હઝકિયેલ ૨:૧-૧૦

  • હઝકિયેલને પ્રબોધક તરીકે કામ સોંપાયું (૧-૧૦)

    • “ભલે તેઓ સાંભળે કે ન સાંભળે” ()

    • વિલાપગીતોનો વીંટો (૯, ૧૦)

 તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા,* તારા પગ પર ઊભો થા કે હું તારી સાથે વાત કરું.”+ ૨  તેમણે મારી સાથે વાત કરી ત્યારે મારા પર ઈશ્વરની શક્તિ ઊતરી આવી. એ શક્તિએ મને મારા પગ પર ઊભો કર્યો,+ જેથી હું મારી સાથે બોલનારનો અવાજ સાંભળી શકું. ૩  તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું તને ઇઝરાયેલીઓ પાસે, હા, બંડખોર લોકો પાસે મોકલું છું,+ જેઓએ મારી સામે બળવો પોકાર્યો છે.+ તેઓએ અને તેઓના બાપદાદાઓએ આજ સુધી મારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ ૪  હું તને હઠીલા અને કઠણ દિલના+ દીકરાઓ પાસે મોકલું છું. તારે તેઓને કહેવું કે ‘વિશ્વના માલિક* યહોવા આવું કહે છે.’ ૫  તેઓ સાવ બંડખોર લોકો છે.+ ભલે તેઓ સાંભળે કે ન સાંભળે, પણ તેઓને ચોક્કસ ખબર પડશે કે તેઓમાં એક પ્રબોધક* આવ્યો હતો.+ ૬  “હે માણસના દીકરા, તું તેઓથી ગભરાતો નહિ.+ તેઓની વાતોથી ડરતો નહિ. ભલે તું ઝાડી-ઝાંખરાંથી ઘેરાયેલો છે*+ અને તારે વીંછીઓ વચ્ચે રહેવું પડે છે, પણ તેઓની વાણીથી ગભરાતો નહિ.+ તેઓના ચહેરા જોઈને થરથર કાંપતો નહિ,+ કેમ કે તેઓ બંડખોર લોકો છે. ૭  તેઓ સાંભળે કે ન સાંભળે, તારે તેઓને મારો સંદેશો જરૂર આપવો, કેમ કે તેઓ બંડખોર લોકો છે.+ ૮  “હે માણસના દીકરા, હું જે કહું એ સાંભળ. તું એ બંડખોર લોકોના રંગે ન રંગાઈશ. તારું મોં ખોલ અને હું જે આપું એ ખા.”+ ૯  મેં જોયું તો કોઈએ મારી તરફ હાથ લાંબો કર્યો+ અને એ હાથમાં લખાણવાળો વીંટો* હતો.+ ૧૦  તેણે એ વીંટો મારી સામે ખોલ્યો ત્યારે, એની આગળ-પાછળ બંને તરફ લખાણ હતું.+ એના પર વિલાપગીતો,* શોક અને દુઃખનો સંદેશો લખેલાં હતાં.+

ફૂટનોટ

“માણસના દીકરા,” આ શબ્દો હઝકિયેલમાં ૯૩ વખત જોવા મળે છે. અહીં પહેલી વાર છે.
અથવા કદાચ, “ભલે લોકો હઠીલા છે અને કાંટાની જેમ તને ખૂંચે છે.”
અથવા, “પુસ્તકનો વીંટો.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “શોકગીતો.”