આઝાદીના ઈશ્વર, યહોવાની સેવા કરીએ
“જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે, ત્યાં આઝાદી છે.”—૨ કોરીં. ૩:૧૭.
ગીતો: ૧૧, ૧૩૭
૧, ૨. (ક) પ્રેરિત પાઊલના સમયમાં ગુલામી અને આઝાદી શા માટે મહત્ત્વના વિષયો હતા? (ખ) ખરી આઝાદી વિશે પાઊલે શું જણાવ્યું?
પ્રથમ સદીના ખ્રિસ્તીઓ રોમન સામ્રાજ્યમાં રહેતા હતા. ત્યાંના લોકોને પોતાના નિયમો, ન્યાય માટેની વ્યવસ્થા અને પોતાને મળેલી આઝાદી પર ઘણો ગર્વ હતો. પણ, એ શક્તિશાળી સામ્રાજ્યમાં સખત મહેનતના કામ માટે ગુલામો પર આધાર રાખવામાં આવતો હતો. એક સમયે, રોમન સામ્રાજ્યમાં આશરે ત્રણમાંથી એક વ્યક્તિ ગુલામ હતી. એટલે સમજી શકાય કે ગુલામી અને આઝાદી સામાન્ય લોકો માટે મહત્ત્વના વિષયો હતા, જેમાં ખ્રિસ્તીઓનો પણ સમાવેશ થતો હતો.
૨ પ્રેરિત પાઊલે આઝાદી વિશે ઘણી વાર લખ્યું હતું. પણ એનો અર્થ એવો ન હતો કે એ સમયના ઘણા લોકોની જેમ તે દુનિયાની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માંગતા હતા. એને બદલે, પાઊલ અને તેમના સાથી ખ્રિસ્તીઓએ લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા અને ઈસુ ખ્રિસ્તનું બલિદાન ખૂબ જ કીમતી છે એ સમજાવવા પુષ્કળ મહેનત કરી. પાઊલે ખરી આઝાદી કોના તરફથી મળે છે, એ વિશે સાથી ખ્રિસ્તીઓને જણાવ્યું. તેમણે કહ્યું, “યહોવા તો અદૃશ્ય છે અને જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે, ત્યાં આઝાદી છે.”—૨ કોરીં. ૩:૧૭.
૩, ૪. (ક) બીજો કોરીંથીઓ ૩:૧૭ની અગાઉની કલમોમાં પાઊલે શેના વિશે જણાવ્યું હતું? (ખ) યહોવા તરફથી મળતી આઝાદી માટે આપણે શું કરવું જોઈએ?
નિર્ગ. ૩૪:૨૯, ૩૦, ૩૩; ૨ કોરીં. ૩:૭, ૧૩) પાઊલે જણાવ્યું: “પરંતુ, જ્યારે વ્યક્તિ યહોવા તરફ ફરે છે, ત્યારે પડદો હટાવી દેવામાં આવે છે.” (૨ કોરીં. ૩:૧૬) પાઊલ શું કહેવા માંગતા હતા?
૩ પાઊલે કોરીંથીઓના બીજા પત્રમાં મુસા વિશે જણાવ્યું હતું. જ્યારે મુસા સિનાઈ પર્વત પરથી નીચે ઊતર્યા ત્યારે શું થયું હતું, એ વિશે તેમણે લખ્યું હતું. યહોવાના સ્વર્ગદૂતની હાજરીને કારણે મુસાનો ચહેરો પ્રકાશતો હતો! જ્યારે ઇઝરાયેલીઓએ મુસાને જોયા, ત્યારે તેઓ ડરી ગયા. એટલે, મુસાએ પોતાના ચહેરા પર પડદો રાખ્યો. (૪ અગાઉના લેખમાં આપણે શીખ્યા કે દરેક વસ્તુના સર્જનહાર યહોવાની પાસે જ પૂરેપૂરી આઝાદી છે, જેની કોઈ હદ નથી. એટલે જ કહી શકાય કે, જ્યાં યહોવા છે અને “જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે,” ત્યાં આઝાદી છે. પણ પાઊલે કહ્યું હતું કે એવી આઝાદી જોઈતી હોય તો, આપણે યહોવા તરફ ફરવું જોઈએ. એનો અર્થ થાય કે, આપણે તેમની સાથે મજબૂત સંબંધ બાંધવો જોઈએ. ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં હતા ત્યારે, તેઓએ બાબતોને યહોવાની નજરે નહિ, પણ માણસોની નજરે જોઈ. જાણે કે તેઓના દિલોદિમાગ પર પડદો પડી ગયો હતો. તેઓ ઇજિપ્તથી આઝાદ થયા પછી પોતાની ઇચ્છાઓ સંતોષવા માંગતા હતા.—હિબ્રૂ. ૩:૮-૧૦.
