અભ્યાસ લેખ ૧૪
“તેમના પગલે ચાલો”
“ખ્રિસ્તે પણ તમારા માટે દુઃખ વેઠ્યું અને દાખલો બેસાડ્યો, જેથી તમે તેમના પગલે ચાલો.”—૧ પિત. ૨:૨૧.
ગીત ૫ ઈસુને પગલે ચાલું
ઝલક *
૧-૨. દાખલો આપીને સમજાવો કે ઈસુને પગલે ચાલવા શું કરવું જોઈએ?
ધારો કે, તમે અને તમારા સાથીદારો એક ખતરનાક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છો. એ વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. તમારી સાથે એક ગાઇડ છે, જે સારી રીતે રસ્તો જાણે છે. તે આગળ આગળ ચાલે છે અને તમે તેની પાછળ પાછળ ચાલો છો. થોડે દૂર જાઓ છો અને તમને ખબર પડે છે કે ગાઇડ તો ક્યાંય દેખાતો નથી. પણ તમે ડરતા નથી. કારણ કે બરફમાં તમને તેનાં પગલાં દેખાય છે અને તમે એ પગલે ચાલવાની કોશિશ કરો છો.
૨ આજે ઈશ્વરભક્તો પણ એવી દુનિયામાં જીવી રહ્યા છે, જે એ ખતરનાક વિસ્તાર જેવી છે. પણ યહોવાએ આપણને છોડી દીધા નથી. તેમણે આપણને સૌથી સારા ગાઇડ આપ્યા છે, એ છે ઈસુ ખ્રિસ્ત. તેમના પગલે આપણે ચાલી શકીએ છીએ. (૧ પિત. ૨:૨૧) બાઇબલ વિશેનું એક પુસ્તક કહે છે કે, ૧ પિતર ૨:૨૧માં ઈસુને એક ગાઇડ સાથે સરખાવવામાં આવ્યા છે. એક ગાઇડની જેમ ઈસુએ પણ પોતાનાં પગલાં છોડ્યાં છે, જેની પાછળ આપણે ચાલવું જોઈએ. તો ચાલો આપણે આ ત્રણ સવાલોની ચર્ચા કરીએ: તેમના પગલે ચાલવાનો શું અર્થ થાય? આપણે કેમ તેમના પગલે ચાલવું જોઈએ? અને એ કઈ રીતે કરી શકીએ?
ઈસુને પગલે ચાલવાનો શું અર્થ થાય?
૩. એક વ્યક્તિના પગલે ચાલવાનો શું અર્થ થાય?
૩ એક વ્યક્તિના પગલે ચાલવાનો શું અર્થ થાય? બાઇબલમાં ઘણી વાર “ચાલવું” કે “પગ” જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (ઉત. ૬:૯; ગીત. ૧૧૯:૧૦૫) એક વ્યક્તિ કઈ રીતે જીવે છે એ વિશે એમાં વાત થઈ રહી હોય છે. જે રીતે એક વ્યક્તિ જીવતી હોય એ રીતે આપણે જીવવાની કોશિશ કરીએ તો કહી શકાય આપણે તેમના પગલે ચાલીએ છીએ.
૪. ઈસુના પગલે ચાલવાનો શું અર્થ થાય?
૪ તો પછી ઈસુના પગલે ચાલવાનો શું અર્થ થાય? સાદા શબ્દોમાં કહીએ તો, જેમ ઈસુએ કર્યું એમ આપણે કરીએ. પ્રેરિત પિતરે આ લેખની મુખ્ય કલમમાં કહ્યું છે કે ઈસુએ દુઃખ સહીને આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. એ સિવાય પણ ઈસુએ ઘણી બધી રીતોએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. (૧ પિત. ૨:૧૮-૨૫) આપણે ઈસુનાં વાણી-વર્તનમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ.
૫. શું માણસો ઈસુના પગલે ચાલી શકે? સમજાવો.
૫ માણસો તરીકે આપણાથી ઘણી બધી ભૂલો થાય છે. તો પછી શું આપણે ઈસુના પગલે ચાલી શકીએ? હા. ચોક્કસ ચાલી શકીએ. ઈસુના ‘પગલે ચાલવામાં’ આપણાથી ભૂલો તો થશે. પણ ઈસુને પગલે ચાલવા આપણાથી બનતું બધું કરીએ. આપણે જો એમ કરીશું તે પ્રેરિત યોહાને લખેલી આ વાત માનીશું, “ઈસુની જેમ ચાલતા રહો.”—૧ યોહા. ૨:૬.
આપણે કેમ ઈસુના પગલે ચાલવું જોઈએ?
