૧૯૨૪—સો વર્ષ પહેલાં
જાન્યુઆરી ૧૯૨૪ના બુલેટિનમાં a જણાવ્યું હતું: ‘બાપ્તિસ્મા પામેલા દરેક પ્રકાશક માટે વર્ષની શરૂઆતમાં આ સારો સમય છે કે તે યહોવાની સેવામાં વધારે કરવા નવી નવી રીતો શોધે.’ એ વર્ષ દરમિયાન બાઇબલ વિદ્યાર્થીઓએ હિંમત બતાવીને અને પ્રચાર કરવાની નવી નવી રીતો શોધીને એ સલાહ લાગુ પાડી.
તેઓએ રેડિયો દ્વારા પ્રચાર કર્યો
ન્યૂ યૉર્ક સીટીના સ્ટેટન આયલૅન્ડ પર એકાદ વર્ષથી WBBR નામનું રેડિયો સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બેથેલના ભાઈઓ એની પાછળ સખત મહેનત કરી રહ્યા હતા. તેઓએ પહેલાં ઝાડ કાપ્યાં. પછી કામ કરતા લોકો માટે મોટું ઘર બાંધ્યું તેમજ સ્ટુડિયો અને ટ્રાન્સમિટર માટે અલગ ઇમારત બાંધી. એ પછી ભાઈઓ પ્રસારણ માટે જરૂરી સાધનો લગાવવા લાગ્યા. પણ તેઓએ ઘણા પડકારોનો સામનો કરવાનો હતો.
સ્ટેશનનું મુખ્ય એન્ટેના લગાવવું ખૂબ અઘરું હતું. એ એન્ટેના ૯૧ મીટર (૩૦૦ ફૂટ) લાંબું હતું. એને લાકડાના બે થાંભલા વચ્ચે લગાવવાનું હતું. દરેક થાંભલો ૬૧ મીટર (૨૦૦ ફૂટ) ઊંચો હતો. પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો. પણ મદદ માટે તેઓએ યહોવા પર ભરોસો રાખ્યો. આખરે તેઓ સફળ થયા. કેલ્વિન પ્રોસર એ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. તેમણે કહ્યું: “જો અમે પહેલી વારમાં સફળ થઈ ગયા હોત, તો પોતાની પીઠ થપથપાવી હોત અને કહ્યું હોત, ‘જોયું, અમે કરી બતાવ્યું!’” ભાઈઓએ પોતાની સફળતાનો જશ યહોવાને આપ્યો. પણ તેઓની મુશ્કેલીઓનો અંત હજી આવ્યો ન હતો.
રેડિયો પ્રસારણ હજી નવું નવું હતું અને એનાં સાધનો ખરીદવાં સહેલું ન હતું. પણ ભાઈઓને ૫૦૦ વૉટનું એક ટ્રાન્સમિટર મળ્યું. એ કોઈકે બનાવેલું હતું અને જૂનું હતું. માઇક્રોફોન ખરીદવાને બદલે ટેલિફોનનું માઇક્રોફોન વાપર્યું. ફેબ્રુઆરીની એક રાતે ભાઈઓએ એ જોવાનું નક્કી કર્યું કે તેઓનો જુગાડ કામ કરે છે કે નહિ. પણ સવાલ હતો કે પ્રસારિત શું કરવું. એટલે ભાઈઓએ રાજ્યગીતો ગાયાં. એમાંના એક ભાઈ હતા, અર્નેસ્ટ લૌ. તેમણે એ દિવસે બનેલો એક રમૂજી કિસ્સો જણાવતા કહ્યું કે જ્યારે તેઓ ગાઈ રહ્યા હતા, ત્યારે જજ રધરફર્ડનો b ફોન આવ્યો. તેમણે આશરે ૨૫ કિલોમીટર દૂર બ્રુકલિનમાં પોતાના રેડિયો પર તેઓને ગાતા સાંભળ્યા હતા.
રધરફર્ડભાઈએ કહ્યું: “આ ઘોંઘાટ બંધ કરો. એવું લાગે છે કે તમે ચીસો પાડી રહ્યા છો.” ભાઈઓ શરમાઈ ગયા અને તરત કાર્યક્રમ બંધ કરી દીધો. પણ તેઓ સમજી ગયા કે રેડિયો કામ કરી રહ્યો હતો અને તેઓ પહેલું પ્રસારણ કરવા તૈયાર હતા.
