૧૯૧૮—સો વર્ષ પહેલાં
જાન્યુઆરી ૧, ૧૯૧૮ના વૉચ ટાવરના શરૂઆતના શબ્દો આમ હતા: ‘૧૯૧૮નું વર્ષ કેવું હશે?’ પહેલું વિશ્વયુદ્ધ યુરોપમાં કાળો કેર વર્તાવી રહ્યું હતું. વર્ષની શરૂઆતમાં કેટલાક બનાવો બન્યા હતા. એનાથી લાગતું કે, બાઇબલ વિદ્યાર્થીઓ અને દુનિયાના બાકીના લોકો માટે સારી બાબતો થશે.
દુનિયાના લોકો શાંતિની ચર્ચા કરે છે
જાન્યુઆરી ૮, ૧૯૧૮ના રોજ રાષ્ટ્રપતિ વુડ્રૉ વિલ્સને અમેરિકાની કોંગ્રેસમાં (ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભામાં) પ્રવચન આપ્યું હતું. એમાં તેમણે ‘સાચી અને કાયમી શાંતિ’ માટેના ૧૪ મુદ્દાની ચર્ચા કરી. તેમણે સૂચન આપ્યું કે, દેશોએ એકબીજા વચ્ચે રાજનૈતિક સંબંધો સુધારવા જોઈએ. તેમણે જણાવ્યું કે, શસ્ત્રો ઘટાડવા જોઈએ. ઉપરાંત, ‘દેશોનો સમૂહ’ બનાવવો જોઈએ, જેનાથી ‘નાનાં-મોટાં બધાં દેશોને’ ફાયદો થાય. તેમણે આપેલા ‘૧૪ મુદ્દા’ લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં કામ આવ્યા. તેમ જ, વર્સેલ્સ સંધિ કરવામાં પણ મદદ મળી. આમ, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો.
વિરોધીઓ હારી ગયા
૧૯૧૭માં * થયેલી અંધાધૂંધી છતાં એવું લાગતું કે, બાઇબલ વિદ્યાર્થીઓ માટે બહુ જલદી શાંતિ સ્થપાશે. વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીની વાર્ષિક સભામાં થયેલા બનાવો એનો પુરાવો આપે છે.
૧૯૧૮ની વાર્ષિક સભા જાન્યુઆરી પાંચના રોજ થઈ હતી. એ સભામાં અમુક પ્રખ્યાત લોકોએ સંગઠન પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ અગાઉ બેથેલમાંથી કાઢી મૂકાયા હતા. ભાઈ રીચર્ડ એચ. બાર્બર એક વફાદાર પ્રવાસી નિરીક્ષક હતા. તેમણે પ્રાર્થનાથી સભાની શરૂઆત કરી હતી. આગલા વર્ષનો અહેવાલ વાંચ્યા પછી સંચાલકોની નિમણૂક કરવા ચૂંટણી યોજવામાં આવી. જોસેફ રધરફર્ડ અને બીજા છ ભાઈઓના નામ ભાઈ બાર્બરે રજૂ કર્યા. પરંતુ, વકીલ અને વિરોધીઓ મળેલા હતા. તેણે બીજા સાત ભાઈઓના નામ રજૂ કર્યા. એમાંના અમુકને તો બેથેલમાંથી અગાઉ કાઢી મૂકવામાં આવ્યા હતા. છેવટે, તેઓની હાર થઈ. શેર ધારકોએ જંગી બહુમતીથી ભાઈ રધરફર્ડ અને બીજા છ ભાઈઓને સંચાલકો તરીકે નિયુક્ત કર્યા.
એ સભામાં હાજર રહેનાર ઘણા ભાઈઓનું કહેવું છે કે ‘એ સૌથી યાદગાર સભા હતી.’ પરંતુ, તેઓની ખુશી લાંબો સમય ટકી નહિ.
ધ ફિનિસ્ડ મિસ્ટ્રીની લોકો પર કેવી અસર પડી?
કેટલાક મહિનાઓથી બાઇબલ વિદ્યાર્થીઓ ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તક લોકોને આપી રહ્યા હતા. એમાંનું બાઇબલ સત્ય નમ્ર દિલના લોકોને સ્પર્શી ગયું અને તેઓએ એ સ્વીકાર્યું.
