યોહાનનો પહેલો પત્ર ૨:૧-૨૯

  • ઈસુના બલિદાનથી સુલેહ થઈ શકે છે (૧, ૨)

  • ઈશ્વરની આજ્ઞાઓ પાળવી (૩-૧૧)

    • જૂની અને નવી આજ્ઞા (૭, ૮)

  • પત્ર લખવાનાં કારણો (૧૨-૧૪)

  • દુનિયા માટે પ્રેમ રાખશો નહિ (૧૫-૧૭)

  • ખ્રિસ્ત-વિરોધી વિશે ચેતવણી (૧૮-૨૯)

 મારાં વહાલાં બાળકો, હું તમને આ લખું છું, જેથી તમે પાપ ન કરો. પણ જો કોઈ પાપ કરે, તો આપણા માટે પિતા પાસે સહાયક* છે, એટલે ઈસુ ખ્રિસ્ત+ જે નેક* છે.+ ૨  તે આપણાં પાપોનું+ બલિદાન છે,+ જે ઈશ્વર સાથે આપણી સુલેહ કરાવે છે.* તે ફક્ત આપણાં પાપો માટે જ નહિ, પણ આખી દુનિયાનાં પાપો માટે બલિદાન છે.+ ૩  જો આપણે તેમની આજ્ઞાઓ પાળતા રહીએ, તો એના પરથી દેખાઈ આવશે કે આપણે તેમને ઓળખીએ છીએ. ૪  જો કોઈ કહે, “હું તેમને ઓળખું છું,” છતાં તેમની આજ્ઞાઓ પાળતો નથી, તો તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. ૫  પણ જ્યારે કોઈ માણસ તેમનું કહેવું માને છે, ત્યારે બતાવી આપે છે કે તે ખરેખર ઈશ્વરને પ્રેમ કરે છે.+ તેમનું કહેવું માનીને આપણે બતાવી આપીશું કે આપણે તેમની સાથે એકતામાં છીએ.+ ૬  જો કોઈ કહે કે તે તેમની સાથે એકતામાં છે, તો તેની ફરજ છે કે તે ઈસુની જેમ ચાલતો રહે.+ ૭  વહાલાં બાળકો, હું તમને નવી આજ્ઞા વિશે નહિ, પણ જૂની આજ્ઞા વિશે જ લખી રહ્યો છું, જે તમને પહેલેથી મળી છે.+ આ જૂની આજ્ઞા એ સંદેશો છે, જે તમે સાંભળ્યો છે. ૮  પણ હું તમને એ જ આજ્ઞા હવે નવી આજ્ઞાની જેમ લખી રહ્યો છું, જે ઈસુના અને તમારા કિસ્સામાં સાચી છે, કેમ કે અંધકાર દૂર થઈ રહ્યો છે અને ખરું અજવાળું ક્યારનું પ્રકાશી રહ્યું છે.+ ૯  જો કોઈ માણસ કહે કે તે પ્રકાશમાં છે અને પોતાના ભાઈને ધિક્કારે છે,+ તો તે હજુ અંધકારમાં છે.+ ૧૦  જે પોતાના ભાઈને પ્રેમ કરે છે, તે પ્રકાશમાં રહે છે+ અને ઠોકર ખાતો નથી. ૧૧  પણ જે પોતાના ભાઈને ધિક્કારે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે.+ તે જાણતો નથી કે પોતે ક્યાં જઈ રહ્યો છે,+ કેમ કે અંધકારે તેને આંધળો કરી નાખ્યો છે. ૧૨  વહાલાં બાળકો, હું તમને લખું છું, કેમ કે ઈસુના નામને લીધે તમારાં પાપ માફ થયાં છે.+ ૧૩  પિતાઓ, હું તમને લખું છું, કેમ કે તમે ઈસુને ઓળખતા થયા છો, જે શરૂઆતથી છે. જુવાનો, હું તમને લખું છું, કેમ કે તમે શેતાનને* જીત્યો છે.+ બાળકો, હું તમને લખું છું, કેમ કે તમે પિતાને ઓળખતા થયા છો.+ ૧૪  પિતાઓ, હું તમને લખું છું, કેમ કે તમે ઈસુને ઓળખતા થયા છો, જે શરૂઆતથી છે. જુવાનો, હું તમને લખું છું, કેમ કે તમે બળવાન છો+ અને તમારાં હૃદયોમાં ઈશ્વરનું વચન રહે છે+ અને તમે શેતાનને* જીત્યો છે.+ ૧૫  દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ.