સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

“આજે પ્રચારકામ મને બહુ ગમે છે!”

“આજે પ્રચારકામ મને બહુ ગમે છે!”

મારો ઉછેર ન્યૂઝીલૅન્ડના બેલક્લૂથા શહેરમાં થયો હતો. નાની હતી ત્યારથી જ યહોવાને હું મારા સારા દોસ્ત માનતી. યહોવાની સાક્ષી હોવાને લીધે હું ખુશ હતી. સભામાં જવું અને ભાઈ બહેનોને મળવું મને બહુ ગમતું. હું સ્વભાવે શરમાળ હતી, પણ દર અઠવાડિયે પ્રચાર કરવાની બહુ મજા આવતી. મારી સ્કૂલના બાળકોને અને બીજાઓને સાક્ષી આપવામાં હું જરાય ડરતી નહિ. લોકો મને યહોવાના સાક્ષી તરીકે ઓળખે એનાથી મને ગર્વ થતો. મેં ૧૧ વર્ષની ઉંમરે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું.

પ્રચાર કરવાનો મને કંટાળો આવવા લાગ્યો

હું ૧૩ વર્ષની થઈ ત્યારે યહોવા પરનો મારો પ્રેમ એકદમ ઠંડો પડી ગયો. મેં જોયું કે, મારી સાથે ભણતાં બાળકોને કોઈ રોકટોક ન હતી. તેઓને જે કરવું હોય એ કરી શકતાં, એકદમ આઝાદ હતાં. મારે પણ તેઓના જેવું બનવું હતું. મને લાગતું કે, મમ્મી-પપ્પાએ મારા પર ઘણા નિયમો થોપી બેસાડ્યા છે. યહોવાની આજ્ઞાઓ પાળવી પણ મને ખૂબ અઘરી લાગતી. મને યહોવાના સાક્ષીઓ તરીકે જીવન જીવવું મુશ્કેલ લાગવા લાગ્યું. પ્રચારમાં અને સભામાં જવું મને બોજ લાગવા લાગ્યું. મને એ તો ખાતરી હતી કે યહોવા જ ઈશ્વર છે, પણ તેમના માટેનો મારો પ્રેમ ઠંડો પડી ગયો હતો. હું તેમનાથી દૂર થવા લાગી હતી.

એ બધામાં પણ મેં પ્રચારમાં જવાનું પૂરી રીતે બંધ ન કર્યું, પણ નામ પૂરતી જ હતી. કોઈ તૈયારી વગર પ્રચારમાં પહોંચી જતી. કોઈની સાથે માંડમાંડ વાત તો શરૂ કરતી, પણ ચર્ચા આગળ વધારી શકતી ન હતી. એટલે ન તો મારી પાસે ફરી મુલાકાત હતી કે ન તો બાઇબલ અભ્યાસ. પ્રચારમાં જવાનો મને કંટાળો આવવા લાગ્યો. મને થતું હતું, ‘આ દર અઠવાડિયે કોણ પ્રચારમાં જાય, મારાથી તો નહિ થાય.’

૧૭ વર્ષની થઈ ત્યારે મારી ધીરજ ખૂટી ગઈ. મારે તો આઝાદ પંખીની જેમ ઊડવું હતું એટલે મેં બોરિયા-બિસ્તરા બાંધ્યા અને ઘર છોડીને ઑસ્ટ્રેલિયા જતી રહી. મારો નિર્ણય મમ્મી-પપ્પા પચાવી ન શક્યા. તેઓને અઘરું લાગ્યું. તેઓને મારી ચિંતા થવા લાગી. જોકે, તેઓને ભરોસો હતો કે હું યહોવાની સેવા કરવાનું ક્યારેય નહિ છોડું.

ઑસ્ટ્રેલિયામાં મારી હાલત વધારે ખરાબ થઈ ગઈ. મેં સભામાં જવાનું લગભગ બંધ કરી દીધું. મંડળમાં એવા લોકો સાથે દોસ્તી કરી, જેઓ આજે સભામાં હોય તો કાલે નાઇટક્લબમાં દેખાય. તેઓ શરાબ અને નાચગાનમાં ડૂબેલા રહેતા. એ જ તેઓનું જીવન હતું. મારો એક પગ દુનિયામાં હતો તો બીજો પગ મંડળમાં. પણ હું ના ઘરની રહી કે ના ઘાટની.