૬-૭. ઈસુને પગલે ચાલવાથી કઈ રીતે યહોવાની નજીક જઈ શકીએ છીએ?
૬ ઈસુને પગલે ચાલવાથી આપણે યહોવાની નજીક જઈ શકીશું. એવું શા પરથી કહી શકાય? એનું એક કારણ છે, ઈસુ જે રીતે જીવન જીવ્યા એનાથી યહોવા ખુશ થયા. (યોહા. ૮:૨૯) આપણે પણ ઈસુની જેમ જીવન જીવીશું તો યહોવા ખુશ થશે. આપણે યહોવાની નજીક જવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ તે પણ આપણી નજીક આવશે.—યાકૂ. ૪:૮.
૭ બીજું કારણ છે, ઈસુ સૌથી સારી રીતે પિતા યહોવાના પગલે ચાલતા હતા. એટલે ઈસુ કહી શક્યા કે, “જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” (યોહા. ૧૪:૯) આપણે પણ ઈસુ જેવા ગુણો કેળવવા જોઈએ. આપણે પણ ઈસુની જેમ બીજાઓ સાથે વર્તવું જોઈએ. દાખલા તરીકે, રક્તપિત્ત થયેલા માણસને જોઈને ઈસુનું દિલ તડપી ઊઠ્યું હતું. એક બીમાર સ્ત્રીને મળીને ઈસુ તેની લાગણી સમજી શક્યા હતા. જેઓએ પોતાનાં કુટુંબીજનોને મરણમાં ગુમાવ્યા હતા, તેઓ માટે ઈસુના દિલમાં દયા ઉભરાઈ આવી. આપણે પણ એવા સંજોગોમાં ઈસુની જેમ વર્તીશું તો યહોવા જેવા બનવાનો પ્રયત્ન કરીશું. (માર્ક ૧:૪૦, ૪૧; ૫:૨૫-૩૪; યોહા. ૧૧:૩૩-૩૫) એમ કરીશું તો યહોવાની નજીક જઈ શકીશું.
૮. ઈસુના પગલે ચાલવાથી આપણે કઈ રીતે દુનિયા પર “જીત મેળવી” શકીશું?
૮ ઈસુના પગલે ચાલવાથી આપણે દુનિયાની લાલચોમાં ફસાઈશું નહિ. ઈસુ ક્યારેય દુનિયાના રંગે રંગાયા નહિ. તેમણે દુનિયાના લોકો જેવાં વિચારો, ધ્યેયો કે રહન-સહન ક્યારેય અપનાવ્યું નહિ. તે ક્યારેય ભૂલ્યા નહિ કે તેમને પૃથ્વી પર કેમ મોકલવામાં આવ્યા છે. તે તો યહોવાના નામ અને તેમના રાજ કરવાના હકનો મહિમા કરવા આવ્યા હતા. એટલે જ તે પોતાના જીવનની છેલ્લી રાતે કહી શક્યા, “મેં દુનિયા પર જીત મેળવી છે!” (યોહા. ૧૬:૩૩) આજે દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે, જેના લીધે આપણું ધ્યાન ફંટાઈ શકે છે. જો યહોવાની સેવાને જીવનમાં પ્રથમ સ્થાન આપીશું, તો આપણે પણ દુનિયા પર “જીત મેળવી” શકીશું.—૧ યોહા. ૫:૫.
૯. હંમેશ માટેનું જીવન મેળવવા આપણે શું કરવું જોઈએ?
૯ ઈસુના પગલે ચાલવાથી આપણને હંમેશ માટેનું જીવન મળશે. એક ધનવાન માણસે પૂછ્યું કે હંમેશ માટેનું જીવન મેળવવા તેણે શું કરવું પડશે? ઈસુએ તેને કહ્યું: “આવ, મારો શિષ્ય બન.” (માથ. ૧૯:૧૬-૨૧) અમુક યહૂદીઓ ઈસુને ખ્રિસ્ત માનતા ન હતા. તેઓને ઈસુએ કહ્યું, ‘મારાં ઘેટાં મારી પાછળ પાછળ ચાલે છે. હું તેઓને હંમેશ માટેનું જીવન આપું છું.’ (યોહા. ૧૦:૨૪-૨૯) યહુદી ન્યાયસભાના સભ્ય નિકોદેમસ ઈસુ પાસે શીખવા આવ્યા. ઈસુએ તેમને કહ્યું, ‘જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકશે તેનો નાશ નહિ થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવશે.’ (યોહા. ૩:૧૬) જો આપણે પણ હંમેશ માટેનું જીવન જોઈતું હોય, તો આપણે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ. તેમણે શીખવેલી વાતોને માનવી જોઈએ અને તેમના પગલે ચાલવું જોઈએ.—માથ. ૭:૧૪.