કેનેડાના પ્રવાસી નિરીક્ષક ભાઈ ઈ. એફ. ક્રીસ્ટે જણાવ્યું કે ધ ફિનિસ્ડ મિસ્ટ્રી વાંચ્યા પછી એક યુગલે ફક્ત પાંચ અઠવાડિયાંમાં સત્ય સ્વીકાર્યું હતું. ભાઈ ક્રીસ્ટે કહ્યું: ‘પતિ-પત્ની બંને સત્યમાં દિલથી રસ લઈ રહ્યાં છે. તેઓ ઘણી સારી પ્રગતિ કરી રહ્યાં છે.’
એક માણસને એ પુસ્તક મળ્યું ત્યારે, તરત જ તેમણે પોતાના મિત્રોને એ વિશે વાત કરી. એ સંદેશાથી તેમના દિલ પર ઊંડો પ્રભાવ ‘પડ્યો.’ તે યાદ કરતા કહે છે: ‘હું થર્ડ ઍવન્યુ પાસેથી પસાર થઈ રહ્યો હતો અને મારા ખભા પર કંઈક પડ્યું. મને લાગ્યું કે કદાચ ઈંટ પડી, પણ એ તો “ધ ફિનિસ્ડ મિસ્ટ્રી” પુસ્તક હતું. હું એ ઘરે લઈ ગયો અને આખું પુસ્તક વાંચી નાખ્યું. પછીથી મને ખબર પડી કે એ પુસ્તક ચર્ચના કોઈક પ્રચારકે ગુસ્સે થઈને બારીમાંથી ફેંકી દીધું હતું. એ પ્રચારકના ગુસ્સાથી અમને સત્ય મળ્યું અને યહોવાને મહિમા આપવાનો મોકો મળ્યો.
એ પ્રચારકના એક કાર્યથી ઘણા લોકોને જીવનની આશા મળી હતી! મને ચોક્કસ ખાતરી છે કે તેણે જીવનમાં એવું કામ ક્યારેય કર્યું નહિ હોય!’બીજા ઘણા લોકો પણ એ પ્રચારકની જેમ વર્તતા હતા. ફેબ્રુઆરી ૧૨, ૧૯૧૮ના રોજ કેનેડાના અધિકારીઓએ એ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો. તેઓનો આરોપ હતો કે, એમાં સરકાર અને યુદ્ધ વિરુદ્ધ કેટલીક બાબતો જણાવવામાં આવી છે. થોડા જ સમય પછી, અમેરિકાના અધિકારીઓએ અદાલતમાં કેસ કર્યો. સરકારી અધિકારીઓ બેથેલ ઘર અને ઑફિસોમાં (ન્યૂ યૉર્ક, પેન્સિલ્વેનિયા અને કૅલિફૉર્નિયા) તપાસ કરવા લાગ્યા. સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ વિરુદ્ધ તેઓ પુરાવાઓ શોધતા હતા. માર્ચ ૧૪, ૧૯૧૮ના રોજ અમેરિકાના ન્યાય મંત્રાલયે ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો. તેઓનો દાવો હતો કે, એ સાહિત્યના વિતરણથી યુદ્ધના કામોમાં અવરોધ ઊભો થાય છે. એટલે કે, જાસૂસીને લગતા કાયદાનો ભંગ થાય છે.
ભાઈઓને કેદ કરવામાં આવ્યા!
મે ૭, ૧૯૧૮ના રોજ ન્યાય મંત્રાલયે આ ભાઈઓની ધરપકડ કરવા વોરંટ મેળવ્યું હતું: જીઓવાની ડીસીક્કા, જ્યોર્જ ફિશર, એલેક્ઝાન્ડર મેકમીલન, રોબર્ટ માર્ટીન, ફ્રેડરીક રોબીસન, જોસેફ રધરફર્ડ, વિલિયમ વાન એમબર્ગ અને ક્લેયટોન વુડવર્થ. તેઓ પર ‘ગેરકાયદેસર કામ કરવાનો, મહાઅપરાધ કરવાનો અને જાણીજોઈને અધિકારીઓની આજ્ઞા ન પાળવાનો, બેવફાઈ કરવાનો તેમજ લશ્કર અને નૌકાદળમાં સેવા ન કરવાનો’ આરોપ હતો. તેઓનો કેસ જૂન ૩, ૧૯૧૮ના દિવસે શરૂ થયો. પરંતુ, એવું લાગતું હતું કે તેઓને સજા થશે. શા માટે?