૫. (ક) યહોવાની પવિત્ર શક્તિથી કેવી આઝાદી મળે છે? (ખ) આપણે શાના પરથી કહી શકીએ કે વ્યક્તિ ગુલામીમાં કે જેલમાં હોવા છતાં, યહોવા તરફથી આઝાદી મેળવી શકે છે? (ગ) આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૫ એક એવી આઝાદી છે, જે ગુલામીમાંથી મળતી આઝાદી કરતાં વધારે મોટી છે. એ છે યહોવાની પવિત્ર શક્તિ દ્વારા મળતી આઝાદી, જેની મનુષ્યોએ ક્યારેય કલ્પના કરી નહિ હોય. પાપ, મરણ, જૂઠી ભક્તિ અને એના રીતરિવાજોની ગુલામીમાંથી પવિત્ર શક્તિ આપણને આઝાદ કરી શકે છે. (રોમ. ૬:૨૩; ૮:૨) એ આઝાદી કેટલી અદ્ભુત કહેવાય! જેઓ ગુલામ છે અથવા જેલમાં છે, તેઓ પણ આ આઝાદી મેળવી શકે છે. (ઉત. ૩૯:૨૦-૨૩) ભાઈ હેરોલ્ડ કિંગનો વિચાર કરો. તે પોતાની શ્રદ્ધાને લીધે ઘણાં વર્ષો જેલમાં રહ્યા. તમે JW લાઇબ્રેરી ઍપ પર તેમનો અનુભવ જોઈ શકો છો. (ઇન્ટરવ્યૂ અને અનુભવો > મુશ્કેલીનો સામનો કરવો વિભાગ જુઓ.) ચાલો હવે બે સવાલો પર વિચાર કરીએ: આપણી આઝાદી ખૂબ કીમતી છે, એવું કઈ રીતે સાબિત કરી શકીએ? કઈ રીતે પોતાની આઝાદીનો સમજી-વિચારીને ઉપયોગ કરી શકીએ?
ઈશ્વર તરફથી મળતી આઝાદી ઘણી કીમતી છે
૬. ઇઝરાયેલીઓએ કઈ રીતે બતાવ્યું કે યહોવાએ આપેલી આઝાદી માટે તેઓ આભારી ન હતા?
૬ જ્યારે કોઈ કીમતી ભેટ આપે, ત્યારે આપણે તેમનો આભાર માનીએ છીએ. યહોવાએ ઇઝરાયેલીઓને આઝાદી આપી ત્યારે, તેઓએ આભાર માન્યો નહિ. યહોવાએ તેઓને ઇજિપ્તથી આઝાદ કર્યા, એના થોડા જ મહિનાઓ પછી તેઓને ત્યાંની ખાવા-પીવાની વસ્તુઓ યાદ આવવા લાગી. યહોવા તેઓને માન્ના આપતા હતા, એના વિશે તેઓએ કચકચ કરી. એટલે સુધી કે તેઓ ઇજિપ્ત પાછા જવા માંગતા હતા! તેઓને યહોવાની ભક્તિ કરવાની આઝાદી મળી હતી. પણ, તેઓ માટે તો ‘માછલી, કાકડી, તડબૂચ, ડુંગળી, પ્યાજ તથા લસણ’ વધારે મહત્ત્વનાં હતાં. એમાં કોઈ શંકા નથી કે યહોવાને તેઓ પર બહુ ગુસ્સો આવ્યો હશે. (ગણ. ૧૧:૫, ૬, ૧૦; ૧૪:૩, ૪) એનાથી આપણને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે.