આપણે કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ?
૧૦. ઈસુને ઓળખવાનો શું અર્થ થાય? (યોહાન ૧૭:૩)
૧૦ ઈસુને પગલે ચાલવા આપણે તેમને ઓળખવા જોઈએ. (યોહાન ૧૭:૩ વાંચો.) એ આપણે એક જ વખતમાં કરી શકતા નથી. એ માટે સમય લાગે છે અને એ માટે આપણે મહેનત પણ કરવી પડે છે. જેમ જેમ ઈસુ વિશે શીખવાનો પ્રયત્ન કરીશું તેમ તેમ તેમને ઓળખતા જઈશું. જેમ કે આપણે તેમનાં ગુણો, વિચારો અને ધોરણો સમજવા જોઈએ. ભલે વર્ષોથી સત્યમાં હોઈએ, યહોવા અને ઈસુને ઓળખવા આપણે મહેનત કરતા રહેવું જોઈએ.
૧૧. ખુશખબરનાં ચાર પુસ્તકોમાં શું લખવામાં આવ્યું છે?
હિબ્રૂ. ૧૨:૩) ખુશખબરનાં એ પુસ્તકોનો અભ્યાસ કરતા જઈશું તેમ ઈસુને સારી રીતે ઓળખી શકીશું અને તેમના પગલે ચાલી શકીશું.
૧૧ આપણે ઈસુને સારી રીતે ઓળખી શકીએ માટે યહોવાએ કઈ મદદ આપી છે? તેમણે બાઇબલમાં ખુશખબરનાં ચાર પુસ્તકો લખાવ્યા છે, જે માથ્થી, માર્ક, લૂક અને યોહાન છે. એ પુસ્તકોમાં ઈસુના જીવન અને સેવાકાર્ય વિશે લખવામાં આવ્યું છે. એમાંથી આપણે જાણી શકીએ છીએ કે ઈસુ કેવા હતા, તેમણે શું કહ્યું હતું, તેમણે શું કર્યું હતું અને તેમની લાગણીઓ કેવી હતી. એ પુસ્તકો વાંચીશું તો ‘ઈસુ પર પૂરું ધ્યાન આપી શકીશું.’ (૧૨. ખુશખબરના પુસ્તકોમાંથી ઈસુ વિશે જાણવા આપણે શું કરવું જોઈએ?
૧૨ ખુશખબરનાં ચાર પુસ્તકોમાંથી ઈસુ વિશે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. આપણે એ પુસ્તકો ફક્ત વાંચવાં જ ન જોઈએ પણ એનો અભ્યાસ કરવો જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. આપણે કઈ રીતે એના પર મનન કરી શકીએ અને એને જીવનમાં લાગુ પાડી શકીએ? (યહોશુઆ ૧:૮ સરખાવો.) ચાલો આપણે બે રીતો પર ધ્યાન આપીએ.
૧૩. આપણે પોતાના મનમાં અહેવાલોનું ચિત્ર કઈ રીતે બનાવી શકીએ?
૧૩ પહેલી રીત, પોતાના મનમાં એ અહેવાલોનું એક ચિત્ર ઊભું કરો. ખુશખબરનાં ચાર પુસ્તકોમાંથી તમે એક અહેવાલ વાંચી રહ્યા છો. તમે એની કલ્પના કરો, એને જુઓ, એને સાંભળો અને એને મહેસુસ કરો. એ ઘટના વિશે વધારે જાણવા એની આગળ પાછળ આપેલી કલમો વાંચો. એમાં જણાવેલા લોકો અને જગ્યાઓ પર ધ્યાન આપો. આપણાં સાહિત્યમાં એના વિશે વધારે સંશોધન કરો. એ અહેવાલ વિશે ખુશખબરનાં બીજાં પુસ્તકોમાંથી વાંચો. બની શકે કે તમને કોઈ એવી માહિતી જાણવા મળે જે આ પુસ્તકમાં ન હોય.
૧૪-૧૫. ખુશખબરના પુસ્તકમાં જે શીખીએ એને કઈ રીતે લાગુ કરી શકીએ?
૧૪ બીજી રીત, ખુશખબરનાં પુસ્તકોમાંથી જે શીખો એ પોતાના જીવનમાં લાગુ કરો. (યોહા. ૧૩:૧૭) અભ્યાસ કર્યા પછી પોતાને પૂછો, ‘ખુશખબરના પુસ્તકમાંથી જે શીખ્યો એને કઈ રીતે લાગુ પાડી શકું? બીજાઓને કઈ રીતે મદદ કરી શકું?’ કોઈ એક વ્યક્તિ વિશે વિચારો જેને તમે મદદ આપી શકો. પછી યોગ્ય સમયે તેમને પ્રેમથી અને સમજી-વિચારીને એ વાત રજૂ કરો.