યુનાઈટેડ સ્ટેટ્સના કાયદાના મુખ્ય અધિકારીએ જાસૂસી વિશેના કાયદાને ‘ખોટી માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ અસરકારક સાધન’ ગણાવ્યું. આપણા ભાઈઓ પર એ કાયદો તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મે ૧૬, ૧૯૧૮ના રોજ કોંગ્રેસે એ કાયદામાં સુધારો કરવાનો નકાર કર્યો. જો એ કાયદામાં સુધારો થયો હોત, તો ‘જે સાચી છે, સારા હેતુ માટે છે અને જેની પાછળ વ્યાજબી કારણ છે,’ એવી માહિતી જેઓ બહાર પાડે છે તેઓને રક્ષણ મળ્યું હોત. તેઓની ચર્ચાનો મુખ્ય વિષય ધ ફિનિસ્ડ મિસ્ટ્રી પુસ્તક હતું. એના વિશે યુનાઈટેડ સ્ટેટ્સની કોંગ્રેસનો અહેવાલ જણાવે છે: ‘ખોટી માહિતી ફેલાવવાનો સૌથી મોટો દાખલો “ધ ફિનિસ્ડ મિસ્ટ્રી” પુસ્તક છે. સૈનિકો પર એની ખોટી અસર પડે છે. તેઓને લાગે છે કે યુદ્ધ કરવા માટેનું આપણું કારણ ખોટું છે. વધુમાં, ફરજિયાત યુદ્ધમાં ભાગ લેવા વિરુદ્ધ ચળવળ કરવા તેઓ પ્રેરાય છે.’
જૂન ૨૦, ૧૯૧૮ના રોજ અદાલતમાં જ્યૂરીએ આઠ ભાઈઓને બધા આરોપો માટે દોષિત ઠરાવ્યા. બીજા દિવસે, ન્યાયાધીશે તેઓને સજા સંભળાવી. તેણે કહ્યું: ‘આ આરોપીઓએ ખોટી માહિતીને ટેકો આપ્યો અને એને એટલી ફેલાવી છે કે, એ જર્મન લશ્કરના એક ડિવિઝન કરતાં પણ વધારે જોખમી છે. એ માટે આકરી સજા થવી જ જોઈએ.’ બે અઠવાડિયાં પછી, એ આઠ ભાઈઓને જોર્જિયા રાજ્યના એટલાન્ટાની જેલમાં કેદ કરવામાં આવ્યા. તેઓને ૧૦થી લઈને ૨૦ વર્ષ સુધીની સજા કરવામાં આવી હતી.
પ્રચારકામ અટક્યું નહિ
એ સમય દરમિયાન, બાઇબલ વિદ્યાર્થીઓએ આકરી સતાવણીનો સામનો કરવો પડ્યો. ફેડરલ બ્યૂરો ઑફ
ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) તેઓના કામકાજની સખત તપાસ કરતું હતું. એ અધિકારીઓએ હજારો દસ્તાવેજો તૈયાર કર્યા હતા. એ દસ્તાવેજોથી જોવા મળ્યું કે, આપણા ભાઈઓ પ્રચારકામ ચાલુ રાખવા કેટલા મક્કમ હતા.ફ્લોરિડા રાજ્યના ઓર્લાન્ડો શહેરના એક પોસ્ટ માસ્ટરે એફબીઆઈને પત્રમાં જણાવ્યું હતું: ‘બાઇબલ વિદ્યાર્થીઓ ઘરેઘરે જઈને લોકોને મળે છે અને મોટા ભાગે તેઓ આ કામ રાતે કરે છે. આમ, તેઓ કોઈ પણ ભોગે લોકોને હેરાન કરવાનું છોડતા નથી.’
યુદ્ધ વિભાગના ઉચ્ચ અધિકારીએ ભાઈ ફ્રેડરિક ફ્રાન્ઝના કાર્ય વિશે એફબીઆઈને અહેવાલ આપ્યો હતો. ભાઈ ફ્રેડરિક ફ્રાન્ઝે પછીથી નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપી હતી. એ ઉચ્ચ અધિકારીએ લખ્યું: ‘ફ્રેડરિક ફ્રાન્ઝ “ધ ફિનિસ્ડ મિસ્ટ્રી”ના હજારો ગ્રંથોનાં વિતરણમાં ભાગ લઈ રહ્યા છે.’