ફેબ્રુઆરી ૨૪, ૧૯૨૪ના રોજ આપણા રેડિયો પરથી સૌથી પહેલા કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું. એ પ્રસારણ દરમિયાન રધરફર્ડભાઈએ કહ્યું: “આ રેડિયો સ્ટેશનનો ઉપયોગ મસીહના રાજ્યના કામ માટે થશે.” એ રેડિયો સ્ટેશનનો હેતુ જણાવતા તેમણે કહ્યું: “એનાથી લોકોને બાઇબલ વિશે અને આપણે જે મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ એ વિશે સમજવા મદદ મળશે.”
આ પહેલા કાર્યક્રમને ખૂબ સફળતા મળી. ૩૩ વર્ષ સુધી યહોવાના લોકોએ WBBR રેડિયો સ્ટેશન પરથી કાર્યક્રમો પ્રસારિત કર્યા.
તેઓએ હિંમતથી ધર્મગુરુઓનો ઢોંગ ખુલ્લો પાડ્યો
જુલાઈ ૧૯૨૪માં બાઇબલ વિદ્યાર્થીઓએ ઓહાયોના કલંબસ શહેરમાં એક મહાસંમેલન યોજ્યું હતું. આખી દુનિયામાંથી બાઇબલ વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા. તેઓએ અરબી, અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ગ્રીક, હંગેરીયન, ઇટાલિયન, લિથુએનિયન, પૉલિશ, રશિયન, યુક્રેનિયન અને સ્કૅન્ડિનેવિયાની ભાષાઓમાં પ્રવચનો સાંભળ્યાં. એ કાર્યક્રમનો અમુક ભાગ રેડિયો પર પ્રસારિત કરવામાં આવ્યો. તેમ જ, ગોઠવણ કરવામાં આવી કે ઓહાયો સ્ટેટ જર્નલ નામના છાપામાં મહાસંમેલનનો રોજનો અહેવાલ છાપવામાં આવે.
મહાસંમેલનમાં આવેલાં ૫,૦૦૦થી વધારે ભાઈ-બહેનો ગુરુવાર, જુલાઈ ૨૪ના રોજ પ્રચાર કરવા ગયાં. તેઓએ આશરે ૩૦,૦૦૦ પુસ્તકો વહેંચ્યાં અને હજારો બાઇબલ અભ્યાસ શરૂ કર્યા. ધ વૉચ ટાવરમાં એ દિવસ વિશે જણાવ્યું હતું કે એ “મહાસંમેલનનો સૌથી ખુશહાલ ભાગ હતો.”
શુક્રવાર, જુલાઈ ૨૫ના રોજ પોતાના એક પ્રવચન દરમિયાન રધરફર્ડભાઈએ હિંમતથી એક જાહેરાત વાંચી. એમાં ધર્મગુરુઓનો ઢોંગ ખુલ્લો પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રાજકીય, ધાર્મિક અને વેપાર-ધંધાના આગેવાનો “લોકોને ઈશ્વરના રાજ્ય વિશે સત્ય શીખતા રોકી રહ્યા છે, જે રાજ્ય દ્વારા જ ઈશ્વર માણસજાતને આશીર્વાદ આપવાના છે.” તેમણે એ પણ જણાવ્યું કે એ માણસો ખોટા હતા. કારણ કે તેઓ “લીગ ઓફ નેશન્સને સાથ આપી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે ઈશ્વર એના દ્વારા જ પૃથ્વી પર રાજ કરી રહ્યા છે.” એ સંદેશો લોકો સુધી પહોંચાડવા બાઇબલ વિદ્યાર્થીઓને ખૂબ હિંમતની જરૂર હતી.