+ જો કોઈ દુનિયાને પ્રેમ કરે છે, તો તેનામાં પિતા માટેનો પ્રેમ નથી,+ ૧૬  કેમ કે દુનિયામાં જે કંઈ છે, એટલે કે શરીરની ખોટી ઇચ્છા,+ આંખોની લાલસા+ અને પોતાની વસ્તુઓનો દેખાડો,* એ પિતા પાસેથી નહિ, પણ દુનિયા પાસેથી આવે છે. ૧૭  દુનિયા જતી રહેશે અને એની લાલસા* પણ જતી રહેશે,+ પણ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે હંમેશાં રહેશે.+ ૧૮  વહાલાં બાળકો, આ છેલ્લો સમય છે અને જેમ તમારા સાંભળવામાં આવ્યું છે કે ખ્રિસ્ત-વિરોધી* આવી રહ્યો છે,+ તેમ હમણાં પણ ઘણા ખ્રિસ્ત-વિરોધીઓ ઊભા થયા છે.+ એ હકીકત પરથી આપણને ખબર પડે છે કે આ છેલ્લો સમય છે. ૧૯  તેઓ આપણને છોડીને જતા રહ્યા, કેમ કે તેઓ આપણા જેવા ન હતા.+ જો તેઓ આપણા જેવા હોત, તો આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ જતા રહ્યા એ બતાવે છે કે બધા આપણા જેવા નથી.+ ૨૦  તમે પવિત્ર ઈશ્વર તરફથી અભિષિક્ત* થયા છો+ અને તમારા બધા પાસે સત્યનું જ્ઞાન છે. ૨૧  હું તમને લખું છું, એનું કારણ એ નથી કે તમે સત્ય જાણતા નથી,+ પણ એ છે કે તમે સત્ય જાણો છો અને સત્યમાંથી કોઈ જૂઠાણું નીકળતું નથી.+ ૨૨  જૂઠો કોણ છે? શું એ જ માણસ નહિ, જે ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારતો નથી?+ જે માણસ પિતા અને દીકરાનો નકાર કરે છે, તે ખ્રિસ્ત-વિરોધી છે.+ ૨૩  જે માણસ દીકરાનો નકાર કરે છે, તે પિતા સાથે પણ એકતામાં નથી.+ પણ જે માણસ દીકરાનો સ્વીકાર કરે છે,+ તે પિતા સાથે પણ એકતામાં છે.+ ૨૪  તમે શરૂઆતથી જે સાંભળ્યું છે, એ તમારા દિલમાં રહેવું જ જોઈએ.+ જો શરૂઆતથી સાંભળેલી વાતો તમારા દિલમાં રહેશે, તો તમે દીકરા સાથે અને પિતા સાથે એકતામાં રહેશો. ૨૫  વધુમાં, ઈશ્વરે* પોતે આપણને હંમેશ માટેના જીવનનું વચન આપ્યું છે.+ ૨૬  તમને ભમાવવાનો પ્રયત્ન કરનારાઓ વિશે હું તમને આ વાતો લખું છું. ૨૭  પણ ઈશ્વરે તમને પોતાની પવિત્ર શક્તિથી* અભિષિક્ત કર્યા છે+ અને એ શક્તિ તમારામાં રહે છે. હવે બીજું કોઈ તમને શીખવે એવી જરૂર ઊભી થતી નથી. પવિત્ર શક્તિથી થયેલો અભિષેક સાચો છે, જૂઠો નથી. ઈશ્વર એ શક્તિ દ્વારા તમને બધું શીખવે છે.+ એ શક્તિના શીખવ્યા પ્રમાણે તમે તેમની સાથે એકતામાં રહો.+ ૨૮  તેથી વહાલાં બાળકો, તેમની સાથે એકતામાં રહો, જેથી તેમને પ્રગટ કરવામાં આવે ત્યારે આપણે હિંમતથી બોલી શકીએ+ અને તેમની હાજરી* વખતે શરમમાં મુકાઈને તેમનાથી સંતાવું ન પડે. ૨૯  જો તમે જાણો છો કે ઈસુ* નેક છે, તો તમે એ પણ જાણો છો કે સત્યના માર્ગે ચાલતી દરેક વ્યક્તિનો જન્મ ઈશ્વરથી થયો છે.+

ફૂટનોટ

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “પિતા પાસે આપણા પક્ષમાં બોલનાર.”
અથવા, “જે પ્રાયશ્ચિત્તનું બલિદાન છે; જે ઈશ્વરને ખુશ કરે છે.”
મૂળ, “દુષ્ટને.”
મૂળ, “દુષ્ટને.”
અથવા, “પોતાની માલ-મિલકતની બડાઈઓ મારવી.”
અથવા, “દુનિયાની સર્વ બાબતો, જેની લોકો ઇચ્છા રાખે છે એ.”
મૂળ, “તેમણે.”
મૂળ, “તે.”