બીજો રાજાઓ ૩:૧-૨૭

  • ઇઝરાયેલનો રાજા યહોરામ (૧-૩)

  • મોઆબ ઇઝરાયેલ વિરુદ્ધ બળવો કરે છે (૪-૨૫)

  • મોઆબની હાર (૨૬, ૨૭)

 યહૂદાના રાજા યહોશાફાટના શાસનનું ૧૮મું વર્ષ ચાલતું હતું. એ સમયે સમરૂનમાં આહાબનો દીકરો યહોરામ+ ઇઝરાયેલનો રાજા બન્યો. તેણે ૧૨ વર્ષ રાજ કર્યું. ૨  તે યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરતો રહ્યો. પણ તેનાં માબાપે કર્યું હતું એટલી હદે નહિ. તેણે પોતાના પિતાએ ઊભો કરેલો બઆલનો* ભક્તિ-સ્તંભ* કાઢી નાખ્યો.+ ૩  નબાટના દીકરા યરોબઆમે ઇઝરાયેલીઓ પાસે જેવાં પાપ કરાવ્યાં હતાં, એવાં પાપ યહોરામ કરતો રહ્યો.+ તેણે એમ કરવાનું છોડ્યું નહિ. ૪  મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરનાર હતો. તે ઇઝરાયેલના રાજાને વેરા* તરીકે ઘેટાંના ૧,૦૦,૦૦૦ બચ્ચાં આપતો. તેમ જ ૧,૦૦,૦૦૦ એવા નર ઘેટા આપતો, જેઓનું ઊન ઉતારવામાં આવ્યું ન હોય. ૫  મોઆબના રાજાએ આહાબના મરણ પછી+ ઇઝરાયેલના રાજા સામે બળવો કર્યો.+ ૬  એટલે યહોરામ રાજાએ સમરૂનથી નીકળીને બધા ઇઝરાયેલીઓને ભેગા કર્યા. ૭  સાથે સાથે તેણે યહૂદાના રાજા યહોશાફાટને સંદેશો મોકલ્યો: “મોઆબના રાજાએ મારી સામે બળવો કર્યો છે. શું તમે મારી સાથે મોઆબ સામે લડવા આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો: “હા, હું આવીશ.+ આપણે બે કંઈ જુદા નથી. જેવા તમારા લોકો એવા મારા લોકો. જેવા તમારા ઘોડા એવા મારા ઘોડા.”+ ૮  તેણે પૂછ્યું: “આપણે કયા રસ્તે જઈએ?” યહોરામે જવાબ આપ્યો: “અદોમના વેરાન પ્રદેશના રસ્તે.” ૯  યહૂદાના રાજા અને અદોમના+ રાજાને સાથે લઈને ઇઝરાયેલનો રાજા લડાઈ કરવા નીકળી પડ્યો. સાત દિવસની મુસાફરી કર્યા પછી, સૈનિકો અને તેઓનાં જાનવરો માટે પાણી ખૂટી ગયું. ૧૦  ઇઝરાયેલના રાજાએ કહ્યું: “અફસોસ! યહોવા આપણને ત્રણેય રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા અહીં લઈ આવ્યા છે!” ૧૧  યહોશાફાટે પૂછ્યું: “શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી, જેના દ્વારા યહોવાની સલાહ માંગી શકાય?”+ ઇઝરાયેલના રાજાનો એક સેવક બોલી ઊઠ્યો: “શાફાટનો દીકરો એલિશા છે,+ જે એલિયાનો સેવક હતો.”*+ ૧૨  યહોશાફાટે કહ્યું: “તે આપણને યહોવાની ઇચ્છા જણાવી શકે.” ઇઝરાયેલનો રાજા, યહોશાફાટ રાજા અને અદોમનો રાજા તેને મળવા ગયા. ૧૩  એલિશાએ ઇઝરાયેલના રાજાને કહ્યું: “તું મારી પાસે શું કામ આવ્યો છે?+ તારા પિતાના પ્રબોધકો અને તારી માતાના પ્રબોધકો પાસે જા!”+ ઇઝરાયેલના રાજાએ તેને કહ્યું: “ના, કેમ કે યહોવા અમને ત્રણેય રાજાઓને મોઆબના હાથમાં સોંપી દેવા અહીં લાવ્યા છે.” ૧૪  એલિશાએ કહ્યું: “હું સૈન્યોના ઈશ્વર યહોવાની* ભક્તિ કરું છું.