હઝકિયેલ ૪૧:૧-૨૬
૪૧ પછી તે મને પવિત્ર સ્થાનમાં* લઈ આવ્યો અને તેણે સ્તંભો માપ્યા. એક બાજુના સ્તંભની પહોળાઈ છ હાથ* અને બીજી બાજુના સ્તંભની પહોળાઈ છ હાથ હતી.
૨ દરવાજો દસ હાથ પહોળો હતો. દર વાજાની એક બાજુના સ્તંભની જાડાઈ પાંચ હાથ અને બીજી બાજુના સ્તંભની જાડાઈ પાંચ હાથ હતી. તેણે પવિત્ર સ્થાનની લંબાઈ માપી, જે ૪૦ હાથ હતી અને પહોળાઈ ૨૦ હાથ હતી.
૩ પછી તે અંદર* ગયો અને દરવાજાની બાજુના સ્તંભો માપ્યા. એની પહોળાઈ બે હાથ અને જાડાઈ સાત હાથ હતી. દરવાજો છ હાથ પહોળો હતો.
૪ ત્યાર બાદ તેણે પવિત્ર સ્થાનની અંદરના ઓરડાનું માપ લીધું અને એ ૨૦ હાથ લાંબો અને ૨૦ હાથ પહોળો હતો.+ તેણે મને કહ્યું: “આ પરમ પવિત્ર સ્થાન* છે.”+
૫ તેણે મંદિરની દીવાલ માપી અને એની જાડાઈ છ હાથ હતી. મંદિર ફરતેની ઓરડીઓની પહોળાઈ ચાર હાથ હતી.+
૬ એ ઓરડીઓના ત્રણ માળ હતા. દરેક માળ પર ૩૦ ઓરડીઓ હતી. ઓરડીઓ માટે મંદિર ફરતેની દીવાલમાં ખાંચા બનાવીને ભારોટિયા ટેકવ્યા હતા, જેથી દીવાલમાં ગાબડાં પાડવાં ન પડે.+
૭ મંદિરની બંને બાજુએ ગોળાકાર સીડી હતી. એ જેમ જેમ ઉપરની ઓરડીઓમાં જાય, તેમ તેમ પહોળી થતી હતી.+ પહેલા માળથી બીજો માળ પસાર કરીને ત્રીજો માળ ચઢો તેમ, દરેક માળે ઓરડીઓની પહોળાઈ વધતી હતી.
૮ મેં જોયું કે મંદિરને એક મોટા ઓટલા પર બાંધવામાં આવ્યું હતું. ઓટલાની અને ઓરડીઓના પાયાની ઊંચાઈ એકસરખી હતી. એનું માપ એક લાકડી, એટલે કે છ હાથ હતું.
૯ ઓરડીઓની બહારની દીવાલો પાંચ હાથ પહોળી હતી. એ દીવાલને અડીને ખુલ્લી જગ્યા* હતી, જે મંદિરનો ભાગ હતી.
૧૦ મંદિર અને ભોજનખંડો*+ વચ્ચે ખુલ્લી જગ્યા હતી, જે બંને બાજુએ ૨૦ હાથ પહોળી હતી.
૧૧ મંદિરની ઉત્તર તરફની ઓરડીઓ અને ખુલ્લી જગ્યા વચ્ચે દરવાજો હતો. દક્ષિણ તરફ પણ એવો જ દરવાજો હતો. ખુલ્લી જગ્યાની પહોળાઈ બધી બાજુએ પાંચ હાથ હતી.
૧૨ પશ્ચિમ તરફની ખુલ્લી જગ્યા પાસે એક ઇમારત હતી. એની પહોળાઈ ૭૦ હાથ અને લંબાઈ ૯૦ હાથ હતી. ઇમારત ફરતેની દીવાલની જાડાઈ પાંચ હાથ હતી.
૧૩ તેણે મંદિરનું માપ લીધું અને એની લંબાઈ ૧૦૦ હાથ હતી. ખુલ્લી જગ્યા, ઇમારત* અને એની દીવાલો, એ બધાની લંબાઈ ૧૦૦ હાથ હતી.
૧૪ મંદિરની પૂર્વ તરફનો આગલો ભાગ અને ખુલ્લી જગ્યાની પહોળાઈ ૧૦૦ હાથ હતી.