૭. બીજો કોરીંથીઓ ૬:૧ની સલાહ પ્રમાણે પાઊલે શું જણાવ્યું અને આપણે પણ કઈ રીતે એમ કરી શકીએ?
૭ પાઊલે ઈશ્વરભક્તોને ચેતવણી આપી હતી કે યહોવાએ પોતાના દીકરા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જે આઝાદી આપી છે, એ ઉપકાર કદી ન ભૂલીએ. ૨ કોરીંથીઓ ૬:૧ વાંચો.) પાઊલ પાપ અને મરણના ગુલામ હોવાથી ભૂલો કરતા હતા, જેનાથી તેમને દુઃખ થતું હતું. તેમ છતાં તે કહી શક્યા કે, “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરનો આભાર માનું છું!” તેમણે એવું શા માટે કહ્યું? એ વિશે પાઊલે સાથી ખ્રિસ્તીઓને જણાવ્યું: “કેમ કે પવિત્ર શક્તિનો નિયમ જે ખ્રિસ્ત ઈસુ દ્વારા જીવન આપે છે, એણે તમને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યા છે.” (રોમ. ૭:૨૪, ૨૫; ૮:૨) પાઊલની જેમ, આપણે કદી ન ભૂલીએ કે યહોવાએ આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કર્યા છે. ઈસુના બલિદાનના કારણે જ આપણે શુદ્ધ અંતઃકરણથી યહોવાની ભક્તિ કરી શકીએ છીએ અને એનાથી આપણને સાચી ખુશી મળે છે.—ગીત. ૪૦:૮.
(૮, ૯. (ક) આઝાદીના ઉપયોગ વિશે પ્રેરિત પીતરે કઈ ચેતવણી આપી હતી? (ખ) કેવી રીતે એક વ્યક્તિ પોતાની આઝાદીનો ખોટો ઉપયોગ કરી શકે?
૮ આપણે યહોવાના આભારી છીએ એટલું જ કહેવું પૂરતું નથી. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણને મળેલી આઝાદીનો ખોટો ઉપયોગ ન કરીએ. દાખલા તરીકે, પ્રેરિત પીતરે ચેતવણી આપી હતી કે ખોટી બાબતો કરવા માટે આઝાદીનો છટકબારી તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. (૧ પીતર ૨:૧૬ વાંચો.) આ ચેતવણી આપણને ઇઝરાયેલીઓ સાથે વેરાન પ્રદેશમાં જે બન્યું હતું, એની યાદ અપાવે છે. આપણે પણ એ ચેતવણીને ધ્યાન આપવું જોઈએ. અરે, આ છેલ્લા દિવસોમાં તો એ વધારે મહત્ત્વનું છે. શેતાન અને તેની દુનિયા પહેરવેશ, ખાણીપીણી અને મનોરંજન જેવી બાબતોમાં આપણી આગળ મન મોહી લેતી લાલચો મૂકે છે. જાહેરાત કરનારાઓ દેખાવડા લોકોનો ઉપયોગ કરીને આપણને વસ્તુઓ ખરીદવા લલચાવે છે. હકીકતમાં તો આપણને એની જરૂર પણ હોતી નથી. દુનિયા આપણને પોતાની આઝાદીનો ખોટો ઉપયોગ કરવા લલચાવે છે, જેમાં આપણે સહેલાઈથી ફસાઈ શકીએ છીએ.