૧૫ આ બે સૂચનોને કઈ રીતે લાગુ કરી શકીએ? ચાલો એને સમજવા એક ગરીબ વિધવાના ઉદાહરણ પર વિચાર કરીએ, જેને ઈસુએ મંદિરમાં જોયા હતા.
મંદિરમાં એક ગરીબ વિધવા
૧૬. માર્ક ૧૨:૪૧માં જે લખ્યું છે એ વિશે કલ્પના કરો અને જણાવો.
૧૬ મનમાં અહેવાલોનું એક ચિત્ર ઊભું કરો. (માર્ક ૧૨:૪૧ વાંચો.) જે બની રહ્યું છે એની કલ્પના કરો. ઈસવીસન ૩૩, નીસાન ૧૧નો એ દિવસ છે. થોડા દિવસો પછી ઈસુનું મરણ થવાનું છે. ઈસુએ આખો દિવસ મંદિરમાં પ્રચાર કર્યો હતો. ધર્મગુરુઓ તેમના અધિકાર પર વાંધો ઉઠાવે છે. બીજા અમુક ઈસુને પોતાની જ વાતમાં ફસાવવા સવાલ પર સવાલ કરે છે. (માર્ક ૧૧:૨૭-૩૩; ૧૨:૧૩-૩૪) ઈસુ પછી મંદિરના બીજા ભાગમાં જાય છે. એ જગ્યાને સ્ત્રીઓનું આંગણું કહેવામાં આવતું જ્યાં દાન પેટી રાખવામાં આવતી હતી. ઈસુ દાન પેટીની નજીક જઈને બેસે છે અને બેઠાં બેઠાં બીજાઓને દાન આપતા જોઈ રહ્યા છે. અમુક ધનવાનો દાન પેટીમાં ઘણાં બધા સિક્કા નાંખી રહ્યા છે. ઈસુ કદાચ એટલા નજીક બેઠા છે કે તેમને સિક્કાનો ખણખણાટ સંભળાઈ રહ્યો છે.
૧૭. માર્ક ૧૨:૪૨માં જણાવેલી ગરીબ વિધવા વિશે જણાવો.
૧૭ માર્ક ૧૨:૪૨ વાંચો. થોડા સમય પછી “એક ગરીબ વિધવા” મંદિરમાં આવે છે. (લૂક ૨૧:૨) તેનાં જીવનમાં ઘણાં બધા દુઃખો છે. તેની પાસે જરૂરી ચીજવસ્તુ ખરીદવાના પણ પૈસા નથી. ઈસુની નજર તેના પર પડે છે. તે દાન પેટીમાં બે સિક્કા નાખે છે. એ સિક્કાઓ પડવાનો જરા પણ અવાજ આવતો નથી. પણ ઈસુ જાણે છે કે તેણે કેટલા પૈસા નાખ્યા છે. તેણે બે લેપ્ટા નાખ્યા જેની એ જમાનામાં કોઈ કિંમત ન હતી. એ સમયમાં ચકલી સૌથી સસ્તી ગણાતી. પણ વિધવાએ નાખેલા દાનમાં તો એક ચકલી પણ ન ખરીદી શકાય.
૧૮. માર્ક ૧૨:૪૩, ૪૪માં ઈસુએ ગરીબ વિધવાના દાન વિશે શું કહ્યું?
૧૮ માર્ક ૧૨:૪૩, ૪૪ વાંચો. ઈસુ એ ગરીબ વિધવાના દાનથી બહુ જ ખુશ થાય છે. તે પોતાના શિષ્યોને બોલાવે છે અને કહે છે, “બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે. એ બધાએ [ખાસ કરીને ધનવાનોએ] પોતાની પુષ્કળ ધનદોલતમાંથી નાખ્યું. પણ ગરીબ વિધવાએ પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.” એ દાન કરીને ગરીબ વિધવાએ બતાવ્યું કે તેને પૂરેપૂરો વિશ્વાસ છે કે યહોવા ચોક્કસ તેનું ધ્યાન રાખશે.—ગીત. ૨૬:૩.
૧૯. ગરીબ વિધવાના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?
