હઝકિયેલ ૨૧:૧-૩૨
૨૧ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૨ “હે માણસના દીકરા, તારું મોં યરૂશાલેમ તરફ ફેરવ. પવિત્ર જગ્યાઓ વિરુદ્ધ સંદેશો જણાવ અને ઇઝરાયેલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
૩ ઇઝરાયેલ દેશને જણાવ, ‘યહોવા કહે છે: “હું તારી વિરુદ્ધ છું. હું મ્યાનમાંથી મારી તલવાર ખેંચી કાઢીશ+ ને તારામાંથી સારા અને ખરાબ લોકોનો વિનાશ કરીશ.
૪ હું મ્યાનમાંથી મારી તલવાર ખેંચી કાઢીને દક્ષિણથી ઉત્તર સુધીના બધા લોકો પર એ લઈ આવીશ. હું તારામાંથી સારા અને ખરાબ લોકોની કતલ કરીશ.
૫ બધા લોકોએ સ્વીકારવું પડશે કે મેં ખુદ યહોવાએ મારી તલવાર મ્યાનમાંથી કાઢી છે. એ પાછી મ્યાનમાં જશે નહિ.”’+
૬ “હે માણસના દીકરા, તું ધ્રૂજતાં ધ્રૂજતાં નિસાસા નાખ, હા, તેઓ આગળ વિલાપ કરીને નિસાસા નાખ.+
૭ જો તેઓ પૂછે કે ‘તું કેમ નિસાસા નાખે છે?’ તો તું જણાવ કે ‘સંદેશાને લીધે.’ એ ચોક્કસ આવશે અને ડરને લીધે દરેક દિલ પીગળી જશે, દરેક હાથ ઢીલો પડી જશે, દરેક માણસ સાવ નિરાશ થઈ જશે અને દરેક ઘૂંટણ ભીનું થઈ જશે.*+ ‘જુઓ, એ ચોક્કસ થશે! હા, એમ જ બનશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૯ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર, ‘યહોવા કહે છે: “તલવાર!+ તેજ અને ચળકતી તલવાર!
૧૦ મોટો સંહાર કરવા એને તેજ કરવામાં આવી છે. એને વીજળીની જેમ ચમકારા મારે એવી બનાવવામાં આવી છે.”’”
લોકોએ પૂછ્યું: “શું આપણે ખુશ થવું ન જોઈએ?”
પણ ઈશ્વરે કહ્યું: “‘દરેક ઝાડને કાપી નાખે છે તેમ, શું એ* મારા દીકરાના રાજદંડને કાપી નાખશે?+
૧૧ “‘એ તલવાર ચળકતી કરવા માટે અને વીંઝવા માટે કોઈકને આપવામાં આવી છે. કતલ કરનારના હાથમાં સોંપવા એ તેજ અને ચળકતી કરવામાં આવી છે.+
૧૨ “‘હે માણસના દીકરા, પોક મૂકીને રડ.+ મારા લોકો પર તલવાર આવી પડી છે. હા, ઇઝરાયેલના બધા મુખીઓ પર એ આવી પડી છે.+ મારા લોકોની સાથે સાથે તેઓ પણ એનો ભોગ બનશે. એટલે શોકને લીધે તારી જાંઘ પર થપાટ માર.
૧૩ મારા લોકોની પરખ કરવામાં આવી છે.+ જો તલવાર રાજદંડને કાપી નાખે તો શું થાય? એનો* કાયમ માટે અંત આવે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૪ “હે માણસના દીકરા, તું ભવિષ્યવાણી કર, તાળી પાડ* અને ત્રણ વાર બોલ, ‘તલવાર! તલવાર! તલવાર!’ એ તલવાર સંહાર કરનારી છે, એ મોટી કતલ કરનારી છે, એણે તેઓને ચારે બાજુથી ઘેરી લીધા છે.+
૧૫ તેઓનાં દિલ ભયને લીધે પીગળી જશે+ અને ઘણા લોકો પોતાના શહેરના દરવાજાઓ પાસે પડશે. મારી તલવારથી હું તેઓનો નાશ કરીશ. અરે, એ તો વીજળીની જેમ ચમકે છે અને કતલ કરવા તેજ થયેલી છે!
૧૬ ઓ તલવાર, તારી જમણી બાજુ અને ડાબી બાજુ સંહાર કર! તને હુકમ કરવામાં આવે એમ સંહાર કર!
૧૭ હું પણ તાળી પાડીશ અને તમારા પર મારો ક્રોધ પૂરેપૂરો રેડી દઈશ,+ હું યહોવા પોતે એવું બોલ્યો છું.”
૧૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૧૯ “હે માણસના દીકરા, તું દેશમાંથી નીકળતો એક રસ્તો દોર. એ રસ્તામાંથી બે ફાંટા પાડ. તલવાર લઈને આવતો બાબેલોનનો રાજા પસંદ કરશે કે તેણે કઈ બાજુ જવું. જે જગ્યાએથી ફાંટા પડે છે ત્યાં શહેરોનો રસ્તો બતાવતી નિશાની ઊભી કર.
