સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

સુલેમાને બાંધેલા મંદિરની પરસાળ કેટલી ઊંચી હતી?

મંદિરના પવિત્ર સ્થાનમાં જતા પહેલાં પરસાળ આવતી હતી. પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતરની ૨૦૨૪ પહેલાંની આવૃત્તિ પ્રમાણે, “આગળની પરસાળ ૨૦ હાથ લાંબી હતી, એટલે કે મંદિરની પહોળાઈ જેટલી હતી. એની ઊંચાઈ ૧૨૦ હતી.” (૨ કાળ. ૩:૪) બીજા ભાષાંતરોમાં પણ લખ્યું છે કે પરસાળની ઊંચાઈ “૧૨૦ હાથ” હતી, એનો અર્થ થાય કે એ ૫૩ મીટર (૧૭૫ ફૂટ) ઊંચો બુરજ હતો.

નવી દુનિયા ભાષાંતરની ૨૦૨૪ની આવૃત્તિમાં સુલેમાને બાંધેલા મંદિરની પરસાળ વિશે આમ જણાવ્યું છે: “એની ઊંચાઈ ૨૦ હાથ હતી.” a બીજા શબ્દોમાં, એ આશરે ૯ મીટર (૩૦ ફૂટ) ઊંચી હતી. ચાલો અમુક કારણો જોઈએ કે એ ફેરફાર કેમ કરવામાં આવ્યો.

૧ રાજાઓ ૬:૩માં પરસાળ વિશે ઉલ્લેખ થયો નથી. એ કલમમાં લેખક યર્મિયાએ પરસાળની લંબાઈ અને પહોળાઈ વિશે જણાવ્યું છે, પણ ઊંચાઈનો ઉલ્લેખ કર્યો નથી. એના પછીના અધ્યાયમાં તેમણે મંદિરની નજરે ચઢે એવી ખાસિયતો વિશે જણાવ્યું છે. જેમ કે, પરસાળની બહાર આવેલો તાંબાનો હોજ, દસ લારીઓ અને તાંબાના બે સ્તંભો. (૧ રાજા. ૭:૧૫-૩૭) જો પરસાળ ૫૦ મીટર કરતાં વધારે ઊંચી હોત અને એ બુરજ બાકીના મંદિર કરતાં ઊંચો હોત, તો યર્મિયા કેમ એની ઊંચાઈ વિશે જણાવવાનું ચૂકી ગયા? સદીઓ પછી પણ યહૂદી ઇતિહાસકારોએ લખ્યું કે સુલેમાને બાંધેલા મંદિરની પરસાળ બાકીના મંદિર કરતાં ઊંચી ન હતી.

નિષ્ણાતોને સવાલ છે કે મંદિરની દીવાલો ૧૨૦ હાથ ઊંચી પરસાળને ટેકો આપી શકે કે નહિ. જૂના જમાનામાં પથ્થરો અને ઈંટોથી બનેલા ઊંચા બુરજો નીચેથી ખૂબ પહોળા હતા, પણ ઉપર જતા સાંકડા થઈ જતા. દાખલા તરીકે, ઇજિપ્તના મંદિરના દરવાજા. પણ સુલેમાને બાંધેલું મંદિર અલગ હતું. નિષ્ણાતો માને છે કે એ મંદિરની દીવાલો ૬ હાથ કે ૨.૭ મીટર (૯ ફૂટ) કરતાં જાડી ન હતી. જૂના જમાનાના બાંધકામના ઇતિહાસકાર થીઓડોર બ્યૂસિન્કે જણાવ્યું હતું: “[મંદિરના આગળના ભાગની] દીવાલોને આધારે એવું નથી લાગતું કે પરસાળ ૧૨૦ હાથ [ઊંચી] હતી.”

૨ કાળવૃત્તાંત ૩:૪ની નકલ ઉતારતી વખતે ભૂલ થઈ હોય શકે. ખરું કે આ કલમ માટે અમુક પ્રાચીન હસ્તપ્રતોમાં “૧૨૦” લખ્યું છે. પણ બીજા અમુક ભરોસાપાત્ર લખાણોમાં “૨૦ હાથ” લખ્યું છે, જેમ કે પાંચમી સદીનું કોડેક્સ એલેકઝાંડ્રિનસ અને છઠ્ઠી સદીનું કોડેક્સ એમ્બ્રોસિએનસ. કઈ રીતે શાસ્ત્રીથી ભૂલથી “૧૨૦” લખાઈ ગયું હશે? હિબ્રૂમાં “સો” માટે અને “હાથ” માટે જે શબ્દો વપરાય છે, એ દેખાવમાં સરખા છે. એટલે શાસ્ત્રીએ કદાચ “હાથ”ના બદલે “સો” લખી દીધું હશે.

ખરું કે, આપણે આ વિગતો સમજવાની અને સુલેમાને બાંધેલું મંદિર કેવું દેખાતું હતું એ બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પણ આપણું ધ્યાન ખાસ કરીને તો એ મંદિર શાને રજૂ કરે છે એના પર છે. એ યહોવાના ભવ્ય મંદિરને રજૂ કરે છે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તેમણે પોતાના બધા સેવકોને તેમના મંદિરમાં ભક્તિ કરવાનો લહાવો આપ્યો છે!—હિબ્રૂ. ૯:૧૧-૧૪; પ્રકટી. ૩:૧૨; ૭:૯-૧૭.

a ફૂટનોટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, “અમુક જૂની હસ્તપ્રતોમાં અહીં ‘૧૨૦’ લખ્યું છે, જ્યારે બીજી હસ્તપ્રતો અને અમુક ભાષાંતરોમાં અહીં ‘૨૦ હાથ’ લખ્યું છે.”