એક મહત્ત્વનો બોધપાઠ

આશરે બે વર્ષ પછી મારા જીવનમાં એક વળાંક આવ્યો. હું પાંચ છોકરીઓ સાથે રહેતી હતી. એક અઠવાડિયા માટે સરકીટ નિરીક્ષક અને તેમના પત્નીને અમારા ઘરે રાખવાનું અમે નક્કી કર્યું. એ દિવસો ઘણા યાદગાર હતા. ભાઈના પત્ની તેમરાબહેને અજાણતા મારું ધ્યાન એક વાત તરફ દોર્યું. હું એ વિચારવા મજબૂર થઈ કે હું કેવું જીવન જીવી રહી છું. ભાઈ મંડળના કામમાં વ્યસ્ત રહેતા ત્યારે બહેન અમારી સાથે ઘણો સમય પસાર કરતા હતાં. તે અમારી સાથે હસતાં-રમતાં, મજા કરતાં. અમે બધા પણ તેમની સાથે હળી મળી ગયા હતા. એટલે અમે દિલ ખોલીને તેમની સાથે વાત કરી શકતા હતા. એ વાત મારા દિલને સ્પર્શી ગઈ કે બહેન યહોવાના કામમાં એટલા વ્યસ્ત રહેતાં, તોપણ અમારી સાથે મજા કરતા હતાં.

બહેનને સત્ય માટે અને પ્રચારકામ માટે ઘણો જોશ હતો. યહોવાની સેવામાં તે પૂરું મન લગાવી દેતા હતા, એટલે ઘણા ખુશ રહેતા હતા. જ્યારે કે હું કરવા ખાતર ભક્તિ કરતી હતી, એટલે ખુશ ન હતી. પણ તેમનો જોશ જોઈને મારામાં પણ જોશ આવી ગયો. બહેનને જોઈને મને બાઇબલની એક વાત યાદ આવી ગઈ. એ કહે છે, યહોવા ચાહે છે કે આપણે “ખુશીથી” અને “આનંદથી પોકાર કરતાં કરતાં” તેમની ભક્તિ કરીએ.—ગીત. ૧૦૦:૨.

મને પ્રચારકામ ફરી ગમવા લાગ્યું

તેમરા બહેનની જેમ હું પણ ખુશ રહેવા માંગતી હતી. પણ એની માટે મારે જીવનમાં અમુક ફેરફારો કરવાના હતા. મેં ધીરે ધીરે જીવનમાં ફેરફારો કરવાના ચાલુ કર્યા. હું પ્રચાર જતાં પહેલાં એની સારી તૈયારી કરવા લાગી. અમુક વાર મેં સહાયક પાયોનિયરીંગ કર્યું. એના લીધે પ્રચારમાં મારો ડર ઓછો થઈ ગયો અને હું હિંમતથી લોકોને સંદેશો જણાવવા લાગી. હું લોકોને બાઇબલમાંથી કલમો બતાવવા લાગી. એના લીધે મને ખરી ખુશીનો અહેસાસ થયો. એ પછી મેં નિયમિત રીતે સહાયક પાયોનિયરીંગ શરૂ કર્યું.

હું દરેક ઉંમરનાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરવા લાગી. તેઓ સત્યમાં મજબૂત હતાં અને યહોવાની સેવા ખુશીથી કરતા. તેઓ પાસેથી ઘણું શીખવા મળ્યું કે જીવનમાં શું મહત્ત્વનું હોવું જોઈએ. પછી મેં દરરોજ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. એના લીધે પ્રચારમાં મને વધારે ખુશી મળી અને એ પછી મેં નિયમિત પાયોનિયર સેવા શરૂ કરી. વર્ષો પછી મને લાગ્યું કે મારા જીવનનો કોઈ મકસદ છે. હવે હું ખરેખર ખુશ છું અને ભાઈ-બહેનો સાથે મારો ઘર જેવો સંબંધ છે.

જીવનસાથી બન્યા પાયોનિયર સાથી

એકાદ વર્ષ પછી હું એલેક્સને મળી. તે સાફ દિલના વ્યક્તિ છે. તે યહોવાને ખૂબ પ્રેમ કરે છે. પ્રચારકામ તેમને ખૂબ ગમે છે. એ સમયે તે સહાયક સેવક હતા અને છ વર્ષથી પાયોનિયર સેવા કરી રહ્યા હતા. મલાવી દેશમાં વધુ જરૂર હોય એવી જગ્યાએ જઈને તેમણે સેવા પણ આપી હતી. તેમને મિશનરી ભાઈ-બહેનો સાથે હળવા-મળવાનો મોકો મળ્યો. તેઓએ એલેક્સને ઉત્તેજન આપ્યું કે તે આવી જ રીતે યહોવાની સેવાને પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપે.