૨૦ તું બતાવ કે તલવાર કયા રસ્તે આમ્મોનીઓના રાબ્બાહમાં જઈ શકે+ અને કયા રસ્તે યહૂદાના કોટવાળા યરૂશાલેમમાં જઈ શકે.+
૨૧ જ્યાં બે રસ્તા છૂટા પડે છે, જ્યાં ફાંટા પડે છે, ત્યાં બાબેલોનનો રાજા જોષ જોવા ઊભો રહે છે. તે તીર આમતેમ હલાવે છે, મૂર્તિઓની* સલાહ લે છે અને જાનવરનું કલેજું તપાસી જુએ છે.*
૨૨ તેના જમણા હાથમાં જોષ જોવાનું સાધન છે. એ સાધને યરૂશાલેમ તરફ ઇશારો કર્યો, જેથી તે ત્યાં જઈને કોટ તોડવાનાં સાધનો ગોઠવે, કતલ કરવાનો હુકમ આપે, યુદ્ધનો પોકાર કરે, દરવાજાઓ સામે કોટ તોડવાનાં સાધનો ગોઠવે અને એને ઘેરી લેવા ઢોળાવો બાંધે ને દીવાલો ઊભી કરે.+
૨૩ પણ જે લોકોએ તેઓ* આગળ સમ ખાધા હતા,+ એ લોકોને* એવું લાગશે કે એ તો ખોટા જોષ જોયા છે. પણ રાજા તેઓના ગુના યાદ કરશે અને તેઓને પકડી લેશે.+
૨૪ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તમારા ગુના ખુલ્લા પાડ્યા છે અને તમારાં બધાં કામોમાં પાપ દેખાઈ આવે છે. એ રીતે તમે તમારા અપરાધો યાદ કરાવ્યા છે. હવે તમને યાદ કરવામાં આવ્યા હોવાથી, તમને બળજબરીથી લઈ જવામાં આવશે.’
૨૫ “ઓ ઇઝરાયેલના મુખી, ઓ સખત ઘાયલ થયેલા, તારો દિવસ આવી ગયો છે.+ આખરી સજાનો સમય થઈ ગયો છે.
૨૬ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઉતાર તારી પાઘડી અને ઉતાર તારો મુગટ.+ આ બધું એમ ને એમ રહેશે નહિ.+ નીચાને ઊંચો કર+ અને ઊંચાને નીચો.+
૨૭ હું એ સત્તાને* બરબાદ કરી નાખીશ. બરબાદ, હા, એને બરબાદ કરી નાખીશ! જેની પાસે કાયદેસરનો હક છે, તે આવે ત્યાં સુધી એ કોઈને નહિ મળે.+ હું તેને જ એ આપીશ.’+
૨૮ “હે માણસના દીકરા, તું ભવિષ્યવાણી કર, ‘આમ્મોનીઓ વિશે અને તેઓએ કરેલા અપમાન વિશે વિશ્વના માલિક યહોવા કહે છે: તલવાર! એક ઉગામેલી તલવાર! એ તેજ કરવામાં આવી છે, જેથી વીજળીની જેમ ચળકતી તલવાર લોકોને ખતમ કરી નાખે.
૨૯ તમારું ભવિષ્ય જોનારાઓ ખોટાં દર્શનો અને ખોટા જોષ જુએ છે. કતલ થયેલાઓના ઢગલા પર તમને નાખવામાં આવશે. દુષ્ટ માણસોનો દિવસ આવી ગયો છે. તેઓની આખરી સજાનો સમય થઈ ગયો છે.
૩૦ તલવાર પાછી મ્યાનમાં નાખવામાં આવે. તમારી જન્મભૂમિમાં, તમારા વતનમાં હું તમારો ન્યાય કરીશ.
૩૧ હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારા ગુસ્સાની આગ તમારા પર વરસાવીશ. હું તમને ઘાતકી માણસોના હાથમાં સોંપી દઈશ, જેઓ સંહાર કરવામાં કુશળ છે.+
૩૨ તમે આગ માટેનું બળતણ બની જશો.+ તમારા વતનમાં તમારું લોહી વહેશે. તમને કદી યાદ કરવામાં નહિ આવે. હું યહોવા પોતે એવું બોલ્યો છું.’”
ફૂટનોટ
^ એટલે કે, બીકને લીધે પેશાબ થઈ જશે.
^ એટલે કે, યહોવાની તલવાર.
^ અથવા, “રાજદંડનો.”
^ ગુસ્સો બતાવવા માટે.
^ શબ્દસૂચિમાં “કુળદેવતાની મૂર્તિ” જુઓ.
^ જોષ જોવાની એક રીત.
^ દેખીતું છે, એ બાબેલોનના લોકોને બતાવે છે.
^ એટલે કે, યરૂશાલેમના લોકો.
^ અથવા, “મુગટને.”