શું તમે જાણો છો?
શું એ સાચું છે કે પ્રાચીન સમયમાં કોઈ વ્યક્તિ બીજાના ખેતરમાં જઈને કડવા દાણા વાવી આવતી હતી?
ઈસુએ માથ્થી ૧૩:૨૪-૨૬માં એક દૃષ્ટાંત આપ્યું. તેમણે કહ્યું: “સ્વર્ગના રાજ્યને એક માણસ સાથે સરખાવી શકાય, જેણે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં. રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં બી વાવીને ચાલ્યો ગયો. ઘઉંના છોડ ઊગ્યા અને એને દાણા આવ્યા ત્યારે, કડવા છોડ પણ દેખાવા લાગ્યા.” ઘણા લેખકોએ એ દૃષ્ટાંત પર સવાલ ઉઠાવ્યો છે. તેઓને લાગે છે કે આ એક કાલ્પનિક ઘટના છે. પરંતુ, પ્રાચીન રોમના કાયદાકીય લખાણો બતાવે છે કે, એવી ઘટના બનતી હતી.
બાઇબલ પરનો એક શબ્દકોશ જણાવે છે કે, બદલો લેવાના આશયથી જો કોઈ વ્યક્તિ બીજાના ખેતરમાં જંગલી બિયારણ રોપી દે, તો રોમન કાયદા હેઠળ એ ગુનો હતો. એવો કાયદો હોવો સાબિત કરે છે કે, એવા કિસ્સા બનતા હતા. એલેસ્ટેર કેર નામના એક વિદ્વાન જણાવે છે કે, ઈ.સ. ૫૩૩માં રોમન સમ્રાટ જસ્ટિનિયને કાયદાનો સંગ્રહ બહાર પાડ્યો હતો. એમાં તેમણે રોમન કાયદાઓ અને ઈ.સ. ૧૦૦-૨૫૦ સુધી જે કાયદાઓ અમલમાં હતા એ વિશે કાયદાશાસ્ત્રીઓના વિચારો જણાવ્યા હતા. એમાંના એક કાયદાશાસ્ત્રી અલપિયન હતા, જેમણે બીજી સદીમાં થયેલા એવા એક બનાવનો ઉલ્લેખ કર્યો હતો. એક વ્યક્તિએ બીજાના ખેતરમાં જંગલી બિયારણ રોપી દીધું હતું, જેના લીધે આખો પાક બરબાદ થઈ ગયો હતો. એ કાયદા સંગ્રહમાં એ પણ જણાવ્યું હતું કે, ખેડૂતને થયેલા નુકસાનની ભરપાઈ ગુનેગાર પાસેથી કઈ રીતે વસૂલી શકાય.
બીજાના ખેતરમાં કડવા દાણા વાવવાની ઘટના રોમન સામ્રાજ્યમાં થઈ હતી. એ બતાવે છે કે, ઈસુએ વાપરેલું દૃષ્ટાંત એ સમયમાં બનતા કિસ્સાઓને આધારે હતું.
પ્રથમ સદીમાં રોમન સરકારે યહુદિયામાં રહેતા યહુદી અધિકારીઓને કેટલી છૂટ આપી હતી?
પ્રથમ સદીમાં, યહુદિયા રોમન સરકારની હકૂમત નીચે હતું અને એનો વહીવટ સૂબાઓ કે ગવર્નર સંભાળતા હતા. એ સૂબાઓને તાબે અમુક સૈનિકોનું દળ હતું. એ સૂબાઓની જવાબદારી હતી કે, રોમન સરકાર માટે કર વસૂલ કરે તેમજ શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખે. કોઈ પણ ગેરકાયદેસર કામ મોટું સ્વરૂપ લે એ પહેલાં રોમનો એને દબાવી દેતા અને જેઓ કાયદા વિરુદ્ધ જતા તેઓને સજા ફટકારતા. એ સિવાય સ્થાનિક આગેવાનોના રોજબરોજના વહીવટમાં રોમન સરકાર માથું ન મારતી.
યહુદી ન્યાયસભા (સાન્હેડ્રીન) સર્વોચ્ચ ન્યાયલયનું કામ કરતી અને તે યહુદી કાયદાને લગતી બાબતો હાથ ધરતી. આખા યહુદિયામાં બીજી નીચલી અદાલતો પણ હતી, જે લોકોમાં અંદરોઅંદર થતા વિખવાદો તેમજ અન્ય ફોજદારી ગુનાઓ હાથ ધરતી હતી. એમાં રોમન સરકાર દખલ કરતી ન હતી. જોકે, એ યહુદી અદાલતો પર એક મર્યાદા મૂકવામાં આવી હતી. તેઓ ગુનેગારને મોતની સજા આપી શકતા ન હતા. એ હક રોમન સરકારે પોતાની પાસે રાખ્યો હતો. જોકે, ઈશ્વરભક્ત સ્તેફનનો કિસ્સો એક અપવાદ છે, જેમાં સાન્હેડ્રીનના સભ્યોએ તેમના પર મુકદ્દમો ચલાવ્યો હતો અને તેમને પથ્થરે મારી નંખાવ્યા હતા.—પ્રે.કા. ૬:૮-૧૫; ૭:૫૪-૬૦.
જોઈ શકાય કે, યહુદી અદાલત પાસે ઘણો અધિકાર હતો. ઈમીલ શુઅર નામના એક નિષ્ણાત જણાવે છે: ‘યહુદી અદાલતો પર લાગુ પડતો એક સૌથી મોટો નિયમ એ હતો કે, રોમન અધિકારીઓ ચાહે ત્યારે કોઈ મુકદ્દમો પોતાના હાથમાં લઈ શકતા હતા. તેમ જ, એ મુકદ્દમાને પોતાની રીતે આગળ વધારી શકતા હતા. એક કિસ્સામાં તેઓને લાગ્યું હતું કે, રાજનૈતિક ગુનો થયો છે ત્યારે તેઓએ એ મામલો પોતાના હાથમાં લીધો હતો.’ સેના અધિકારી ક્લોદિયસ લુસિયસની નિગરાનીમાં એવો જ એક મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. એ મુકદ્દમો રોમન નાગરિક પ્રેરિત પાઊલનો હતો, જેમને નજરકેદ કરવામાં આવ્યા હતા.—પ્રે.કા. ૨૩:૨૬-૩૦.