૨૦૦૩માં એલેક્સ સાથે મારા લગ્‍ન થયા ત્યારથી અમે બંને પૂરા સમયની સેવા કરીએ છીએ. એ વર્ષો દરમિયાન અમે જીવનમાંથી ઘણું બધું શીખ્યાં. યહોવાએ અમને એટલા આશીર્વાદ આપ્યા છે કે ગણ્યા ગણાય નહિ.

બીજા અનેક આશીર્વાદો

તિમોર-લેસ્ટેના ગ્લેનો શહેરમાં પ્રચાર કરતી વખતે

૨૦૦૯ અમને એક નવી સોંપણી મળી. અમને બંનેને તિમોર લેસ્ટેમાં મિશનરી તરીકે મોકલવામાં આવ્યાં. એ ઇન્ડોનેશિયાની નજીક આવેલો એક નાનકડો ટાપુ છે. એ સોંપણી મળવાથી અમને ખૂબ નવાઈ લાગી. અમે ખૂબ ખુશ હતા. પણ અંદર ક્યાંક ડરની લાગણી પણ હતી કે આ બધું કઈ રીતે કરીશું. લગભગ પાંચ મહિના પછી અમે તિમોર લેસ્ટે દેશેની રાજધાની દિલી પહોંચ્યાં.

તિમોર લેસ્ટેમાં રાતોરાત અમારું જીવન બદલાઈ ગયું. ત્યાંની સંસ્કૃતિ, લોકો, રહન-સહન, ભાષા બધું જ એકદમ અલગ હતું. ત્યાં કોઈ ખાસ સુખ-સુવિધા ન હતી. અમારે ઘણું શીખવાનું હતું. પ્રચારકામ પણ થોડું અઘરું હતું. ત્યાંના લોકો ખૂબ ગરીબ હતા અને બહુ ભણેલાગણેલા ન હતા. એ લોકોએ ઘણો અત્યાચાર સહન કર્યો હતો. વર્ષો પહેલાં ત્યાં આઝાદી માટે એક યુદ્ધ થયું હતું ત્યારે ઘણી કત્લેઆમ થઈ હતી. લોકોએ ઘણું દુઃખ વેઠ્યું હતું. એ યુદ્ધના ઘા હજુ પણ તેઓના દિલમાં તાજા હતા. *

અહીંયા પ્રચારકામ ઘણું સરસ હતું. હું તમને એક અનુભવ જણાવું. એક વખતે મને ૧૩ વર્ષની છોકરી મળી, જેનું નામ મારિયા હતું. * તે ઘણી દુઃખી હતી. અમુક વર્ષો પહેલાં તેનાં મમ્મી મરણ પામ્યાં હતાં. તે તેના પપ્પાને પણ બહુ ખાસ કંઈ મળી શકતી ન હતી. બીજા યુવાનોની જેમ તેને પણ ખબર ન હતી કે જીવનમાં આગળ શું કરશે. એકવાર તે મારી આગળ પોતાનું દિલ ઠાલવી રહી હતી. તે કહેતાં કહેતાં તો રડી પડી. પણ મને તો કશી ગતાગમ પડતી ન હતી. કારણ કે મને તેની ભાષા સમજાતી ન હતી. એટલે મેં યહોવાને મદદ માટે પ્રાર્થના કરી કે જેથી હું તેને ઉત્તેજન આપી શકું. પછી બાઇબલમાંથી મેં તેને અમુક કલમો બતાવી. અમુક વર્ષો પછી હું જોઈ શકી કે સત્ય શીખવાથી તેને નવું જીવન મળ્યું. તે હવે દુઃખી રહેતી ન હતી. અરે, તેની કાયાપલટ થઈ ગઈ હતી. તેણે બાપ્તિસ્મા લીધું અને હવે તે બીજાઓનો અભ્યાસ ચલાવે છે. તેની પાસે ભાઈ-બહેનોનું મોટું કુટુંબ છે જેઓ તેને ખૂબ પ્રેમ કરે છે.