પછીથી ધ વૉચ ટાવરના એક લેખમાં જણાવ્યું હતું: ‘કલંબસમાં યોજાયેલા આ મહાસંમેલન દ્વારા આપણાં જોશીલાં
ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત થઈ. એનાથી તેઓને હિંમત મળી કે ભલે સતાવણી આવે, તેઓ પ્રચાર કરતા રહેશે.’ લિયો ક્લોસ નામના ભાઈ આ મહાસંમેલનમાં હાજર હતા. તેમણે કહ્યું: “સંમેલન પત્યું એ પછી અમે આ સંદેશો અમારા વિસ્તારમાં જણાવવા ઉત્સુક હતા.”રધરફર્ડભાઈએ પાદરીઓ વિરુદ્ધ જે સંદેશો કહ્યો હતો, એને પત્રિકા તરીકે છાપવામાં આવ્યો. એ પત્રિકાનું નામ હતું, એક્લેસીઆસ્ટીક્સ ઈન્ડીકટેડ. ઑક્ટોબરમાં બાઇબલ વિદ્યાર્થીઓએ લાખો લોકોને એ પત્રિકા આપવાનું શરૂ કર્યું. ફ્રેંક જોન્સન નામના ભાઈનો દાખલો લો. તે ઑક્લાહોમાના નાનકડા શહેર ક્લીવલૅન્ડમાં રહેતા હતા. તેમને જે પ્રચાર વિસ્તાર સોંપવામાં આવ્યો હતો, એમાં તેમણે પત્રિકાઓ વહેંચી દીધી. હજી તેમની પાસે ૨૦ મિનિટ હતી. અમુક ભાઈ-બહેનો તેમને લેવા આવવાનાં હતાં. પણ એમ ખુલ્લામાં રાહ જોવી તેમના માટે જોખમી હતું. કારણ કે અમુક માણસો તેમના પ્રચારકામથી ગુસ્સે ભરાયા હતા અને તેમને શોધી રહ્યા હતા. એટલે ભાઈએ નજીકના ચર્ચમાં જઈને સંતાઈ જવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે ચર્ચ ખાલી હતું. એટલે તેમણે પાદરીના બાઇબલમાં અને બેસવાની દરેક જગ્યાએ પત્રિકાની એક એક પ્રત મૂકી દીધી. તે જે ઝડપે ચર્ચમાં આવ્યા હતા, એ જ ઝડપથી ચર્ચની બહાર નીકળી ગયા. હજી તેમની પાસે થોડો સમય હતો, એટલે તે બીજા બે ચર્ચમાં ગયા અને એવું જ કર્યું.
એ પછી ફ્રેંકભાઈ જલદી જ એ જગ્યાએ આવી ગયા, જ્યાં ભાઈ-બહેનો તેમને લેવા આવવાનાં હતાં. બાજુમાં જ એક પેટ્રોલ પંપ હતો. ભાઈ એની પાછળ જઈને સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે પેલા માણસો તેમનો પીછો તો નથી કરી રહ્યા ને. પછી તેમણે જોયું કે એ માણસો એક ગાડીમાં ત્યાં આવ્યા. પણ તેઓ ફ્રેંકભાઈને જોઈ શકતા ન હતા. એટલે પાછા જતા રહ્યા. તેઓ ગયા કે તરત ભાઈ-બહેનો આવી પહોંચ્યાં. તેઓ નજીકના જ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં હતાં. ભાઈ તેઓની ગાડીમાં બેઠા અને તેઓ ત્યાંથી નીકળી ગયાં.
એક ભાઈ એ કિસ્સાને યાદ કરતા જણાવે છે: “અમે એ વિસ્તારમાંથી નીકળી રહ્યાં હતાં ત્યારે, એ ત્રણેય ચર્ચ આગળથી પસાર થયાં. દરેક ચર્ચની બહાર આશરે ૫૦ લોકો ઊભા હતા. અમુક લોકો એ પત્રિકા વાંચી રહ્યા હતા, તો બીજા અમુક એ પત્રિકા પાદરીને બતાવી રહ્યા હતા. ખરેખર, એ દિવસે તો અમે માંડ માંડ બચી ગયાં. અમે યહોવાનો ખૂબ આભાર માન્યો કે તેમણે અમને બચાવી લીધાં અને બુદ્ધિ આપી, જેથી અમે રાજ્યના દુશ્મનોના પંજામાંથી બચી શકીએ.”
