી પાસે આવ્યો છે. તેને આપવા માટે મારી પાસે કંઈ નથી.’
૭ પણ ઘરમાલિક જણાવે છે: ‘મને હેરાન ન કર. બારણું ક્યારનું બંધ કરી દીધું છે. મારાં બાળકો મારી સાથે પથારીમાં છે. હું ઊઠીને તને કંઈ આપી શકું એમ નથી.’
૮ પણ હું તમને કહું છું કે તે જરૂર ઊઠશે અને તમને જે કંઈ જોઈતું હશે એ આપશે. તમારો મિત્ર હોવાને લીધે નહિ, પણ તમે શરમાયા વગર માંગતા રહો છો+ એના લીધે તે આપશે.
૯ એટલે હું તમને જણાવું છું, માંગતા રહો+ અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.+
૧૦ જે કોઈ માંગે છે તેને મળે છે,+ જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે.
૧૧ તમારામાં એવો કયો પિતા છે જેનો દીકરો માછલી માંગે તો તેને માછલીને બદલે સાપ આપશે?+
૧૨ અથવા જો તે ઈંડું માંગે તો તેને વીંછી આપશે?
૧૩ તમે પાપી હોવા છતાં તમારાં બાળકોને સારી ભેટ આપો છો. તો પછી સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ પવિત્ર શક્તિ* માંગે છે, તેઓને તે આપશે એમાં કોઈ જ શંકા નથી.”+
૧૪ ત્યાર બાદ તેમણે એક માણસમાંથી દુષ્ટ દૂત કાઢ્યો, જેણે તેને મૂંગો કરી દીધો હતો.+ પછી એ માણસ બોલવા લાગ્યો અને ટોળાંની નવાઈનો પાર ન રહ્યો.+
૧૫ પણ તેઓમાંના અમુકે કહ્યું: “તે દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+
૧૬ બીજાઓ કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+
૧૭ તેઓના વિચારો જાણીને+ ઈસુએ કહ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એની પડતી થાય છે. દરેક ઘર જેમાં ભાગલા પડે છે એ પડી ભાંગે છે.
૧૮ એ જ રીતે, જો શેતાન પોતાની વિરુદ્ધ લડે, તો તેનું રાજ્ય કેવી રીતે ટકશે? તમે કહો છો કે હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢું છું.
૧૯ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
૨૦ પણ જો હું ઈશ્વરની શક્તિથી*+ દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો સમજી લો કે ઈશ્વરનું રાજ્ય તમારા હાથમાંથી નીકળી ગયું છે.+
૨૧ જ્યારે બળવાન માણસ હથિયાર લઈને પોતાના ઘરનું રક્ષણ કરે છે, ત્યારે તેની ચીજવસ્તુઓ સલામત રહે છે.
૨૨ પણ તેનાથી વધારે બળવાન માણસ આવીને તેને હરાવે છે. તેણે ભરોસો મૂકેલાં બધાં હથિયારોને એ માણસ છીનવી લે છે અને તેની વસ્તુઓ લૂંટીને બીજાઓને વહેંચી દે છે.
૨૩ જે કોઈ મારી બાજુ નથી એ મારી વિરુદ્ધ છે. જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે.+
૨૪ “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને રહેવાની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે. પણ તેને એ મળતી નથી. તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો હતો એમાં પાછો જઈશ.’+
૨૫ ત્યાં પહોંચતા તે જુએ છે કે ઘર ચોખ્ખું કરેલું અને સજાવેલું છે.
૨૬ તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં રહે છે. એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે.”
૨૭ તે આ વાતો કહેતા હતા ત્યારે, ટોળામાંથી એક સ્ત્રી મોટેથી બોલી: “સુખી છે એ સ્ત્રી જેણે તને જન્મ આપ્યો અને ધવડાવ્યો!”+
૨૮ તેમણે કહ્યું: “ના, એના કરતાં સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”+
૨૯ જ્યારે લોકો ટોળે વળવા લાગ્યા, ત્યારે તેમણે કહ્યું: “આ પેઢી દુષ્ટ છે. એ નિશાની શોધે છે, પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.+
૩૦ જેમ યૂના+ નિનવેહના લોકો માટે નિશાની બન્યા, તેમ આ પેઢી માટે માણસનો દીકરો નિશાની બનશે.
૩૧ દક્ષિણની રાણીને+ ન્યાયના દિવસે આ પેઢીના લોકો સાથે ઉઠાડવામાં આવશે. તે તેઓને દોષિત ઠરાવશે, કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનના ડહાપણની વાતો સાંભળવા આવી હતી. પણ જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.+
૩૨ નિનવેહના લોકોને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તેઓ એને દોષિત ઠરાવશે, કેમ કે યૂનાએ કરેલા પ્રચારને લીધે તેઓએ પસ્તાવો કર્યો હતો.+ પણ જુઓ! અહીં યૂના કરતાં કોઈક મહાન છે.
૩૩ દીવો સળગાવીને કોઈ એને સંતાડતું નથી કે ટોપલા નીચે મૂકતું નથી. પણ ઊંચે દીવી પર મૂકે છે,+ જેથી ઘરમાં આવનારને અજવાળું મળી શકે.