યહોવાએ તિમોર-લેસ્ટેમાં ચાલતા પ્રચારકામ પર ઘણા આશીર્વાદો આપ્યા છે. મોટા ભાગના પ્રચારકો છેલ્લા દસ વર્ષમાં સત્યમાં આવ્યા છે. તોપણ એમાંથી ઘણા પાયોનિયર, સહાયક સેવક અને વડીલ તરીકે કામ કરે છે. કેટલાક તો ભાષાંતર કેન્દ્રોમાં કામ કરી રહ્યા છે. તેઓ આપણાં સાહિત્યનું ત્યાંની ભાષામાં ભાષાંતર કરી રહ્યા છે. તેઓ ભેગા મળીને સભામાં ગીત ગાય છે અને યહોવાને ઘણો પ્રેમ કરે છે. એ જોઈને મારું દિલ ખુશીથી ઉભરાઈ જાય છે.

પ્રચાર થયો ન હતો એવા વિસ્તારમાં, એલેક્સ સાથે સ્મરણપ્રસંગની પત્રિકાઓ આપવા જતી વખતે

આનાથી સારું જીવન બીજું હોઈ જ ન શકે

તિમોર-લેસ્ટેમાં ઑસ્ટ્રેલિયા જેવી સુખ સુવિધાઓ ન હતી. પણ અમને અહીં પ્રચાર કરવાની ઘણી મઝા આવતી. અમારે કેટલીક મુશ્કેલીઓ સહેવી પડી. અમુક વાર અમારે એવી બસમાં મુસાફરી કરવી પડતી જે લોકોથી ખીચોખીચ ભરેલી હોય. બસની અંદર સૂકી માછલીઓ અને શાકભાજીનો ઢગલો રહેતો. ત્યાંના અમુક ઘર એટલા નાના હોય કે એમાં બફારો થતો. ઉપરથી જમીન ધૂળવાળી અને આસપાસ મરઘીઓ ફરતી હોય. એવામાં બેસીને અમારે બાઇબલ અભ્યાસ ચલાવવાનો. જોકે, એવી મુશ્કેલીઓમાં પણ અમને પ્રચાર કરવાની ખૂબ મઝા આવતી.

પ્રચારમાં જતી વખતે

નાનપણના દિવસો યાદ કરું છું ત્યારે મમ્મી-પપ્પા માટે મારું દિલ કદરથી ઉભરાઈ જાય છે. તેઓએ મને યહોવા વિશે શીખવવા ઘણી મહેનત કરી હતી. જ્યારે હું ભક્તિમાં ઠંડી પડી ગઈ હતી ત્યારે પણ તેઓએ મારો સાથ છોડ્યો ન હતો. નીતિવચનો ૨૨:૬નાં શબ્દો મારા કિસ્સામાં સાચા પડ્યા છે. હું અને એલેક્સ ખુશી ખુશી યહોવાની સેવા કરી રહ્યાં છીએ, એ જોઈને મમ્મી-પપ્પાને અમારા પર ખૂબ ગર્વ થાય છે. ૨૦૧૬થી અમે ઑસ્ટ્રેલેશિયા શાખાના વિસ્તારમાં સરકીટ કામ કરી રહ્યાં છીએ.

રોહન અને અવનીના વીડિયો જોઈને ત્યાંના બાળકો ખુશ છે

આજે માનવામાં નથી આવતું કે એક સમયે પ્રચાર કરવાનો મને કંટાળો આવતો હતો. પણ આજે પ્રચારકામ મને બહુ ગમે છે! મેં જોયું છે કે જીવનમાં ભલે ગમે એટલા ઉતાર ચઢાવ આવે, સાચી ખુશી તો ફક્ત યહોવાની સેવા કરવાથી જ મળે છે. છેલ્લા ૧૮ વર્ષથી હું અને એલેક્સ સાથે મળીને યહોવાની સેવા કરી રહ્યાં છીએ. એ વર્ષો હસતાં રમતાં ક્યારે નીકળી ગયા એની ખબરેય ના પડી. એક ગીતના લેખક દાઉદે યહોવા વિશે જે લખ્યું એ એકદમ સાચું છે. “તમારામાં આશરો લેનારાઓ હરખાશે. તેઓ હરઘડી ખુશીથી જયજયકાર કરશે. . . તમારા નામને ચાહનારા આનંદ મનાવશે.”—ગીત. ૫:૧૧.

નેક દિલના લોકોને બાઇબલમાંથી શીખવીને કેટલી ખુશી થાય છે!

^ ફકરો. 21 ૧૯૭૫માં આઝાદી માટે તિમોર લેસ્ટેમાં યુદ્ધ થયું હતું, જે વીસ વર્ષ સુધી ચાલ્યું હતું.

^ ફકરો. 22 નામ બદલ્યું છે.