૯ પીતરની સલાહ આપણા જીવનની મહત્ત્વની બાબતોમાં પણ લાગુ પડે છે, જેમ કે ભણતર, નોકરી અને કારકિર્દીની પસંદગી. દાખલા તરીકે, યુવાનો પર ઘણું દબાણ કરવામાં આવે છે કે તેઓ સખત મહેનત કરે, જેથી તેઓ સારામાં સારી યુનિવર્સિટીમાં જઈ શકે. ઘણા લોકો કદાચ તેઓને જણાવે કે, સ્કૂલમાં ભણેલા લોકો કરતાં યુનિવર્સિટીમાં ભણેલા લોકો વધારે પૈસા કમાય છે. એવા લોકો કહે છે કે જો યુવાનો ઉચ્ચ શિક્ષણ લેશે, તો તેઓને સારી નોકરી, અઢળક પૈસા અને માન-મોભો મળશે. જ્યારે યુવાનો કારકિર્દી વિશે મહત્ત્વનો નિર્ણય લેવાનું વિચારતા હોય, ત્યારે તેઓને ઉચ્ચ શિક્ષણ લેવું એક સારો નિર્ણય લાગી શકે. પણ, તેઓએ અને માતા-પિતાએ શું યાદ રાખવું જોઈએ?
૧૦. વ્યક્તિગત બાબતોમાં નિર્ણયો લેતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૦ કદાચ કોઈને લાગે કે અમુક બાબતો તો વ્યક્તિએ પોતે નક્કી કરવાની હોય છે. એટલે તેઓનું અંતઃકરણ પરવાનગી આપે ત્યાં સુધી, તેઓ ચાહે એ પસંદગી કરી શકે છે. તેઓ કદાચ પાઊલના આ શબ્દોનો સહારો લે છે: “બીજાના અંતઃકરણથી મારી આઝાદીનો ન્યાય કેમ થવો જોઈએ?” (૧ કોરીં. ૧૦:૨૯) આપણી પાસે પોતાના ભણતર અને કારકિર્દી વિશે પસંદગી કરવાની આઝાદી છે. તોપણ, યાદ રાખવું જોઈએ કે આપણી પાસે અમુક હદે આઝાદી છે અને આપણા નિર્ણયનાં પરિણામો આપણે ભોગવવાં પડશે. એટલા માટે પાઊલે કહ્યું: “બધું જ કરવાની છૂટ છે, પણ બધું જ લાભ થાય એવું નથી. બધું જ કરવાની છૂટ છે, પણ બધું જ ઉત્તેજન આપનારું નથી.” (૧ કોરીં. ૧૦:૨૩) ભલે વ્યક્તિગત બાબતોમાં પસંદગી કરવાની આપણી પાસે આઝાદી હોય, તોપણ યાદ રાખીએ કે જીવનમાં એનાથી પણ વધારે મહત્ત્વની બાબતો રહેલી છે.
યહોવાની ભક્તિ કરવા આઝાદીનો ડહાપણભર્યો ઉપયોગ કરીએ
૧૧. શા માટે યહોવાએ આપણને આઝાદ કર્યા છે?
૧૧ પીતરે ચેતવણી આપી હતી કે આપણી આઝાદીનો ખોટો ઉપયોગ ન કરીએ. તેમનો
કહેવાનો અર્થ હતો કે “ઈશ્વરના દાસો તરીકે” આઝાદીનો સારો ઉપયોગ કરીએ. યહોવાએ આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવા ઈસુનો ઉપયોગ કર્યો, જેથી આપણે જીવનભર તેમની ભક્તિ કરતા રહી શકીએ.૧૨. નુહ અને તેમના કુટુંબે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?
૧૨ આઝાદીનો ઉપયોગ કરવાની સૌથી સારી રીત છે કે, યહોવાની ભક્તિ કરવા આપણાં સમય-શક્તિ વાપરીએ. એમ કરીશું તો, દુનિયાના ધ્યેયો અને પોતાની ઇચ્છાઓ જીવનમાં સૌથી મહત્ત્વની બાબત નહિ બને. (ગલા. ૫:૧૬) જરા વિચારો, નુહ અને તેમના કુટુંબે શું કર્યું હતું. તેઓ હિંસા અને અનૈતિકતાથી ભરેલી દુનિયામાં જીવતાં હતાં. પણ, તેઓએ આજુબાજુના લોકોની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો નહિ. યહોવાએ સોંપેલા કામમાં વ્યસ્ત રહેવાનું તેઓએ નક્કી કર્યું. તેઓએ વહાણ બાંધ્યું, પોતાના માટે અને પ્રાણીઓ માટે ખોરાક ભેગો કર્યો તથા જળપ્રલય વિશે લોકોને ચેતવણી આપી. બાઇબલ કહે છે કે, ‘નુહે એમ જ કર્યું; ઈશ્વરે તેમને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેમણે કર્યું.’ (ઉત. ૬:૨૨) પરિણામે, એ દુનિયાના વિનાશમાંથી નુહ અને તેમનું કુટુંબ બચી ગયાં.—હિબ્રૂ. ૧૧:૭.