તેઓએ ઘણા દેશોમાં હિંમતથી પ્રચાર કર્યો
બીજા દેશોના બાઇબલ વિદ્યાર્થીઓએ પણ એવી જ રીતે હિંમતથી પ્રચાર કર્યો. ફ્રાંસના ઉત્તરના વિસ્તારમાં ભાઈ યોસેફ ક્રેટે પોલૅન્ડથી આવેલા લોકોને પ્રચાર કર્યો, જેઓ કોલસાની ખાણમાં કામ કરતા હતા. ભાઈ ત્યાં એક પ્રવચન આપવાના હતા, જેનો વિષય હતો: “ગુજરી ગયેલા લોકોને બહુ જલદી જીવતા કરવામાં આવશે.” જ્યારે ભાઈ-બહેનો લોકોને પ્રવચનનું આમંત્રણ આપી રહ્યાં હતાં, ત્યારે એક પાદરીએ પોતાના ચર્ચના લોકોને ચેતવણી આપી કે કોઈએ એ પ્રવચન સાંભળવા ન જવું. પણ એનાથી એકદમ વિરુદ્ધ થયું. ૫,૦૦૦થી વધારે લોકો એ પ્રવચન સાંભળવા આવ્યા. એ પાદરી પણ ત્યાં આવ્યો. ક્રેટભાઈએ પાદરીને પૂછ્યું: “શું તમારે પોતાની માન્યતા વિશે કંઈ કહેવું છે?” પણ એ પાદરીએ એમ કરવાની સાફ ના પાડી દીધી. ક્રેટભાઈએ જોયું કે પ્રવચન સાંભળવા આવેલા લોકોને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ હતી. એટલે ભાઈએ પોતાની પાસે હતું એ બધું સાહિત્ય લોકોને આપી દીધું.—આમો. ૮:૧૧.
આફ્રિકામાં ભાઈ ક્લોડ બ્રાઉને ગોલ્ડ કોસ્ટમાં ખુશખબર જણાવી, જે આજે ઘાના નામથી ઓળખાય છે. ભાઈએ ત્યાં ઘણાં પ્રવચનો આપ્યાં અને ઘણું સાહિત્ય આપ્યું. એના લીધે ત્યાં પૂરઝડપે ઈશ્વરનો સંદેશો ફેલાવા લાગ્યો. જૉન બ્લેન્કસન નામનો છોકરો દવાઓ વિશે (ફાર્મસી) ભણી રહ્યો હતો. તેણે બ્રાઉનભાઈનું એક પ્રવચન સાંભળ્યું. તે તરત સમજી ગયો કે એ જ સત્ય છે. તેણે કહ્યું: “સત્ય જાણીને હું ખૂબ ખુશ હતો અને એ વિશે મેં કૉલેજના બીજા વિદ્યાર્થીઓને પણ જણાવ્યું.”
જૉન શીખ્યો હતો કે બાઇબલ ત્રૈક્ય વિશે કંઈ જણાવતું નથી. પછી એક દિવસે તે એંગ્લિકન ચર્ચ ગયો, જેથી ત્યાંના પાદરીને ત્રૈક્ય વિશે સવાલ પૂછી શકે. પાદરીને ખૂબ ગુસ્સો આવ્યો અને તે બૂમબરાડા પાડવા લાગ્યો: “તું ખ્રિસ્તી નથી, શેતાનનો વંશજ છે. જતો રહે અહીંથી.”
ઘરે આવીને જૉને એ પાદરીને એક પત્ર લખ્યો. પત્રમાં તેણે લખ્યું કે તે અને પાદરી જાહેરમાં મળે અને ત્રૈક્ય વિશે ચર્ચા કરે. પાદરીએ તેને કહ્યું કે તે જઈને મુખ્ય શિક્ષકને મળે. એટલે જૉન મુખ્ય શિક્ષકને મળવા ગયો. શિક્ષકે તેને પૂછ્યું કે તેણે પાદરીને કોઈ પત્ર લખ્યો હતો કે નહિ.
જૉને કહ્યું: “હા સાહેબ, લખ્યો હતો.”