૧૫ પછી તેણે એ ઇમારતની લંબાઈ માપી, જે મંદિર પાછળ ખુલ્લી જગ્યા પાસે હતી. બંને બાજુના વરંડા સાથે એ ઇમારતની લંબાઈ ૧૦૦ હાથ હતી.
તેણે પવિત્ર સ્થાન, પરમ પવિત્ર સ્થાન+ અને આંગણાની પરસાળો પણ માપ્યાં.
૧૬ તેણે એ ત્રણ જગ્યાના ઉંબરાઓ, બહારથી સાંકડી ને અંદરથી પહોળી બારીઓ+ અને વરંડા માપ્યાં. દરેક ઉંબરાએ ભોંયથી બારીઓ સુધી બધે લાકડાંનાં પાટિયાં જડેલાં દેખાતાં હતાં.+ બારીઓ ઢાંકેલી હતી.
૧૭ દરવાજાની ઉપરનું, મંદિરની અંદરનું, બહારનું અને ચારે બાજુની દીવાલનું માપ લેવામાં આવ્યું.
૧૮ એ બધા પર કરૂબોની+ અને ખજૂરીઓની કોતરણી+ કરેલી હતી. બે કરૂબો વચ્ચે એક ખજૂરી હતી. દરેક કરૂબને બે ચહેરા હતા.
૧૯ એક બાજુની ખજૂરી તરફ કરૂબને માણસનો ચહેરો હતો અને બીજી બાજુની ખજૂરી તરફ સિંહનો ચહેરો.+ આખા મંદિરમાં એવી કોતરણી કરવામાં આવી હતી.
૨૦ મંદિરની દીવાલો પર ભોંયથી છેક દરવાજાની ઉપર સુધી કરૂબોની અને ખજૂરીઓની કોતરણી કરેલી હતી.
૨૧ મંદિરના દરવાજાની બારસાખો* ચોરસ હતી.+ પરમ પવિત્ર સ્થાનની આગળ
૨૨ લાકડાંની વેદી+ જેવું કંઈક હતું. એની ઊંચાઈ ત્રણ હાથ અને લંબાઈ બે હાથ હતી. એના ચાર ખૂણા હતા. એનું તળિયું અને એની બાજુઓ લાકડાંનાં બનેલાં હતાં. એ માણસે મને કહ્યું: “આ યહોવા આગળની મેજ છે.”+
૨૩ પવિત્ર સ્થાનને અને પરમ પવિત્ર સ્થાનને બે બે દરવાજાઓ હતા.+
૨૪ દરેક દરવાજાને બે પાંખિયાં હતાં.
૨૫ મંદિરની દીવાલોની જેમ દરવાજા પર પણ કરૂબો અને ખજૂરીઓની કોતરણી હતી.+ મંદિરના બહારના ભાગમાં પરસાળ આગળ લાકડાંનું છાપરું* હતું.
૨૬ પરસાળની બંને બાજુએ બહારથી સાંકડી ને અંદરથી પહોળી બારીઓ+ અને ખજૂરીઓની કોતરણી હતી. મંદિરની ઓરડીઓ અને છાપરું પણ એવાં જ હતાં.
ફૂટનોટ
^ મૂળ, “મંદિરમાં.” હઝકિયેલના ૪૧ અને ૪૨ અધ્યાયોમાં એ પવિત્ર સ્થાન અથવા આખા મંદિરને (પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનને) બતાવે છે.
^ આ લાંબા હાથને બતાવે છે. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ એટલે કે, પવિત્ર સ્થાનની અંદરનો ઓરડો અથવા પરમ પવિત્ર સ્થાન.
^ દેખીતું છે, મંદિર ફરતે અવર-જવરનો સાંકડો રસ્તો હતો.
^ અથવા, “ઓરડાઓ.” અહીં અંદરના આંગણામાં આવેલા ભોજનખંડોની વાત થાય છે, જેનું વર્ણન હઝકિયેલના ૪૨મા અધ્યાયમાં છે.
^ એટલે કે, મંદિરની પશ્ચિમે આવેલી ઇમારત.
^ મૂળ, “બારસાખ.” એ પવિત્ર સ્થાનમાં લઈ જતાં દરવાજાને બતાવે છે.
^ અથવા, “છજ્જું.”