* તેમના સમ* ખાઈને કહું છું કે જો હું યહૂદાના રાજા યહોશાફાટની+ શરમ રાખતો ન હોત, તો મેં તારી તરફ જરાય ધ્યાન આપ્યું ન હોત. અરે, તારી તરફ જોયું પણ ન હોત!+ ૧૫  હવે મારી પાસે વીણા વગાડનાર* લઈ આવો.”+ તેણે વીણા વગાડવાનું શરૂ કર્યું કે તરત યહોવાની શક્તિ* એલિશા પર આવી.+ ૧૬  એલિશાએ કહ્યું: “યહોવા જણાવે છે કે ‘આ ખીણમાં ઠેર ઠેર ખાડા ખોદો. ૧૭  યહોવા કહે છે: “તમે ન તો પવન જોશો, ન વરસાદ. તોપણ આ ખીણ પાણીથી ભરાઈ જશે.+ તમે બધા એમાંથી પાણી પીશો. તમે, તમારાં ઢોરઢાંક અને બીજાં જાનવરો એમાંથી પીશો.”’ ૧૮  યહોવાની નજરમાં આ તો કંઈ જ નથી,+ કેમ કે તે મોઆબને તમારા હાથમાં સોંપી દેશે.+ ૧૯  તમારે એનાં બધાં કોટવાળાં શહેરો+ અને સારાં શહેરોનો નાશ કરવો. તમારે સારાં સારાં વૃક્ષો કાપી નાખવાં. બધા જ ઝરાઓ તમારે પૂરી દેવા. સારી જમીન પથ્થરો નાખીને નકામી બનાવી દેવી.”+ ૨૦  વહેલી સવારે, સવારના અનાજ-અર્પણના* સમયે+ અદોમ તરફથી એકાએક પાણી ધસી આવ્યું. આખી ખીણમાં પાણી પાણી થઈ ગયું. ૨૧  બધા મોઆબીઓએ સાંભળ્યું કે ત્રણ રાજાઓ યુદ્ધ કરવા ચઢી આવ્યા છે. એટલે હથિયાર ઉઠાવી શકે એવા બધા માણસોને તેઓએ ભેગા કર્યા અને તેઓ સરહદ પર ગોઠવાઈ ગયા. ૨૨  વહેલી સવારે તેઓ ઊઠ્યા ત્યારે સૂર્યનો પ્રકાશ પાણી પર પડતો હતો. સામેની બાજુએ ઊભેલા મોઆબીઓને એ પાણી લોહી જેવું દેખાયું. ૨૩  તેઓએ કહ્યું: “આ તો લોહી છે! રાજાઓએ એકબીજાને તલવારથી મારી નાખ્યા હોવા જોઈએ. ચાલો મોઆબીઓ, આપણે લૂંટ પર તૂટી પડીએ!”+ ૨૪  મોઆબીઓ ઇઝરાયેલીઓની છાવણીમાં ઘૂસી ગયા. ઇઝરાયેલીઓએ સામે હુમલો કર્યો અને તેઓની કતલ કરવા લાગ્યા. મોઆબીઓ ભાગવા લાગ્યા.+ ઇઝરાયેલીઓ તેઓને મારતાં મારતાં છેક મોઆબની અંદર ઘૂસી ગયા. ૨૫  તેઓએ શહેરો તોડી પાડ્યાં અને સારી જમીન પર પથ્થરો નાખીને ઢગલો કરી દીધો. તેઓએ બધા ઝરા પૂરી દીધા.+ બધાં સારાં વૃક્ષો કાપી નાખ્યાં.+ આખરે પથ્થરના કોટવાળું કીર-હરેસેથ શહેર+ રહી ગયું. પણ ગોફણ ચલાવનારાઓએ એને ઘેરી લીધું અને પથ્થરનો મારો ચલાવીને તોડી પાડ્યું. ૨૬  મોઆબનો રાજા સમજી ગયો કે પોતે હારી રહ્યો છે. તેણે પોતાની સાથે ૭૦૦ તલવારધારી માણસો લીધા. તેણે ઘેરામાંથી રસ્તો કાઢીને અદોમના રાજા+ પાસે જવાની કોશિશ કરી, પણ કંઈ વળ્યું નહિ. ૨૭  એટલે તેણે રાજગાદીના હકદાર પોતાના પ્રથમ જન્મેલા દીકરાનું કોટ પર અગ્‍નિ-અર્પણ* તરીકે બલિદાન ચઢાવી દીધું.+ ઇઝરાયેલ સામે લશ્કરના માણસોનો ક્રોધ ભડકી ઊઠ્યો. તેઓ મોઆબ સામે લડવાનું પડતું મૂકીને પોતપોતાના દેશ પાછા જતા રહ્યા.

ફૂટનોટ

શબ્દસૂચિમાં “કર” જુઓ.
અથવા, “જે એલિયાના હાથ ધોવા પાણી રેડતો હતો.”
મૂળ, “તેમના જીવના સમ.”
મૂળ, “આગળ ઊભો રહું છું.”
અથવા, “સંગીતકાર.”
મૂળ, “હાથ.”