હઝકિયેલ ૨૪:૧-૨૭
૨૪ નવમા વર્ષનો* દસમો મહિનો હતો. એ મહિનાના દસમા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૨ “હે માણસના દીકરા, આ તારીખ અને આ દિવસ નોંધી લે. બાબેલોનના રાજાએ આજના દિવસે યરૂશાલેમ પર હુમલો શરૂ કરી દીધો છે.+
૩ બંડખોર પ્રજા વિશે એક ઉદાહરણ* જણાવ. તેઓ વિશે કહે,“‘વિશ્વના માલિક યહોવા કહે છે:
“દેગ ચઢાવો, એને ચૂલા પર ચઢાવો અને એમાં પાણી રેડો.+
૪ એમાં માંસના સારા સારા ટુકડા નાખો,+જાંઘ અને ખભાના ટુકડા નાખો. દેગને સારાં સારાં હાડકાંથી ભરી દો.
૫ ટોળામાંથી સૌથી સારું ઘેટું લો,+ દેગની નીચે ચારે બાજુ લાકડાં ગોઠવી દો.
દેગમાં ટુકડા ઉકાળો, હાડકાં પણ બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો.”’
૬ “વિશ્વના માલિક યહોવા કહે છે:
‘ખૂની શહેરને,+ કટાયેલા દેગને અફસોસ! એનો કાટ કાઢવામાં આવ્યો નથી.
એમાંથી એક પછી એક બધા ટુકડા કાઢી લો,+ પણ પસંદ કરી કરીને કાઢશો નહિ.*
૭ એ શહેરે વહાવેલું લોહી હજુ એમાં છે,+ જે એણે સપાટ ખડક પર રેડી દીધું, જેથી બધા એ જોઈ શકે.
એણે એ જમીન પર રેડ્યું નહિ કે માટીથી ઢાંકી દેવાય.+
૮ એનું વેર વાળવા મારો કોપ સળગી ઊઠ્યો.
મેં એનું લોહી ચળકતા, સપાટ ખડક પર રહેવા દીધું,જેથી એ માટીથી ઢાંકવામાં ન આવે.’+
૯ “વિશ્વના માલિક યહોવા કહે છે:
‘ખૂની શહેરને અફસોસ!+
હું લાકડાંનો મોટો ઢગલો કરીશ.
૧૦ લાકડાંનો ઢગલો કરો અને આગ ચાંપો.
માંસને બરાબર બાફો, રસો બહાર રેડી દો અને હાડકાં પણ ઓગાળી નાખો.
૧૧ ખાલી દેગને તપાવવા અંગારા પર મૂકો,એટલે એનું તાંબું તપી તપીને લાલ થઈ જશે.
એની ગંદકી ઓગળી જશે+ અને કાટ બળી જશે.
૧૨ કાટ એટલો જામેલો છે કે નીકળતો જ નથી.
એને કાઢતાં કાઢતાં હેરાન થઈ જવાય, થાકી જવાય.+
એ કટાયેલા દેગને જ આગમાં ફેંકી દો!’
૧૩ “‘તારી ગંદકી તારાં નીચ કામોને લીધે હતી.+ મેં તને સાફ કરવાની કોશિશ કરી, પણ તું તારી ગંદકીમાંથી બહાર આવ્યું નહિ. તારા પર મારો કોપ શમી ન જાય ત્યાં સુધી તું ચોખ્ખું થવાનું નથી.+
૧૪ હું યહોવા પોતે એ બોલ્યો છું અને એ ચોક્કસ થશે. હું જરાય પીછેહઠ કરીશ નહિ. હું જરાય દયા રાખીશ નહિ કે અફસોસ* કરીશ નહિ.+ તેઓ તારાં માર્ગો અને કામો પ્રમાણે તને સજા કરશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૧૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો:
૧૬ “હે માણસના દીકરા, તને ખૂબ વહાલી છે, તેને હું અચાનક તારી પાસેથી છીનવી લઈશ.+ તારે શોક પાળવો નહિ,* આંસુ વહાવવાં નહિ કે વિલાપ કરવો નહિ.
૧૭ તું ચૂપચાપ નિસાસો નાખજે. ગુજરી ગયેલા માટેના કોઈ રીતરિવાજ પાળતો નહિ.+ તારી પાઘડી બાંધજે+ અને ચંપલ પહેરજે.+ તું મોં* ઢાંકતો નહિ+ અને બીજા લોકોએ આપેલું ખાવાનું ખાતો નહિ.”+
૧૮ મેં સવારે લોકો સાથે વાત કરી અને સાંજે તો મારી પત્ની ગુજરી ગઈ. બીજા દિવસે સવારે મેં એવું જ કર્યું, જેવું મને કહેવામાં આવ્યું હતું.
૧૯ લોકો મને પૂછતા: “કહે તો ખરો, તું આમ કેમ કરે છે? એનો શું અર્થ થાય?”
૨૦ મેં કહ્યું, “યહોવાનો આ સંદેશો મારી પાસે આવ્યો છે:
૨૧ ‘ઇઝરાયેલના લોકોને જણાવ, “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારું મંદિર અશુદ્ધ કરવાનો છું.+ એ મંદિર જેના પર તમને બહુ ગર્વ છે, જે તમને બહુ વહાલું છે અને જે તમારાં દિલમાં વસે છે. તમારાં જે દીકરા-દીકરીઓ તમારી સાથે નથી આવ્યાં, તેઓ તલવારથી માર્યાં જશે.+
૨૨ આવું થશે ત્યારે તમારે પણ હઝકિયેલની જેમ કરવું પડશે. તમે મોં* ઢાંકશો નહિ અને બીજા લોકોએ આપેલું ખાવાનું ખાશો નહિ.+
૨૩ તમારે માથે પાઘડી બાંધેલી હશે અને પગમાં ચંપલ પહેરેલાં હશે. તમે શોક કે વિલાપ કરશો નહિ. તમે તમારાં પાપમાં ઝૂરી ઝૂરીને મરશો+ અને એકબીજા આગળ નિસાસા નાખશો.
૨૪ હઝકિયેલ તમારા માટે નિશાની છે.+ તેણે જેવું કર્યું છે એવું તમે પણ કરશો. એમ થાય ત્યારે તમારે સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.’”’”
૨૫ “હે માણસના દીકરા, હું તેઓ પાસેથી તેઓનો ગઢ લઈ લઈશ. એ ગઢ જે તેઓને મન ખૂબસૂરત છે, જેનાથી તેઓને ખુશી મળે છે, જે તેઓને બહુ વહાલો છે, જે તેઓનાં દિલમાં વસે છે. હું તેઓનાં દીકરા-દીકરીઓ પણ લઈ લઈશ.+ જે દિવસે એમ થશે,
૨૬ એ દિવસે બચી જનાર એક માણસ તને એની ખબર આપશે.+
૨૭ એ દિવસે તું તારું મોં ખોલીશ અને બચી ગયેલા એ માણસ સાથે વાત કરીશ. તું મૂંગો રહીશ નહિ.+ તું તેઓ માટે નિશાની બનીશ અને તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”
ફૂટનોટ
^ અથવા, “કહેવત.”
^ અથવા, “એના માટે ચિઠ્ઠીઓ નાખશો નહિ.”
^ અથવા, “પસ્તાવો.”
^ અથવા, “છાતી કૂટવી નહિ.”
^ અથવા, “મૂછ.”
^ અથવા, “મૂછ.”