ભાઈ ચાર્લ્સ ફેકેલે પણ આકરી સતાવણીનો સામનો કર્યો હતો, જે પછીથી નિયામક જૂથના સભ્ય બન્યા હતા. ધ ફિનિસ્ડ મિસ્ટ્રીનું વિતરણ કરવા બદલ અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી. તેમના પત્રો પર તેઓ ચાંપતી નજર રાખતા હતા. તેમને બાલ્ટીમોર, મેરીલૅન્ડમાં એક મહિનો કેદ કરવામાં આવ્યા. તેમને ‘ઑસ્ટ્રિયાથી આવેલા પરદેશી શત્રુ’ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું. તપાસ કરનાર અધિકારીઓ સામે તે હિંમતથી સાક્ષી આપતા હતા. તે હંમેશાં ૧ કોરીંથીઓ ૯:૧૬ના પાઊલના આ શબ્દો યાદ રાખતા: “જો હું ખુશખબર ન જણાવું તો મને અફસોસ!” *
બાઇબલ વિદ્યાર્થીઓ ઉત્સાહથી ખુશખબર ફેલાવતા રહ્યા. એટલું જ નહિ, એટલાન્ટામાં કેદ કરવામાં આવેલા ભાઈઓને છોડાવવા તેઓ અરજી પર લોકોની સહી લેતા હતા. બહેન આન્ના કે. ગાર્ડનર યાદ કરતા કહે છે: ‘અમે હંમેશાં કંઈને કંઈ કરતા રહેતા. ભાઈઓ જ્યારે જેલમાં હતા ત્યારે અમે તેઓને છોડાવવા માટેની અરજી પર લોકોની સહી લેતા હતા. અમે ઘરેઘરે જતા. અમે હજારો લોકોની સહીઓ લીધી હતી! અમે લોકોને જણાવતા કે એ ખરા ખ્રિસ્તી ભાઈઓ છે, જેઓને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે.
સંમેલનો
એ કપરા દિવસોમાં ભાઈ-બહેનોને ભક્તિમાં દૃઢ કરવા માટે અવારનવાર સંમેલનો યોજવામાં આવતા હતા. ધ વૉચ ટાવરમાં જણાવ્યું હતું: ‘એ વર્ષે ૪૦થી વધુ સંમેલનો યોજવામાં આવ્યાં હતાં. બધા સંમેલનોના અહેવાલો ઉત્તેજન આપનારા હતા. અગાઉ બધાં સંમેલનો ઉનાળાના અંતે કે પાનખરની શરૂઆતમાં થતાં હતાં. હવે તો વર્ષના દરેક મહિને સંમેલનો હોય છે.’
નમ્ર દિલના લોકો ખુશખબર ધ્યાનથી સાંભળતા હતા. ક્લીવલૅન્ડ, ઓહાયોમાં યોજાયેલા એક સંમેલનમાં આશરે ૧,૨૦૦ લોકોએ હાજરી આપી અને ૪૨ લોકોએ બાપ્તિસ્મા લીધું હતું. એમાં એક નાનો છોકરો પણ હતો. તેને ‘ઈશ્વર માટે અને સમર્પણ માટે એટલો ઉત્સાહ હતો કે મોટી ઉંમરના લોકોને પણ શરમાવી દે.’
પછી શું થયું?
૧૯૧૮ની સાલ નજીક આવતી ગઈ તેમ ભાવિ ધૂંધળું દેખાવા લાગ્યું. બ્રુકલિનની આપણી કેટલીક મિલકત વેચાઈ ગઈ અને મુખ્યમથકને પીટ્સબર્ગ, પેન્સિલ્વેનિયા ખસેડવામાં આવ્યું. આગેવાની લેનાર ભાઈઓ જેલમાં હોવાથી શેર ધારકોની વાર્ષિક સભા માટે જાન્યુઆરી ૪, ૧૯૧૯નો દિવસ પસંદ કરવામાં આવ્યો. પછી શું થયું?
આપણાં ભાઈ-બહેનો પોતાના કામમાં મંડ્યાં રહ્યાં. તેઓને સારા ભાવિ વિશે એટલો ભરોસો હતો કે તેઓએ ૧૯૧૯નું વાર્ષિક વચન પસંદ કર્યું: ‘તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ.’ (યશા. ૫૪:૧૭) બહુ જલદી જ સંજોગોમાં મોટા ફેરફાર થવાના હતા. એનાથી તેઓની શ્રદ્ધા દૃઢ થવાની હતી. ભાવિમાં થનાર મોટા કામ માટે તેઓ તૈયાર થવાના હતા.
^ ફકરો. 6 ૨૦૧૭ યરબુકમાં પાન ૧૭૨-૧૭૬ ઉપર આપેલો આ લેખ જુઓ: “વન હંડ્રેડ યર્સ એગો—૧૯૧૭.”
^ ફકરો. 22 ચાર્લ્સ ફેકેલની જીવન સફર વાંચવા માર્ચ ૧, ૧૯૬૯ ચોકીબુરજનો આ લેખ જુઓ: “જોય્સ થ્રૂ પરસીવ્યરન્સ ઇન ગુડ વર્ક.”