૧૯ જે શીખો એને જીવનમાં લાગુ કરો. તમે આ સવાલનો વિચાર કરી શકો: ‘ગરીબ વિધવા વિશે ઈસુએ જે કહ્યું એમાંથી હું શું શીખી શકું?’ જરા એ ગરીબ વિધવા વિશે વિચારો. તે વધારે દાન આપવા માંગતી હશે પણ તેના સંજોગો તેને સાથ આપતા ન હતા. એટલે તેણે પોતાની પાસે જે કંઈ હતું એ દાન કર્યું. ઈસુ જાણતા હતા કે યહોવા તેનાથી ખુશ છે. એમાંથી આપણને આ મહત્ત્વની વાત શીખવા મળે છે: આપણે સંજોગો પ્રમાણે પૂરા દિલથી યહોવાની સેવામાં કામ કરીએ છીએ ત્યારે યહોવાને ખુશી થાય છે. (માથ. ૨૨:૩૭; કોલો. ૩:૨૩) પ્રચાર અને સભામાં જવા આપણે સમય શક્તિ આપીએ છીએ ત્યારે યહોવાનું દિલ ખુશીથી ઉભરાઈ જાય છે.
૨૦. ગરીબ વિધવાના દાખલામાંથી તમે જે શીખ્યા એમાંથી બીજાઓને કઈ રીતે મદદ કરી શકો?
૨૦ ગરીબ વિધવાના દાખલામાંથી તમે જે શીખ્યા એમાંથી બીજાઓને કઈ રીતે મદદ કરી શકો? તમારા મંડળનાં ભાઈ-બહેનોનો વિચાર કરો. તમારા મંડળમાં કદાચ એક મોટી ઉંમરનાં બહેન હશે, જેમની તબિયત પહેલાં જેટલી સારી રહેતી નથી. તે પ્રચારમાં પહેલા જેટલું કરી શકતાં નથી. એના લીધે તેમને લાગે છે એફે. ૪:૨૯) ગરીબ વિધવાના દાખલામાંથી તમે જે શીખ્યા એ વિશે તેઓને જણાવીને તેઓની હિંમત વધારી શકો છો. તેઓને ભરોસો અપાવો કે યહોવાની સેવામાં તેઓ જે કંઈ પણ કરે છે એનાથી યહોવા ખુશ છે. (નીતિ. ૧૫:૨૩; ૧ થેસ્સા. ૫:૧૧) તેમણે યહોવાની સેવામાં જે કર્યું છે એના વખાણ કરીએ. એમ કરીશું તો બતાવીશું કે આપણે ઈસુના પગલે ચાલીએ છીએ.
કે યહોવા તેમની સેવાથી ખુશ નથી. અથવા એક ભાઈ ઘણા લાંબા સમયથી બીમાર છે. તે સભામાં જઈ શકતા નથી. એના લીધે તે અમુક વાર નિરાશ થઈ જાય છે. તમે એ ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરી શકો. તમે તમારી વાતોથી તેઓને ‘ઉત્તેજન આપી’ શકો છો. (૨૧. તમે શું કરવાનું મનમાં નક્કી કર્યું છે?
૨૧ ખુશખબરનાં પુસ્તકોમાં ઈસુના જીવન વિશે ઘણી માહિતી આપી છે. એ માટે આપણે કેટલા આભારી છીએ! એ પુસ્તકોની મદદથી આપણે ઈસુ જેવા બની શકીએ છીએ, તેમના પગલે ચાલી શકીએ છીએ. જાતે અભ્યાસ કરીએ ત્યારે અથવા કુટુંબ તરીકેની ભક્તિમાં એ પુસ્તકોનો સારો અભ્યાસ કરી શકીએ છીએ. જે ઘટનાઓ વિશે વાંચીએ એનું મનમાં ચિત્ર ઊભું કરીએ અને શીખેલી વાતોને લાગુ કરીએ. આ લેખમાં જોયું કે ઈસુએ જે કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ છીએ. હવે પછીના લેખમાં જોઈશું કે ઈસુએ પોતાના જીવનની છેલ્લી ઘડીઓમાં જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ છીએ.
ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો
^ ફકરો. 5 સાચા ઈશ્વરભક્તોએ ‘ઈસુના પગલે ચાલવું જોઈએ.’ પણ એનો શો અર્થ થાય? આપણે કેમ ઈસુના પગલે ચાલવું જોઈએ? એમ આપણે કઈ રીતે કરી શકીએ? આ લેખમાં એ સવાલોના જવાબ જોઈશું.
^ ફકરો. 60 ચિત્રની સમજ: ઈસુએ ગરીબ વિધવા વિશે જે કહ્યું એના પર એક બહેન મનન કરે છે. પછી મોટી ઉંમરનાં બહેન યહોવાની સેવામાં જે કંઈ કરે છે એના તે વખાણ કરે છે.