૧૩. યહોવાએ આપણને કઈ આજ્ઞા આપી છે?
૧૩ આજે યહોવાએ આપણને કઈ આજ્ઞા આપી છે? ઈસુના શિષ્યો તરીકે આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આપણને ખુશખબર ફેલાવવાની આજ્ઞા આપી છે. (લુક ૪:૧૮, ૧૯ વાંચો.) આજે, શેતાને મોટાભાગના લોકોના મન આંધળા કરી દીધા છે. તેથી, તેઓને ખબર જ નથી કે પોતે જૂઠા ધર્મ, માલમિલકત અને રાજકીય વ્યવસ્થાના ગુલામ બની ગયા છે. (૨ કોરીં. ૪:૪) ઈસુની જેમ, આપણને પણ બીજાઓને મદદ કરવાનો લહાવો મળ્યો છે, જેથી તેઓ આઝાદીના ઈશ્વર યહોવાને ઓળખે અને તેમની ભક્તિ કરે. (માથ. ૨૮:૧૯, ૨૦) બીજાઓને ખુશખબર જણાવવી સહેલું નથી. અમુક જગ્યાએ લોકોને ઈશ્વર વિશે જાણવામાં રસ નથી. અરે, આપણે ખુશખબર જણાવીએ ત્યારે અમુક તો ગુસ્સે પણ થઈ જાય છે. પણ, યહોવાએ આપણને ખુશખબર ફેલાવવાની આજ્ઞા આપી છે. તેથી, આપણે પોતાને પૂછવું જોઈએ કે, “યહોવાની સેવામાં વધારે કરવા શું હું મારી આઝાદીનો ઉપયોગ કરું છું?”
૧૪, ૧૫. યહોવાના ઘણા ભક્તોએ શું કરવાનું નક્કી કર્યું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૪ યહોવાના ઘણા ભક્તો સારી રીતે જાણે છે કે આ દુનિયાનો અંત ખૂબ નજીક છે. તેઓએ પોતાનું જીવન સાદું બનાવવાનું અને પાયોનિયર તરીકે સેવા આપવાનું નક્કી કર્યું છે. એ કેટલી ખુશીની વાત કહેવાય! (૧ કોરીં. ૯:૧૯, ૨૩) અમુક પોતાના વિસ્તારમાં, તો બીજાઓ વધુ જરૂર હોય એવાં મંડળોમાં પાયોનિયરીંગ કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં, ૨,૫૦,૦૦૦થી વધારે ભાઈ-બહેનો પાયોનિયર બન્યાં છે. હાલમાં, ૧૧ લાખથી પણ વધારે ભાઈ-બહેનો નિયમિત પાયોનિયર છે. આ રીતે ઘણાં ભાઈ-બહેનો યહોવાની ભક્તિમાં પોતાની આઝાદીનો ઉપયોગ કરી રહ્યાં છે. એ કેટલું અદ્ભુત કહેવાય!—ગીત. ૧૧૦:૩.