શિક્ષકે તેને ફરજ પાડી કે તે લેખિતમાં પાદરીની માફી માંગે. એટલે જૉને એ પાદરીને પત્ર લખ્યો. એમાં લખ્યું:
“સાહેબ, મારા શિક્ષકે કહ્યું કે હું તમારી માફી માંગું. હું માફી માંગવા તૈયાર છું, પણ પહેલાં તમારે માનવું પડશે કે તમે જે શીખવો છો એ ખોટું છે.”
એ પત્ર વાંચીને શિક્ષકને આંચકો લાગ્યો. તેમણે કહ્યું: “બ્લેન્કસન, આ તેં શું લખ્યું છે?”
“સાહેબ, જે સાચું છે એ જ મેં લખ્યું છે.”
“તને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. આ પાદરી જે ચર્ચના છે એ ચર્ચને સરકાર ટેકો આપે છે. જો તું એ પાદરી વિરુદ્ધ બોલવાનું બંધ નહિ કરે, તો તું અહીં રહી નહિ શકે.”
“પણ સાહેબ . . . તમે એક વાત કહો, જ્યારે તમે અમને ભણાવો છો અને અમને ખબર ન પડે, ત્યારે અમે તમને સવાલ પૂછીએ છીએ, બરાબર ને?”
“હા, બરાબર.”
“એ દિવસે પણ આવું જ થયું હતું. પાદરી અમને બાઇબલમાંથી શીખવી રહ્યા હતા અને મેં તેમને એક સવાલ પૂછ્યો. તે જવાબ ન આપી શક્યા તો એમાં મારો શું વાંક? હું કેમ તેમની માફી માંગું?”
બ્લેન્કસને પાદરીની માફી માંગવી ન પડી અને તેને કૉલેજમાંથી પણ કાઢી મૂકવામાં ન આવ્યો.
બાઇબલ વિદ્યાર્થીઓ વધારે કામ કરવા ઉત્સાહી
૧૯૨૪માં ભાઈ-બહેનોએ જે રીતે જોશથી પ્રચાર કર્યો, એ વિશે ધ વૉચ ટાવરના એક અંકમાં લખ્યું હતું: ‘આપણે પણ દાઉદની જેમ કહી શકીએ છીએ: “તમે મને યુદ્ધ કરવાનું બળ આપશો.” (ગીતશાસ્ત્ર ૧૮:૩૯) આ વર્ષ દરમિયાન આપણને ખૂબ હિંમત મળી છે, કારણ કે આપણે જોઈ શક્યા કે યહોવાએ કઈ રીતે દરેક કામમાં સાથ આપ્યો છે. યહોવાના વફાદાર સેવકો ખુશી ખુશી તેમના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે.’
વર્ષના અંતમાં ભાઈઓએ બીજું એક રેડિયો સ્ટેશન બનાવવાનું વિચાર્યું. તેઓએ શિકાગો નજીક એ બનાવવાનું કામ શરૂ કરી દીધું. આ સ્ટેશનનું એક નામ પણ રાખ્યું, વર્ડ. ગુજરાતીમાં એનો અર્થ થાય શબ્દ. આ નામ એકદમ બંધબેસતું હતું. કારણ કે આ રેડિયો સ્ટેશન દ્વારા યહોવાનો શબ્દ, એટલે કે તેમની વાણી દૂર દૂર સુધી ફેલાવાની હતી. આ વખતે ભાઈઓએ ૫,૦૦૦ વૉટનું ટ્રાન્સમિટર લગાવ્યું, જેના દ્વારા સેંકડો કિલોમીટર દૂર કેનેડામાં પણ લોકો રાજ્યનો સંદેશો સાંભળી શકવાના હતા.
૧૯૨૫માં યહોવાએ ભાઈઓને પ્રકટીકરણ અધ્યાય ૧૨ની નવી સમજણ આપી. એ નવી સમજણને લીધે અમુકે યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું. પણ ઘણા લોકો ખુશ હતા, કારણ કે તેઓ હવે વધારે સારી રીતે સમજી શકતા હતા કે સ્વર્ગમાં કયા બનાવો બન્યા અને એની અસર કઈ રીતે પૃથ્વી પરના ઈશ્વરભક્તોને થઈ.