૩૪ શરીરનો દીવો તમારી આંખ છે. જ્યારે તમારી આંખ એક જ બાબત પર લાગેલી હોય છે,* ત્યારે તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય છે. જ્યારે તમારી આંખ દુષ્ટ કામો પર લાગેલી હોય છે,* ત્યારે તમારું શરીર અંધકારથી ભરેલું હોય છે.+
૩૫ સાવચેત રહો, શરીરને પ્રકાશ આપતી તમારી આંખ અંધકારથી ભરેલી ન હોય.
૩૬ જો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને એના કોઈ ભાગમાં અંધારું ન હોય, તો તમારું આખું શરીર દીવાના પ્રકાશની જેમ ઝળહળી ઊઠશે.”
૩૭ તેમણે બોલવાનું પૂરું કર્યું ત્યારે એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. એટલે તે તેના ઘરે ગયા અને જમવા* બેઠા.
૩૮ ફરોશી એ જોઈને નવાઈ પામ્યો કે તેમણે જમતા પહેલાં હાથ ધોયા ન હતા.*+
૩૯ પણ માલિક ઈસુએ તેને કહ્યું: “ઓ ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી તમે લોભ અને દુષ્ટ કામોથી ભરેલા છો.+
૪૦ ઓ મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું છે, તેમણે શું અંદરનું પણ નથી બનાવ્યું?
૪૧ તમારાં દિલમાં જે હોય એ પ્રમાણે દાન* આપો. પછી તમે બધી રીતે શુદ્ધ થશો.
૪૨ ઓ ફરોશીઓ, તમને અફસોસ! તમે ફૂદીના, સિતાબ* અને બીજી બધી શાકભાજીનો દસમો ભાગ તો આપો છો,+ પણ ઈશ્વરના ન્યાય અને પ્રેમને પડતા મૂકો છો. ખરું કે દસમો ભાગ આપવા તમે બંધાયેલા છો, પણ નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો પડતી મૂકવાની ન હતી.+
૪૩ ઓ ફરોશીઓ, તમને અફસોસ! તમને સભાસ્થાનોમાં આગળની* બેઠકો અને બજારોમાં લોકો સલામો ભરે એવું ગમે છે.+
૪૪ તમને અફસોસ, કેમ કે તમે એવી કબરો* જેવા છો જે દેખાતી નથી.+ માણસો એના પર ચાલે છે અને તેઓને ખબર પણ પડતી નથી!”
૪૫ નિયમશાસ્ત્રના એક પંડિતે તેમને કહ્યું: “શિક્ષક, આ વાતો કહીને તમે અમારું પણ અપમાન કરો છો.”
૪૬ તેમણે કહ્યું: “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને પણ અફસોસ! તમે એવો ભારે બોજો માણસો પર નાખો છો જે ઊંચકવો મુશ્કેલ છે. તમે પોતે એ બોજાને એક આંગળી પણ અડાડતા નથી!+
૪૭ “તમને અફસોસ, કારણ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, પણ તમારા બાપદાદાઓએ તો તેઓને મારી નાખ્યા હતા!+
૪૮ તમે તમારા બાપદાદાઓનાં કામોના સાક્ષી છો, તોપણ તમે તેઓને ખરા માનો છો. તેઓએ પ્રબોધકોને મારી નાખ્યા+ અને તમે એ પ્રબોધકોની કબરો બાંધો છો.
૪૯ એટલે બુદ્ધિશાળી ઈશ્વરે પણ કહ્યું: ‘હું તેઓની પાસે પ્રબોધકો અને પ્રેરિતો મોકલીશ. તેઓ અમુકને મારી નાખશે અને અમુક પર જુલમ ગુજારશે.
૫૦ એ માટે કે દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી વહેવડાવેલા બધા પ્રબોધકોના લોહીનો આરોપ આ પેઢી પર લગાડવામાં આવે.+
૫૧ એટલે કે હાબેલના લોહીથી+ લઈને છેક ઝખાર્યા સુધી, જેમને વેદી અને પવિત્ર સ્થાનની* વચ્ચે મારી નાખવામાં આવ્યા હતા.’+ હું તમને કહું છું કે આ પેઢી પર એનો આરોપ લગાડવામાં આવશે.
૫૨ “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને અફસોસ! તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે. તમે પોતે અંદર જતા નથી અને જેઓ જાય છે, તેઓને પણ અટકાવો છો!”+
૫૩ જ્યારે તે ત્યાંથી નીકળ્યા ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમને ઘેરી લીધા. તેઓએ તેમના પર સવાલોનો મારો ચલાવ્યો.
૫૪ તેઓ લાગ જોતા હતા કે તે એવું કંઈ કહે, જેમાં તેમને ફસાવી શકાય.+
ફૂટનોટ
^ અથવા, “પવિત્ર ગણાય.”
^ મૂળ, “દેવું.”
^ મૂળ, “દેવાદારોને.”
^ મૂળ, “અમને પરીક્ષણમાં ન લાવો.”
^ શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
^ મૂળ, “ઈશ્વરની આંગળીથી.”
^ અથવા, “જ્યારે તમારી આંખ ચોખ્ખી હોય છે.” મૂળ, “જ્યારે તમારી આંખ સાદી હોય છે.”
^ અથવા, “જ્યારે તમારી આંખ ઈર્ષાળુ હોય છે.”
^ અથવા, “મેજને અઢેલીને.”
^ એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ કર્યા ન હતા.
^ એક છોડ જે દવા માટે અને ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે વપરાય છે.
^ અથવા, “સૌથી સારી.”
^ અથવા, “નિશાની વગરની કબરો.”
^ આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.