૧૫ પોતાની આઝાદીનો ડહાપણભર્યો ઉપયોગ કરવા તેઓને ક્યાંથી મદદ મળી? ચાલો, જૉન અને જ્યુડિથનો દાખલો જોઈએ. છેલ્લાં ૩૦ વર્ષોથી તેઓએ અલગ અલગ દેશોમાં સેવા આપી છે. તેઓએ જણાવ્યું કે ૧૯૭૭માં પાયોનિયર સેવા શાળા શરૂ થઈ ત્યારે, વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપે. જૉને અનેક વાર પોતાની નોકરી બદલી, જેથી તેઓ જીવન સાદું રાખી શકે. સમય જતાં, તેઓ બીજા દેશમાં સેવા આપવાં ગયાં. તેઓ સામે ઘણાં નડતરો આવ્યાં, જેમ કે નવી ભાષા શીખવી, નવા સમાજ અને નવા વાતાવરણમાં પોતાને ઢાળવા. આવાં નડતરો આંબવાં તેઓને ક્યાંથી મદદ મળી? તેઓએ યહોવાને પ્રાર્થના કરી અને મદદ માટે તેમના પર આધાર રાખ્યો. યહોવાની સેવામાં તેઓએ ઘણાં વર્ષો વિતાવ્યાં છે. એની તેઓ પર કેવી અસર પડી છે? જૉન કહે છે: ‘હું એવી ઉત્તમ પ્રવૃત્તિમાં જોડાયો છું, જેનો મેં પહેલાં ક્યારેય અનુભવ કર્યો નથી. યહોવા સાથેનો સંબંધ વધારે મજબૂત થયો છે, હવે તે મારા માટે એક પ્રેમાળ પિતા જેવા બન્યા છે. હું યાકૂબ ૪:૮ના શબ્દોને વધારે સારી રીતે સમજી શક્યો છું, જે કહે છે: “ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.” હું જે શોધી રહ્યો હતો એ મને મળ્યું, એટલે કે જીવનમાં સંતોષ આપતો હેતુ.’
૧૬. હજારો ભાઈ-બહેનોએ કઈ રીતે પોતાની આઝાદીનો ડહાપણભર્યો ઉપયોગ કર્યો?
૧૬ જૉન અને જ્યુડિથની જેમ, અમુક લોકો લાંબા સમય સુધી પાયોનિયર તરીકે સેવા આપે છે. બીજાઓ અમુક કારણોને લીધે થોડા જ સમય માટે પાયોનિયર સેવા કરે છે. ઘણાં ભાઈ-બહેનો દુનિયા ફરતે ચાલી રહેલા બાંધકામમાં સ્વયંસેવકો તરીકે કામ કરી રહ્યાં છે. દાખલા તરીકે, વૉરવિક મુખ્યમથકના બાંધકામ માટે આશરે ૨૭,૦૦૦ ભાઈ-બહેનોએ મદદ કરી હતી. અમુકે બે અઠવાડિયા માટે, અમુકે થોડા મહિનાઓ માટે, તો બીજાઓએ એક વર્ષ કે એથી વધારે સમય માટે આવીને મદદ આપી હતી. એમાંના ઘણાં ભાઈ-બહેનોએ વૉરવિકમાં સેવા આપવા માટે ઘણી બાબતો જતી કરી હતી. આઝાદીના ઈશ્વર યહોવાની સ્તુતિ કરવા અને તેમને મહિમા આપવા તેઓએ પોતાની આઝાદીનો યોગ્ય ઉપયોગ કર્યો. તેઓએ કેટલો સરસ દાખલો બેસાડ્યો છે!
૧૭. આપણી આઝાદીનો ડહાપણભર્યો ઉપયોગ કરીશું તો, શાની આશા રાખી શકીશું?
૧૭ આપણે યહોવાને ઓળખી શક્યા છીએ અને તેમની ભક્તિ કરવાની આઝાદી મળી છે, એ માટે ઘણા આભારી છીએ! તો ચાલો, આપણી પસંદગીથી બતાવી આપીએ કે એ આઝાદી આપણા માટે ખૂબ કીમતી છે. એનો ખોટો ઉપયોગ કરવાને બદલે, યહોવાની ભક્તિમાં બનતું બધું કરવા આપણે એનો ઉપયોગ કરીએ. પછી, આપણે એવા આશીર્વાદોનો આનંદ માણીશું, જેના વિશે યહોવાએ વચન આપ્યું હતું: “સૃષ્ટિ પોતે પણ વિનાશની ગુલામીમાંથી આઝાદ થાય અને ઈશ્વરનાં બાળકોની ભવ્ય આઝાદી પામે.”—રોમ. ૮:૨૧.